ધ્વનિ/મિલન વિરહે
મિલન વિરહે
ઝીણી ઝીણી અધર પર રૈ' રે' જતી ગોઠડીની
સાથે પીશું મુદિત નયને પૂર્ણિમાની સુધાને,
છાની આવી લહરિ ઝરશે કુંદ કેરી સુગંધ,
ઝંખા હૈયે હતી નિખિલને માણશું એક સંગ.
તું આવી ત્યાં-નિરખવી કશી રે ખીલી ચંદિરાને?
વાયુ કેવો? વનવન તણો કોણ લેખે સુહાગ?
તું તો આવી ભવ-નિધિ-વલોણે દીધેલી સુધા શી,
તારે કેવો હૃદયહર તે યૌવનશ્રી-પરાગ!
હાવાં તું ના:સ્મિત ઝરી રહી એ જ જ્યોત્સ્ના રૂપાળી,
ને વાયૂની લહરિ મહિં યે એ જ તોફાન છંદ;
કિંતુ જેવું વિહગ ભમતું નીડ ભૂલ્યુ, વ્યથામાં
તેવી, મારી દૃગ નિરખવે, અંગ સ્પર્શે છ અંધ.
ઝંખામાં ને મિલન વિરહે સૃષ્ટિ રૈ દૂર દૂર :
મારા હૈયાતણું, નજરનું તુંહિ જ્યાં એક નૂર.
૮-૧૦-૪૫