ધ્વનિ/કેવડાને ક્યારે

From Ekatra Wiki
Jump to navigation Jump to search


૨૩. કેવડાને ક્યારે

કેવડાને ક્યારે,
વનરાને રાન આરે,
હીરાગળ ઓઢણી ઊડી ઊડી જાય;
પતંગિયા! એમાં તે શું અટવાય!
એનો છેડલો મેલ્ય,
કેડલો મેલ્ય!

આભે ગોરંભ્યો મેહુલો ને માંહીં વીજ રમે અલબેલ,
વાયરાની સાથે જો મેદિની, જેવી મોરલાની સાથે ઢેલ,
પદમણી! વેણ મારું પાછું મા ઠેલ્ય,
મા ઠેલ્ય! —છેડલો.

મસ મસ ફૂલડે મ્હોર્યો કદંબ ને મ્હોરી છે નાગરવેલ.
સીમાડે સીમાડે પંખીનાં ગાનમાં નાખી જોબનિયે ટેલ,
પદમણી! વેણ મારું પાછું મા ઠેલ્ય,
મા ઠેલ્ય! —છેડલો.

નહિ આગલા નહિ પાછલા ગોરી! વચલા તે ચાર દિનો ખેલ,
તારા તે હૈયાની હેલમાં રૂપાળો લાધ્યો મને છ રંગ મ્હેલ,
પદમણી! વેણ મારું પાછું મા ઠેલ્ય,
મા ઠેલ્ય! —છેડલો.
૧-૯-૪૪