બાળ કાવ્ય સંપદા/મારે

મારે

લેખક : કેયૂર ઠાકોર
(1963)

આકાશ પ૨ ચઢવા જોઈએ લાકડાની સીડી,
સાગ૨માં તરવા જોઈએ કાગળની એક હોડી.

સૂરજ ૫૨ લઈ જવું છે બરફગોળાનું મશીન,
ચાંદનો ડાઘો લૂછવા જોઈએ એક નૅપ્કિન.

ક૨વી આજે મારે પેલા હાથી જોડે કુસ્તી,
સિંહના દાંત ગણી મારે માણવી મોજ ને મસ્તી.

સાપ જોડે ૨મવું મારે ને બનાવવી છે માળા,
વાઘના પગ પર બાંધવાં છે મોટાં મોટાં તાળાં.

ચત્તાનું ઊંધું કરવું છે ને ઊંધાનું ચત્તું,
'જોક૨' મારું નામ, હું ત્રેપનમ્ પત્તું.