મંગલમ્/પ્રભુ, મેઘ બનીને

પ્રભુ, મેઘ બનીને



દૂરે દૂરેથી…


પ્રભુ, મેઘ બનીને આવો રે,
મમ અંતરને ભીંજાવો રે…પ્રભુ૦
મુજ જીવનમાં સાવન-ભાદો
શ્યામ બની વરસાવો રે,
ઘનશ્યામ બની વરસાવો રે, (૨)
હરિયાલી આ વસુંધરાની
મ્હેંક મધુર પમરાવો રે…પ્રભુ૦
મમ હૈયામાં મલિન છુપાયું
સરિતાસમ ધોવરાવો રે, પ્રભુ (૨)
શ્રદ્ધા કેરો સાથ અપાવો
કરુણાજલ પિવડાવો રે…પ્રભુ૦
શુષ્ક બનેલા મમ હૈયામાં
ભાવભરી નિતરાવો રે, પ્રભુ૦
સત સાગરનું બિંદુ મુજમાં
પ્રેમરૂપે પ્રગટાવો રે…પ્રભુ૦
દુઃખ ભરેલો દરિયો હો તો
તે તરતાં શિખવાડો રે, પ્રભુ (૨)
હરિવર, મારું હૈયું હેતે
નેહ સભર નિતરાવો રે…પ્રભુ૦

— ગણેશ સિંધવ