ગુર્જર ગિરાનાં ચૂંટેલાં કાવ્યો/એક ભૂલા પડેલા રોમેન્ટિક કવિનું દુઃસ્વપ્ન — સુરેશ જોષી
સુરેશ જોષી
વાર્તાકાર, વિવેચક, નિબંધકાર અને કવિ સુરેશ જોષીએ વીસમી સદીના છઠ્ઠા અને સાતમા દાયકામાં આપણી ભાષામાં આધુનિકતાની નાંદી પોકારી હતી. તેમના એક દીર્ઘકાવ્યની શરૂઆત આમ થાય છે:
મૃણાલ, મૃણાલ
તું સાંભળે છે?
અત્યારે તું બેઠી હશે તારા પરિવાર વચ્ચે
સુરક્ષિત,
ચાર દીવાલનો પહેરો
સોફાનો પોચો પોચો ખોળો
બિહામણી છાયાઓને ભગાડી મૂકતી ફ્લોરેસેન્ટ લાઇટ...
કવિએ ‘પુષ્પા', ‘લતા' કે ‘શીલા' જેવું સામાન્ય નહિ, પણ ‘મૃણાલ' જેવું અસામાન્ય નામ પસંદ કર્યું છે, કારણ કે જેની વાત કરવાની છે તે વ્યક્તિ અસામાન્ય છે.નામ એક શ્વાસે, બે વાર લીધું છે, કારણ કે કવિ વિરહમાં આકળવિકળ છે. મૃણાલને તુંકારે બોલાવે છે એટલે સંબંધ નિકટનો હશે. ‘તારો' પરિવાર કહીને કવિ મૃણાલના હાલના પરિવારમાંથી પોતાની બાદબાકી કરી નાખે છે. ગમતી વ્યક્તિ ઘરમાં જ ન રહે તો કોના ખોળામાં બેસવું? સોફાના? ભૂતકાળના ઓળાને ભૂંસી શકે, એવો ઉજાસ મૃણાલના જીવનમાં નથી, માટે તે ટ્યુબલાઇટના ઉછીના ઉજાસથી ચલાવી લે છે. કેવું છે તેનું પરિવારજીવન?
બજારના ભાવતાલ, સાડી ને ઝવેરાત
ધીમે ધીમે થાય મધરાત
પછી વફાદાર પત્નીનો પાઠ
થોડાં સ્વપ્નાંનો ભંગાર
વળી પાછી સવાર
ન કવિના ભાવ સાથે મૃણાલનો ભાવ મળ્યો, ન કવિના તાલ સાથે તાલ. એ તો અટવાતી રહી બજારના ભાવતાલમાં. મૃણાલસૂનું જગત કવિને કેવું દીસે છે?
બારાખડીના ખોડા વ્યંજનોની જેમ અથડાતા આ લોકો
..શહેરના બાગમાં ફૂલોની શિસ્તબધ્ધ કવાયત
...ચૂંથાયેલા રેશનકાર્ડ જેવા બધે ચહેરા
ફરીશું શું અહીં કહે સપ્તપદી ફેરા?
સ્વર વગર વ્યંજનનો ઉચ્ચાર જ ન થઈ શકે. લોકો પાસે અસ્તિત્વ તો છે, પણ અર્થ વગરનું. જેમ પરિવાર વચ્ચે મૃણાલ તેમ શહેરના બાગ વચ્ચે ફૂલો- શિસ્તબધ્ધ.
શહેરમાં દરેક ચહેરો કવિને રેશનકાર્ડ જેવો દેખાય છે: છપાયેલો, ચોળાયેલો અને ભૂખ્યો. વાસ્તવિકતા વરવી લાગતાં કવિ મૃણાલની સ્મૃતિને લઈને પરીલોક ભણી ભાગી છૂટે છે:
અર્ધો તૂટેલો ઝરૂખો
જેમાં હજી બેઠી છે નિષ્પલક પ્રતીક્ષા
નીચેની તળાવડીમાં ક્યાંક તરે છે કોઈકનું મસ્તક
પાસે થઈને ચાલી જાય છે સીડી
કોઈ ચઢે છે ને ઊતરે છે
રૂમઝૂમ રૂમઝૂમ
ઝરૂખો પ્રતીક્ષાનું પ્રતીક છે. ઝરૂખો તૂટે, તોય ‘કોઈ આવશે' એ વિશ્વાસ ન છૂટે. જોકે આવનારનું મસ્તક તળાવડીમાં તરે છે. મૃણાલનું (અને તેના વિના પોતાનું) જીવન કેટલું શુષ્ક છે, એ દર્શાવવા કવિએ વાસ્તવિકતાને પડખે પરીકથાનો અદ્ભુતરસ વહાવ્યો છે.
મૃણાલ, તું કોણ, હું કોણ?
મારા જખમને ટેકે ઊભી છે રાત
તારા શ્વાસે ખીલે છે સ્વર્ગનાં પારિજાત
કવિને માટે મૃણાલ મોંઘેરી જણસ છે. (કાદવ વચ્ચે ખીલે તેને કમળ-મૃણાલ-કહે છે.) પરિસ્થિતિ જીરવી ન શકાતાં કવિ સાદ પાડી ઊઠે છે:
મૃણાલ, મહેલને મિનારે બેઠું છે એક પંખી
કાળું કાળું ને મોટુંમસ
લાલ એની ચાંચ
આંખો એની જાણે અગ્નિની આંચ
ઊડી જશે એ લઈને તને
ભાગી આવ, ભાગી આવ
કાળું પંખી મૃત્યુનું પ્રતીક છે. કવિ જાણે છે કે મૃણાલ જાગ્રત અવસ્થામાં તો મળવાની નથી, એટલે નીંદરમાં-કે છેવટની નીંદરમાં-એને મળવા ઇચ્છે છે:
ઘેરી લેને મને તું બનીને ક્ષિતિજ
મૃણાલ, નીંદરથી બીડેલાં તારાં પોપચાંમાં
ઢળી જાઉં બની હુંય નીંદરનું એક બિન્દુ
<div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(/dev/null): Failed to open stream: Operation not permitted> ***