ધ્વનિ/મારું મન બન્યું આજ પાગલ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


૨૧. મારું મન બન્યું આજ પાગલ

મારું મન બન્યું આજ પાગલ,
આષાઢ કેરા વાયરે દોડે
આભ ઘેરી જ્યમ બાદલ.

ધૂળની ધરે ડમરી, ઝરે
ક્યાંક અવિરમ હેલી,
વનમાં પેલાં વિહગ ભેળું
જઈને કરે કેલિ,
કોઈની નેણે વીજ ભરે, ને
કોઈનાં લૂછે કાજલ.

પ્હાડમાં ગાજે ઘોર ને તો યે
વાંસની વાય છે વેણુ,
કૈંક અડીખમ તોડતું, ચૂમે
કોઈની ચરણ રેણુ,
ચાંદની કેરાં જલ ડો'ળે ને
દાખવે ગગન તારલ.

આજ તો ઘેલું મન મારું આ
કોઈ ન માને બાધા,
આકુલ એના પ્રાણની જાણે
કોઈ મળી ગઈ રાધા,
જગ-જમુના-તીર હો નાચે
આજ બની ઘન શ્યામલ.
૧૧-૬-૪૭