બાળ કાવ્ય સંપદા/એકડો

એકડો

લેખક : રમણલાલ સોની
(1908-2006)

દિવસનો એકડો સૂરજ
ને રાતનો એકડો ચાંદ,
દુ:ખનો એકડો માંદગી
ને સુખનો એકડો ફાંદ !

છોડનો એકડો તુલસી
ને વૃક્ષનો એકડો કદંબ,
 ફળનો એકડો કેરી
ને ફૂલનો એકડો પદમ !

ભૂમિનો એકડો પહાડ
ને પહાડનો હિમાલય,
નદીનો એકડો ગંગા
ને સાગરનો મહાપ્રલય !

પશુઓનો એકડો સિંહ
ને પંખીનો એકડો ગરુડ,
જળચરનો એકડો મગર
ને ઉકરડાનો એકડો ભૂંડ !

સંતોનો એકડો જ્ઞાનેશ્વર
ને કર્મીનો એકડો કબીર,
કવિઓનો એકડો વાલ્મીકિ
ને તપસીનો મહાવીર !

રાજાનો એકડો અશોક
ને રાણીનો અહલ્યાબાઈ !
ભારતનો એકડો ગાંધી
ને ગુજરાતનો વલ્લભભાઈ !