ધ્વનિ/પાનખરની સંધ્યા


પાનખરની સંધ્યા

ત્યારે હતું ગગન પશ્ચિમ રંગહીન,
ને પૌરગોષ્ટ થકી જે પ્રગટેલ ધૂમ્ર
એનાથી અંતરિખ આછું છવાયું કૃષ્ણ:
પ્રાચીમહીં ન ક્યહીં તારકનું ય ચિહ્ન.

ને બીડના વિરલ વૃક્ષની ડાળ સર્વે
નિશ્ચેષ્ટ, એક પણ જ્યાં નહિ નીલ પર્ણ :
જ્યાં તેજ-સૂર થકી વંચિત નેત્ર કર્ણ
ત્યાં મૌન શૂન્યતણું સ્પર્શતું મર્મ મર્મે.

એવે અબાબિલ ક્યહીં થકી ઊર્મિ-વેગે
શાખા પરે ઉતર્યું જ્યાં નિજ નીડ છદ્મ;
કિલ્લોલતાં વિહગ-શાવક શાં પ્રસન્ન!
(એ વૃક્ષનું જ ઉર....કાનન કેરું યે તે.)

આંહીં હવામહીં તરંગ તરંગ દોલ,
ને તારક દ્યુતિથી સ્પંદિત શું ખગોલ!
૨૬-૫-૫૧