ધ્વનિ/મન મેં તારું જાણ્યું ના
Jump to navigation
Jump to search
૧૦. મન મેં તારું જાણ્યું ના
મન મેં તારું જાણ્યું ના, જાણ્યું ના :
આંગણે જેને ઈજન દીધું
ઘરમાં એને આણ્યું ના. .. . મન.
વન-પારેવાં કરતાં કેલિ,
માલતી ફૂલે વેલ ઝૂકેલી,
નેણથી ઝરી નૂરની હેલી,
હોઠ બે તારા ફરક્યા આતુર
તો ય મેં ઝીલ્યું ગાણું ના. . . મન.
નાંગર્યું'તું જે નાવ કિનારે,
દૂર તે ચાલ્યું પારાવારે,
શોચવું રહ્યું મનમાં મારે
‘જલનાં વ્હેણની જેમ સર્યુ તે
આવતું પાછું ટાણું ના’. . . મન.
ભૂલમાં કેવી ભૂલ કીધેલી,
ઉરની ભણી આંખ મીંચેલી,
મેં જ મને ના ઓળખી વ્હેલી
પૂનમ ખીલી પોયણે, સુધા-
-પાન મેં ત્યારે માણ્યું ના. .. મન.
૨૧-૪-૪૭