ગંધમંજૂષા/રૂપાયન

From Ekatra Wiki
Jump to navigation Jump to search

<div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(/dev/null): Failed to open stream: Operation not permitted> રૂપાયન


વસું છું શ્વસું છું આ રૂપલોકમાં
કોઈ કુશળ કુંભારના અનંત ચાકડે
ચડે ચાલે આ પૃથ્વીનો પિંડ
ધારણ કરે છે અવનવાં અનોખાં રૂપ,
ડારતો
ફુત્કારતો
ભડભડ બળતો
ઠરતો ઠારતો
તરસતો
ધોધમાર વરસતો
ગાળતો ઢાળતો રૂપોને

ક્ષણે ક્ષણે
રૂપ-અરૂપમાં સંક્રાંત થયા કરે છે,
તરલ વિરલ
આ સમુદ્રનાં શિલ્પો.
હલબલ હલબલ ઝલમલે છે.
જળરાશિનું નીલું લીલું મેદાન.
ફેન મોજાં
કાંઠા પર કાલવી દે છે
શંખ કોડી મોતી ને છીપ
સ્થિર રૂપ એ સમુદ્રનાં.

પાતાળમાંથી ફૂટે છે અવનવાં રૂપ વૃક્ષોનાં
સ્થિર છતાં ગતિમાન
ઊઘડતાં બિડાતાં ઊઘડતાં
પળેપળ અવકાશને કંડારતા.
હજાર હજાર નાની નાની મૂઠીઓ
ખોલે છે ચંપો.
અમળાઈ મરડાઈને બિહામણી
ભંગિમાં સ્થિર થાય છે રૂખડો.
સાંધ્ય જવનિકા પાછળ
કાંતાર વનોમાં
નવનર્તકોના
પવનદીક્ષિત વૃક્ષવેલીઓના
આરંભાય છે નાટારંભો.
પર્ણ પર્ણ રોમ રોમ
નર્તે છે અપૂર્વ અવનવી ભણિતિ ભંગિમા.

કાશિલ્પોનો મળે ન તોટો
તોય
એકમેકનો અહીં જડે ન જોટો.
લ્હેરાય લ્હેરદાર ઘાસની
હરિત પતાકા.
પક્ષીઓ આળખે આકાશને
અનેક જીવો દોરે
પૃથ્વીની ભવ્ય ભૂમિતિ.

અહીં !
નીરખી રહું રૂપ કીડી ને કુંજરનાં,
ખુરશી ને ખંજરનાં.
રૂપને ચીરતા ખંજરની મૂઠમાં પણ રૂપકારે ભરી છે
અવનવી બારીક કારીગરી.

પૂર્વજોના ચહેરાની બે રેખામાં ભળી જાય છે
ભેળવી દે છે ટમટમતી ત્રીજી રેખા,
પાકા નિભાડામાં ચડે છે એક વેલ
કલમ બને છે કાયા
ને કાયાને ફૂટે છે કલમ.
આ એક એક ચહેરો
રૂપ કદરૂપ અપરૂપ
છતાં નહીં જડ સજ્જડ.
અનાયાસ
એક એક અનન્ય.
આ એક એક ચહેરો
હાસ પરિહાસ
રોષ દોષમાં
કાળે કાળે
પલટાતો
પલટતો
ઉપટતો
બદલે છે ચહેરાઓ.

રૂપાયન ચાલ્યા કરે છે અંદર
કલ્પનાઓ આવેગો, ભાવ-વિભાવ ભાષામાં

રૂપાયન ચાલ્યા કરે છે બહાર.
કડડભૂસ દઈ તૂટે છે
મૌનમાં લીન થાય છે મહેલો,
મિનારાઓ, સ્તૂપો, કેથેડ્રલો
અરૂપમાંથી રૂપમાં
રૂપમાંથી અરૂપમાં રૂ
પાયન ચાલ્યા કરે છે આ વાયવી વિશ્વમાં.
બદલાતાં વસ્ત્રમાં, વસ્ત્રની ભાતમાં,
ચાના કપમાં, કીટલીમાં
કુંજામાં, સ્થાપત્યોની રેખાઓમાં,
હાઈડ્રોજનમાંથી હીલિયમ લીથિયમ યુરેનિયમમાં.
બિલિયન બિલિયન વિશ્વોમાં
ટ્રીલિયન ટ્રીલિયન કોષોમાં
ચિત્તમાં ચૈતન્યમાં
કાગળ ૫૨ આ કવિતામાં
રૂપાયન ચાલ્યા કરે છે આ વાયવી વિશ્વમાં.