કથાલોક/આવતી કાલની નવલકથા
આવતી કાલની નવલકથા
નવલકથાના ભાવિ વિષે આપણે ત્યાં જ ચિંતા સેવાય છે એવું નથી, અન્ય ભાષાઓમાં, વિદેશોમાં પણ ઘણીવાર આ સાહિત્યપ્રકારના જન્માક્ષર જોવાતા જ રહે છે, કુંડળીઓ મંડાતી રહે છે અને આવતી કાલની નવલકથા અંગે આગાહીઓ થતી રહે છે. આ ક્ષેત્રમાં છેલ્લામાં છેલ્લાં નજુમી એક લેખિકા આવ્યાં છે. એમનું નામ એનેઈસ નિન. હમણાં વોશિંગ્ટનના સંસદગૃહના ગ્રંથાગારમાં એમણે ભવિષ્યની નવલકથા વિશે વ્યાખ્યાન આપ્યું. અલબત્ત, દરેક ભવિષ્યવેત્તાને પોતાના અંગત ગમાઅણગમા તો હોવાના જ. અને એ અંગત અભિગમ વડે જ એની ભવિષ્યવાણી ઉચ્ચાર પામવાની. નિન પોતે અધિકાંશ આંતરજગતના લેખિકા છે. એ રીતે એમનું સામ્ય વર્જીનિયા વુલ્ફ કરતાંય ડોરોથી રિચર્ડસનમાં શોધી શકાય. એમની લઘુનવલ ‘ચિલ્ડ્રન ઑફ ધ એલબેટ્રોસ’ની પ્રણયભગ્ન નાયિકા જુવાના માટે સ્વપ્નસૃષ્ટિ જ સાચી સૃષ્ટિ બની રહે છે. ‘ધ ફોર–ચેમ્બર્ડ હાર્ટ’માં એ જ કથાનું અનુસંધાન છે. એમાં, જુવાનાના જીવનમાં ગ્વાતમાલી પ્રેમી રેંગો પ્રવેશે છે. એ પ્રેમી, પરિણીત છે. અને છતાં જુવાના એને સહર્ષ સ્વીકારે છે, એટલું જ નહિ, રેંગોની કર્કશા પત્ની ઝોરાને પણ નિભાવી લેવી પડે છે. બે નારી વચ્ચે હિજરાતા ને રિબાતા નાયકની આ કથા ઉપર વિવેચકો વારી ગયા છે. એડમન્ડ વિલ્સન આ લેખિકાની કથાસૃષ્ટિને ‘અર્ધકલ્પનોત્થ, અર્ધસ્વપ્નિલ’ ગણાવે છે. એનેઈસ નિન વિશેષ જાણીતાં થયાં છે એમનાં ‘પૉર્ટ્રેટ્સ’ વડે. વાસરિકાશૈલીએ લખાતાં આ વ્યક્તિચિત્રો અંગ્રેજીભાષી દુનિયામાં હલચલ મચાવી રહ્યાં છે. એમનો મનગમતો અધ્યયનવિષય છે, મનોવિશ્લેષણ લેખિકાએ પોતે પોતાનું મનોવિશ્લેષણ ડૉ. ઓટો રીંક પાસે કરાવેલું, અને પછીથી એમની જોડે જ મનોવિજ્ઞાનનો વ્યવસ્થિત અભ્યાસ કરેલો. આવો જીવનાભિગમ ધરાવનાર લેખિકા નવલકથાના ભાવિ વિશે વાત કરે ત્યારે એમાં એમનાં અંગત વલણો, રુચિ–અરુચિ પણ પડઘાઈ રહે એમાં શી નવાઈ? નવાઈની વાત તો એ છે કે આજકાલ કથામાંથી કથાતત્ત્વની નાબૂદી માગનારાં નેથેલી સૌરો કે એલેન રોબ–ગ્રિયે જેવાં સાહિત્યકારોમાં નિનને રસ નથી. (અલબત્ત, રોબ–ગ્રિયેની છેલ્લી નવલકથામાં ધૂમધડાકેદાર ક્રિયાતત્ત્વ પુનઃ પ્રવેશ પામતું જણાય છે.) નિન માને છે કે સૌરો અને રોબ–ગ્રિયેની કથાઓમાં ઊર્મિઓ સિવાયનાં સર્વ તત્ત્વોનું અંકન થાય છે, અને એનાં પાત્રો સ્વપ્નભોમમાંના સંકેતોની પેઠે વર્તતાં હોય છે. (આ લક્ષણોને તો આપણા અતિઉત્સાહી નવોદિતો આજકાલ નવીનતાની પરાકાષ્ઠા ગણીને, તાણીતૂસીને પોતાની કૃતિઓમાં લાવી રહ્યા છે, ત્યારે એનેઈસ નિનનું આ નિરીક્ષણ આ૫ણને આત્મનિરીક્ષણ કરવા પ્રેરે એવું છે.) શ્રીમતી નિન નવલકથામાં ઊર્મિતત્ત્વનાં આગ્રહી હોવા છતાં અસંપ્રજ્ઞાત ચિત્તપ્રવાહોના અંકન અંગે બહુ ઉત્સાહ ધરાવે છે. આવતી કાલની નવલકથા આ અસંપ્રજ્ઞાત ચિત્તપ્રવાહોનું વધારે ને વધારે ચિત્રણ કરતી રહેશે, એમ તેઓ માને છે. લાગણીતંત્રની આંતરિક તર્કરચના ઉપરટપકે અતાર્કિક દેખાતા બાહ્ય ક્રિયાતત્ત્વમાં શી રીતે પ્રતિબિંબિત થાય છે, એના નિરૂપણ ઉપર નવી નવલકથાનો ઝોક રહેશે, એમ આ લેખિકા માને છે. ‘જેમ્સ જૉઈસ, વર્જીનિયા વુલ્ફ, જૂન બાર્નેસ વગેરેએ જે અનન્ત શક્યતાઓ ઉઘાડી આપી છે, એનો પૂરેપૂરો કસ કાઢવાનું હજી બાકી છે. અસંપ્રજ્ઞાતની સામગ્રીઓને સંપ્રજ્ઞાતની સામગ્રીઓ જેટલી જ વિશદ અને અર્થગર્ભ બનાવવા આપણે મથી રહેવું જોઈએ’, એમ આ વ્યાખ્યાનમાં જણાવાયું છે. આ નિરીક્ષણમાં આવતી કાલની નવલકથાના લક્ષણવિશેષનો અણસાર આવી જાય છે. પણ સાથેસાથે, અર્વાચીન નવલકથા–પ્રયાસો સામે લાલ બત્તી પણ પારખી શકાય છે. નવલકથાકાર અગોચર ચિત્તમાં ખાંખાંખોળાં કરે એ સમજી શકાય. પણ એ અગોચરની સામગ્રી જ્યાં સુધી ‘ગોચર’ જેટલી જ વિશદ અને અર્થસભર ન બની રહે ત્યાં સુધી એ લેખનપ્રયત્ન તુંબડીમાંના કાંકરા જ બની રહે. નિન પોતે ઓછાં અર્વાચીન નથી. એમના જીવનનો ઘડતરકાળ પેરિસમાં વીતેલો. અર્વાચીનોમાંના આદ્ય એવા હેન્રી મિલરનું ગુરુપદ એમણે સ્વીકારેલું છે. (‘ટ્રોપિક ઑફ કેન્સર’ પેરિસમાં છેક ૧૯૩૪માં પ્રગટ થઈ ત્યારે એનો આમુખ લખવાની હામ પણ આ લેખિકાએ જ ભીડેલી.) અને છતાં નવલકથામાં પ્રયોગખોરીની બાબતમાં એમનું વલણ મધ્યમમાર્ગી છે, બલકે કલાઆગ્રહી છે. એ તો આ પ્રવચનમાં જોઈ શકાય છે. વીસમી સદીના આરંભિક અર્ધશતકની નવલકથા મહદંશે મનોવૈજ્ઞાનિક રહી છે. એ કથાપ્રકારની સિદ્ધિઓ જોડે કેટલાંક ભયસ્થાનો પણ છે જ. એ બેઉનું તોલન કરવા જેવું છે. આવતી કાલની નવલકથા વિશે બોલતાં શ્રીમતી એનેઈસ નિને જેમની કથાઓ પ્રત્યે અણગમો દાખવ્યો છે, એ ફ્રેન્ચ લેખક એલેઈન રોબ–ગ્રિયેનો અછડતો પરિચય કરવા જેવો છે, કેમ કે અર્વાચીન અ–કથા(એન્ટાઈ નોવેલ)ના તેઓ આદ્ય પુરસ્કર્તા ગણાય છે. એ ફ્રેન્ચ લેખક વાસ્તવિકતામાં માનતા નથી. તેઓ કહે છે કે જીવનમાં માત્ર શક્યતાઓ–સંભવિતતાઓ જ છે. અને યથાર્થતાને બદલે આ સંભવિતતાઓ ઉપર મુસ્તાક રહીને તેઓ સ્વપ્નકથાઓ જેવી નવલકથાઓ રચે છે. એમની તાજેતરની કથા ‘લા મેઈસન દ રાંદેવૂ’ પ્રગટ થઈ ત્યારે એક વિવેચકે કહેલું, ‘પેટમાં દુખાવો ઊપડ્યો હોય અને ઊંઘવા મથીએ ત્યારે જેવો અનુભવ થાય એવો જ અનુભવ આ કથા વાંચતી વેળા થાય છે.’ પેટની ગડબડ વેળા ગંદાં સ્વપ્નો વડે માણસ પરેશાન થાય એવી જ પરેશાની રોબ–ગ્રિયેની આ કૂટણખાનાની કથા વાંચતી વેળા થાય છે. અહીં આડવાત રૂપે એક ઇશારો જરૂરી લાગે છે કે અ–કથા એટલે વાર્તા યા કથામાં કથાતત્ત્વ કે ક્રિયાતત્ત્વનો લોપ એવો જે ખ્યાલ પ્રચલિત છે એ આ કથા વડે ખોટો સાબિત થાય છે, કેમ કે, અહીં તો ઘટનાઓની ભરમાર રજૂ થાય છે, અને એ ઘટનાઓ પણ કોઈ સીધીસાદી કે મામૂલી નહિ, સનસનાટી મચાવનારી, દિલ ધડકાવનારી, કમકમા પ્રેરનારી. શ્વાસ થંભાવી દેનારી આ ઘટનાઓનું વાંચન સાચે જ કોઈ દુઃસ્વપ્ન જેવું લાગે છે. અલબત્ત, લેખક ઈમ્પ્રેશનિસ્ટીક ઢબે આ ઘટનાઓનું ચિત્રણ કરે છે, છતાં તેથી એમાંના ઘટનાતત્ત્વનો કે કથાતત્ત્વનો લોપ નથી થતો. હૉંગકૉંગ ખાતે લેડી આવાના ખાંજરામાં આ કથા આકાર લે છે. અહીં રાલ્ફ જૉન્સન નામનો એક અમેરિકન આવે છે. એ બહુરૂપી જેવો છે. પોતાને સર રાલ્ફ કહેવરાવીને અંગ્રેજમાં પણ ખપાવે છે. એ ‘લોહી’નો તેમજ હશીશનો બેવડો વેપાર કરતો હોય છે. અહીં કિટો નામની એક જાપાની છોકરી એક જબરજસ્ત કાળા ડાઘિયા કૂતરાની મદદથી પોતાનું નિર્વસ્ત્રીકરણ કરી બતાવે છે. કિટોનું વાગ્દાન જેની જોડે થયેલું એ યુવાન આત્મહત્યા કરીને મરી પરવાર્યો છે, અથવા તો એનું ખૂન થયું છે, તેથી આ તરુણી આ અડ્ડામાં માદામ આવાની ઓશિયાળી બની રહે છે. એના ઉપર એક કૉફી ઔષધનો પ્રયોગ કરવામાં આવતાં એ મરી પરવારે છે, ત્યારે એનો મૃતદેહ એક ચીનાઈ રેસ્તુરાંને વેચી નાખવામાં આવે છે, જ્યાં એ દેહના માંસમાંથી વિવિધ વાનગીઓ બનાવીને વિવિધ સ્વાદિષ્ટ સૂરકાઓના આચ્છાદન તળે એ ગ્રાહકોને પીરસવામાં આવે છે. આમ, માનવદેહના વિક્રયથી માંડીને ભક્ષણ સુધીની ઘટનાઓ આ કથામાં સમાવિષ્ટ થાય છે. એની રજૂઆત નવલકથા કરતાં ચલચિત્રની પટકથાની યાદ વધારે આપે છે. (અને રોબ–ગ્રિયે ફ્રેન્ચ ચિત્રોના સિનારિયો–લેખક તરીકે જાણીતા છે જ.) ઇમ્પ્રેશનિસ્ટીક રચનામાં સંભવાસંભવની પૃચ્છા જ અસ્થાને ગણાય. સ્વપ્નિલ ચિત્રણોમાં સઘળું ક્ષમ્ય ગણાય એ વાત સાચી, અને, જીવનને માત્ર ‘સંભવિતતાઓ’ તરીકે જ ઘટાવનાર સર્જક કોઈ પણ સંભવિતતાનો બચાવ કરી શકે એ વાત પણ સાચી. છતાં, સંભવિતતાની પણ એક પ્રતીતિકર્તા હોય ખરી કે નહિ? આ ચકાસણીએ આ કથા અવલોકવી જોઈએ. આ કથાને નર્કયાતનાના રૂપક તરીકે મૂલવવાનો પણ પ્રયત્ન થયો છે. અત્યુત્સાહી સંજ્ઞાપ્રેમીઓ આ કથામાં અફીણ–હશીશથી માંડીને કાળિયા કૂતરા સુદ્ધાંને સંજ્ઞાપ્રતીક તરીકે ઘટાવી શકે. ‘મોબિ ડિક’ કથામાં ખુદ મેલવિલને પણ અભિપ્રેત નહિ હોય એવા ગૂઢાર્થો અને ગહનાર્થો (કથાના નામમાંથી પણ) શોધવાના ઉદ્યમો થતા જ રહ્યા છે : ‘મોબિ’ એ એના લેખકનું બાળપણનું ટચૂકડું નામ હોઈ શકે, અને ‘ડિક’ એટલે જર્મન ભાષામાં ‘વિચાર.’ વિવેચનના આવાં અકાદમિયાં મનોયત્નો યુનિવર્સિટીઓના અધ્યાપકોને ડૉક્ટરેટ ડિગ્રિઓ અપાવી શકે ખરાં. પણ જેમને નિર્ભેળ નવલકથા જોડે જ નિસ્બત છે એવા કથારસિકો અને સહૃદય ભાવકો માટે તો એ શિરોવેદના જ સરજાવે કમનસીબે નવલકથામાં દુર્બોધતા, કંટાળાજનકતા કે નિરસતા કોઈવાર દુર્ગુણને બદલે સદ્ગુણમાં ખપી જાય છે. ફ્રાન્સમાં ‘આવાં ગાર્દ’ નાટ્યકારોની પેઠે રોબ–ગ્રિયે અને નેથેલી સૌરો જેવાં અગ્રેસર નવલકથાકારોએ આરંભમાં કેટલીક નવીનતાઓ દાખવીને કથારસિકોનું ધ્યાન ખેંચેલું. પણ એ નવીનતા અન્તિમ બિંદુએ પહોંચ્યા પછી એમાં એકવિધતા જ આવે. રોબ–ગ્રિયે માને છે કે ‘દુનિયા અર્થગર્ભ પણ નથી, અને અર્થશૂન્ય પણ નથી; એ સાવ સરલ છે.’ આ સરલ સૃષ્ટિને લેખક સ્વપ્નિલ સ્થલકાળના પરિમાણમાં મૂકવા મથે છે. પણ અંતે તો સઘળી સ્વપ્નકથાઓ એના સ્વપ્નદૃષ્ટાની આત્મકથા જ બની રહે છે, એમ આ નવલકથા પણ એના લેખકના જ મનોનેપથ્યનું ચિત્રણ બની રહે છે. પુસ્તકનાં બે પૂઠાં વચ્ચે સર્વ પાત્રોના પરિવેશમાં મૂળ લેખક જ ડોકાઈ રહે, અને આખીય રચના એના કર્તાની આત્મકથા જ બની રહે એવા કથા–પ્રયત્નોનું ભાવિ ભાગ્યે જ ઊજળું ગણાય.
<div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(/dev/null): Failed to open stream: Operation not permitted>
‘વીસમી સદીની નવલકથાઓનું એક લક્ષણ ચેતનાપ્રવાહનું ચિત્રણ ગણાયું છે. આ આંતરિક એકોક્તિઓ ઊર્ફે વિચારસંક્રમણની કથાઓનું ખેડાણ કરનાર, બલકે યશસ્વી આરંભ કરનાર ત્રણ નવલકથાકારો જાણીતા છે : માર્સેલ પ્રુસ, ડોરોથિ રિચર્ડસન અને જેમ્સ જૉઈસ. એક ફ્રેન્ચ, એક અંગ્રેજ અને એક આયરિશ, એવી આ ત્રિપુટીએ એકીસાથે છતાં એકબીજાંથી સ્વતંત્ર રીતે બાહ્યને બદલે આંતરિક યથાર્થતાની, સ્થૂલને બદલે સૂક્ષ્મ ઘટનાની, મનોઘટનાની કથાઓ લખવા માંડેલી. આમ, ૧૯૧૨થી ૧૯૧૫ સુધીમાં અર્વાચીન મનોવૈજ્ઞાનિક નવલકથાનાં શ્રીગણેશ મંડાયેલાં. આ ત્રણેય લેખકોનાં અનુકરણો, બલકે નકલખોરી ઓછી નથી થઈ. ચેતનાપ્રવાહની કથાને નામે ઘણો કચરો પણ લખાતો, પ્રગટ થતો રહ્યો છે. ઘણીવાર લેખક પોતાનું કલ્પનાદારિદ્રય છુપાવવા આવી મનોઘટનાઓનો આશ્રય લેતો રહ્યો છે. કોઈ પણ ઉત્તમ અસલિયતની નબળી નકલ થાય એ સ્વાભાવિક છે. છતાં આ કથાપ્રકારનું આરંભિક ખેડાણ કરનાર સર્જકોએ માનવચિત્તના અગોચર પ્રવાહોનો જે તાગ લઈ બતાવ્યો એ સિદ્ધિ નાનીસૂની નહોતી. આ કથાઓમાં યથાર્થતાનું એક નવું જ પરિમાણ પ્રાપ્ત થયેલું. આજ સુધી પુરુષ લેખકોની કલમે સ્ત્રીપાત્રોનાં ચિત્રણ તો બહુ થતાં, પણ એ ચિત્રણો મહદંશે બહિર્જગતનાં હતાં. ‘ધ પૉર્ટ્રેટ ઑફ એ લેડી’માં હેન્રી જેમ્સે એની નાયિકા ઇઝાબેલના આંતરજીવનમાં ડોકિયું કરાવ્યું ત્યારે મહિલા વાચકો કથાકારની પરકાયાપ્રવેશની શક્તિ ઉપર વારી ગયેલાં. પરંતુ આવી સિદ્ધિઓ વારંવાર જોવા મળતી નથી. જૉઈસે ‘યુલિસિસ’માં મોલિ બ્લુમના મનોવ્યાપારોનું ચિત્રણ કર્યું એ કથાસાહિત્યની એક શકવર્તી સિદ્ધિ ગણાય છે છતાં જાણીતાં નવલકથાકાર રેબેકા વેસ્ટે એક પ્રશ્ન તો ઉઠાવ્યો જ છે કે એ કથાને નારીહૃદયનો એક પૌરુષીય દૃષ્ટિકોણ ન ગણાય? એને ‘સ્ત્રીહૃદયના ભાવોની પૌરુષી કલ્પના’ પણ ગણવામાં આવે છે. ડોરોથિ રિચર્ડસને ‘પિલગ્રિમેજ’માં નિર્ભેળ નારીહૃદયનું જ ચિત્રણ કર્યું છે. એમણે એ કથાના બાર મણકાઓને દરેકને એકેક ‘પ્રકરણ’ નામ આપ્યું છે અને પૂરાં પચીસ વર્ષ સુધી એનું લેખનકામ કર્યું છે. એમાં કથાનાયિકા મિરિયમની સંવેદનશીલતા એક સ્ત્રી લેખિકાની કલમે શબ્દસ્થ થઈ છે. માર્સેલ પ્રુસકૃત ‘રિમેમ્બ્રન્સ ઑફ થીંગ્ઝ પાસ્ટ’ પણ આવી આંતરસૃષ્ટિની કથા છે. આવી અંતર્મુખ નવલો સામ્પ્રત યુગની પોતાની જ અંતર્મુખતાની નીપજ ગણાય. મનુષ્ય પોતે જ આત્મલક્ષી બનવા માંડે ત્યારે સાહિત્ય પણ એનું પ્રતિબિમ્બ કેમ ન ઝીલે? અને છતાં મનોવૈજ્ઞાનિક નવલકથાનાં ભયસ્થાનો પણ સ્વીકારાયાં જ છે. વિન્ડહામ લુઈએ આ કથાઓને કશા ઘાટઘૂટ વગરની, જેલી ફિશ જેવી શિથિલ રચનાઓ ગણાવેલી. જોકે, ‘યુલિસિસ’નું સુગ્રથિત બંધારણ અને સુઘટ્ટ કાઠું આ આક્ષેપને ખોટો ઠરાવે છે. મનોવૈજ્ઞાનિક કથાઓના વિરોધીઓનો મુખ્ય મુદ્દો એ છે કે ચેતનાપ્રવાહના ચિત્રણને નામે અલ્પશક્તિ લેખકો ઘણીવાર પોતાના જ મનનો ગંદવાડ અને મંદવાડ ઠાલવતા હોય છે અને એ રીતે પોતાનો વાસનામોક્ષ કરતા હોય છે એવી પણ દલીલ થઈ છે કે આત્મલક્ષી કથાઓ એના લેખકોના રોગિષ્ટપણાની જ નીપજ હોય છે. અશક્ત અને આજાર સર્જકો આવી અંતર્મુખ અને એકોક્તિ જેવી કથાઓ રચતા હોય છે. દાખલા તરીકે, જેમ્સ જૉઈસને આંખના રોગે અંધાપો બક્ષેલો. વર્જીનિયા વુલ્ફ વિષાદરોગથી પીડાતાં હતાં, જેનો અંત આત્મહત્યામાં આવેલો. માર્સેલ પ્રુસને અનિદ્રા અને દમનો વ્યાધિ હતો. પાત્રોનું માનસિક વાતાવરણ રજૂ કરતી કથાઓમાંના ‘માનસ’ અંગે ડોરોથિ રિચર્ડસને એક વિવરણ કર્યું છે : ‘આ ‘માનસ’ એટલે ચીંથરાંની પોટલીથી માંડીને પાગલખાના સુધીની કોઈ પણ વસ્તુ હોઈ શકે યા બની શકે. એ સતત ચલાયમાન પણ રહે, યા વત્તેઓછે અંશે સુસ્થિર પણ જોઈ શકાય. પણ એનું કેન્દ્રવર્તી બીજ, એક પ્રકાશમાન બિંદુ એના જન્મથી પુખ્ત વય સુધી સતત વિસ્તરતું હોવા છતાં સુસ્થિર જ રહેતું હોય છે.’ ચિત્તના આ પ્રકાશમય બિન્દુને પકડીને એનાં કિરણોને ચાક્ષુષ કરવાં એ અર્વાચીન કથાકારોનો ઉદ્યમ હોય છે.
જૂન, ૧૯૬૭