ધ્વનિ/બેડલો છોડો
૩૬. બેડલો છોડો
બેડલો છોડો, બેડલો છોડો, બેડલો છોડો!
અય સાથીડા! બેડલો છોડો!
દરિયા-વને દોડતો જાણે અરબી ઘોડો,
બેડલો છોડો!
વીળનાં ઘેઘૂર પાણી, જોને
દૂરની ઓરી આણતાં વાણી,
એ રે ને એંધાણીએ તે
પરવાળાંની પરખી રાણી;
બેડલો છોડો,
વેળ ન વીતી જાય ને ટાણે
મનખ્યો આપણ થાય ન મોડો!
બેડલો છોડો!
તારલે ભરી જાળ, ને નીચે
ઉછળે છે પાતાળનો મેરુ,
ફાળ ભરી ત્યાં દોડશે તેજી,
ઊડશે એની યાળ, હો ભેરુ!
બેડલો છોડો,
ભાર ન બીજો, હૈયા કેરી
હામનો છે રે સાજ ન થોડો.
બેડલો છોડો!
ગલની તે અલગાર, જો કૂવે
પાંખની પ્હોળી ધાર ઝૂકેલી,
સીમની પેલી પારની આપણ
આંખમાં આવી જાય હવેલી.
બેડલો છોડો,
જિન્દગીને ઝડજોમ રે આપણ
નાથીએ કાળો કોળનો હોડો.
બેડલો છોડો!
દરિયા-વને દોડતો જાણે અરબી ઘોડો!
અય સાથીડા!
બેડલો છોડો, બેડલો છોડો, બેડલો છોડો!
૧૪-૪-૫૦