બાબુ સુથારની કવિતા/વારતાકાવ્યો
વારતાકાવ્ય-૧
એક વખતે એક ગોકળગાય હતી
એ એક વારતામાં રહેતી હતી
એક દિવસે એને થયુંઃ
લાવ, જરા જોવા તો દે
બહારના જગતમાં શું ચાલે છે.
એટલે એણે હળવે રહીને
વારતાનું મથાળું ખોલ્યુંઃ
બરાબર તે વખતે
બહારના જગતમાં
પ્રચંડ વાવાઝોડું
ફૂંકાઈ રહ્યું હતું.
મથાળું ખૂલતાં જ
એ વાવાઝોડું વારતામાં ઘૂસી ગયું
અને
પેલી ગોકળગાય
મરી ગઈ.
મરતાં મરતાં
એણે ચીસ પાડેલી
પણ, વાવાઝોડામાં એની ચીસ
કોઈએ સાંભળી નહીં.
(‘સાપફેરા’ બે)
વારતાકાવ્ય-૨
એક વખતે એક મંકોડો હતો.
એને નાનપણથી જ વારતાઓ સાંભળવાની ટેવ.
એને એક વારતા ખૂબ ગમતી હતી.
એ વારતામાં એક રાક્ષસ હતો
એક પરી હતી
એક રાજકુમાર હતો.
અને એક પોપટ હતો.
જ્યારે પણ રાક્ષસ
પરીને પરણવા આવતો
ત્યારે રાજકુમાર પરીને બચાવી લેતો.
એ વારતાના અંતે રાજકુમારને હાથે
રાક્ષસનું મોત થતું
અને પછી રાજકુમાર અને પરી
પરણી જતાં.
મંકોડાને થતું : એકાદ વાર
આવી વારતામાં
જવા મળે તો કેવું!
રાક્ષસને મારીને
પરીને પરણી શકાય.
એક દિવસ એ મંકોડો ચાલતો ચાલતો
એના મામાને ત્યાં જઈ રહ્યો હતો
ત્યારે રસ્તામાં જ એણે
એક ઝાડ નીચે
એક વારતાને સૂતી જોઈ.
એને થયું સારો લાગ મળ્યો છે
લાવ, વારતામાં ઘૂસી જવા દે
રાક્ષસને મારવા દે
પરીને પરણવા દે
એટલે એ તો ગયો વારતાના બારણે
પણ, એના કમનસીબે
એ વારતાના ઉંબરે જ
પાણીથી પલળી ગયેલો ગોળ હતો
મંકોડાભાઈ તો
એ ગોળમાં ફસાઈ ગયા
અને મરી ગયા.
(‘સાપફેરા’ બે)
વારતાકાવ્ય-૩
એક વખતે એક દંતકથા હતી
એ એક વાર જીદે ભરાઈ
એ તો ગઈ દેવો પાસે
કહેવા લાગી :
બસ, મારામાં બને
એવું વાસ્તવમાં પણ બનવું જોઈએ.
એ દંતકથાના અંતે
એક મગર પર બેસીને
પ્રલય આવતો હતો
અને પછી એ પ્રલય
બધાંને ગળી જતો હતો.
દંતકથાની વાત સાંભળી
દેવોને થયુંઃ
આ દંતકથાનો શો ભરોસો
કથામાં છે તેવું વાસ્તવમાં
કરી નાખશે તો
આપણે શું કરીશું?
એટલે દેવો ભગવાન પાસે ગયા
કહેવા લાગ્યા : બચાવો,
દંતકથાથી બચાવો.
ભગવાને કહ્યુંઃ
દંતકથા તો મનુષ્યે પેદા કરી છે
હું તમને એનાથી કઈ રીતે બચાવું?
જાવ, મનુષ્ય પાસે જાવ.
એટલે દેવો મનુષ્ય પાસે આવ્યા
કહેવા લાગ્યા : બચાવો, બચાવો
દંતકથાથી બચાવો
દંતકથા આપણો નાશ કરશે.
માણસે કહ્યું : ચિંતા ન કરો
અમારાં બાળકો તમને બચાવશે.
પછી માણસોએ બાળકોને કહ્યું :
દંતકથાથી ડરી ગયેલા દેવોને બચાવો.
પછી બાળકોએ એ દંતકથાને
ઝાકળના એક ટીપામાં પૂરીને
થોરના એક લાબળિયા પર મૂકી દીધી
બીજા દિવસે સવારે
સૂરજ ઊગ્યો
તે સાથે જ
દંતકથા પણ
ઝાકળ સાથે
કાયમ માટે
સૂરજના દાંતમાં
રહેવા ચાલી ગઈ.
એની આ જીવનકથા અહીં મૂકીને.
(‘સાપફેરા’ બે)
વારતાકાવ્ય-૪
એક વખતે એક તારો હતો
એને પરાક્રમ કરવાનું મન થયું
એટલે પૃથ્વી પર આવ્યો
અને બેઠો એક દેડકાની જીભ પર
આ ઘટના
એક આગિયો જોઈ ગયો
એણે આ વાત
બીજા આગિયાને કરી
બીજાએ ત્રીજાને કરી
ત્રીજાએ ચોથાને કરી
એમ કરતાં
બધા આગિયા જાણી ગયા
કે
એક તારો
એક દેડકાની જીભ પર
બેઠો છે
આ વાત સાંભળી
એક આગિયાએ કહ્યુંઃ
ચાલો, આપણે જોઈએ તો ખરા
કે
એ તારો દેડકાની જીભ પર બેઠો બેઠો
શું કરે છે?
પછી બધા આગિયા આવ્યા પેલા દેડકા પાસે
જુએ છે તો દેડકો કેવો ને વાત કેવી?
એની જગ્યાએ
એક સાપ પડ્યો હતો
અને
એ સાપના શરીરમાં
એક તારો ટમટમી રહ્યો હતો.
(‘સાપફેરા’ બે)