ધૂળમાંની પગલીઓ/૩
હમણાં જ, ગયા માસે દાહોદથી બસમાં બેસી વડોદરા જતો હતો ત્યારે માર્ગમાં હાલોલ આવ્યું. આ હાલોલની સિકલ જ જાણે જુદી! કોઈ ચોળીચણિયો પહેરતી, અંબોડો વાળતી ગામડાની કિશોરી શહેરમાં જાય, 'સુધરી' જાય ને મિનિ કે મૅક્સી સ્કર્ટમાં, બૉબ્ડહૅર સાથે ઉપસ્થિત થાય ને ત્યારે જેવું થાય એવું મને થયું. બસ ઝડપથી માર્ગ પર સરતી હતી ને હુંય શક્ય ઝડપે કોઈ લપસણીની મદદથી ભૂતકાળમાં સરતો હતો. બસની બારી સાથે સ્મૃતિની બારીયે શક્ય તેટલી ખોલી, આંખો ખેંચી ખેંચીને વીતી ગયેલી ઘટનાઓ અને ચહેરાઓને એકત્ર કરી મારા મન:ચક્ષુ સમક્ષ ખડાં કરવા હું મથતો હતો; પરંતુ બસની નિર્મમ ગતિ આ મથામણમાં મને માફક આવતી નહોતી. મારાથી ઓછું જ બૂમ પાડીને ડ્રાઇવરને કહેવાય કે બસ અહીં કે પણે મારી ઈચ્છા અનુસાર ઊભી રાખ? હું મૌન હતા ને છતાં વિલક્ષણ રીતે ભૂતકાળની વહી ઉકેલીને મને કહેવા પૂરતો મુખર પણ. બસ જ્યારે હાલોલના બસ-સ્ટૅન્ડે ઊભી રહી ત્યારે જ મેં જોયું કે મારા ભૂતકાળના ખજાનાની કેટલીક મોંઘી ચીજો કોઈ કાળા ચોરે ગાયબ કરી દીધી છે. હાલોલના હાલના બસ-સ્ટૅન્ડની પાસે જ એક ઊંટડિયું ઝાડ હતું. નાનું ઝાડ, પણ મજબૂત.એની એક ડાળ તો બરોબર ઊંટના ઢેકા-શી વળેલી હતી. અમે માધ્યમિક શાળામાં દાખલ થયા ત્યારે રિસેસ પડતાં જ એ ઝાડની પેલી ડાળ પર સવારી કરવા દોડતાકને પહોંચી જતા. સામાન્યરીતે એમાં વહેલો તે પહેલોનું ધોરણુ હતું; પરંતુ ક્યારેક જંગલનો કાયદો–બળિયાના બે ભાગવાળો સ્તો – લાગુ પડતો. કોઈ બડકમ છોકરો જ્યારે અમને પરાણે નીચે રહેવાનો હુકમ કરી ધૃષ્ટતાથી એ ડાળ પર ચઢીને હિલોળા ખાતો ત્યારે અમે મનોમન ઈશ્વરને પ્રાર્થના કરતા કે આ ડાળ કડડભૂસ તૂટી જાઓ. સારું હતું કે ઈશ્વર અદેખાઈમાંથી પેદા થતી પ્રાર્થનાઓને સાંભળતો નથી, અને જો પ્રાર્થના સાંભળીને આ ડાળને તૂટવા દીધી હોત તો અમારે એવી ડાળ ફરી ફુટાડવા માટે બીજી પ્રાર્થનાયે કરવી પડત! હા, એટલું સારું હતું કે અમે પેલા બડકમ છોકરાઓનું બૂરું કરવાની પ્રાર્થના સુધી નહોતા ગયા. આ ઊંટડિયા ઝાડ પર ચડીને, ઘેરથી લાવેલો નાસ્ત આરોગવો; એ ઝાડ પર વાંદરાની જેમ હૂપહૂપ કરી કૂદવું ને એ ડાળ શિવધનુષ્યની જેમ નમાવી નમાવીને કેટલી જમીનની લગોલગ જાય છે તેની સ્પર્ધા કરવી-આ અમારો મનમાનીતેા કાર્યક્રમ હતો. આ ઊંટડિયા ઝાડ પર અમે અમારી કેટલીક ગંભીર કૉન્ફરન્સો પણ ચલાવી છે; ને એમ કરતાં ક્યારેક શાળાના એક-બે પિરિયડો ગુમાવ્યાની સજા પણ વેઠી છે. મને યાદ છે, અમારા વર્ગમાં એક છોકરો હતો શાંતિ. ઘેરથી થેલીમાં નોટ-ચોપડાનો થોકડો ને નાસ્તાનો ડબો ઠાંસીને નીકળે. વર્ગમાં પ્રાર્થનામાં તેમ જ પહેલા પિરિયડમાં હાજરી ભરાવે. તે પછી એને તુરત પેટમાં દુઃખાવો ઊપડે. એના ખિસ્સામાં વાલીની ‘સોનેરી’ ચબરખીઓ તૈયાર જ હોય. સાહેબને એક ચબરખી દયામણા ચહેરે આપે ને પછી રજા મળતાં ડૉક્ટરને ત્યાં જવા થેલી ખભે ચડાવીને ઊપડે. એ રીતે ઊપડતાં રજા આપનાર સાહેબનું ધ્યાન ન હોય તો ટીખળભરેલો એકાદ ચાળોય કરી લે. અમે બરોબર જાણીએ કે એ ભાઈસાહેબ હવે પેલા ઊંટડિયા ઝાડે પહોંચવાના! ત્યાં જઈને ખાસ્સો સમય ગાળતો. રસ્તા પરથી પસાર થતા ખટારા વગેરેની ગણતરી કરતો; બને તેટલાં વહેલાં નાસ્તો કરી પરવારતો ને ક્યારેક થોડો આરામ પણ લઈ લેતો. આજે તો આ ઊંટડિયું ઝાડ કાળના રણમાં ખોવાઈ ગયું છે. આજે તો આ ભૂમિ માટે હું એક અજાણ્યો જણ છું; પણ મને ખબર છે, આ ધરતીનો ખોળો મેં કેટલે ખૂંદ્યો છે તેની.
<div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(/dev/null): Failed to open stream: Operation not permitted> ❖
અમે હાલોલથી પાવાગઢ જતી સરિયામ સડક પર એક વાર રહેતાં હતાં. મગફળીની સિઝન આવે ને ગૂણોની ગૂણો મગફળીની હેરફેર થતી જોવા મળે. અમારી નજર તો દેખીતી રીતે ખટારા કરતાં એમાં ભરેલી મગફળી પર જ વધારે રહેતી. અમારી નજીકમાં જ મગફળીની મોટી વખારો હતી. સિઝનમાં મગફળીની ગૂણો તોલાવા માટે બહાર મુકાય ને અમારી ભૂખ્યાં જનોની ટોળકી ઉંદરડા ને ખિસકોલાંની જેમ આ ગૂણોની આસપાસ આંટા મારતી થઈ જાય. શરૂઆતમાં તો મગફળી તોલતાં-ભરતાં જે આમતેમ વેરાય તે વખારના કર્મચારીઓની કૃપાથી વીણી લેવાનો ઉપક્રમ ચાલતો. એ ઉપક્રમમાં વિનીતતા ખરી, પરંતુ ગૌરવ ક્યાં? તેથી તુરત જ છિદ્રો હોય તો શોધીને ને ન હોય તો પાડીને તેમાંથી મગફળી કાઢવાનું જે સાહસકર્મ, એમાં અમારો રસ (કે અપરસ?) કેન્દ્રિત થતા. આ માટે અમારે ઠીક ઠીક ' છિદ્રાન્વેષણ'વૃત્તિ, હિંમત અને ચાતુર્ય આદિ દાખવવાં પડતાં. અમારે મન આ પ્રકારની ચોરી કોઈ રીતે પીનલ કોડમાં આવે એવી ગુનાહિત તો લાગતી જ ન હતી. આ મગફળી સાથે સર્વથા મેળ સાધતા ગોળ માટેય અમારે આ જ પ્રશસ્ત માર્ગ અપનાવવો પડતો. મા રસોડામાંથી બહાર ગઈ હોય ત્યારે માટલામાંથી ત્વરિત રીતે ગોળનું વજનદાર દડબું ઘાલીને દબાતે પગલે ઘર બહાર નીકળવું જરૂરી થઈ પડતું. બહાર મિત્રમંડળી અમારા આ સફળ પ્રયત્નની સ્વાગત-વધામણી માટે સંનદ્ધ જ હોય. ગોળ ને પેલી ગુણોમાંથી કાઢેલી મગફળી – આ લઈને અમારી ટોળકી નજીકના તળાવના આરે પહોંચતી ને ત્યાં અડધો કલાક, કલાકની મહેફિલ ચાલતી. પરંતુ આવાં રમણીય સાહસકાર્યોને ક્રૂર ને અદેખો વિધાતા ઝાઝો સમય સાંખતો નથી. એકવાર ગૂણમાંથી મગફળી કાઢતાં જ વખારવાળાએ મને રંગેહાથ (રેડ-હૅન્ડેડ) કાંડેથી ઝાલ્યાનું સ્મરણ છે. એણે મારાં બધાં ખિસ્સાં ખાલી કરાવી દીધેલાં ને ત્યારે મગફળી તો ગઈ જ, સાથે ઘરનો ગરવો ગોળ પણ. એ અણઘડ વખારવાળાએ મને કડક ઠપકો આપતાં કહેલું : “ભગતનો છોકરો થઈ આવું કરતાં શરમાતો નથી? આટલી વખત જવા દઉં છું, હવે પકડાયો તો તારી ખેર નથી.” ને તે દિવસથી ગમે તે કારણે મારો મગફળીનો સ્વાદ નંદવાયો તો ખરો જ. આજે મોંઘીદાટ ખારીસિંગ ખરીદીને ખાતાં, પેલા પ્રસંગની ખારાશ પણ એમાં ભળી આવે છે. અલબત્ત, આજે તો એ ખારાશનેય માણવાનો મૂડ છે.
<div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(/dev/null): Failed to open stream: Operation not permitted> ❖
આ અમારી સડક પરથી અવારનવાર, અને નવરાત્રિમાં તો ખાસ, માતાના રથ પસાર થતા. દૂર દૂર ઢોલ-ડાકલાં વાગે ને અમે દોડીને ઘરમાંથી નીકળી ઝરૂખે ઊભા રહીએ. રથને ખેંચનારા સામાન્ય રીતે ધૂણતા હોય; એમના હાથમાંને મોરપીંછનો ખૂડો કંપતા હોય. આસપાસનાંયે કોઈ ધૂણતાં હોય; ધૂણતાં ધૂણતાં કૂદતાં હોય ને હાકોટા પાડતાં હેય; ક્યારેક સાંકળોય વીંઝાતી ને વાગતી. માનો રથ, દીવો, ધૂપદીપની સુગંધ, અબીલ-ગુલાલભર્યું વાતાવરણુ, ડાકલાનો ખાસ પ્રકારના તાલ-લય સાથેનો અવાજ — એક અનોખું દશ્યશ્રાવ્યરૂપ અમને જોનારાઓને વીંટી વળતું. અમે આશ્ચર્ય, ભય, ઉત્સાહ વગેરેના મિશ્ર ભાવોથી રંગાતા જતા. ક્યારેક આ માતાના રથને લઈને જતા સંઘમાંની સ્ત્રીઓ પણ ધૂણતી. કોઈ માથે જવારા લઈને ચાલતી; કોઈ ત્રિશૂળ ચમકાવતી, કોઈ લીંબુને તીખી તલવારની ટોચ પર મૂકીને ઘુમાવતી. અમને આ રથયાત્રા પરથી નજર ખેસવવાનું જ મન ન થતું તે તે સાથે એની નજીક જતાં બીક પણ લાગતી. અલબત્ત, આવા માતાના રથ સાથેના અનેક સંઘ જોયા પછી અમનેય સંઘ કાઢવાનું મન થતું. અમારી મંડળીમાં ઘનશ્યામ કરીને છોકરો હતો. ધૂણવાની ભારે ફાવટ હતી. એકવાર તો માથાના બધા વાળ અસ્તવ્યસ્ત કરી, હીંચકો છોડી એની સાંકળ ખુલ્લા શરીરે લટકાવી એણે ધૂણુવાનું, ને હાકોટા પાડવાનું શરૂ કર્યું. અમને એને પકડવાને ઈશારે કર્યો. જેમ અમે તેને પકડતા એમ એ વધારે ધૂણતો; ધૂણતાં મગફળી ફેલાવીને તેના દાણા ને ગોળ મોંમાં મુકાવતા ને પાંચ-દસ દાણા આમતેમ અમારા જેવા માઈબાળકો માટે ઉડાવતો – વેરતોય ખરો. આ દરમિયાન ડાકલાની અવેજીમાં દાતણથી ડબલાં ખખડાવતાં અમે એનામાં રમતાં માતાજી (!) સાથે તાલબદ્ધ રીતે પગલાં ભરતાં. એકવાર ઘનશ્યામની આવી ધૂણવાની કળા બરોબર જામેલી. અમે બધાંય એમાં પૂરાં લીન હતાં ને એટલામાં એના પિતા પાછળથી આવ્યા. ઘનશ્યામને તો ખબર જ નહીં. અમારામાંથી એકાદે તેમને જોયા. એને તુરત કહ્યું : ‘ઘનશ્યામ, છોટાકાકા!' ને પિતાનું નામ સાંભળતાં જ ઘનશ્યામમાં પધારેલાં માતાજીને એમની સાથે તે પણ વીજળીનો આંચકો લાગ્યો હોય એ રીતે ચમકીને અમારા હાથબનાવટના રથને નોંધારે મૂકીને ચાલી ગયાં. અમે પણ પ્રત્યુત્પન્નમતિથી જોઈ શક્યા કે અમારાં સુખસલામતી છોટાકાકાનો મુકાબલો કરવામાં નહીં, પરંતુ ઘનશ્યામને નિષ્ઠાપૂર્વક અનુસરવામાં છે. તે દિવસે જાણ્યું કે ઘનશ્યામે ઘેર પાછા ફરવામાં ખાસ્સી વાર કરેલી. એની બાએ ‘કોઈ તને કશુંયે નહીં કરે' એવી સોગંદપૂર્વકની પાકી બાહેંધરી એકાધિકવાર એને આપી તે પછી જ અતિશય વિચારપૂર્વક ને સાવધાનીથી, છેક સાયંકાલે, દીવાબત્તી પછી એણે ગૃહપ્રવેશને શક્ય બનાવેલો.
<div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(/dev/null): Failed to open stream: Operation not permitted> ❖
હાલોલમાં અમે રહેતા હતા તે દરમિયાન જ જીવનની સૌથી સંસ્કૃત લેખાતી ને છતાં વિકૃત તથા અપ્રિય એવી ઘટના – નિશાળે જવાનીસ્તો –એ આ માસુમ જીવ વિશે ગુજરી. પાંચ-છની ઉંમર, સાવ સુકલકડી શરીર. ઢીંચણ સુધીની ચડ્ડી ને તેય પાછી કમરેથી ઢીલી પડે એટલે વારંવાર ચડાવવી પડતી. ટૂંકું ખમીસ ને તેમાંય ત્રણમાંથી બે બટન તો ગેરહાજર હોય. પગમાં પગરખાંની તો વાત જ નહીં. ક્યારેક ચડ્ડી ને ખમીસમાં થીંગડાંય હોય. પણ કપડાંની ત્યારે જરાય સભાનતા નહીં. ચડ્ડીનાં બટનેય ખૂલી જાય ને ત્યારે કોઈ દોસ્ત જો પોસ્ટ-ઑફિસ ખુલ્લી હોવાની ટકોર કરે તો વળી બટન બીડીએ. પણ એમાં કોઈ સંકોચશરમનો કે સભાનતાનો સવાલ જ નહીં. કપડાં હોવાં ન હોવાં સરખું હતું. હુતુતુતુ રમતાં ગંજી કે પહેરણ તો કાઢ્યું જ હોય, પણ કોઈવાર ચડ્ડી સુદ્ધાય કાઢીને હુતુતુતુ રમ્યાનું ને એ રીતે રમતાં રમૂજ અનુભવ્યાનું સ્મરણ છે. જાતીય સભાનતાનો ત્યારે તો પ્રશ્ન જ નહીં ને તેથી ભારેનું સુખ હતું. તળાવમાં – અલબત્ત, ઓવારા પર આજાનુ જલમાં સ્નાન કરવાનો ઉત્સાહ વધતો ત્યારે વસ્ત્રોને શરીરથી અળગાં કરી દેવામાં કોઈ સંકોચ ન નડતો. નિરાંતે નવાય, શરીર સુકાય તે પછી કપડાં પહેરી, થોડા મેલાઘેલા થઈને ઘેર જવાને ઉપક્રમ રહેતો. અમારે માટે તો પેલું તળાવસ્થાન ગંગા, યમુના ચ કાવેરી આદિ સપ્તસરિતાઓના તીર્થસ્નાનથીયે ક્યાંય વધારે મહિમાસભર હતું. જોકે મારે જણાવવું જોઈએ કે હાલોલના તળાવ સાથેની મારી મહોબત બહુ પાકી નહીં થયેલી. એ તળાવ પાસે કમળ નહોતાં; ઉનાળાના તાપ સામે ટકવાનું એનામાં કૌવત નહોતું. મારા તે પછીના ગામ કંજરીના તળાવની જે રોનક, જે ઠસ્સો હતાં તે આ હાલોલના તળાવમાં મને તો નહીં જ લાગેલાં. આ તળાવ ધોનાર ને વાસણ માંજનાર ઓરતો માટે ઠીક હતું, અમારા જેવા ઊંડા પાણીના આશક મર્દ મરજીવાઓ માટે એ ઊણું ઊતરતું હતું — એમ પાછળથી મોટપણે વિચારતાં મને લાગ્યા કરતું. જે તળાવે પાંચેક વરસનાં બાળકને તેડેલો એ તળાવે જ પાછળથી હાઈસ્કૂલમાં જતા બારેક વરસના કિશોરનેય ખોળે બેસાડેલો. એકનું એક જ તળાવ વયભેદે મને અલગ અલગ રીતે દેખાયું. હું બાળકમાંથી કિશોર થયો તો પેલા તળાવનેય ત્યાં સુધીમાં કંઈ જ નહીં થયું હોય? કદાચ તેમનામાં જે કંઈ થયું તે પકડવા માટેનાં ઉત્સાહ, ધૃતિ ને પ્રયત્નની મારામાં કમી હશે. મને કોણ જાણે શાથી એ તળાવ વંધ્યા સ્ત્રી-શું લાગતું હતું. એના ચહેરા પર મને નિષ્ફળતાની કોઈ અકલિત સુંદરતા અંકાયેલી પ્રતીત થતી હતી, જે ઉનાળામાં વધારે ભેંકાર ભાસતી હતી. હું એ તળાવની પાળે રહ્યો ને રમ્યો ને છતાં એનો ન થઈ શક્યો.