કાવ્ય-આચમન શ્રેણી – નલિન રાવળ/ ૪. એક વૃદ્ધાની સાંજ
૪. એક વૃદ્ધાની સાંજ
નલિન રાવળ
જાળી ઉપર ગૂંચવઈ ગયેલો સાંજનો તડકો નિહાળી
ઊન ગૂંથતાં આંગળાં ઘરડાં અચાનક કંપમાં અટકી ગયાં.
ચ્હેરા ઉપર કરચોલીઓની ભુલભુલવણી મહીં
આછો ફફરતો ભાવ એકાએક તે અટવઈ ગયો.
ભારમાં પ્હેલાં નમી પાંપણ ફરી ઊંચકઈ
હવામાં સ્થિર ના થઈ તહીં...
ધ્રૂજતી લથડી રહેલી આંખની કીકી
પૂછેઃ
‘એ કોણ છે?
ને હોઠ પર અંગાર આ કોણે મૂક્યો?
ને લોહી આ કોનું હસે છે?’
જાળી ઉપર અંધાર ત્યાં ગૂંચવઈ ગયો.
ઊન ગૂંથતાં આંગળાં ઘરડાં અચાનક કંપ લેતાં કામમાં લાગી ગયાં.
(અવકાશપંખી, પૃ. ૬)