ધ્વનિ/આપણે આવળ બાવળ બોરડી

From Ekatra Wiki
Jump to navigation Jump to search


૪૪. આપણે આવળ બાવળ બોરડી

આપણે આવળ બાવળ બોરડી,
કેસરઘોળ્યા ગલના ગોટા જી:
હલકાં તો પારેવાંની પાંખથી
મા’દેવથી યે પણ મોટા જી:
આપણા ઘડવૈયા બાંધવ! આપણે.

કોઈ તો રાચે છે વેળુ છીપથી,
કોઈ તો જળને હિલ્લોળ જી;
મરજીવો ઊતરે મ્હેરામણે,
માથા સાટે મોતી-મોલ જી! આપણા.

નજરું ખૂંપી છે જેની ભોંયમાં,
સામે પૂર એ શું ધાય જી!
અધીરા ઘટડાનો ઘોડો થનગને,
અણદીઠ ઓારું–એને પાય જી: આપણા.

બેઠેલાંનું બેઠું રે' વિમાસણે,
વેળા જુએ નહિ વાટ જી;
ઝાઝેરો ઝૂક્યો છે આંબો સાખથી,
વેડે તેને આવે હાથ જી : આપણા.

પંડની પેટીમાં પારસ છે પડ્યો,
ફૂટલાં કૂટે છે કરંમ જી;
વાવરી જાણે તે બડભાગિયો,
જળહળ એનાં રે ભવંન જી: આપણા.
૧૧-૬-૪૭