બાળ કાવ્ય સંપદા/ક્યાંથી ?
લેખક : રક્ષાબહેન પ્ર. દવે
(1946)
<div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(/dev/null): Failed to open stream: Operation not permitted>
તારલી ! તું ક્યાંથી રે તેજ લઈ આવી
કે રાતભર ટમક્યા કરે રે લોલ ?
તારલી ! કહી દે, ક્યાં જઈને સંતાતી ?
કે દિનભર શોધ્યા કરું રે લોલ.
વાદળી ! તું ક્યાંથી રે ની૨ લઈ આવી
કે ઘેલી થઈ પાયા કરે રે લોલ ?
વાદળી ! કહી દે તને કોણે કીધું કે
ગાત તારાં ગાળી દેજે રે લોલ ?
વીજળી ! તું ક્યાંથી રે તેજ લઈ આવી
કે ઘડી ઘડી ઝબક્યા કરે રે લોલ ?
વીજળી ! કહી દે ક્યાં જઈને સંતાતી ?
કે શિયાળે હું શોધ્યા કરું રે લોલ.
દરિયા ! તું ક્યાંથી રે જોમ લઈ આવ્યો
કે દિનરાત ઊછળ્યા કરે રે લોલ ?
દરિયા કહી દે કઈ વાડીએથી લાવ્યો -
કે ફૂલડાં વેર્યા કરે લે લોલ ?
નદી ! તું તો ક્યાંથી રે ગીત લઈ આવી
કે દિનરાત ગાયા કરે રે લોલ ?
નદી ! મને કહી દે કે જલ તારાં મીઠાં
કાં દરિયામાં ઢોળ્યા કરે રે લોલ ?
મોરલા ! તું ક્યાંથી રે પીંછ લઈ આવ્યો
કે રંગ રંગ કળા કરે રે લોલ ?
મોરલા ! કહી દે તને કંઠ કોણે દીધો
કે આભ ભરી ગહેક્યા કરે રે લોલ ?
ફૂલ ! તમે ક્યાંથી ફો૨મ લઈ આવ્યાં
કે દિનરાત ફોર્યા કરો રે લોલ ?
ફૂલ ! મને કહી દો છે કોણ એ રંગારો
કે તન તમારાં રંગ્યા કરે રે લોલ ?
કોયલ ! તું ક્યાંથી રે કંઠ લઈ આવી
કે દિનભર ટહુક્યા કરે રે લોલ ?
કોયલ ! મને કહી દે તને કોણે રે કીધું
કે મંજરીમાં ઝૂલ્યા કરે રે લોલ ?