બાળ કાવ્ય સંપદા/કેરી

કેરી

લેખક : રાજેશ વ્યાસ 'મિસ્કીન'
(1955)

કે રત્નાગિરિ કે વલસાડી,
પહેરે લીલી પીળી સાડી.

પગ નહિ ને લંગડો નામ,
એનું મૂળ બનારસ ગામ.

એક કહે છે હું કેસર,
જૂનાગઢમાં મારું ઘર.

પોપટ જેવું બોલે નહિ,
તોપણ તોતા નામે રહી.

રાજાપુરી મોટી ખૂબ,
જાણે એ કેરીનો ભૂપ.

હોય પાયરી તો તું ચૂસ,
હોય કાપવાની આફૂસ.

દેશી કેરી ઘોળી જો,
રસમાં પૂરી બોળી જો.