ચૂંદડી ભાગ 1/65.અમદાવાદી ચોળ ચૂંદડી વાપરી રે (પસ ભરાવતાં)
65.
વરરરાજા માંડવા નીચે આવ્યા. અંદર કન્યા તો બપોરથી તૈયાર થઈને બેઠી છે. હાથની બંને હથેળીમાં ને પગની બંને પાનીઓમાં કંકુનાં ચોખંડાં ખાનાં પાડીને પ્રત્યેક ખાનામાં અક્કેક ચાંદલો આલેખ્યો છે. પોથી અને મજીઠ બંનેમાં રંગેલ બત્રીસયે દાંત કસુંબી ઝાંય પાડી રહ્યાં છે. લલાટે એક લમણાથી બીજા લમણા સુધી કંકુની પીળ આલેખી છે. પંદર દિવસના પીઠી-મર્દને ખીલી નીકળેલા એ સુગંધી દેહ ઉપર શ્વેત સુંદર, કોઈ સંસાર તપોવનની બાલ-જોગણને અરઘે તેવું સાદું પાનેતર પહેરાવવામાં આવ્યું અને તેલસીંચેલ મોકળી ઝૂલતી માથાની લટો પર શી રૂપાળી એ સ્વામીની દીધેલી નવરંગ ચૂંદડી ઓપે છે! :
અમદાવાદી ચોળ ચૂંદડ વાપરી રે
વાપરી…ગામને ચૉક
ઓઢોને, બેનડ, ચૂંદડી રે.
ચૂંદડીને ચારે છેડે ઘૂઘરી રે
ચૂંદડીને વચ્ચે મોતીનો ચૉક
લાડકડાં…બેનને કાજ. — ઓઢોને.