કથાલોક/કેસ–હિસ્ટરીનાં કાગળિયાં
કેસ–હિસ્ટરીનાં કાગળિયાં
‘નવલકથા શરૂ કરવામાં એને બે મુશ્કેલીઓ નડી. એક તો વાર્તા ક્યાંથી શરૂ કરવી એ એને ન સમજાયું. જીવનમાં તો ઘણું ઘણું બને પણ એ બધું કાંઈ ચોટદાર નથી હોતું. જેમ બન્યું એમ લખવામાં એ ફિક્કી લાગવા સંભવ હતો. વળી દરેક બનાવને એના આગળના બનાવ સાથે એવા અતૂટ સંબંધો હતા કે ક્યાંથી લખવાની શરૂઆત કરવી એ એના માટે એક કોયડો થઈ પડ્યો.’ આ અવતરણ મોહમ્મદ માંકડની લાંબી વાર્તા ‘મનોરમા’માંથી લીધું છે, અને એમાં એ જ વર્તાની લખાવટની સમસ્યાઓ અને મુશ્કેલીઓનો સાર આવી જાય છે. ‘મનોરમા’ યુવક–યુવતીઓની વાર્તા છે. કથાનાયિકા મનોરમા નવોદિત વાર્તાલેખિકા છે અને લલિત નામનો ‘પ્રૌઢ’ લેખક–અધ્યાપક એની વાર્તાઓ સુધારી આપવાને અને માર્ગદર્શન આપવાને બહાને એની સાથે શારીરિક છૂટછાટ લેવા મથે છે. પણ મનોરમાને બાળપણમાં આવો જ એક કડવો અનુભવ થઈ ગયેલો એની ચોટ એના માનસ ઉપર એવી તો તીવ્ર છે કે લલિતની આ બધી છેડતીઓનો એ ઝનૂનપૂર્વક સામનો કરે છે. પરિણામે લલિત વધારે ઝનૂનથી મનોરમા ઉપર વેર લેવા મથે છે. એ ઉદ્દેશથી એ પોતાની પત્ની સરલાને પણ સંતાપે છે, એને પિયર વળાવી દે છે. લેખકે મનોરમાને લલિતને ચાહતી બતાવી છે, પણ એ પોતાના બાળપણના કડવા અનુભવની મનોવેદનાને કારણે લલિતને સ્વીકારી શકતી નથી એવી છાપ ઊભી થાય છે. કથામાં નરેન્દ્ર નામનો એક યુવક પણ મનોરમા પાછળ ઘેલો થાય છે. એને આરંભમાં જ મનોરમાનો પગ કચડતો આલેખવામાં આવ્યો છે. આખરે મનોરમા લલિતની છેડતીથી ત્રાસીને બહારગામ ચાલી જાય છે ત્યારે લલિત પણ માનસિક અશાંતિથી પીડાતો ગામડે રહેવા જાય છે, અને ત્યાં પોતાના જ જીવન ઉપરથી સાચાં નામ અને સાચાં પાત્રોવાળી નવલકથા લખવા માંડે છે. કથાનો અંત શી રીતે લાવવો, એની લલિતને મૂંઝવણ થતી હોય છે ત્યાં જ, પોતે પિયર વળાવેલી પત્ની સરલાની માંદગી વેળા એને શ્વશુરગૃહે જવાનું થાય છે. સરલાને પુત્રજન્મ થયો હોવાના સમાચારની સાથે જ અખબારમાંથી એને બીજા એક સમાચાર પણ વાંચવા મળે છે કે નરેન્દ્રે મનોરમા ઉપર બળાત્કાર કર્યો હોવાથી મનોરમાનું મૃત્યુ થયું છે. કથા નાનાંનાનાં પ્રકરણ–ખંડોમાં લગભગ બસો પાનાં સુધી વિસ્તરી હોવા છતાં એનો ઢાંચો નવલકથા કરતાં લાંબી વાર્તાને વધારે મળતો આવે છે. આરંભથી લગભગ અરધે સુધી પાત્રો જેવી જ પ્રસંગોની પણ એકવાક્યતાને કારણે કથારસ બહુ જામતો નથી, પણ છેવટનાં પ્રકરણો વધારે રસપ્રદ બન્યાં છે. અને ઉપસંહાર પણ આખી કથાની એક સમુચિત પરાકાષ્ટા બની રહે છે. પહેલી નજરે આ ટૂંકા ફલક પરનો કથાપ્રવાહ પાંખો લાગવા સંભવ છે. પણ વાર્તા–વસ્તુનું એ પાંખાપણું લેખકે અન્ય તરકીબો વડે ભરપાઈ કરવાનો પ્રયત્ન કર્યો છે. આ તરકીબ છે, એક વેળા જેવી બોલબાલા હતી એ ‘મનોવિશ્લેષણ’ની. લેખકે દરેક મુખ્ય પાત્રના જીવનનો ભૂતકાળ સવિસ્તર આલેખીને એની મનોગ્રંથિ સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. મનોરમાની જેમ લલિતને, સરલાને, સહુને ભૂતકાળમાં જિન્સી બાબતતો કોઈક એવો અનુભવ થઈ ગયો છે, જે એમને વર્તમાનમાં સતાવી રહ્યો છે, અને એમની જાતીય–સામાજિક વર્તનનું ચાલકબળ બની રહ્યો છે. બીજી રીતે કહીએ તો, આ કથાના દરેક પાત્રનું જીવન એના રોગનિદાન સહિત રજૂ થયું છે. પરિણામે, એ કોઈ જીવતું–જાગતું, ત્રિવિધ પરિમાણ ધરાવનારું, હાડમાંસનું બનેલું, હરતું ફરતું પાત્ર મટીને કોઈક દર્દીના ‘કેસ હિસ્ટરી’નાં કાગળિયાં જેવું બની રહે છે. અને આખી કથા જીવન્ત પાત્રોથી ઉભરાવાને બદલે આવા વિવિધ કેસ–હિસ્ટરીના કાગળોથી ફાઈલ જેવી વિશેષ લાગે છે. આનું કારણ કદાચ એ હોય કે લેખક કહેવાતા ‘મનોવિશ્લેષણ’ના વધારે પડતા મોહમાં ફસાયા છે. તેથી જ એમણે કથારસમાં ક્ષતિ કરે એવા ઘણા બિનજરૂરી પ્રસંગો આલેખવા પડ્યા છે, અમુક પરિસ્થિતિઓનું વારેવારે પુનરાવર્તન કરવું પડ્યું છે. મનોવિલેશ્વણ પણ આખરે તો વાર્તારસની નિષ્પત્તિ માટે જ યોજાવું ઘટે : વાર્તારસને ભોગે વિશ્લેષણ યોજાય ત્યારે કલાદૃષ્ટિએ એ લાખના બાર હજાર જેવો ધંધો બની રહે. લલિત વાઙ્મયની અને વિશેષ તો નવલકથાની એક મહત્ત્વની કામગીરી વાચકને મનોરંજન પૂરું પાડવાની હોય છે. તેથી વાર્તાકાર પોતાની વાર્તામાં જે કાંઈ રજૂ કરે એ કલાત્મક ઢબે જ રજૂ થવું ઘટે. પછી એ મનોવિશ્લેષણ હોય, મનોરોગનિદાન હોય કે કોઈ સામાજિક–આર્થિક સમસ્યાની છણાવટ હોય. એ સઘળું કલાત્મક રીતે સુંદર રીતે કહેવાવું જોઈએ. વાચક મનોરોગનાં તબીબી ગ્રંથોને બદલે વાર્તા–નવલકથા વાંચવા પ્રેરાયો છે એનું કારણ જ એ છે કે એને મનોવિજ્ઞાનની વાત પણ રંજનાત્મક ઢબે જ સાંભળવી છે, શુષ્ક રીતે નહિ. મનોરંજનને ભોગે મનોવિશ્લેષણ એને સ્વીકાર્ય નથી. વાર્તાકથનની ઘણી કરામતો લેખકે આ કથામાં યોજી છે. સ્ત્રી–પુરુષના સંબંધો, છાનાંછપનાં મિલનપ્રસંગો, સ્વપ્નો, ‘નાજુક’ પરિસ્થિતિઓ, ખુલ્લેખુલ્લી કબૂલાતો અને એકરારો, ચબરાક સંવાદો, અહીં તહીં તુક્કાટુચકાઓ વગેરે સામગ્રીની તો આ કથામાં કમીના નથી. અને છતાં વાચક આપમેળે કથાપ્રવાહમાં ઘસડાઈ જાય એવો અનુભવ બહુ ઝાઝો થતો નથી એ શાથી? કથારસમાં તરબોળ બનવાને બદલે પ્રયત્નપૂર્વક કથારસ શોધવો પડે એ પરિસ્થિતિ બહુ સુખદ ન ગણાય. આનું કારણ કદાચ એ હોય કે લેખકે કથાની એક પૂર્વનિશ્ચિત કારિકા(ફોર્મ્યુલા)ને વશ વર્તવું પડ્યું હોય. પરિણામે એમને મનોવિજ્ઞાનનાં મનોયત્નો જેવી મહેનત કરવી પડી હોય. પાત્રોનાં બીબાં પૂર્વયોજિત હોવાથી એના સ્વયં વિકાસ માટે ઝાઝો અવકાશ ન રહ્યો હોય. કલાકૃતિમાં તો કોઈ વાર એવું બને કે પાત્રો અને પ્રસંગો લેખકની ઉપરવટ જઈને અમુક આકાર ધારણ કરી રહે. અને એ પરિણામ પ્રત્યે ખુદ એનો સર્જક ૫ણ આશ્ચર્યથી નીરખી રહે. એવી શક્યતા આ કથામાં નહિવત્ છે, કેમ કે લેખકે પાત્રોને સ્વૈરવિહારનો અવકાશ જ નથી આપ્યો. આ મનોવિશ્લેષણની ફૅશન મૂળ તો પશ્ચિમમાં ફ્રોઈડ અને જુંગના આગમન પછી શરૂ થયેલી. માનવીના આંતરમનની અગોચર સૃષ્ટિની વાતો કેટલાક કલાકારોને હાથે સારી લખાયેલી. પણ સઘળી ફૅશનની જેમ આનો પણ અતિરેક થતાં એ સામે પ્રત્યાઘાતો જાગેલા. જેમ્સ જૉઈસકૃત ‘યુલિસિસ’ની પ્રશંસા સાથે પ્રત્યાઘાત પણ જન્મેલા. નવલકથા એટલે ‘નૉવેલ’ એ મૂળ તો ‘નુવેલા’ એટલે કે ‘ન્યૂઝ’, કશાક બનાવના સમાચાર ઉપરથી આવેલો શબ્દ છે. આજની કલાત્મક નવલકથા નર્યું વૃત્તાંતનિવેદન ન બને તોયે એમાં કશુંક બનવું તો જોઈએ જ. કથાનો પ્રવાહ મનોવિશ્લેષણમાં જ ઘૂમરીઓ ખાધા કરે તો શહેરેજાદના અર્વાચીન પતિઓ ભાગ્યે જ સંતુષ્ટ થઈ શકે. વાચકને શ્રોતાને સુકથાની મદિરા પીરસ્યા વિના શહેરેજાદ જીવતી નહિ રહી શકે. જૂન ૨૮, ૧૯૬૧