કાવ્ય-આચમન શ્રેણી – અમૃત ઘાયલ/કેમ ભૂલી ગયા? દટાયો છું
Jump to navigation
Jump to search
૧૭. કેમ ભૂલી ગયા? દટાયો છું
કેમ ભૂલી ગયા? દટાયો છું,
આ ઇમારતનો હુંય પાયો છું.
હું હજી પૂર્ણ ક્યાં કળાયો છું?
અડધોપડધો જ ઓળખાયો છું.
વિસ્તર્યા પણ બધેય છાયો છું!
હું અજબ રીતથી ઘવાયો છું!
આમ તો એક બિંદુ છે કિન્તુ,
સપ્ત સિંધુથી સંકળાયો છું!
સૂર્યની જેમ સળગ્યો છું વર્ષો,
ચન્દ્રની જેમ ચોડવાયો છું!
વઢ નથી વિપ્ર, આ જનોઈનો,
આમ હું આડેધડ કપાયો છું.
રામ જાણે શું કામ હું જ મને,
સર્પની જેમ વીંટળાયો છું!
એ જ છે પ્રશ્ન : કોણ કોનું છે?
હું ય મારો નથી, પરાયો છું!
સાચું પૂછો તો સત્યના પંથે,
ખોટી વાતોથી દોરવાયો છું!
ઊંચકે કોણ પંથ ભૂલ્યાને?
આપમેળે જ ઊંચકાયો છું.
મીંડું સરવાળે છું છતાં ‘ઘાયલ',
શૂન્ય કરતાં તો હું સવાયો છું.
<div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(): Unable to create pipe Too many open files> (આઠોં જામ ખુમારી, પૃ. ૩૦૭)