ગુજરાતી સાહિત્યમાં આધુનિકતાવાદ/‘સ્વપ્નતીર્થ’ (સમીક્ષા)


પ્રયોગશીલતાનું પરિણામ સંતર્પક નથી.

સ્વપ્નતીર્થ : રાધેશ્યામ શર્મા

રાધેશ્યામની ૧૯૬૮માં પ્રગટ થયેલી પ્રથમ લઘુનવલ ‘ફેરો’એ એની પ્રયોગશીલતાને કારણે આપણા અભ્યાસીઓનું કંઈક ઠીક ધ્યાન ખેચ્યું હતું. તેમની આ બીજી કૃતિ ‘સ્વપ્નતીર્થ’, તેમના શબ્દોમાં ઓળખાવીએ તો, તેમનો એક ‘નવલપ્રયોગ’ છે. ‘ફેરો’ની જેમ આ પ્રયોગશીલ કૃતિ પાછળ પણ તેમની સભાન, અતિ સભાન, સિસૃક્ષા કામ કરી રહી હોવાનું પ્રતીત થાય છે. પણ તેમની આ પ્રયોગશીલતાનું પરિણામ સંતર્પક આવ્યું નથી એમ કહેવાનું પ્રાપ્ત થાય છે. સર્જક લેખે એમાં રાધેશ્યામની શક્તિ કરતાંયે વધુ તો તેમની મર્યાદા જ છતી થઈ જાય છે. પરંપરાગત નવલકથાની રચનારીતિથી દૂર જઈ નવી જ રચનારીતિ નિર્માણ કરવાનો તેમનો અહીં પ્રયત્ન દેખાય છે. કૃતિનો કથાનાયક નવીન કિશોર વયનો છે. તેને કૌટુંબિક જીવનની વિષમતાના ભોગ બનવું પડ્યું છે. રાધેશ્યામે તેના જાગૃત અને સ્વપ્નજીવનના – એમ બે ભિન્ન કોટિના અનુભવજીવનના – પ્રસંગોને સન્નિધિકૃત (જકસ્ટાપોઝ્‌ડ) કરવાનો આશય રાખ્યો છે. પરંપરાગત નવલકથાના ક્રમિક વસ્તુઉઘાડને બદલે તેમણે અહીં નવીનના જાગૃત અને અજાગૃત ક્ષણના પ્રસંગોને વિશૃંખલ રૂપમાં રજૂ કર્યા છે. પણ એમાંથી કોઈ ડેફિનિટિવ રચનાતંત્ર ઊપસી શક્યું હોય એમ લાગતું નથી. વળી પાત્રો, પ્રસંગો, કથનશૈલી – એ સ્તરોએ લગભગ બધે જ તેમની બૌદ્ધિક સભાનતાનો વધુ પડતો દાબ વરતાયા કરે છે. કૃતિના ઘણાખરા પ્રસંગો કૃત્રિમ રીતે યોજાયેલા હોય એમ લાગ્યા કરે છે; અને કૃતિનાં વિવિધ ખંડનાં ભાષારૂપોમાં સર્જકની સર્જકતાનો સ્પર્શ બહુ ઓછા સ્થાને પ્રતીત થાય છે. તાત્પર્ય કે, સમુચિત ટેકનિક અહીં ઉપલબ્ધ થઈ શકી નથી. અથવા, કૃતિના નિર્માણ પાછળ ગહન રહસ્યમય સંવેદનની ભોંય નહીં, પણ કોઈક બૌદ્ધિક વિભાવના રહી હોય એવો વહેમ જાય છે. હકીકતમાં, આ કથામાં કથાનાયક નવીનના જાગૃત ક્ષણના વ્યવહાર અને વર્તનની એક રીતની ગતિ છે, તો તેના સ્વપ્નબોધ કે દિવાસ્વપ્નોના અનુભવની બીજી રીતની ગતિ છે. ચૈતસિક વાસ્તવના સર્વથા ભિન્ન એવા બે ભિન્ન સ્તરોએથી રાધેશ્યામને કૃતિનો વિસ્તાર કરવો હશે; કદાચ જાગૃતિ અને સ્વપ્નની સૃષ્ટિ પરસ્પરમાં ભળી જતી હોય એવી સંદિગ્ધ ચૈતસિક વાસ્તવની ભૂમિકા રચવી હશે, પણ એ માટે જે વિશિષ્ટ સર્જકકર્મની અપેક્ષાઓ ઊભી થાય છે તે અહીં સંતોષાતી નથી. સ્વપ્ન અને જાગૃતિના પ્રસંગોને માત્ર પાસેપાસે ગોઠવવાથી, કે આવા પ્રસંગોના પૂર્વાપર છેડાઓને ઢાંકી દેવાથી, મને લાગે છે કે, ટેકનિકનો ખરો પ્રશ્ન ઊકલતો નથી. અલબત્ત, પરંપરાગત નવલકથાઓની જેમ સાતત્યપૂર્ણ વાર્તાપ્રવાહ કે વસ્તુના ક્રમિક ઉઘાડની કોઈ અપેક્ષા અહીં ન રાખીએ. તો ય એટલું તો અનિવાર્ય છે જ કે આંતર અને બાહ્ય સર્વ ઘટનાઓ સ્વયં વ્યંજનાસભર હોય; એટલું જ નહીં, એ સર્વ ઘટનાઓ કૃતિના રહસ્યવિશેષને ઉપસાવી આપવામાં કોઈ ને કોઈ રીતે સમર્પક બનતી હોય. મતલબ કે, કૃતિને એવું રચનાતંત્ર મળ્યું હોય, એવો રચનાગત સિદ્ધાંત મળ્યો હોય, જે પ્રથમ નજરે વેરવિખેર અને વિશૃંખલ લાગતી ઘટનાઓને પણ છેવટે કશીક પ્રતીકાત્મક સમગ્રતામાં અનુસંધિત કરી આપે. ખરી વાત એ છે કે ‘સ્વપ્નતીર્થ’માં આવું કોઈક રચનાતંત્ર સિદ્ધ થતું રહી ગયું છે, અથવા એમ કહો કે સુરેખ રચનારીતિના અભાવે તે પ્રચ્છન્ન રહી ગયું છે. કિશોર વયના નવીન માટે પિતા મથુરદાસની અનુપસ્થિતિએ એ એક વિષમ પરિસ્થિતિ બની રહી છે. પિતા ખરેખર ગુમ થયા છે, કુદરતી રીતે તેમનું અવસાન થયું છે, તેમણે આપઘાત કર્યો છે કે પછી તેમની હત્યા કરવામાં આવી છે તે વિષે નવીનને કશી જાણ નથી. માતા શાંતાનો ચહેરો તેને હંમેશ અકળ મૌનથી લીંપાયેલો લાગ્યો છે. પિતાના મિત્ર વિનાયકકાકા અને ઘનશ્યામ મહારાજ એ બે વ્યક્તિઓ જોડે માતાને નિકટનો સંબંધ હોવાનું કોઈક ભાન નવીનના અજ્ઞાત ચિત્તના ઊંડાણમાં જાગી પડ્યું હોય, અને માતા શાંતાએ વ્યભિચારી જીવન ગાળ્યું હોય, એવા સંકેતો આપતા પ્રસંગો આ કૃતિમાં વેરવિખેર ગોઠવવામાં આવ્યા દેખાય છે. પોતાનો પિતા કોણ એવો કોઈ પ્રશ્ન નવીનના અજ્ઞાત ચિત્ત પર તોળાઈ રહ્યો હોય એ સહજ છે. તેને તેના પિતાની ઝંખના જ તીર્થધામ સુધી ખેંચી જાય એમ સમજાય એમ છે. વાતાવરણમાંથી જ કદાચ નવીનને પોતાની વિષમ પરિસ્થિતિનું ભાન ઊગ્યું હોય તો તે ય સમજાય તેમ છે. અને નવીનના અજ્ઞાત ચિત્તમાં આ કારણે દમિત અને અવરુદ્ધ થઈ રહેલી ઇચ્છાઓ, લાગણીઓ કે વૃત્તિઓ તેના ચિત્તમાં સ્વપ્ન કે દિવાસ્વપ્નોરૂપે છતી થઈ જાય, પરિચિત વ્યવહારજગતની ઘટનાઓનું ત્યાં રૂપાંતર થઈ જાય, કે અજ્ઞાત સ્તરના પદાર્થોમાં તે પ્રતીકાત્મક રૂપ લે એમ બનવાનું. નવીનના વ્યવહારજીવનના પ્રસંગોથી સર્વથા ભિન્ન સ્તરના સ્વપ્નપ્રસંગોને પ્રતીકાત્મક રૂપ આપવાનો કે પ્રતીકોની સહાયથી ઉપસાવવાનો તેમનો પ્રયત્ન રહ્યો છે. પણ અહીં જાગૃતિ અને સ્વપ્નની ઘટનાઓ લગભગ બધા જ ખંડોમાં અલગ પડી જતી દેખાશે. એમાં સન્નિધિકૃત પ્રસંગોની યોજના પાછળ કોઈ ચોક્કસ દૃષ્ટિ રહી હોય તો પણ તે અહીં સ્પષ્ટ થતી નથી. સ્વપ્નઘટનાઓનું અલગપણે માનસશાસ્ત્રીય મૂલ્ય જરૂર સંભવે છે, અને રસદૃષ્ટિએ પણ એ સંદર્ભો કંઈક ચિત્તસ્પર્શી બન્યા છે. પણ નવલકથાને સુરેખ, સુકેન્દ્રિત રચનાતંત્ર મળ્યું નથી, તેમ તેને વર્ણ્યવિષય સ્પષ્ટરેખ વ્યાખ્યા પામી શક્યો નથી. પિતાની ખોજ એ નવીનને માટે પ્રબળતમ ઝંખના હોય તોપણ, તેના આંતરચિત્તની કોઈ અર્થપૂર્ણ ભાત તેમાંથી ઊપસી શકી નથી. માતા શાંત અને વિનાયકકાકા કે ઘનશ્યામ મહારાજ જોડેના તેના સંબંધો તેના અજ્ઞાત ચિત્તમાં જે ક્રિયાપ્રતિક્રિયા જગાડી શકે તેની સંકુલ કથાને પણ અહીં અવકાશ રહી જાય છે. વેરવિખેર, વિશૃંખલ અને સમવિષમ પોતવાળી આ ઘટનાઓમાં કશુંક માનવીય રહસ્ય જાણે કે ઢંકાયેલું રહી જાય છે. આવી ઘટનાઓને જાણે કે રહસ્યનું કેન્દ્ર મળ્યું નથી કે પછી તે પ્રચ્છન્ન રહી જવા પામ્યું છે. કૃતિની રૂપરચનાના સંદર્ભમાં નવીને લખેલી ‘ઠાકોર’ની યાત્રાની રોજનીશી – જે આ પ્રયોગશીલ કૃતિનાં અડધાંથીયે વધુ પૃષ્ઠો રોકે છે તે –સ્વયં સૌથી વિવાદાસ્પદ સામગ્રી બની રહે છે. નવીને ઘનશ્યામ મહારાજના સંઘમાં ‘ઠાકોર’ની જે યાત્રા કરી (કે તેના સ્વપ્નમાં તેને જે યાત્રા પ્રત્યક્ષ થઈ) તેની નોંધ એ રોજનીશીમાં છે. એમાં છ દિવસની જે નોંધ મળે છે તેમાં પહેલા ચાર કે પાંચ દિવસની નોંધ વિશેષે તો સંઘની યાત્રાના વર્ણનમાં રોકાયેલી છે. છઠ્ઠા દિવસે નવીન ગોમતીના જળમાં સ્નાન અર્થે ઊતર્યો છે ત્યારે તે જુએ છે કે પોતાની રોજનીશીના કાગળ એમાં તણાઈ રહ્યા છે. આ ક્ષણે નવીનને ભારે આઘાત લાગે છે. પોતાનું વ્યક્તિત્વ લોપાઈ રહ્યું હોય એવો ધ્રાસકો તેના હૈયામાં ઊઠે છે. આખી કૃતિમાં આ એક સારો ચિત્તસ્પર્શી સંદર્ભ છે. પણ એ પૂર્વેના – ઠાકોરધામમાં પ્રવેશ સુધીના – પ્રસંગો કૃતિના રહસ્યમાં શી રીતે સમર્પક બને છે તે કળવાનું મુશ્કેલ બની જાય છે. રોજનીશીનો યાત્રાવૃત્તાંત બીજી રીતે મૂંઝવે છે. ગોમતીના જળપ્રવાહમાં ઊભેલો નવીન કાચબાની સાથે ખૂંપે છે, અને ત્યાં તે સ્વપ્નમાંથી જાગ્યો હોય એવો સંકેત મળે છે. એ રીતે નવીનની યાત્રા એ બાહ્ય જીવનમાં બનતી ઘટના નહીં પણ માત્ર તેની ઝંખનાની, તેના સ્વપ્નલોકની ઘટના હોય એમ એ આપણને માનવા પ્રેરે છે. કૃતિને અપાયેલું શીર્ષક પણ આ માન્યતાને સમર્થન આપતું હોય એમ જણાશે. વળી આ રોજનીશી અરીસામાં પોતાનું પ્રતિબિંબ નિહાળી રહેલા – અરીસા બહારના – નવીને નહીં, પણ અરીસામાંથી ‘બહાર કૂદી આવેલા’ અંદરના નવીને લખી છે એવો સ્પષ્ટ સંકેત પણ અહીં મળે છે. ‘રોજનીશી’, એ રીતે, કેવળ નવીનના મનની ઝંખનાનો પ્રક્ષેપ છે એવો ખ્યાલ બાંધવો પડે. હવે અરીસામાં અરીસાની યોજના, વાસ્તવની આભાસરૂપતા, અને એમ વાસ્તવ અને આભાસની પટંતરે રચાતી વિવર્તલીલા કદાચ અહીં રાધેશ્યામને અભિપ્રેત હશે. અને, ખરેખર તો, આ પ્રકારની કલ્પનામાં સર્જકતાની દૃષ્ટિએ એક ક્ષમતાવાળો સંદર્ભ-ફ્રેઇમ ઑફ રેફરન્સ-એમાં પ્રાપ્ત થાય છે. પણ અહીં રોજનીશીનું એકદમ નિર્જીવ અને નિસ્તેજ ગદ્ય મોટી મૂંઝવણ ઊભી કરે છે. ‘ઠાકોર’ધામમાં બે દિવસની જે ઘટનાઓ બને છે તે બાદ કરતાં, પૂર્વેના ચાર દિવસની યાત્રાના સાવ ક્ષુલ્લક, છીછરા અને અર્થહીન પ્રસંગો એમાં વર્ણવાયા છે. આ યાત્રાનોંધનું ગદ્ય અત્યંત રેઢિયાળ અને સત્ત્વહીન છે. સર્જકતાના સંસ્પર્શ કે અનુસંધાન વિનાનો મૃત ગદ્યનો આટલો મોટે પ્રસ્તાર આ ‘નવલ-પ્રયોગ’માં કયું પ્રયોજન સિદ્ધ કરવા આવે છે તે સમજી શકાતું નથી. નવીનનો એ પ્રવાસ તેના જાગૃત જીવનની રેઢિયાળ એકવિધ ગતિનો નિર્દેશક છે એ રીતે કે તેના વ્યક્તિત્વ જોડે એ નોંધનું વર્ણન સુસંગત નથી – કોઈ રીતે આ ગદ્યખંડનો ‘અર્થ’ પામી શકાતો નથી! કૃતિનાં આરંભનાં સાત પૃષ્ઠોમાં ‘શબનિકાલની સમસ્યા’ અને ‘કોમની પક્ષીવિષયક ભ્રાંતિ’ એવાં બે શીર્ષક હેઠળનો વૃત્તાંત કૃતિના કોઈ કેન્દ્રીય ભાવતંતુ જોડે માર્મિક રીતે સાંકળી શકાયો હોય એમ લાગતું નથી. કૃતિનો એ ભાગ વિછિન્ન રહી જતો દેખાય છે. એમાં ‘શબકૂવા’(ટાવર્સ ઑફ સાઇલેન્સ)ની વિગત પ્રતીક બનવાની ક્ષમતા ધરાવે છે એમ કહી શકાય. અને નવીનના આંતરમનનાં ઊંડાણો ઉલેચવાની પ્રક્રિયામાં ‘શબકૂવા’નું પુનઃવિધાન થઈ શક્યું હોત. પણ અહીં એ ‘શબકૂવો’ કેવળ વિભાવનાના સ્તરે અલગ તત્ત્વરૂપે રહી ગયો છે. શબકૂવાની યુગયુગ જૂની મૃત્યુરૂપ શૂન્યતા કે તેમાં સંચિત મૃતદેહોની ઠંડી સંહારકતા નથી તો નવીનના ચિત્તમાં પ્રગટ થઈ, નથી માતા શાંતાના ચિત્તમાં પ્રગટ થઈ. એ રીતે પત્રકારત્વનો એ ગદ્યખંડ અહીં ઝાઝું કશું સિદ્ધ, કરી શક્યો હોય એમ જણાતું નથી. પૃષ્ઠ ૬થી ૨૯ સુધીમાં, તેમજ રોજનીશીની નોંધો વચ્ચે, અને અંતે નવીનના સ્વપ્નજગતના અનુભવો લેખકે રજૂ કર્યા છે. એમાં ‘ડાઘિયો કૂતરો’ અને ‘ઘરોળી’ જેવાં તત્ત્વોનો પ્રતીકાત્મક વિનિયોગ કંઈક ધ્યાન ખેંચે છે. કૃતિમાં આ જાતના પ્રતીકનિર્ભર સંદર્ભો વત્તેઓછે અંશે સહૃદયને સ્પર્શે એમ બનશે. પણ છેવટે એ પ્રસંગો સ્થગિત રહી જતા હોવાની છાપ ઊપસે છે. વળી નવીનના પિતૃઓની વાસના ‘રીંછ’ના પ્રતીકમાં રજૂ થઈ છે; પણ આપણી પરંપરામાં ‘રીંછ’ જોડે લાગણીઓનાં એવાં સાહચર્યો નથી કે લાગણીઓનાં એવાં કોઈ અનુસંધાનો નથી. એટલે ‘રીંછ’નો બોધ એ વિશેષે તો બૌદ્ધિક વિભાવના જ રહી જાય છે, એમ કહેવું જોઈએ. આ ‘નવલ-પ્રયોગ’માં જાગૃતિ-સ્વપ્નના વિવિધ સંદર્ભોમાં સર્જકનો સંવેદનનો નિબિડ સ્પર્શ બહુ ઓછી વાર પમાય છે. સર્જનાત્મક સ્તરે ભાષાશૈલીનું વિધાન કરવામાં જ ક્યાંક રાધેશ્યામની મુશ્કેલી રહી હોય એવી દહેશત રહે છે. વિવિધ સંદર્ભે ભાષાનું સ્તર બદલાય, કે પોત બદલાય, એ કળાદૃષ્ટિએ અપેક્ષિત હોય, પણ દરેક સંદર્ભમાં ભાષાશૈલીનાં જે રૂપો કૃતિનું મૂલ્ય નિષ્પન્ન કરવાને યોજાય તેમાં તેટલા પૂરતું તો સુસંવાદી લયાન્વિત ગદ્યનિર્માણ થવું જ જોઈએ. પણ અહીં એવું ગદ્ય મળતું નથી. રાધેશ્યામનું ગદ્ય એ રીતે નિકટતાથી તપાસ માગે છે. તેમની સર્જનપ્રવૃત્તિના વિકાસ માટે આવી તપાસ કદાચ ઉપકારક નીવડી શકે.