કાવ્ય-આચમન શ્રેણી – રઘુવીર ચૌધરી/ગુજરાત


૨૬. ગુજરાત

હું આવકારનો ભાવ સદા ગુજરાત!
વિભુની કૃપારૂપે લહેરાય નર્મદામાત!
ભારતમાની કેડે બેસે
હૈયે મૂકી હાથ,
રત્નાકરના મોજે મોજે
તારે ભરવી બાથ.
નરસૈંયો જગવે છે ભીતર નિત્યનવીન પ્રભાત!
રણ રોકીને ઊભો અર્બુદ
વનની ચીંધે વાટ,
તીર્થસલિલા સાબર-તીરે
ગાંધી બાંધે ઘાટ!
શિર સાટે નટવર વરનારા યુગવલ્લભ જન જાત!
નિત્ય નવો પુરુષાર્થ પ્રેરતા,
પ્રેમ-શૌર્યમાં ખરા,
વસે અહીં સહુ વંશ વિશ્વના
ધર્મનીડ આ ધરા,
ન હો કર્મને સીમા સ્વાર્થની એ જ કૃષ્ણની વાત!
૧૯૮૯

<div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(/dev/null): Failed to open stream: Operation not permitted> (ફૂટપાથ અને શેઢો, પૃ. ૩૧)