બાળ કાવ્ય સંપદા/અમે
અમે
લેખક : સુરેશ દલાલ
(1932-2012)
અમે વનવનનાં પાન થઈ ફરકી રહ્યાં,
અમે પંખીનાં ગાન થઈ મરકી રહ્યાં.
અમે તાતાં તોફાનને વળગી રહ્યાં,
અમે કૂકડાની લાલ લાલ કલગી થયાં.
અમે દરિયામાં વ્હાણ થઈ મ્હાલી રહ્યાં,
અમે ઊડતાં પતંગિયાંને ઝાલી રહ્યાં.
અમે દરિયો થઈ આભને પંપાળી રહ્યાં,
અમે તારલા ઉગાડનાર માળી થયાં.
અમે વાદળ થઈ ધોધમાર વરસી રહ્યાં,
અમે ધીંગાતોફાન માટે તરસી રહ્યાં.
અમે વાયરાનો પંખો બનાવી રહ્યાં,
અમે દુનિયામાં ડંકો બજાવી રહ્યાં.
અમે રજાઓના તંબુ ને ડેરા કર્યાં,
અમે શંખલાં ને છીપલાંઓ ભેગાં કર્યાં.
અમે પહાડ અને ટેકરીઓ ઘૂમી રહ્યાં,
આ ફૂલો અમારી જેમ ઝૂમી રહ્યાં.