કાવ્ય-આચમન શ્રેણી – હરિશ્ચન્દ્ર ભટ્ટ/અગ્નિસ્ફુલિંગ જ્યાંથી

૧૪. અગ્નિસ્ફુલિંગ જ્યાંથી

પુષ્પે આનંદ હોયે જીવન મહીં તને, આવળો શેં ન લેતો?
ગૂલો મોઘાં ગમે છે? ક્યમ નહિ ગમતાં આકડાનાં ફૂલો આ?
મીઠી આછી સુગંધી વહવી રીઝવતો તે તું ચંપો લઈ લે.
શંભુએ ઝેર પીધું દધિમથન મહીં, તે સ્મૃતિને જગાવા
રાચે લૈને ધતૂરો, ધવલ નીલ કિનારીથી જે શોભતો; ને
લેજે આ બારમાસી કદિ ય નહિ ખૂટે શીતમાં કે વસંતે;
ચિત્રો લાજાળ ચૈત્રે, અગર અગથિયો મ્હોરતો શ્રાદ્ધ પક્ષે;
કેસૂ-સોનેરુ તારા જીવન પથ સખા શેવતી ગુચ્છ શોભે,
લે આ પદ્મો વધાવે રવિ; ક્યમ નહિ આ કુંદ-ને તારું માને?
ક્યાંયે જોઈ છ એવી સુરભિ સુમનની વ્હેતી ગંગા જલો શી
શુભ્રા ઉલ્લાસકારી, ઉર કુહર ભરી ચિત્તને પ્રેરનારી?
પુષ્પે આનંદ શાને? તૃણ મહીં અથવા વૃક્ષ ને વલ્લીઓમાં
આકાશે, પૃથ્વીએ આ, ખગ–જન–પશુમાં, કીટમાં વા ગમે ત્યાં
જીવિતે સૃષ્ટિમાં આ જડ મહીં, રજમાં, પર્વતે વા ખનિજે
પામે સૌન્દર્યની વા પ્રણયની ચિનગારી તહીં તે તું લેજે
અગ્નિસ્ફુલિંગ જ્યાંથી ગ્રહણ કરીશ તું તેજ ત્યાંથી તું પીશે.

૧-૧૨-૧૯૪૧ (‘સ્વપ્નપ્રયાણ’, પૃ. ૩૨)