ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૧લું/સૌ. વિમળાગવરી મોતીલાલ સેતલવાડ
એઓ જ્ઞાતિએ બ્રહ્મક્ષત્રિય, વતની અમદાવાદના, રા. હરિપ્રસાદ ડાહ્યાભાઈ છત્રપતિના પુત્રી, સ્વ. દી. બા. અંબાલાલ સાકરલાલ દેસાઈના દોહિત્રી અને સર ચીમનલાલ સેતલવાડના પુત્રવધુ થાય છે.
પ્રાથમિક શિક્ષણ રણછોડલાલ છોટાલાલ ખાડીઆ કન્યાશાળામાં લીધેલું અને ઇંગ્રેજીનું જ્ઞાન સ્ત્રીઓ માટેની મહાલક્ષ્મી ટ્રેનિંગ કોલેજ સાથેની હાઈસ્કુલમાં લીધેલું; તે પાછળથી ખાનગી અભ્યાસ કરી ખૂબ વધારેલું છે.
એમનો જન્મ તા. ૨૧મી સપ્ટેમ્બર ૧૮૯૩ના રોજ થયો હતો. અને લગ્ન સન ૧૯૦૭માં સર ચીમનલાલના જ્યેષ્ઠ પુત્ર મોતીલાલ, જેઓ મુંબઈ હાઈકોર્ટના એડવોકેટ છે, એમની સાથે થયું હતું. શારીરક સ્વસ્થતા બરાબર રહેતી નહિ હોવાથી તેઓ ઘણોખરો સમય મુંબાઈ બહાર હવાફેર માટે રહે છે અને જે સમય મળે છે તે બધો વાચન અને અભ્યાસમાં ગાળે છે. તેમને વિજ્ઞાન પ્રતિ વિશેષ અભિરૂચિ છે. એ વિષે કેટલાંક છૂટક લેખો લખેલાં, તે બધાં એકત્રિત કરી જૂદા પુસ્તકરૂપે છપાવા માંડ્યા છે, જે સંગ્રહ એક સુંદર પુસ્તક થઈ પડશે.
વળી તેમણે અંકલ ટૉમ્સ કેબિન નામના જગપ્રસિદ્ધ પુસ્તકનો “ગુલામગીરીનો ગજબ” એ નામથી અનુવાદ કરેલો છે અને એવો બીજો અનુવાદ સ્કોટની સુપ્રસિદ્ધ કૃતિ ‘આઇવાન હો’નો કર્યો છે, જે ગ્રંથ ગુ. વ. સોસાઇટીએ બે ભાગમાં છપાવ્યો છે.
આપણે અહિં સ્ત્રીલેખિકાઓ ગણીગાંઠી છે; તેમાં આ બ્હેનનો સમાવેશ થાય છે; અને એમના ગ્રંથોમાં પણ સુસંસ્કાર અને જ્ઞાનની છાપ પડેલી જણાય છે. તેમણે ઇંગ્લંડ યૂરપની મુસાફરી કરેલી છે. બાળવાર્તાઓ પણ કેટલીએક લખી છે તેનો સંગ્રહ પ્રસિદ્ધ થાય તો તે એક સારૂં બાળોપયોગી પુસ્તક થાય.
<div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(): Unable to create pipe Too many open files> એમના પુસ્તકોની યાદીઃ
ગુલામગીરીનો ગજબ સન ૧૯૧૮
આઈવેન્હો ભા. ૧ લો ” ૧૯૨૬
ભા. ૨ જો ” ૧૯૨૭
બાળવિજ્ઞાન ભા. ૧ લો* ” ૧૯૩૦
__________________________________________________________
* પુસ્તકલાય સહાયક સહકારી મંડળ લી. તરફથી છપાય છે.