અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ઉમાશંકર જોશી/આત્માનાં ખંડેર સૉનેટમાલા: ૫. દે પયઘૂંટ, મૈયા!
આત્માનાં ખંડેર સૉનેટમાલા: ૫. દે પયઘૂંટ, મૈયા!
ઉમાશંકર જોશી
રાતેદિને નિશિદિવાસ્વપને લુભાવી,
દેતી ચીજો વિવિધ ને લલચાવી ભોળો,
રાખે મને નિજથી નિત્ય તું દૂર બાળ.
તારા સમી જનનીયે કરશે ઉપેક્ષા?
શાને વછોડતી, અરે! નથી થાવું મોટા.
હું તો રહીશ શિશુ નિત્યની જેમ નાનો.
નાનો શિશુહકથી ધાવણસેર માગું,
એ દૂધથી છૂટી ભ્રમે જ થવાય મોટા.
રાતે શ્વસે ધડક થાનની તેજગૂંથ્યા
કમ્ખા પૂંઠે, વળી દિને રવિહીરલો તે
અંબારતેજ મહીં છાતી રહે છુપાવી.
રે! ખોલ, ખોલ, ઝટ છોડ વિકાસધારા,
ને ના પટાવ શિશુને, બીજું કૈં ન જો'યે
થાને લગાડી બસ દે પયઘૂંટ, મૈયા!
મુંબઈ, ૨૬-૮-૧૯૩૪