બાળ કાવ્ય સંપદા/માટીની હોંશ

માટીની હોંશ

લેખક : પ્રીતમલાલ મજમુદાર
(1900-1991)

ચકચક ચાક જાય
માટીમાંય મોજાં થાય !
એના મનમાં શું શું થાઉં ?
કોને કોને પાણી પાઉં ?
કોની શેકું ભાખરી ?
કોને આપું છાશ ?
કોની છાવું છાપરી,
રાખું બારે માસ ?
બીજાં કોનાં કામ કરું.
અંધારામાં દીવો ધરું ?
કોની સાથે મંદિરે
જઈ રામને પ્રણામ કરું ?
ચક ચક ચાક જાય,
મોજે મોજે કાંક થાય !