અનુષંગ/‘વિપ્રદાસ’
કિશોરવયે શરદબાબુને વાંચેલા અને મન ભરીને માણેલા, પછીથી ‘ત્રણ વાર્તાઓ’ ક્યારેક-ક્યારેક હાથે ચડી છે અને રસથી વાંચી છે; પણ બીજી કોઈ કૃતિ વાંચવાનું બન્યું નથી. આજે, વર્ષોનાં વહાણાં પછી ‘વિપ્રદાસ’ હાથમાં લઈને બેઠો ત્યારે મનમાં થોડો વહેમ હતો. શરદબાબુ આજની રુચિને કઈ રીતે સ્પર્શશે? પણ મેં જોયું કે શરદબાબુ આજે પણ એટલી જ પકડ જમાવી શકે છે. વાર્તાના પ્રવાહમાં આપણે ખેંચાઈએ છીએ અને લાગણીઓની ઘૂમરીઓમાં આપણે અટવાઈએ છીએ. ‘વિપ્રદાસ’માં તો જીવનની અને કળાની એવી સૂક્ષ્મતાઓ પણ સાંપડી જે મનના વિચારવ્યાપારને ઉત્તેજિત કર્યા વિના ન રહે. ‘વિપ્રદાસ’ વાંચતાં સૌપ્રથમ મારું ધ્યાન ખેંચાયું એ હકીકત તરફ કે શરદબાબુ આકસ્મિકતાનો આશ્રય ઘણોબધો લે છે. એમની કૃતિમાં વસ્તુ અણધાર્યા આંચકા-પલટા લેતું આગળ વધે છે. મારા મિત્ર મહિયુદ્દીન મનસૂરી એને ‘નાટ્યાત્મકતા’ તરીકે ઓળખાવે અને એને શરદબાબુની લોકપ્રિયતાનું કારણ પણ ગણે, પણ હું શરદબાબુની પ્રસંગયોજનામાં રહેલાં કૃત્રિમતા અને તાલમેલની ઉપેક્ષા કરી શકતો નથી. શરદબાબુ જરૂર પ્રમાણે પ્રસંગો ઉપજાવી કાઢે છે અને એ ઉપજાવી કાઢે છે એ અછતું રહેતું નથી. ‘વિપ્રદાસ’ના આરંભમાં આવતી એક ઘટના જોઈએ. વિપ્રદાસની પત્ની સતી. એના કાકાની દીકરી બહેન વંદના, વંદનાના પિતા પરદેશમાં રહેલા તેથી એ લોકો સુધરેલા અને નવા આચારવિચારના, વંદના વિપ્રદાસને ત્યાં આવી તે જ દિવસે એના કુટુંબના જૂનવાણી આચારવિચાર અને આભડછેટભર્યા વર્તનથી અપમાનિત થઈ, રીસે ચડી અને હઠ કરીને તે જ દિવસે પિતાની સાથે કલકત્તા જવા નીકળી પડી. હવે વંદના વિપ્રદાસ સાથે અબોલા રાખે, કે એના કુટુંબ સાથેના સંબંધનો છેડો ફાડી નાખે એ કંઈ શરદબાબુને ઇષ્ટ નહોતું. એમને તો વંદનાને વિપ્રદાસના પ્રભાવ નીચે આણવી હતી. એટલે કલકત્તાની ગાડીને એમણે બે કલાક મોડી કરાવી અને વંદનાને વેઇટિંગ રૂમમાં બેસી વિપ્રદાસની ઊલટતપાસ લેવાની, એના વિચારો સાથે ટકરામણ કરવાની તક આપી. કહો કે દુશ્મનાવટભર્યો પણ સંબંધ બાંધવાની તક આપી. આટલું ઓછું હોય તેમ વિપ્રદાસના ખરેખરા નિર્ભય સ્વમાનશીલ પ્રતાપી વ્યક્તિત્વનો વંદનાને પરિચય થઈ જાય એ હેતુથી મોડી આવેલી ગાડીમાં દારૂ પી છાકટા બનેલા થોડા ગોરાઓને પણ શરદબાબુએ આણી મંગાવ્યા. શરદબાબુનાં પાત્રો લાગણીના આવેગમાં એકાએક અણધાર્યા નિર્ણયો લેતાં હોય છે, જેમ વંદનાએ અહીં ખાધાપીધા વિના વિપ્રદાસનું ઘર છોડવાનો નિર્ણય લીધો તેમ. આ કેટલે અંશે પ્રતીતિકર છે એ એક પ્રશ્ન છે. પણ અહીં હું જે આકસ્મિકતાની વાત કરી રહ્યો છું તે પાત્રવર્તનની આકસ્મિકતાની નહીં. શદરબાબુ ઘણી વાર એવાં આવેગશીલ તરંગી પાત્રોને લાવે છે કે આકસ્મિકતા જ એમને માટે સાહજિક ગણાય. હું અહીં વાત કરું છું તે તો પ્રસંગયોજનાની આકસ્મિકતાની. લેખક પોતે વાર્તાને અમુક દિશામાં લઈ જવા માટે તાલમેલિયા લાગે તેવા પ્રસંગો જોડી કાઢે છે. કલકત્તાથી પણ રોષે ભરાઈને મુંબઈ જવા નીકળેલી વંદનાને સ્ટેશન પર જ દીકરીનાં લગ્ન માટે કલકત્તા આવેલી પરદેશવાસી માસીનો ભેટો થઈ જાય અને એ રીતે વંદનાને કલકત્તામાં રોકાઈ જવું પડે; વિપ્રદાસ કલકત્તામાં માંદો પડે ત્યારે એની ચાકરી કરનાર કોઈ ન હોય, બલરામપુરમાં એનો પુત્ર વાસુ બિમાર હોઈ ત્યાંથી કોઈને બોલાવી ન શકાય અને વંદનાને માસીને ત્યાંથી બોલાવ્યા સિવાય છૂટકો ન રહે – આ બધા લેખકે જોડી કાઢેલા તાલમેલિયા પ્રસંગો છે. આવા પ્રસંગો વારંવાર આવે છે માટે જ એમાં કૃત્રિમતા લાગે છે, બનાવટ લાગે છે અને વાસ્તવિક પ્રતીતિકર પ્રસંગઘટના એ શરદબાબુનું બળ નથી એમ ભાસે છે. તો પછી શરદબાબુનું બળ છે શામાં? શરદબાબુનું બળ છે માનવલાગણીનાં અને માનવસંબંધનાં જે અવનવાં ગૂઢ-અગૂઢ પરિમાણો એ વ્યક્ત કરે છે એમાં. આકસ્મિક લાગતા પ્રસંગો પણ એવી પરિસ્થિતિનું નિર્માણ કરે છે જેમાં કોઈ ને કોઈ માનવલાગણી કે માનવસંબંધ આવિષ્કાર પામે છે, વિકસે છે કે વળાંક લે છે. આ માનવતત્ત્વ કહો કે જીવનતત્ત્વ શરદબાબુમાં એટલું પ્રબળ અને પ્રભાવક હોય છે કે પ્રસંગોની આકસ્મિકતા એમાં વીસરાઈ જાય છે. એક સ્થૂળ જરૂરિયાત લેખે આપણે એને સ્વીકારી લઈએ છીએ અને માનવતત્ત્વમાં ઓતપ્રોત બનીએ છીએ. ‘વિપ્રદાસ’માં માનવલાગણી અને માનવસંબંધનાં જે ચિત્રો મળે છે તેમાંથી કેટલાંક સરલ, સુરેખ અને સ્ફુટ છે તો થોડાંક સંકુલ, ગૂઢ અને ગહન પણ છે. બધાંની પાછળ જીવનની ઊંડી સમજ તો પડેલી જ છે. ‘વિપ્રદાસ’માં મહત્ત્વનાં કહી શકાય એવાં પાત્રો ઝાઝાં નથી. વિપ્રદાસ, એની પત્ની સતી, ભાઈ દ્વિજદાસ, માતા દયામયી અને સતીના કાકાની દીકરી બહેન વંદના. કલકત્તાનું ઘર સંભાળતી નોકરબાઈ અન્નદા પણ પોતાનું એક વ્યક્તિત્વ લઈને આવે છે. બાકીનાં ઘણાં પાત્રો – વંદનાના પિતા, વિપ્રદાસનો પુત્ર વાસુ, વંદનાની માસી, વિપ્રદાસનાં બહેન-બનેવી અને વંદનાના વિવાહ જેની સાથે થયેલા એ સુધીર સુધ્ધાં ગૌણ અને કેવળ સાધનભૂત પાત્રો છે. લેખકનાં બોલાવેલાં એ આવે છે અને કાઢી મૂકેલાં જાય છે. માનવલાગણી અને માનવસંબંધનો એક દોર જ શરદબાબુએ પકડ્યો છે. એને ઉપકારક રીતે જેમ પ્રસંગોને ઉપજાવી કાઢ્યા છે તેમ પેત્રોને પણ એને ઉપકારક થાય એ રીતે જ ખપમાં લીધાં છે અને કેટલીક શક્યતાઓને અવગણી પણ છે. સુધરેલા સમાજની વંદના, સુધીર જેવા એના સમાજના જ યુવાન સાથે એના વિવાહ થયેલા હોય, એ જ્યારે ધર્મશ્રદ્ધાળું રૂઢિચુસ્ત આચારવિચારના કુટુંબ પ્રત્યે ખેંચાય, દ્વિજદાસ કે વિપ્રદાસ પ્રત્યે એનું હૃદય ઢળે ત્યારે એના ચિત્તમાં કેવી ઊથલપાથલ થાય? નવજન્મની પણ એક વેદના હોય છે. વંદના આવી કોઈ વેદના અનુભવતી જણાતી નથી. એ જાણે કે વિપ્રદાસથી હિપ્નોટાઇઝ થાય છે. સુધરેલા આચારવિચારને અને સુધીર સાથેના સંબંધને પણ સાપ કાંચળી ઉતારે તેમ ઉતારી નાખે છે. પાત્રોનો આ જાતનો ઉપયોગ પણ બતાવે છે કે શરદબાબુનું વસ્તુગ્રથન સમગ્રપણે હેતુલક્ષી હોય છે. હેતુને ખાતર પ્રતીતિકરતાનો ભોગ લેવામાં શરદબાબુને કંઈ બાધ નથી. ગોઠવેલું હોય છતાં સઘળું પ્રતીતિકર હોય એવું કલાકૌશલ, અલબત્ત, શરદબાબુ બતાવતા નથી. પણ ‘વિપ્રદાસ’માં જે ચારપાંચ મહત્ત્વનાં પાત્રો છે એ એવી ઉજ્જ્વળ રેખાઓથી આલેખાયાં છે કે આપણા મનમાં વસી ગયા વિના રહેતાં નથી. દ્વિજદાસ એમ. એ. થયેલા છોકરો. જમાનાની નવી હવા એને એ રીતે સ્પર્શી ગઈ છે કે ગરીબોને શોષણમુક્ત કરવાનાં એ સ્વપ્નાં સેવે છે. જૂના આચારવિચારમાં એ માનતો નથી, પણ એ અસહિષ્ણુ નથી. મોટાભાઈ પ્રત્યે એને અપાર આદરભક્તિ છે. ભાભીની એને હૂંફ છે. ભાભીના પ્રેમની અને ભાઈના હુકમની આણ એ સ્વીકારે છે અને કુટુંબમાં પોતાને ત્રાહિત વ્યક્તિ ગણી પોતાના લગ્નનો નિર્ણય પણ નિઃસ્પૃહપણે એ કુટુંબને સોંપે છે. એ મજાક કરી શકે છે, પોતાની પણ; પરંતુ મીઠી વાણી – પ્રેમની મીઠી વાણી બોલી શકતો નથી. પરિણામે એ વંદનાની ગેરસમજનો ભોગ બને છે. એની વેદના એની મજાક આડે ઢંકાયેલી રહે છે અને આંસુ વહાવતાં એને આવડતું નથી. વિપ્રદાસના અસાધારણ વ્યક્તિત્વ-પ્રભાવને ઉઠાવ આપવા નિર્માયેલું લાગતું આ પાત્ર પાછળથી પોતાના સુખની પણ જે નિઃસ્પૃહતા દાખવે છે, વેદનાને જે રીતે અંતરમાં સંઘરે છે અને દુનિયાનો સીધો મુકાબલો કરે છે તેના વડે પોતાનું સ્વતંત્ર વ્યક્તિત્વ સ્થાપે છે. સતી તો મુખ્યત્વે દ્વિજદાસના પાત્રને ઉઠાવ આપવા માટે આવેલું પાત્ર છે. દ્વિજદાસ જે કંઈ છે એમાં સતીનો ફાળો – મૂંગો ફાળો ઘણોબધો છે. દ્વિજદાસ કુટુંબમાં રોપાયેલો રહ્યો હોય તો તે કદાચ સતીને કારણે જ; સહિષ્ણુતા અને સુખની નિઃસ્પૃહતા દ્વિજદાસને કદાચ સતી પાસેથી જ મળ્યાં હોય, સતીની સીધી વાત શરદબાબુએ વાર્તામાં ઘણી ઓછી કરી છે. સતી શું છે એ જાણવા માટે આપણે દ્વિજદાસ તરફ જ જોવું પડે. દયામયીનું પાત્ર તો વાર્તામાં બહુધા એક પરિસ્થિતિના રૂપે છવાઈ રહે છે. પરંપરાગત ધર્મશ્રદ્ધા અને આચારવિચારની એ મૂર્તિ છે. સુધરેલા આચારવિચાર તરફ એને ઘૃણા છે. પણ મમતાનું એક ઝરણું તેના હૃદયમાં વહી રહ્યું છે. પરણીને આવીને તરત ઓરમાન પુત્રને એણે ગોદમાં લીધો હતો અને દુનિયાને ખબર ન પડે કે આ એનો ઓરમાન પુત્ર છે એવી રીતે તે એને ઉછેર્યો હતો. બ્રાહ્મણ પંડિતો, ગરીબગુરબાં પ્રત્યે દાનદયાધર્મ રૂપે પણ આ મમતાનું ઝરણું જ વહે છે અને એ મમતાનું ઝરણું જ વંદના પ્રત્યેની એની ગ્રંથિઓ તોડવામાં પણ ભાગ ભજવે છે. વંદના દયામયીને પગે લાગવા ગયેલી અને દયામયી પાછી ખસી ગયેલી. આનો રોષ એના મનમાંથી જતો નથી ત્યારે વિપ્રદાસ એને કહે છે : “માની આટલી વાત જ તું જોઈ આવી, કંઈ જોવાનો તેં પ્રયત્ન કર્યો નહીં. જો એવો પ્રયત્ન કર્યો હોત તો તને સમજાત કે એ નાખી દીધા જેવી વાત ઉપરથી ખાધાપીધા વગર જતા રહેવામાં તેં ઘણી મોટી ભૂલ કરી છે.” વિપ્રદાસ જેવો વિપ્રદાસ જેનો પડ્યો બોલ ઉથામતો ન હોય એ દયામયીમાં ધર્મના માત્ર સ્થૂળ આચારવિચારો ન હોય, કશુંક ઊંડું અને ઊંચું તત્ત્વ હોવું જોઈએ. પરિસ્થિતિરૂપ પાત્ર અહીં સ્વતંત્ર વ્યક્તિત્વ ધારણ કરે છે એમ તમે કહી શકો કે પરિસ્થિતિની બીજી બાજુ, ઊજળી બાજુ, કદાચ એની ભીતરનું કોઈક રહસ્ય અહીં પ્રગટ થાય છે એમ પણ તમે કહી શકો. ‘વિપ્રદાસ’નાં સૌથી મહત્ત્વનાં પાત્રો તો બે જ છે, વિપ્રદાસ અને વંદના. એ નાયક-નાયિકા છે એમ કહેવામાં પણ વાંધો નથી. બન્નેની પ્રકૃતિ આમ જોઈએ તો એકબીજાથી ઘણી ઊલટી છે, વિપ્રદાસ શાંત, સ્વસ્થ, ઓછાબોલો, રૂઢ ધર્મની મરજાદ પાળતો માણસ છે, નિષ્કંપ જ્યોતની સ્થિરતા એનામાં છે. આખીયે કૃતિમાં એ ભાગ્યે જ કશું કરે છે : આરંભમાં દારૂડિયા ગોરાઓનો મક્કમ મુકાબલો કરે છે અને અંતમાં પોતાના બનેવી શશધરની માફી માગવાની સ્પષ્ટ ના કહી ઘરબારનો ત્યાગ કરે છે. આ બે ઘટનાઓમાં એ સક્રિયપણે પ્રવૃત્ત થાય છે એ બાદ કરતાં એ પોતાની આજુબાજુની સૃષ્ટિથી જાણે નિર્લેપ રહે છે. પણ આજુબાજુની સૃષ્ટિ તો એનાથી લેપાયેલી છે, એના વ્યક્તિત્વની આભા નીચે છે. એના કોઈક અંતરંગ તત્ત્વ, આત્મતત્ત્વથી અંજાયેલી છે. બધાં એની વાત કરતાં થાકતાં નથી. એની ધર્મનિષ્ઠા, એની સત્યપ્રિયતા, એની ન્યાયબુદ્ધિ વિશે ઈશ્વર જેટલો અટલ વિશ્વાસ સૌને છે. એનું એકે-એક પગલું સાવધાન, સ્પષ્ટ અને સમજભર્યું હોય છે અને કોઈ અચલ ધ્રુવબિંદુ એના જીવનને પ્રેરી રહ્યું છે એમ લાગે છે. ત્યારે બીજી બાજુ, વંદનામાં ચંચળતા છે, આવેગશીલતા છે, રીસ અને રોષની મૂડી પણ પૂરતા પ્રમાણમાં છે. એના નિર્ણયો ક્ષણિક આઘાતથી પ્રેરાયેલ હોય છે. બોલ્યા વિના એનાથી એક ઘડીભર રહેવાતું નથી અને ધમાધમ કરતી બધે ફરે છે. એનામાં પ્રેમની, આદરની, ભક્તિની કદાચ વણસંતોષાયેલી રહેલી એક ભૂખ છે. સમાજની બહાર રહેલી એ છોકરીના જીવનમાં જાણે કે કશુંક ખૂટે છે. માનવ-સંબંધનો, કુટુંબજીવનનો મર્મ એ પામવા ચાહે છે. વિપ્રદાસ એનો ગુરુ, એનો જીવનનિયંતા બને છે અને પરિણામે આ કથા વિપ્રદાસ અને વંદનાના રહસ્યમય સંબંધની એક માર્મિક કથા બની રહે છે. વંદનાએ વિપ્રદાસનો મહિમા થોડાક દ્વિજદાસને મુખે સાંભળેલો. પણ વિપ્રદાસ સાથેનો એનો દેખીતો સંબંધ શરૂ થાય છે દુશ્મનાવટથી. જેનાથી સહુ ડરીને ચાલે છે એમ પોતે સાંભળ્યું હતું તે વિપ્રદાસના રૂઢિચુસ્ત માનસ ઉપર સ્વમાનભંગની લાગણીથી પિડાતી વંદના સ્ટેશનના વેઇટિંગ રૂમમાં સીધો હલ્લો કરે છે અને એ રીતે રમતનું ખાતું ખોલે છે. પછી દારૂડિયા ગોરાઓ સાથેના પ્રસંગે વંદનાને બતાવી આપ્યું કે સાચું અને સાચવવા જેવું સ્વમાન કયું? જીદપૂર્વક એ વિપ્રદાસને ટ્રેનમાં સાથે લઈ જાય છે અને વિપ્રદાસ જ્યારે ધૈર્યપૂર્વક, જીવનની ઊંડી સમજથી માનવસંબંધોનું રહસ્ય પ્રગટ કરે છે ત્યારે વંદના થોડું જુદી રીતે વિચારતી થાય છે. માણસના આચારવિચાર કરતાં માણસની લાગણી વધારે મહત્ત્વની વસ્તુ છે અને એનો આદર કરવો આવશ્યક છે એમ એને સમજાય છે. આ છોકરી રિસાઈને ચાલી જતાં માને કેવું લાગશે એના ખ્યાલથી વિપ્રદાસને થતી વ્યથા એ જોઈ શકે છે અને કલકત્તા ઊતરતી વખતે તો કહે છે કે “મુખુજ્જેમશાય! એવું થાય છે કે તમારી મા પાસે પાછી જાઉં અને જઈને કહું કે મારી ભૂલ થઈ છે મા, મને માફ કરો.” કલકત્તામાં વિપ્રદાસના મકાનમાં જ ઊતરવાનું થતાં ત્યાં પણ પ્રબળ પ્રતાપી માની આણ પ્રવર્તે છે અને આચારવિચારના કડક નિયમોનું પાલન થાય છે એની નોંધ વંદના લે છે. પણ હવે એનામાં વિદ્રોહની વૃત્તિ નથી. અન્નદાના પરિચયથી આ કુટુંબની સાચી ધર્મભાવનાની એને ઝાંખી થાય છે. આચારવિચારના નિયમોના તિરસ્કારને સ્થાને સામા માણસની લાગણીનો વિચાર એ કરતી થાય છે – “મા સાંભળે તો શું કહે?” એમ કહી પાશ્ચાત્ય ઢબની ભોજનવ્યવસ્થા રદ કરાવે છે. અલગતાની દીવાલને તોડવાની પણ જાણે એ પ્રતિજ્ઞા લે છે. વિપ્રદાસની સાથે પોતે પણ ફળાહાર લેવાનું જ નક્કી કરે છે, એટલું જ નહીં બીજીવાર નાહીધોઈ પોતાને હાથે જ વિપ્રદાસને જમાડવાની જીદ એ લે છે અને વિપ્રદાસને નમતું પણ આપવું પડે છે. આ પછી વંદના એક દૃશ્ય જુએ છે, જે એના માનસમાં હંમેશ માટે જડાઈ જાય છે અને કદાચ એના જીવનનું આરાધ્યસ્થાન પણ બની જાય છે. એક શાંત અંધારી રીતે પાછલા પહોરમાં વિપ્રદાસને પૂજાની ઓરડીમાં ધ્યાનમાં બેઠેલો એ જુએ છે. આસન પર પડછંદ સશક્ત દેહ. બંને આંખો બંધ. મોં અને કપાળ પર દીવાનું તેજ પ્રતિબિંબિત થતું હતું. તંદ્રાભરી આંખે જોવાયેલું આ દૃશ્ય એના મનને મુગ્ધ બનાવી દે છે. પાછળથી વંદના કહે છે તેમ તે દિવસે પહેલીવહેલી વાર એને લાગ્યું કે વિપ્રદાસ બીજા લોકો કરતાં જુદા છે. એકલાઅટૂલા, બીજું કોઈ પહોંચી ન શકે એવી ઊંચાઈ પર બેઠા છે. હજુ વંદના કદાચ પોતાના મનને પૂરેપૂરી સમજી શકી નથી. દયામયી આવે છે ત્યાર પછી પણ એ વિપ્રદાસની સેવા ઉઠાવીને – બળજબરીથી સેવા ઉઠાવીને દયામયીના દિલને પણ જીતી લે છે. દ્વિજદાસ પ્રત્યે એ પ્રેમ પ્રગટ કરે છે, પણ એ કેટલે અંશે દ્વિજદાસ પ્રત્યેનો પ્રેમ છે, કેટલે અંશે વિપ્રદાસના કુટુંબ પ્રત્યેનો પ્રેમ છે એ કહેવું મુશ્કેલ છે. પણ પછીથી વિપ્રદાસની માંદગીમાં એની ચાકરી કરવાની એને આવે છે ત્યારે એના દિલની વાત ખુલ્લી થયા વિના રહેતી નથી. વિપ્રદાસ પર એ આત્મીયતાનો અધિકાર પણ જમાવે છે. એના મનમાં કદાચ ઇચ્છા છે કે વિપ્રદાયનું એકાકીપણું પોતે ફિટાડે; આખો બોજો એકલે હાથે ખભે ઉપાડી ચાલતા આ પુરુષના બોજામાં ભાગ પડાવે; કોઈની પાસેથી કશી આશા ન રાખતા માનવીના મનને પોતાના સ્નેહસમર્પણથી ભરે. વંદના જે રીતે એને સ્નેહ કરી રહી છે એનાથી વિપ્રદાસ અજાણ નથી. અશોક દેખાવે સરસ છોકરો છે એમ વદંના જ્યારે કહે છે ત્યારે વિપ્રદાસ ‘મારા જેવો?’ એમ સવાલ કરે છે એમાં એની ગર્ભિત ટકોર જોઈ શકાય. પણ પછી તો વંદનાની આ ચોરી પકડાઈ જાય છે. વંદના એક વખતે પૂછે છે – “મારી એક વાતનો જવાબ આપશો, મુખુજ્જેમશાય?” “કઈ વાત?” “સંસારમાં સૌથી વધારે તમને સ્નેહ કોણ કરે છે, એ કહી શકશો?” “હા!” “કોણ છે, કહી દો જોઉં?” “વંદનાદેવી!” વંદના શરમાઈ જાય છે અને વિપ્રદાસ એને આશ્વાસન આપે છે : “મારા મનમાં ફક્ત એટલો ભરોસો છે કે એક દિવસ તને પોતાને આ ભૂલ સમજાઈ જશે, તે દિવસે જ એનો પ્રતિકાર થઈ શકશે.” અને “પોતાના મનમાં કોઈને ખેંચી લાવી પોતાને ભોળવવું એ કંઈ સાચો પ્રેમ ન કહેવાય.” કદાચ વંદનાએ વિપ્રદાસને બરાબર ઓળખ્યો નહોતો. એણે માન્યું હતું કે સંસારની, સ્નેહની આસક્તિની સામે જાણે વિપ્રદાસે ધર્મની અંધશ્રદ્ધામાં પોતાની જાતને બાંધી દીધી હતી. પણ ખરેખર વિપ્રદાસ કહે છે તેમ ધર્મ એને માટે એક સંસ્કાર બની ગયો હતો. અને “માનવીનો ધર્મ જ્યારે સંસ્કારનું રૂપ ધારણ કરે છે, ત્યારે જ તે સાર્થક બને છે. સહજ અને સ્વાભાવિક બને છે, એ પછી જીવનનાં કર્તવ્યોની કશી અથડામણ થતી નથી, સંઘર્ષ ઉત્પન્ન થતો નથી અને કર્તવ્યને અનુસરવા માટે પોતાની જાત સાથે લડી મરવાનો વારો આવતો નથી. એ વખતે બુદ્ધિ સ્થિર અને શાંત બની જાય છે, નિરંકુશ ઝરણાની માફક સાહજિક રીતે વહે છે... વિપ્રદાસને છોડી દઈ ન શકાય એવો ધર્મ આ જ! એમાં કદી કોઈ પરિવર્તનની શક્યતા નથી.” વંદનાના નિષ્ફળ સાહસને અંતે એની ધન્યતા એટલી કે વિપ્રદાસ સ્વીકારે છે – “મને તારા પર સ્નેહ છે. એ સદા મનમાં રમી રહેશે. હવે પછી એ મને દુઃખ ટાણે દિલાસો આપશે. નિર્બળતાની પળે મારામાં બળ પૂરશે. જ્યારે હું એકલો બોજો ઉપાડી નહીં શકું ત્યારે તને સાદ પાડીશ. એ સાદ આજથી તારા માટે અનામત રાખું છું. એવો કોઈ દિવસ આવે તો તું આવીશ ખરી ને?” આવો દિવસ તો ક્યારેય આવતો નથી. પણ વંદના સમજી જાય છે કે “એ પવિત્ર છે, નિર્મળ છે, મહાન છે, એમના સ્ફટિક સમા મન પર કશો ડાઘ નથી. જગતમાં એ એકલા છે, કોઈના સ્વજન નથી, તેમ સંસારમાં કોઈ એમના મનનું માનવી બની શકતું નથી.” વિપ્રદાસની શ્રદ્ધાને પોતાની શ્રદ્ધા બનાવવા મથી રહેલી વંદનાનું મન, પત્નીના મૃત્યુ પછી વિપ્રદાસ સંન્યાસનો માર્ગ લે છે ત્યારે પાછું ભાંગી પડે છે અને વિપ્રદાસને કહે છે – “મનને શી રીતે શાંત કરું?” વિપ્રદાસ કહે છે : “મન આપમેળે શાંત થશે, વંદના! જે દિવસે તને ખાતરી થશે કે તારા મોટાભાઈએ દુઃખમાં ડૂબકી મારી ઘર છોડ્યું નથી તે દિવસે... એ પહેલાં નહીં.” “તારા મનને સાંત્વન આપજે કે જે સૌ કરતાં સુંદર છે, સત્ય છે, મધુર છે, એ જ માર્ગની ખોજ કરવા મોટાભાઈ ગયા છે. એમને રોકાય નહીં, એમને ભ્રમિત કહેવાય નહીં, એમને માટે શોક કરવો અપરાધ છે.” વિપ્રદાસે વંદનાને આશીર્વાદ આપ્યો હતો : “જે સદાકાળ તારો જ છે એનું ઈશ્વર તને દાન કરે!” એમાં શ્રદ્ધા રાખી વંદનાએ પોતાના મનને સ્થિર કર્યું અને અંતે એ દ્વિજદાસને પામી. વિપ્રદાસનો નહીં પણ દ્વિજદાસનો ભાર હલકો કરવા એ સંકટસમયે આવી પહોંચી અને વિપ્રદાસના પુત્ર વાસુને એની પાસેથી માગી લીધો. વંદના માટે આ જ મોક્ષ હતો. વિપ્રદાસ અને વંદના એકબીજાને માટે શું છે એ સ્પષ્ટ શબ્દોમાં સમજાવવું મુશ્કેલ છે. જીવનના કોઈ સંબંધ ક્યારેક રહસ્યમય હોય છે. આ એવો એક સંબંધ છે. શરદબાબુએ આ સંબંધને જે કુશળતાથી અહીં પ્રત્યક્ષ કરાવ્યો છે એમાં એમની ઘણી મોટી સર્જકતા રહેલી છે. શાંત ગંભીર વિપ્રદાસ અને ચંચળ, લાગણીશીલ, રમતિયાળ વંદના – બન્નેના જીવનના તાણાવાણા અરસપરસ કેવા અટવાય છે એ જોવાની પણ મજા પડે છે. શરદબાબુની આ કૃતિમાંથી ઉઠાવ પામતા આ બધાં વ્યક્તિત્વોમાં મને વધારે રસ પડ્યો, તે સાથે એમાંથી શરદબાબુનો જે જીવનબોધ પ્રગટ થતો જોયો એ પણ મને નોંધપાત્ર લાગ્યો. દુનિયામાં દુષ્ટતા ઓછી નથી પણ ગેરસમજ એથીયે વધારે છે એવું કાકાસાહેબનું એક વાક્ય છે. શરદબાબુની દૃષ્ટિએ જગતમાં ઘણોબધો ઉત્પાત ગેરસમજથી જ થાય છે. આ નવલકથામાં જેને ખલપાત્રો કહેવાય એવાં પાત્રો ભાગ્યે જ છે – કદાચ વંદનાની માસીને, કદાચ શશધરને એવાં પાત્રો ગણી શકાય. પણ શરદબાબુએ એમને જરૂરથી વધારે ખપમાં લીધાં નથી. અહીં માણસો તવાય છે, આપત્તિને નોતરે છે; પણ એ કેટલેક અંશે માનવીય ભૂલોથી, તો કેટલેક અંશે એકબીજા વિશેની ખોટી સમજથી. માણસના બાહ્ય વર્તન, એના શબ્દો, આચારવિચાર સિવાય પણ માણસમાં કંઈક છે, ત્યાં સુધી પહોંચીએ ત્યારે જ માણસને પામી શકાય એ શરદબાબુ આ કથામાં વારંવાર સૂચવે છે. આ કથામાં જૂના આચારવિચારનું એક કુટુંબ છે અને વંદના જેવી ભણેલી-ગણેલી છોકરી દ્વારા એની કેટલીક સમીક્ષા થઈ છે. પણ સામાન્ય રીતે શરદબાબુનું વલણ હિંદુ જીવનપ્રણાલીનું એક સહાનુભૂતિભર્યું – કદાચ પક્ષપાતભર્યું દર્શન રજૂ કરવાનું જણાય છે. સુધરેલા આચારવિચારનો અણગમો કંઈક પ્રચારકના જુસ્સાથી વાર્તામાં એક-બે ઠેકાણે પ્રગટ થઈ જાય છે, પણ હિંદુ જીવનપ્રણાલીનું શરદબાબુનું દર્શન એવું છીછરું નથી. દ્વિજદાસ જ્યારે વંદનાને કહે છે કે “મને તું કેવી રીતે સમજી છે તે હું જાણતો નથી. પણ ભાભી, મા, મોટાભાઈ, અમારા ઠાકોરજી, અમારી અતિથિશાળા, સગાંસંબંધીઓ – આ બધાંમાંનો હું એક છું. એમનાથી જુદો પાડીને તું મને કદી પામી શકવાની નથી.” હિન્દુ જીવનપ્રણાલીમાં જે અખંડતા, સમગ્રતા ને સભરતા છે એના તરફ આપણું ધ્યાન દારે છે. આ જ વાત પછીથી વંદના સતીને પણ કહે છે : “તમારાં સાસુ તમારાં દિયર, આ ઘરના નોકરચાકર, આશ્રિત, સગાંસંબધી, પૂજાઘર, અતિથિગૃહ, પુરોહિતપૂજારી – આ બધાંની ખોટ શું પતિપુત્ર વડે પૂરી શકાશે? જીવનમાં આ સિવાય બીજું કંઈ જ નથી શું?” હિંદુ સંસારમાં સ્ત્રીના સ્થાન વિશે આપણે ઘણી વાર ભારે ટીકાત્મક વલણ ધરાવીએ છીએ. શરદબાબુ વિપ્રદાસને મુખે કહેવડાવે છે : “પરદેશીઓ... તો છાપામાં વાંચીને કહે છે કે ભારતની સ્ત્રી દાસી છે. ઘરની ચાર દીવાલોમાં સાંકળે બંધાયેલી ગુલામડી છે. બહારથી આવું દેખાતું હશે, પણ હું એમને દોષ દેતો નથી. ઘરનાં દાસદાસીઓની પાછળ અન્નપૂર્ણાની રાજરાજેશ્વરી મૂર્તિ એમને ન દેખાય એ તો ઠીક, પણ શું તમનેય નથી દેખાતી?” શરદબાબુનું આ દર્શન વાસ્તવિક છે કે નહીં એ ચર્ચવાનું આ સ્થાન નથી, પણ દયામયી અને સતીને અને ચાકરડી અન્નદાને પણ જોતાં આ વાત ખોટી છે એમ જરાયે કહી શકાય તેમ નથી. કદાચ, જે સમાજમાં વિપ્રદાસ હોય એ સમાજમાં સ્ત્રીની રાજરાજેશ્વરી મૂર્તિ હોય એમ આપણે કહી શકીએ. પ્રબળ જીવનતત્ત્વ અને ઊંડો જીવનબોધ આ બન્ને વડે આ કૃતિ આપણા મનને તરપ્યા વિના રહેતી નથી. [૮, નવેંબર ૧૯૭૬; ‘સંસ્કૃતિ’, જાન્યુઆરી ૧૯૭૭; ‘શરતચંદ્ર જન્મશતાબ્દીગ્રંથ’, ૧૯૭૭]