ધ્વનિ/સંગમાં રાજી રાજી

From Ekatra Wiki
Jump to navigation Jump to search


૪. સંગમાં રાજી રાજી

સંગમાં રાજી રાજી
આપણ એકબીજાના સંગમાં રાજી રાજી,
બોલવા ટાણે હોઠ ખૂલે નહિ,
નેણ તો રહે લાજી,
આપણ એકબીજાના સંગમાં રાજી રાજી.
લેવાને જાય ત્યાં જીવન
આખું ય તે ઠલવાય!
દેવાને જાય, છલોછલ
ભરિયું શું છલકાય!
એવી એ
આપલેને અવસરિયે પાગલ
કોણ રે' કહે પાજી?
આપણ એકબીજાના સંગમાં રાજી રાજી.
વીતેલી વેળની કોઈ
આવતી ઘેરી યાદ,
ભાવિનાં સોણલાંનો યે
રણકે ઓરો સાદ;
આષાઢી
આભનાં વાદળ વીજ શાં વારિ
ઝરતાં રે જાય ગાજી!
આપણ એકબીજાના સંગમાં રાજી રાજી.
૧-૪-૫૦