બાળ કાવ્ય સંપદા/તમે દેવનાં દૂત બાળકો...

તમે દેવનાં દૂત બાળકો...

લેખક : શિરીષ શાહ
(1954)

તમે દેવનાં દૂત બાળકો, તમે દેવનાં દૂત,
નથી વે૨ કે ઝેર કદીયે, તમો સદા અદ્ભુત,
તમે દેવનાં દૂત બાળકો..

ના કાંઈ તારું, ના કાંઈ મારું, નિર્મળ મન છે તારું,
સુખ-દુઃખની ના સમજ કદીયે, હૃદય સદા હરિયાળું,
નાનાં નાનાં ફૂલ તમે ને નાની નાની કળીઓ.
તમે દેવનાં દૂત બાળકો..

સૌને સદા તમે તો ગમતાં, સૌનાં પ્યારાં પ્યારાં,
તમે ચમકતા તારલિયા ને તમે તો રાજદુલારા,
માનવતાના દીપ બનીને, જ્યોત સદા પ્રગટાવો.
તમે દેવનાં દૂત બાળકો..