ગંધમંજૂષા/જોયાં છે મેં

<div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(): Unable to create pipe Too many open files> જોયા છે મેં

જોયાં છે કે ભૂલકાંઓ
પ્રભુ અને પાણીના અદ્ભુત સમન્વય જેવાં
આશ્ચર્યના અવતાર જેવાં
જોયાં છે મેં
બાળકો દડબડ દોડતાં પડતાં આખડતા દોડતાં.
હસ્તામલકવત્ જગતમાં લીન વિશ્વરૂ૫ એકાકાર તદાકાર
જગતને ઝીલતા ઝિલાતા
પરાધીનતાનેય માણતા
જોયા છે મેં કિશોરો.
– ખૂલેલી સીમસીમથી અભિભૂત
ક્ષિતિજરેખાને પકડતા
તડકાને ખિસ્સામાં ભરતા
જોયા છે મેં યુવાનો.
શક્તિસ્રોતમાં નહાતા
સ્વપ્નોની રજથી રજોટાયેલા
સ્વાધીન, વિદ્રોહી વિપ્લવી
પરંપરા તોડવાની પરંપરાને આગળ વધારતા
આગળ આગળ વાદળમાં દોડતા
પાછું ન વળતા
દોડતા આગળને આગળ
જોયા છે મેં પ્રોઢો.
આકાશ આંબ્યા પછી જમીનમાં સ્થિર થતા
આગળ આગળ ચાલતા
પાછું વળી જોતાં
કુટુંબકલશોરમાં કૉળતા ધીમેધીમે કરમાતા
જોયા છે મેં વૃદ્ધો.
એકલા એકાકી પરાધીનતાને કોસતા
સમેટાયેલા સંકેલાયેલા વખત આવે ખીલતા ખૂલતા
વાતોએ વળગતા ઝોડની જેમ
ફરી એકલ કોટરીના કાળા પાણીમાં સરતા
ફાટી આંખે શૂન્યમનસ્ક આકાશને ફાકતા
એક એક પગલું મૂકતા જાળવીને
કોણ જાણે ક્યાં ના
ધીમે ધીમે કરમાતા
ધીમે ધીમે મરતા
અંધકારથી અજ્ઞાતથી ડરતા
તેમની આંખોથી મનેય ડારતા.