કથાલોક/કથાસાહિત્યને કોણ મૂલવશે?
કથાસાહિત્યને કોણ મૂલવશે?
કવિતાને મુકાબલે કલ્પનોત્થ સાહિત્યનું વિવેચન ઓછું જ થાય છે–આપણે ત્યાં જ નહિ, પશ્ચિમમાં પણ. આ માટેનું એક કારણ કદાચ એ હોય કે, કાવ્યવિવેચનનું શાસ્ત્ર સેંકડો વર્ષોથી સુલભ છે, એની એક પરંપરા છે, તૈયાર પરિપાટી પણ છે. વાર્તા અને નવલકથાના સાહિત્યપ્રકારો કવિના કે નાટકને મુકાબલે હજી નવાસવા હોવાથી એને યથાતથ મૂલવવાની સજ્જતા સઘળા વિવેચકો પાસે ન પણ હોય. સર્વાન્તિસકૃત ‘ડોન કિહોટે’ને વિશ્વસાહિત્યની આદિનવલકથા ગણીએ તો ચારસો વર્ષનો સમયગાળો બહુ મોટો ન ગણાય. નાટકનાં અઢી હજાર વર્ષને મુકાબલે નવલકથાની પાંચ સદી કિસ ગિનતીમાં! નવલકથાનાં વ્યાવર્તક લક્ષણો બાંધતા, મૂલગામી ગણાય એવા વિવેચનગ્રંથો તો પશ્ચિમમાં પણ ગણતર સંખ્યામાં જ સુલભ છે, ત્યારે આપણે ત્યાં એની ઓછપ હોવા બાબત શીદને વસવસો કરવો? ‘વર્તમાન કથાસાહિત્યને મૂલવવામાં વિવેચન નિષ્ફળ ગયું છે’, એ આજના ચર્ચા વિષયની શબ્દાવલીને અંતે પ્રશ્નાર્થ ચિહ્ન મુકાયું છે, એ યથાતથ રહેવા દેવું કે ત્યાં આશ્ચર્ય ચિહ્ન મૂકવું એ આ સભાએ નક્કી કરવાનું છે. એ વાત સાચી કે વાર્તા–નવલકથાની સરખામણીમાં કવિતાનું વિવેચન વિપુલ પ્રમાણમાં થાય છે. એક માસિકમાં કોઈક કાવ્યસંગ્રહના ઉપરાછાપરી બે વાર અવલોકનો આવ્યાં ત્યારે એક સામાન્ય વાચકે સાશ્ચર્ય એનું કારણ પૂછેલું. મેં એમને સરલ ઢબે સમજાવેલું : કવિતાનું વિવેચન સહેલું હોય છે, કલ્પનોત્થ સાહિત્ય વિવેચવા માટે અમુક વિશિષ્ટ સજ્જતાની અપેક્ષા રહે છે. સર્જાતા વાર્તા–કથા સાહિત્યની નિયમિત નોંધ લેવાતી નથી એવી એક વ્યાપક ફરિયાદ રહે છે. અર્ધગંભીરપણે એમ કહી શકાય કે વિવેચક પરોપજીવી હોવા ઉપરાંત મંદ બુદ્ધિ પ્રાણી પણ છે. એ માટે વિદેશોમાં એક મજાક પ્રચલિત છે. નાટ્યકલામાં ‘થિયેરી ઑફ થ્રી’ મુજબ મહત્ત્વની ઉક્તિઓ એકવાર નહીં પણ ત્રણ ત્રણ વાર ઉચ્ચારવાનું સૂચવાયું છે. એના પ્રથમ ઉચ્ચારણ વેળા એ અરધા ઑડિયન્સને સમજાય, બીજા ઉચ્ચારણ વેળા બાકીના પ્રેક્ષકો એનો મર્મ પામી શકે, અને છેક ત્રીજા ઉચ્ચારણે એ વિવેચકોની સમજમાં ઊતરી શકે... આ મજાકને આશ્વાસન લેખે સ્વીકારીએ તો તત્ક્ષણ વિવેચનની આશા જ વ્યર્થ ગણાય. ઇન્સ્ટન્ટ કૉફી સુલભ છે—અમેરિકામાં હવે ઇન્સ્ટન્ટ બિયર પણ શોધાયો છે—પણ ઇન્સ્ટન્ટ વિવેચનની અપેક્ષા ન જ રાખી શકાય. કેટલાક સ્વાવલંબી લેખકો પોતાના ગ્રંથના પ્રકાશનની જોડે જ પ્રશંસાત્મક વિવેચનો પણ પ્રગટ કરાવતા રહે છે એમને માફ કરીએ. ઘણી વાર ઉત્તમ અપૂર્વ સર્જન વિવેચન માટે પડકાર બની રહેતું હોય છે. કોઈવાર વિવેચકો મતિમૂઢ પણ બની જતા હોય છે. સદ્ભાગ્યે આપણું સાહિત્ય હજી એટલું બધું સમૃદ્ધ કે અતિસમૃદ્ધ નથી, કે ઉત્તમ સર્જન પ્રત્યે લાંબા ગાળા સુધી દુર્લક્ષ સેવવામાં આવે. વિવેચનપ્રવૃત્તિ પણ અંશતઃ સર્જનાત્મક વ્યાપાર ગણીએ તો એના આવિષ્કારમાં થોડો વિલંબ આપણે સાંખી જ લેવો રહ્યો. ભવભૂતિ જેવો કવિ પોતાના સહૃદય ભાવુકો માટે ભાવિ પેઢીઓ ઉપર મીટ માંડી શકે તો દરેક સાચો સર્જક સહદય વિવેચક માટે પણ આવો આશાવાદ કેમ ન કેળવે? ફ્રાન્ઝ કાફકાનું ઘણુંખરું વિવેચન એના અવસાન પછી જ થયું છે ને? સર્જાતા સાહિત્યનું કશી સાચી સમજણ વિના વિવેચન થાય એ પણ શા ખપનું? બિનસાાહિત્યિક કારણસર થતી પ્રશંસા સર્જકતાને હણી નાખવાનું કામ જ કરતી હોય છે. અતિઉપેક્ષાની જેમ જ અતિપ્રશંસા પણ ચિંતાનો જ વિષય ગણાય. ખોટાં કારણસર થતી પ્રશંસામાં હરખાવાનું પણ શું? વર્તમાન કથાસાહિત્યને મૂલવવામાં વિવેચન નિષ્ફળ ગયું છે. એવા આક્રોશનું લક્ષ્ય અધ્યાપકીય વિવેચન હોય એમ લાગે છે. અહીં અધ્યાપકોને ‘અભણ’ તરીકે નવાજવામાં આવ્યા છે. તો કોઈ અધ્યાપકોએ વળતી ગાળરૂપે લેખકોને ‘અભણ’ કહ્યા છે. આમ, સામસામા આક્ષેપો કરવાને બદલે આપણે અભણપણાનો આળિયોઘોળિયો પ્રકાશકો ઉપર જ ઓઢાડી દઈએ તો કેવું સારું! —એ લોકો સર્જન તેમજ વિવેચન બધું જ વાંચ્યા વિના, કશા વિવેક વિના છાપી નાખતા હોય છે. વિદેશોમાં તો પ્રકાશકો નિરક્ષર હોય તો પણ, ગેલિમાર્ડ જેવી સંસ્થાએ આન્દ્ર જિદ જેવા સાહિત્યકારને પોતાના–રીડર, સલાહકાર તરીકે રાખે અને પ્રુસ જેવો નવોદિત નવલકથાકાર જિદને હાથે પોતાની હસ્તપ્રત રદ–પરત કરાવવામાં પણ પોરસ અનુભવે. આપણા નવોદિતો આવો વિનમ્ર અભિગમ કેળવે તો કેવું સારું! એ વાત સાચી કે ભલભલા સમર્થ વિવેચકો પણ કોઈ વાર ઉત્તમ કલાકૃતિ પારખવામાં થાપ ખાઈ જતા હોય છે. લક્ષ્મીકાંત ભટ્ટની એક ચુનંદી ઉત્તમ વાર્તા રા. વિ. પાઠક પારખી શક્યા નહોતા. તેથી જ, આપણી નજર અધ્યાપકીય કે અકાદમીય વિવેચનને બદલે સર્જક વિવેચન ઉપર રહેવી ઘટે. વિદેશોમાં પણ કલ્પનોત્થ સાહિત્યના ઉત્તમોત્તમ વિવેચકો કથાકારો પોતે જ હોય છે. ફ્રાન્સમાં નવી નવલકથા માટેના બબ્બે મેનિફેસ્ટો પ્રગટ કરનારાઓ પોતે સમર્થ નવલકથાકારો જ છે. સાચો કવિકુલગુરુ કવિ એઝરા પાઉન્ડ જ બની શકે કેમ કે એની સર્જક ઘ્રાણેન્દ્રિય અન્ય વિવેચકો કરતાં વધારે સતેજ હોય. આવી સતેજ પરખ ધરાવનાર વિવેચકોની જ આપણે પ્રતીક્ષા કરવી રહી. વાર્તાવર્તુળ સંમેલન, નડિયાદ ખાતે ‘વર્તમાન કથાસાહિત્ય અને વિવેચન’ના પરિસંવાદને અધ્યક્ષસ્થાનેથી કરેલાં નિરીક્ષણો, ૨૫-૨-૧૯૬૮