બાળ કાવ્ય સંપદા/શણગાર

શણગાર

લેખક : અમૃતલાલ પારેખ
(1904-1990)

<div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(/dev/null): Failed to open stream: Operation not permitted>

જો ચાંદાને કારીગર કો નાખે મહીંથી કોરી,
તારા પગનું ઝાંઝર બહેની ! કેવું થાય રૂપેરી !

ફરતી તારાઘૂઘરી ટાંગે,
તો તે કેવું સુંદર લાગે !

સોનાનો આ સૂરજ, બહેની ! કિરણ એનાં ચોરી,
નવસરિયો જો હાર બનાવે કારીગર કો લહેરી;

માંહી રતન જડી દે થોકે,
દીપે કેવો તે તુજ ડોકે !

નાની-સ૨ખી શુક્રકણીને નથડીમાં દે નાંખી,
તારું નમણું નાક રૂપાળું જોઈ રહે સૌ તાકી;

એની જ્યોત અજબ ઝળકે,
જાણે ઊગતી ઉષા મલકે !

ને આ આભ તણી મલમલથી નાનો કટકો ફાડી,
ફરતી ભાત ભરી કો સીવે ઓઢણી તુજ રૂપાળી;

તારો સુંદર સાળુ જોઈ,
બહેની, વિશ્વ બધું રહે મોહી !

વીજળીનો કંદોરો કેડે, ફૂલનાં કંકણ હાથે,
પરીઓ પણ જોવાને આવે તુને નમતે માથે;

બહેની ! થાય મને ઉર એવું !
ક્યારે થાય ચહું હું તેવું !