ગુર્જર ગિરાનાં ચૂંટેલાં કાવ્યો/શિવાકાશીના ફટાકડાની ફેક્ટરીથી આવેલો પત્ર — સૌમ્ય જોષી

શિવાકાશીના ફટાકડાની ફેક્ટરીથી આવેલો પત્ર

સૌમ્ય જોષી

આ દિવાળીએ મારી ટપાલપેટીમાંથી નીકળેલો પત્ર તમને વંચાવું છું-

"સાહેબ, મારું નામ ગણેશ વેણુગોપાલ,
બાપાનું નામ વેણુગોપાલ કુટ્ટી,
માનું બી નામ છે, સરસ્વતી.
મારા નાનાભાઇનું નામ તિરુપતિ,
એ બઉ નાનો છે એટલે કામે નથી જતો.
સાહેબ મારી ઉંમર ૯ વરસની છે અથવા તો ૧૧ વરસ જેટલી હશે.
મારું કામ કાગળિયામાં દારૂ ભરવાનું છે.
મારો રંગ કાળો છે.
મારા હાથનો રંગ પણ કાળો છે.
ખાલી પંજા હોયને એ સિલેટિયા છે, દારૂને લીધે."

ફટાકડાની ફેક્ટરીના બાળમજૂરનો આ પત્ર છે. લખાણ બાળસહજ છે- ‘પણ'ને સ્થાને ‘બી', ‘બહુ'ને બદલે ‘બઉ', ‘માત્ર'ની જગાએ ‘ખાલી.' વાક્યો સાદાં અને ટૂંકા, તેમાંનાં ઘણાં ‘છે' શબ્દથી પૂરાં થતાં. ગરીબ બાળકે સૌને સલામ ભરવી પડે, માટે પત્રનો આરંભ ‘સાહેબ'થી થાય છે.કુટુંબના ચારે ય સભ્યોને ભગવાનનાં નામો મળ્યાં હોવા છતાં દળદર ફીટ્યું નથી.પત્ર લખનારને પોતાની ઉંમર ખબર નથી: બર્થ ડે પાર્ટી રખાતી ન હોવાથી ગણતરી કોણ રાખે? ‘ભાઈ બઉ નાનો હોવાથી કામે નથી જતો' કહેનાર બાળક પોતે ૯ કે ૧૧ વરસનો જ છે. આ નિર્દોષ નિવેદન વાચકને વિચલિત કરી મૂકે છે.ત્રણ-ચાર વરસથી કાગળમાં દારૂ લપેટીને ગણેશના પંજા સિલેટિયા (સ્લેટના રંગના, રાખોડી) થઈ ગયા છે. ગણેશે પત્ર લખ્યો છે પોતાના ભાઈબંધ બાલાજીને કારણે, જે મહિના પહેલાં મરી ગયો હતો.

"ફેક્ટરીમાં મારો પહેલો દિવસ હતો ત્યારે એ એકદમ ફાસ્ટ દિવેટો બનાવતો'તો,
મારે એની બાજુમાં બેસવાનું આયું,
એ સહેજ મોટેથી બી બોલતો’તો અને ડરતો બી ન’તો.
પછી મારા નાકમાં પહેલી વાર દારૂની કચ્ચર ગઈ,
પછી મારી આંખ બઉ બળી,
પછી મને ઠંડી ચડી,
પછી મને તાવ આયો,
અને પછી એણે મને બઉ બીવડાઈ દીધો સાહેબ,
એણે કીધું આટલા ગરમ હાથે દારૂને અડીશ તો મોટો ધડાકો થશે ને તું મરી જઇશ."

બાલાજીનું પાત્ર આપણા ચિત્તમાં ઉપસતું જાય છે. તે નવો નિશાળિયો હોવા છતાં કોઈથી ડરતો નહોતો, મોટેથી બોલતો, ઘડાયેલો હોય તેમ ઝપાટાબંધ કામ કરતો.દારૂની કચ્ચર બાળકનાં આંખ-નાકમાં જાય, તાવ ચડે, એવી દારુણ દાસ્તાનની પડછે ‘ગરમ હાથે દારૂને અડતાં ધડાકો થશે' એવી રમૂજ મુકાઈ હોવાથી કરુણતા વધુ ઘુંટાય છે.

“એ તોફાનીયે બઉ હતો સાહેબ.
એ એવું કહેતો કે આપણે ફેકટરીમાંથી રોજ થોડો દારૂ ચોરીએ,
તો મોટા થઇએ ત્યાં સુધીમાં એક મોટો ગોળો બની જાય.
પછી એ ગોળાથી આપડે સુપરવાઇઝરને ઉડાઈ દઈશું અને સેઠને બી.”

‘વન ફ્લુ ઓવર ધ કકૂસ નેસ્ટ' નવલકથા અને ચલચિત્રમાં પાગલખાનામાંથી પલાયન થવાના પેંતરા કરતા મેકમર્ફીની જેમ બાલાજીને ય ફટાકડાની ફેક્ટરીથી પલાયન થવું છે.

“એ એવું કહેતો'તો સાહેબ,
કે એને હાથીના દાંતવાળાં અને માંસ ના ખાય એવા સિંહના સપનાં આવે છે.
અને હાથમાંથી ચણ ખાય એવા મોરનાં સપનાં આવે છે.
અને લાકડીથી પૈડું દોડાઇને
એની પર બેસીને એ જંગલમાં જતો રહ્યો હોય એવા સપનાં આવે છે,
અને પરીઓનાંય.
એક વાર એણે મને પૂછ્યું, ‘તને શેનાં સપનાં આવે છે ?'
મેં કીધું: કામના”

બાળકો સ્વપ્નસૃષ્ટિમાં રમમાણ રહે. બાલાજીનાં સ્વપ્નો પરથી કળી શકાય કે એ શોષણભરી પરિસ્થિતિથી મુક્ત થવા ઇચ્છતો હતો. સૂર્યભાનુ ગુપ્તે હિંદી શેરમાં કહ્યું છે કે લોકો રોટલીથી એટલા પ્રભાવિત છે કે સ્વપ્નમાં રોટલી આવે છે. ગણેશને પણ કામનાં જ સ્વપ્ન આવે છે. ગણેશ પત્રમાં જણાવે છે કે ફટાકડાની ફેક્ટરીમાં આગ લાગતાં, સૂતેલો બાલાજી બળી ગયો. ફેક્ટરી અઠવાડિયું બંધ રહી.

“પછી ફેક્ટરી ચાલુ થઈ.
હું ઘેરથી નીકળતો'તો ત્યારે મારી માએ મારી સામે જોયું.
એને મારી દયા આવે ત્યારે મને એની બઉ દયા આવે છે સાહેબ.”

કુમળાં સંતાનોને મજૂરીએ મોકલતી માતામાં પ્રેમનો અભાવ નથી, પૈસાનો અભાવ છે. ગણેશ લાગણીવેડામાં સરી ન પડતાં યથાતથ કથા કહે છે.

“કાલે રાતે બાલાજી મારા સપનામાં આયો.
અને એણે કહ્યું કે એ મર્યો નથી.
એણે કહ્યું કે આગ નજીક આઈ પણ સરસ સપનું ચાલતું'તુંને એટલે એને જાગવું નહોતું.
એ ઊંઘતો રહ્યો, ને જાગ્યો ત્યારે એ શહેરમાં હતો.
ને એણે કીધું કે તમારું શહેર મસ્ત છે.
ત્યાં ઓછા કામના વધારે પૈસા મળે છે.
ને રાતની સ્કૂલે જવા મળે છે.
ને સ્કૂલમાં રાતનું ખાવાનું, બે જોડી કપડાં ને એક જોડી બૂટ મફત મળે છે.
ને મોટા થઇએ એટલે શિક્ષક બનવા મળે છે.”

ગણેશના સ્વપ્નમાં આવેલો બાલાજી દરેક બાળમજૂરની ખ્વાઈશને વાચા આપે છે: ભણીગણીને શિક્ષક થવું.તો શું આગમાંથી ન નાસીને બાલાજીએ જીવનથી છુટકારો મેળવ્યો? મૃત્યુની વિકરાળતાને મોળી પાડવા આપણે સ્વર્ગની કલ્પના કરીએ છીએ, તેમ બળીને ભડથું થયેલા ભાઈબંધને ભુલાવવા ગણેશ શહેરની મુક્તિની કલ્પના કરે છે. સ્વપ્નમાં આવેલો બાલાજી ગણેશને શહેરમાં આવવાનું આમંત્રણ આપે છે. ગણેશ ‘સાહેબ'ને વિનવે છે કે આવું કોઈ શહેર છે કે નહિ તે સત્વરે જણાવે.

સૌમ્ય જોશીએ આ દીર્ઘકાવ્ય પત્રસ્વરૂપે લખ્યું છે. નાટકો લખવાનો મહાવરો હોવાથી સૌમ્યે ઉક્તિ પાત્રોચિત લખી છે, કથોપકથન વાચકને જકડી રાખે તેવું છે. નિ:શંકપણે આ એક ઉત્તમ કાવ્ય છે.

<div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(/dev/null): Failed to open stream: Operation not permitted> ***