અનુષંગ/અંગસાધક પ્રત્યયોનો શાસ્ત્રીય અભ્યાસ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


અંગસાધક પ્રત્યયોનો શાસ્ત્રીય અભ્યાસ

‘ગુજરાતી ભાષાના અંગસાધક પ્રત્યયો’, ડૉ. ઊર્મિ ઘનશ્યામ દેસાઈ,
યુનિવર્સિટી ગ્રંથનિર્માણ બૉર્ડ, અમદાવાદ, ૧૯૭૨

ગુજરાતી ભાષાના વાસ્તવિક પ્રયોગમૂલક સ્વતંત્ર વ્યાકરણની ખોટ એ આપણી એક મોટી ખોટ છે. અત્યાર સુધી આપણે મોટે ભાગે ગુજરાતી ભાષાનું જે કંઈ અંગ્રેજી કે સંસ્કૃત ભાષાના વ્યાકરણમાં નાખી શકાય તે નાખવાનો પ્રયત્ન કર્યો છે અને ઘણું બધું તો ઉપેક્ષિત રહ્યું છે. પણ જ્યાં સુધી ભિન્નભિન્ન વ્યાકરણી પાસાંઓ વિશે પ્રાથમિક પણ વિસ્તૃત સંશોધનાત્મક અભ્યાસો થાય નહીં ત્યાં સુધી ભાષાનું વ્યાકરણ મળવું મુશ્કેલ છે. એ પરિસ્થિતિમાં ડૉ. ઊર્મિ દેસાઈએ ગુજરાતી ભાષાના અંગસાધક પ્રત્યયો વિશેનું શાસ્ત્રીય વિશ્લેષણમૂલક વિસ્તૃત અધ્યયન આપીને એક ઘણું ઉપયોગી કાર્ય કર્યું છે એમાં શંકા નથી. અંગસાધક પ્રત્યયોની આપણા પરંપરાગત વ્યાકરણોમાં થયેલી રજૂઆત કેટલી ઉપરછલ્લી, અશાસ્ત્રીય અને ગેરસમજવાળી છે એ લેખિકાએ પ્રથમ પ્રકરણમાં જ દર્શાવી આપ્યું છે. એમાં રહેલ વ્યાખ્યાદોષ, એકવાક્યતાનો અભાવ કે સામગ્રીની સેળભેળ તરફ એમણે આંગળી ચીંધી છે અને ડૉ. ભાયાણી તથા ડૉ. પંડિતે આ વિષયમાં કરેલા વિશિષ્ટ પ્રદાનની નોંધ લીધી છે. લેખિકાએ જે કર્યું છે તે આ છે : એમણે સાર્થ જોડણીકોશમાંથી પોતાને પરિચિત તદ્‌ભવ શબ્દસામગ્રી તારવી – એમાં કોશે ન નોંધ્યા હોય તેવા યાદ આવેલા અન્ય પરિચિત શબ્દો સમાવિષ્ટ કરી – એમાં રહેલા પ્રત્યયો જુદા પાડ્યા છે અને અમુક રીતે ગોઠવ્યા છે. શબ્દરૂપોમાં આવતા લિંગવાચક પ્રત્યયો અને કર્મણિ અને પ્રેરકના પ્રત્યયોને તેઓ અલગ કરીને ચાલ્યાં છે અને ગુજરાતી ભાષાના આક્ષરિક સ્વરૂપને પણ એમણે લક્ષમાં રાખ્યું છે. આથી વિષયનિરૂપણમાં વૈજ્ઞાનિક ચોકસાઈ, વિશદતા અને લાઘવ આવ્યાં છે. દાખલા તરીકે, સમજણ, ગૂંથણી, બેસણું, જોડાણ, ચવાણું, ઉપડામણ, પહેરામણી વગેરેમાં પહેલી દૃષ્ટિએ આપણે ‘અણ’ ‘ણી’ ‘ણું’ ‘આણ’ ‘આણું’ ‘આમણ’ ‘આમણી’ એવા પ્રત્યયો જણાય. પણ ખરેખર તો એમાં એક જ પ્રત્યય ‘ણ’ છે. ‘સમજણ’માં ગુજરાતી ભાષાની આક્ષરિક વ્યવસ્થાને કારણે એ ‘અણ’ રૂપે ઉચ્ચારાય છે, ‘ગૂંથણી’ ‘પહેરામણી’ ‘બેસણું’ ‘ચવાણું’ વગેરેમાં અંત્ય ‘ઈ’ ‘ઉ’ તો લિંગ ચિહ્નો જ છે, ‘જોડાણ’ ‘ચવાણું’માં ‘ણ’ પ્રત્યય ‘જોડા’ ‘ચવા’ એ કર્મણિ અંગને તો ‘ઉપડામણ’ પહેરામણી’માં એ ‘ઉપડાવ’ ‘પહેરાવ’ એ પ્રેરક અંગને, સંધિ થઈને, લાગેલો છે. આ જાતની સમજણને કારણે આપણે વિભિન્ન પ્રત્યયોની જાળમાંથી બચી જઈએ છીએ. ગ્રંથમાં આખ્યાતિક અંગોને લાગતા અને નામિક અંગોને એટલે કે સંજ્ઞા, વિશેષણ આદિને લાગતા પ્રત્યયો જુદા પાડ્યા છે. અને એ પ્રત્યયો કયા પ્રકારના તથા કયા અર્થના નામિક અંગો (જેમકે ‘ક્રિયાવાચક સંજ્ઞા’) બનાવે છે એ રીતે એમનું વર્ગીકરણ કર્યું છે. અંગવિસ્તારક અને લિંગવાચક પ્રત્યયો તથા પૂર્વપ્રત્યયોની માહિતી આપી છે. દરેક પ્રત્યયનાં ઉદાહરણો વિપુલ પ્રમાણમાં નોંધ્યાં છે અને એ ઉદાહરણોને એમનાં વ્યક્ત-અવ્યક્ત લિંગ પ્રમાણે તથા એમાંનાં મૂળ, કર્મણિ કે પ્રેરક, સમસ્ત કે અસમસ્ત એવાં અંગ પ્રમાણે ગોઠવ્યાં છે. પ્રત્યય લાગતાં થતી સંધિનો ખ્યાલ આપ્યો છે, ક્યાંક-ક્યાંક જોવા મળતાં વિલક્ષણ ઘડતર તરફ ધ્યાન દોર્યું છે અને અમુક ઉદાહરણોમાં દેખાતી વિશિષ્ટ અર્થછાયાની પણ વારંવાર નોંધ કરી છે. જેમાં પ્રકૃતિ, પ્રત્યય કે પ્રત્યયની કામગીરી વિશે અસ્પષ્ટતા હોય એવા શબ્દોની એક સૂચિ એમણે કરી છે. અને છેલ્લે પ્રત્યયોની વ્યાપકતાની સંખ્યાકીય ગણતરી પણ આપી છે. લેખિકાની કામગીરી ઘણીબધી ઝીણવટભરી અને શાસ્ત્રીય વ્યવસ્થાવાળી છે એ આ પરથી જણાઈ આવ્યા વિના નહીં રહે એથી જ, અહીંતહીં થોડા વીગતદોષો જણાય તોયે પ્રસ્તુત અને થયેલી સામગ્રીનું મૂલ્ય ઘણું બધું છે. આ ઉપરાંત, પ્રત્યય આદિની સમજ ચોકસાઈથી સ્પષ્ટ કરવાનો જે પ્રયત્ન થયો છે એ પણ નોંધપાત્ર લાગે છે. આમ છતાં, કંઈ ગૂચ રહી ગયેલી જણાય તો એ બતાવે છે કે આખી પરિસ્થિતિને પકડવી કેટલી મુશ્કેલ છે! આ કામગીરી માટે લેખિકા ખરેખર આપણાં ધન્યવાદનાં અધિકારી બને છે. આવા અભ્યાસો દ્વારા જ ગુજરાતીના સ્વતંત્ર વ્યાકરણની દિશામાં જઈ શકાશે. આવો સરસ પ્રયત્ન છતાં વિષયનાં વ્યાપ અને ભાષાસામગ્રીની બહુવિધતાને કારણે એમાં પદ્ધતિ, વર્ગીકરણ, સામગ્રી, અર્થઘટન વગેરે પરત્વે અભ્યાસીઓને કંઈ ને કંઈ સૂચવવા, પૂર્તિ કરવા, ચર્ચવા જેવું લાગે તો એ અત્યંત સાહજિક છે. એવી ચર્ચા જ આપણે વિષયની સમજ પાકી અને વ્યવસ્થિત કરવાની દિશામાં વિશેષ આગળ વધી શકીએ. આ હેતુથી, મારાં કેટલાંક નિરીક્ષણો હું અહીં નોંધું છું. સૌ પ્રથમ સમગ્ર ગ્રંથની યોજના વિશે એકબે મુદ્દા ઊઠે છે તેની વાત કરું : (૧) લેખિકા સાર્થ જોડણીકોશથી આગળ ન જઈ શક્યાં હોત? બોલચાલમાંથી નહીં તોયે સાહિત્યમાંથી – જુદાજુદા સમય, પ્રદેશ અને શૈલીની થોડી પ્રતિનિધિરૂપ કૃતિઓમાંથી – સામગ્રી તારવવામાં આવી હોત તો નિરૂપણ વધારે વિશ્વાસથી ન થઈ શક્યું હોત? કેટલાંક સંદિગ્ધ સ્થાનોની ચકાસણી ન થઈ ગઈ હોત? ક્યાંક-ક્યાંક હકીકતો વિશે નવો પ્રકાશ ન પડ્યો હોત? દાખલા તરીકે, પૃ. ૨૦૯ પર લેખિકાએ પોતાને “કૃત્રિમ, ઘડી કાઢેલા અપરિચિત” લાગેલા થોડાક શબ્દોની સૂચિ આપી છે. આમાંથી ‘વહેંચણ’ મેં નર્મદમાં વપરાયેલો જોયો જ છે. ઉપરાંત, ‘ગઢી’ ‘મોંઘપ’ ‘અણહિત’ ‘અણઉતાર’ ‘કસમજ’ ‘કથાનક’ વગેરે શબ્દો પણ કાઠિયાવાડમાં સાંભળેલા છે જ. ‘વીણણી’ ‘ઢાળકી’ પણ પરિચિત છે. ‘શોધાઈ’ ‘નોંધાઈ’ જેવા શબ્દો અંગ્રેજીના અનુવાદ રૂપે કે નવી આવશ્યકતા ઊભી થતાં વિદ્યાપીઠવર્તુળે ઘડ્યા હોય એ સાવ અસંભવિત નથી – જોકે ‘નોંધાઈ’ વપરાશમાં મુકાયો જ છે – પણ બધા અપરિચિત શબ્દોને કૃત્રિમ રીતે ઘડી કાઢેલા ઠરાવી દેવા મુશ્કેલ છે. ‘આ શબ્દો પ્રચલિત છે કે નહીં તેની કશી માહિતી નથી’ એટલું કહેવું પર્યાપ્ત હતું. પણ મારે જે કહેવું છે તે એ છે કે થોડી સાહિત્યકૃતિઓ તપાસવાનું રાખ્યું હોત તો આમાંથી કેટલાક શબ્દોના પ્રયોગો અવશ્ય મળ્યા હોત અને થોડી પ્રાદેશિક લાક્ષણિકતાઓ તરફ પણ ધ્યાન ગયું હોત. લેખિકાએ જેનો મુખ્યપણે આધાર લીધો છે તે સાર્થ જોડણીકોશની જ સામગ્રી મિશ્ર પ્રકારની હોઈ આવો પ્રયત્ન કંઈક જરૂરી પણ હતો. જુદાજુદા સમય-પ્રદેશની સામગ્રીને સ્વતંત્ર રીતે તપાસવાનો ઉપક્રમ પણ કરવા જેવો ખરો. “આવા અનેકાનેક કૃત્રિમ, ઘડી કાઢેલા અપરિચિત શબ્દોની ગણતરી પ્રત્યયોના વર્ગીકરણમાં કે પ્રકીર્ણ પ્રત્યયોમાં કરી નથી” એમ લેખિકાએ જણાવ્યું છે છતાં ‘વહેંચણ’ ‘અણરાગ’ ‘અણપક’ ‘કધોટું’ જેવા અપરિચિત ગણાવાયેલા થોડાક શબ્દો વર્ગીકરણમાં નજરે ચડે જ છે. એટલે શંકા થાય છે કે પોતાને પરિચિત શબ્દસામગ્રીની જ રજૂઆત કરવાની પોતાની મૂળ પ્રતિજ્ઞાને લેખિકા ચુસ્તપણે વળગી રહ્યાં હશે ખરાં? આ શંકા ‘ચુવાટ’ ‘સતાશ’ ‘વેડો’ ‘દેખાવટ’ ‘કબૂધક’ ‘કસવાણી’ ‘ટાળક’ ‘આડોપુ’ ‘કડવાટ’ વગેરે, જેમની પ્રચલિતતા અંગે સંદેહ થાય એવા ઘણા શબ્દો વર્ગીકરણ તેમજ પ્રકીર્ણ પ્રત્યયોમાં રજૂ થયેલા જોઈ દૃઢ થાય છે; જોકે આમાંના કેટલાક શબ્દો લેખિકાના પરિચિત બોલી-વિસ્તારના પણ હોય. (૨) લેખિકાએ પ્રત્યયોને નામિક અને આખ્યાતિક એવા વિભાગોમાં વહેંચ્યાં છે. એક ને એક પ્રત્યય નામિક તેમજ આખ્યાતિક બન્ને પ્રકારનાં અંગોને એક જ અર્થમાં લાગતો હોય (જેમકે ‘લડાઈ’ અને ‘ભલાઈ’માંનો ‘આઈ’) તો આ જાતનું વિભાગીકરણ કરવું કેટલે અંશે ઉચિત? વળી, મુખ્યત્વે નામિક કે આખ્યાતિક ગણાય એવા પ્રત્યયો ક્યારેક એમની આ સીમાને તોડીને બીજા પ્રકારનાં અંગોને લાગતા પણ જણાય છે. એટલે એમ લાગે છે કે લેખિકાએ પ્રત્યયોની રજૂઆત એમને લાગતા, સંજ્ઞાને લાગતા, વિશેષણને લાગતા, એમાં સંજ્ઞાસાધક, વિશેષણસાધક વગેરે, અને એમાં પણ ભાવવાચક સંજ્ઞાસાધક, કર્તૃવાચક સંજ્ઞાસાધક એવા વર્ગો-પેટાવર્ગોમાં વહેંચીને કરી છે તેને બદલે એક ને એક પ્રત્યય કઈ વિવિધ પરિસ્થિતિઓમાં અને કઈ વિવિધ કામગીરીઓ કરે છે એ રીતે એમની રજૂઆત કરી હોત તો નિરૂપણ સરળ રહ્યું હોત, પ્રત્યયની ‘એક-તા’નો ખ્યાલ સ્પષ્ટ રહ્યો હોત અને કદાચ લાઘવ પણ સિદ્ધ થયું હોત. (દરેક પ્રત્યય વિશેની આ જાતની માહિતીનો કોઠો ગ્રંથમાં પાછળ આપવામાં આવ્યો છે,૧ પરંતુ મારું સૂચન એ જ રીતે સામગ્રીને પ્રસ્તુત કરવા માટેનું છે.) પ્રત્યયોનું નામિક-આખ્યાતિક, સંજ્ઞાસાધક-વિશેષણસાધક એ જાતનું વર્ગીકરણ માત્ર કોઠા રૂપે આપવાથી ચાલત (જે ગ્રંથમાં આરંભમાં આપ્યું જ છે). હવે ગ્રંથમાંની વીગતો અને સમજૂતી પરત્વે થોડું ચર્ચવા નોંધવાનું છે તે જોઈએ : (૧) લેખિકાએ, પૂર્વે થયેલી ચર્ચાઓમાં કેટલાક સ્વતંત્ર શબ્દોને પ્રત્યયરૂપ ગણાવવામાં આવ્યા છે તેમ કહી પૃ. ૬ પર એવા શબ્દોની એક યાદી આપી છે, તેમાંથી ‘સર’ ‘અવ’ અને ‘ભર’નું સ્વરૂપ વિચારવા જેવું છે. ‘સર’ અને ‘અવ’ તો સ્વતંત્ર શબ્દો તરીકે ક્યાં વપરાય છે? ‘પેટભરું’ જેવા શબ્દોમાં ‘ભર’ એના મૂળ અર્થમાં હોઈ સમાસ બનાવે છે એમ કહેવાય, પણ ‘રાતભર’ ‘ભાંખોડિયાભર’ ‘જનમભર’ ‘પહેરણભર’ ‘ઘડીભર’ જેવા શબ્દોમાં અર્થછાયા ઘણી બદલાઈ ગઈ હોઈ એને પ્રત્યયરૂપ બની ગયેલો ન માનવો જોઈએ? બીજી બાજુથી, આપણે સૌ (અને આ લેખિકા પણ) ‘ન’ને પૂર્વપ્રત્યય ગણાવીએ છીએ તે વિશે વિચાર કરવાની જરૂર છે. ‘ન’ સ્વતંત્ર રીતે પ્રયોજાતો શબ્દ નથી? તો પછી ‘નગુણું’ વગેરેને સમાસ ગણવા કે પ્રત્યયથી સાધિત શબ્દો ગણવા? (૨) પૃ. ૧૨ પરની પાદનોંધમાં મુક્ત અધાતુ જ્યારે ઉક્તિને આરંભે ન વપરાયા હોય ત્યારે બીજા ધાતુની તેને અપેક્ષા રહે છે એમ કહી ‘આગળ’ ‘ઉપર’ને મુક્ત અધાતુ ગણવામાં આવ્યા છે. પરંતુ ‘વાત ઘણી આગળ વધી ગઈ’ ‘તે ઉપર ગયો’ જેવાં ઉદાહરણોમાં ‘આગળ’ અને ‘ઉપર’ વાક્યમાં આરંભ સિવાયના સ્થાને પણ બીજા ધાતુની અપેક્ષા વગર વપરાયા નથી? એમ લાગે છે કે કાં તો અધાતુની વ્યાખ્યા બદલવી પડે અથવા ‘આગળ’ ‘ઉપર’ વગેરેને ધાતુ ગણવા પડે. (૩) પૃ. ૧૩ ૫ર “પ્રત્યયની પૂર્વેના અંશને પ્રકૃતિ કે અંગ કહી શકાય” એમ કહ્યા પછી પાદટીપમાં “ ‘અંગ’ એટલે વિભક્તિના પ્રત્યયો કાઢી લેતાં જે બાકી રહે તે” એમ કહી ગૂંચવાડો ઊભો કર્યો છે. લિંગ અને વચનના તથા આખ્યાતિક પદોમાં કાળ-અર્થ અને પુરુષના પ્રત્યયોને બાદ કરતાં જે રહે તે પણ અંગ નહીં? આશ્ચર્યની વાત એ છે કે અંગની આવી વ્યાખ્યા જે ઉદાહરણોથી સમજાવવામાં આવી છે એમાં ક્યાંય વિભક્તિપ્રત્યયો છે જ નહીં, લિંગવાચક અને અંગસાધક પ્રત્યયો જ છે! – જેમકે, ‘ગણતરી’ ‘ગણતર’માંના ‘ઈ’ ‘તર’ પ્રત્યયો. ખરેખર અંગની વ્યાખ્યા આવી કંઈક આપી શકાય : “આ પ્રત્યય કાઢી લેતાં જે બાકી રહે તે તે પ્રત્યય માટેનું અંગ.” (૪) જે પ્રત્યયોથી સાધિત થયેલાં પદોને અન્ય પ્રત્યયો ન લાગી શકે એ પદસાધક પ્રત્યયો એવી વ્યાખ્યા આપ્યા પછી પૃ. ૧૪ પર આખ્યાતિક અને નામિક વિભક્તિના પ્રત્યયોને પદસાધક પ્રત્યયો કહેવામાં આવ્યા છે. ઉદાહરણ તરીકે ‘કરનારા’ ‘મરણિયો’ એ શબ્દો નોંધ્યા છે તેમાં ‘આ’ ‘ઓ’ પદસાધક છે એમ કહ્યું છે કેમકે આ શબ્દોને અન્ય કોઈપણ પ્રકારના પ્રત્યયો લગાડી શકાતા નથી. આ નિરૂપણમાંથી બે બાબતો તરી આવે છે – ૧. ‘આ’ અને ‘ઓ’ લેખિકાની દૃષ્ટિએ નામિક વિભક્તિના પ્રત્યયો છે, ૨. ‘કરનારાઓ’ ‘કરનારાએ’ એમ થઈ શકે છે તે કાં તો લેખિકાના ધ્યાન બહાર રહ્યું છે અથવા વચનના ‘ઓ’ અને વિભક્તિના ‘એ’ને તેઓ પ્રત્યયની નહીં પણ અનુગની કોટિમાં મૂકતા હશે. બન્ને બાબતો ચર્ચાસ્પદ છે. એ નોંધપાત્ર છે કે ‘કરનારા’ અને ‘મરણિયો’ના ‘આ’ અને ‘ઓ’ને પદસાધક ગણનાર લેખિકાએ લિંગવાચક પ્રત્યેયોને તે અંગસાધક પ્રત્યયો ગણી પોતાના અભ્યાસમાં સમાવ્યા જ છે. લિંગવાચક પ્રત્યયોને અંગસાધક ગણવા કે કેમ એ એટલું સ્પષ્ટ નથી, પણ એક વખત એમને અંગસાધક ગણ્યા પછી ‘કરનારા’ ‘મરિણયો’ના ‘આ’ ‘ઓ’ને પદસાધક કહેવા બરાબર જણાતા નથી. ‘ઓ’ તો પુલ્લિંગનો જ છે અને ‘આ’ ‘ઓ’ અને ‘ઉં’નું અમુક પરિસ્થિતિમાં આવતું રૂપ છે એમ ઘટાવી શકાય. ‘ઓ’નો પ્રત્યયો પૂર્વે ‘આ’ થતો હોવાથી ‘ઓ’ને કોઈ પ્રત્યયો લાગતા ન દેખાય તે તો સ્પષ્ટ છે. હવે વચનના ‘ઓ’ અને વિભક્તિના ‘એ’ ‘નું’ વગેરેને પ્રત્યયોની કોટિના નહીં પણ અનુગોની કોટિના ગણવાથી શી પરિસ્થિતિ ઊભી થાય છે તે વિચારવા જેવું છે. જો આમ માનીશું તો ‘રતાશ, સમજૂતી, કાંતણ, ક્ષત્રીવટ, ઠગાઈ’ વગેરે ઘણાબધા નામિક અંગો પદો ગણાઈ જશે કેમકે એમને આ અનુગો સિવાય કોઈ પ્રત્યયો લાગતા જ નથી! આ સંદર્ભમાં એક બીજી સ્પષ્ટતા પણ જરૂરી લેખાય કે નહીં તે વિચારવા જેવું છે; વિશેષણો – જ્યારે સંજ્ઞા તરીકે ન આવ્યાં હોય ત્યારે – પોતે પ્રત્યય લેતાં નથી પણ એમનાં વિશેષ્ય પ્રત્યય લે છે માટે એમને અંગ ગણવામાં આવે છે. (૫) પૃ. ૧૫ પરનો કાળવાચક કૃદંતો અને આખ્યાતિક સાધિત અંગો વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરવાનો પ્રયત્ન ધ્યાન ખેંચે એવો છે. પણ એ નિરૂપણમાં થોડી શિથિલતા અને અવિશદતા રહી ગઈ છે. કાળવાચક કૃદન્તોનો ઉપયોગ સહાયક ક્રિયા બનાવવામાં થાય છે એટલે શું? ‘તે બોલ્યો હતો’માં ‘બોલ્યો’નો ઉપયોગ સહાયક ક્રિયા બનાવવામાં થયો છે? એને બદલે કાળવાચક કૃદન્તો સહાયકારક ક્રિયારૂપ લઈ શકે છે એમ કહેવું વધારે યોગ્ય હતું. ઉપરાંત, કાળવાચક કૃદંતો અને આખ્યાતિક સાધિત અંગો વચ્ચે ભેદ બતાવવાની આ રીત ગૂંચવણભરી છે. કાળવાચક કૃંદતો પુરુષવાચક પ્રત્યયો ન લેતાં રૂપો છે એ હકીકતને પણ અહીં નકામી વચ્ચે આણી છે. “કૃદન્ત પદ ક્રિયાપદ માટેની વિશિષ્ટ રચના લે છે” એ જ કૃદન્તો અને આખ્યાતિક સાધિત અંગો વચ્ચેનો ભેદ યોગ્ય રીતે બતાવી દે છે, કેમકે આખ્યાતિક સાધિક અંગો ક્રિયાપદ માટેની વિશિષ્ટ રચના નથી લેતાં. નામિક રૂપ (સંજ્ઞા-વિશેષણ) તરીકે આવે ત્યારે પણ કૃદન્ત પદ ક્રિયાપદની જેમ કર્તાકર્મ વગેરે લઈ શકે છે એ ઉદાહરણોથી બતાવી એની કક્ષા આખ્યાતિક રૂપની છે એ સ્ફુટ કરવાની પણ જરૂર હતી. પૃ. ૨૩ પર, વળી, આખ્યાતિક અને નામિક અંગોની વ્યાખ્યા આપતાં કૃદંતોને ભૂલી જવાયાં છે. ત્યાં આપેલી વ્યાખ્યા અનુસાર કૃદંતોને નામિક અંગ જ ગણવાં પડે કેમકે તેમને ‘ઉ’ ‘ઈએ’ વગેર પુરુષવાચક પ્રત્યયો લગાડી શકાતા નથી અને ‘થી’ ‘ને’ વગેરે લગાડી શકાય છે! હકીકતમાં જે ક્રિયાપદની જેમ વર્તે તે આખ્યાતિક અંગો અને ન વર્તે તે નામિક અંગો એવી સાદી સમજૂતી ત્યાં પણ ચાલી શકી હોત. અથવા એટલી સ્પષ્ટતા કરવી જોઈતી હતી કે કૃદંતો મૂળભૂત રીતે આખ્યાતિક રૂપો હોવા છતાં નામિક અંગ તરીકે એ વાક્યમાં આવી શકે છે અને ત્યારે કેટલાંક કૃદંતો ‘ને’ ‘થી’ વગેરે લઈ શકે છે. નામિક અંગ તરીકે આવતાં કૃંદતો નામિક અંગસાધક પ્રત્યયો પણ લે છે – ‘અણધાર્યું’ ‘વણલખ્યું’ ‘જાણતલ’ ‘રોતલ’ – એ તરફ પણ ધ્યાન દોરી શકાયું હોત; કેમકે નામિક પ્રત્યયોનાં ઉદાહરણોમાં આવાં કૃદંતોનાં ઉદાહરણો ગ્રંથમાં આપેલાં છે જ. (૬) પૃ. ૧૫–૧૬ પર કાળવાચક અને પુરુષવાચક પ્રત્યયો જુદી જ કક્ષાના છે તે સમજાવ્યું છે તે બરાબર છે. પરંતુ પૃ. ૧૩–૧૪ પર અંગસાધક પ્રત્યય કોને કહેવા તે સમજાવ્યા પછી એમાંથી એટલીબધી બાદબાકી કરી છે કે સરળતા ખાતર સમાપન રૂપે આ જાતની તારવણી આપવાની જરૂર હતી કે આખ્યાતિક કે નામિક અંગ પરથી નામિક અંગ (કશાક વિશેષ કે ભિન્ન અર્થમાં કે સ્વાર્થે) બનાવનાર પ્રત્યયો તથા લિંગવાચક પ્રત્યયોને અહીં અંગસાધક પ્રત્યયો તરીકે અભ્યાસવિષય ગણ્યા છે. આખ્યાતિક અંગ પ્રત્યય લાગ્યા પછી આખ્યાતિક અંગ જ રહેતું હોય એવી પરિસ્થિતિ (દા.ત. હીંચ–હીંચક, સર–સરક વગેરે)નો સમાવેશ અહીં થયો નથી તે આ સંદર્ભમાં નોંધપાત્ર છે. (જુઓ પૃ. ર૭, પૃ. ૧૨૯) (૭) પૃ. ૨૭ પર ‘ઓ’ અને ‘ઉ’ને કર્તાકારક અને એકવચન દર્શાવતા ગણ્યા છે તેમ કર્મકારક અને એકવચન દર્શાવતા પણ ગણવા જોઈએ. (૮) પૃ. ૨૭–૨૮ પર અને બીજે કેટલેક ઠેકાણે અવ્યયસાધક પ્રત્યયોનો ઉલ્લેખ છે, ત્યારે પૃ. ૨૬ પરના કોઠામાં તેમજ બીજે કેટલેક ઠેકાણે ‘ક્રિયાવિશેષણ બનાવતા’ પ્રત્યયોનો ઉલ્લેખ છે. ‘ક્રિયાવિશેષણસાધક’ એ એક જ પરિભાષા વાપરવી યોગ્ય હતી. (૯) કર્તૃવાચક પ્રત્યયો અંગે લેખિકાના મનમાં ઠીકઠીક ગૂંચવાડો જણાય છે. પૃ. ૨૬ અને ૨૯ પર આખ્યાતિક અંગો પરત્વે એમને સંજ્ઞાસાધક કહ્યા છે. પૃ. ૨૮ પર કર્તૃવાચક પરસર્ગોને પણ સંજ્ઞાસાધક કહ્યા છે. પણ નામિક અંગો પરત્વે પૃ. ૨૬ અને ૨૯ પર જેમને કર્તૃવાચક સંજ્ઞાસાધક પ્રત્યયો કહ્યા તેમને જ પૃ. ૯૦ પર સંબંધવાચક સંજ્ઞાસાધક પ્રત્યયો તરીકે ઓળખાવ્યા છે! મને એમ લાગે છે કે કર્તૃવાચક પ્રત્યયો તથા પરસર્ગોને મૂળભૂત રીતે વિશેષણસાધક જ ગણવા જોઈતા હતા – આ રીતે સાધિત થયેલા ઘણા શબ્દો સંજ્ઞા તરીકે વપરાય છે એવા ખુલાસા સાથે. કેમકે આમાંના ઘણા શબ્દો વિશેષણ તરીકે વપરાય છે અને કેટલાક તે વિશેષણ તરીકે જ વપરાય છે. ઉપરાંત, કર્તૃવાચકતાથી સામાન્ય સંબંધવાચકતા અને સ્વામિત્વવાચકતાને જુદી પાડવાની જરૂર હતી. ‘માવડિયો’ ‘લંગોટિયો’ (પૃ. ૯૧) અનુક્રમે સામાન્ય સંબંધવાચક અને સ્વામિત્વવાચક વિશેષણો જ છે. (૧૦) પરસર્ગોની નોંધ પૃ. ૨૮ અને પૃ. ૩૨ ઉપર આવે છે પણ પ્રત્યય અને પરસર્ગનો ભેદ તો છેક પૃ. ૨૧૦ પર બતાવ્યો છે, જે પહેલેથી આપવો જરૂરી હતો. વિભક્‌ત્યંગ રૂપને લાગે તે પરસર્ગ અને મૂળ અંગને સીધો લાગે તે પ્રત્યય એવો ભેદ બતાવવામાં આવ્યો છે તે વ્યાપક રીતે જોતાં ચાલે તેમ છે, પરંતુ ‘પણું’ (પરસર્ગ, પૃ. ૨૧૧) ક્વચિત્‌ ‘શાણપણું’ ‘ગાંડપણું’ ‘બાળપણું’માં છે તેમ મૂળ અંગને સીધો લાગે છે, ‘ગર’ (પ્રત્યય, પૃ. ૯૪) અને વ્યક્તલિંગવાચક ‘પ’ (પ્રત્યય, પૃ. ૧૧૧) વિભક્‌ત્યંગરૂપને લાગે છે, ‘વટ’ (પ્રત્યય, પૃ. ૧૧૩) લાગીને થયેલાં નામિક અંગોમાં પણ ‘સગાવટ’ ‘સરખાવટ’ જેવાં કેટલાંક વિભક્‌ત્યંગ રૂપને લાગીને થયેલાં છે એ અપવાદોને અહીં લક્ષમાં લેવા જોઈએ. પ્રત્યય અને પરસર્ગ વચ્ચેનો એક બીજો ભેદ સ્પષ્ટ દેખાય છે : પ્રત્યયો અમુક મર્યાદિત અંગોને – ભલે ઘણી મોટી સંખ્યાનાં અંગોને – લાગે છે; પરસર્ગો લગભગ બધાં અંગોને લગાડી શકાય છે. પ્રત્યયો વડે નવું ઘડતર થઈ શકે, છતાં પરસર્ગો વડે જે મુક્તતાથી અને સાહજિકપણે થઈ શકે છે તેવી રીતે થઈ શકતું નથી. પૂર્વપ્રત્યયોમાં પણ ‘અણ’ અને ‘વણ’ જેવા પ્રત્યયો બધા જ ભૂતકૃદંત-અંગોને લાગતા પ્રત્યયો છે તે ધ્યાનપાત્ર છે. (૧૧) પૃ. ૩૬–૩૭ પર આક્ષરિક વ્યવસ્થાના નિયમો તારવી આપ્યા છે તે ખૂબ ઉપયોગી છે. પણ એમાં વધુ સરળતા લાવી શકાઈ હોત. જેમકે, નિયમ પહેલો અને બીજો તેમજ ત્રીજો અને પાંચમો જુદા પાડવાની જરૂર જ નહોતી. બે પરિસ્થિતિમાં નિયમ એક જ પ્રવર્તતો હોય તો એને એકસાથે ઉલ્લેખ થઈ શકે. નિયમ ચોથાને પહેલા-બીજા નિયમના ઉપનિયમ તરીકે રજૂ કરી શકાયો હોત, કેમકે એ એનો અપવાદ જ દર્શાવે છે. છઠ્ઠો નિયમ સંદિગ્ધ જણાય છે. એકાક્ષરી વ્યંજનાંત અંગ પછી જ નહીં, સ્વરાંત અંગ પછી પણ દ્વિઅક્ષરી પ્રત્યયના પ્રથમ સ્થાનના ‘અ’નો લોપ થતો જણાય છે – જેમકે, ‘જેટલું’ ‘બેવડું’ વગેરે – તેમ એકાક્ષરી વ્યંજનાંત અંગો પછી આવા પ્રત્યયના ‘અ’નો લોપ ન થતો હોય અને સંયોજક તરીકે ‘અ’ સ્વર ન ઉમેરાતો હોય એવું પણ જોવા મળે છે – જેમકે ‘પાંચ્‌વડું’ ‘ચાર્‌ગણું’ ‘દેશવટો’ વગેરે. પરસર્ગોમાં તો આ નિયમ નથી જ લાગુ પડતો : ‘દાસ્‌પણું’ ‘નીચ્‌પણું’ વગેરે. (૧૨) જે સાધિત અંગો સમસ્ત રૂપે વપરાય છે તેની નોંધ પણ લેખિકાએ લીધી છે, અને એ રીતે સાધિત અંગોનું પૂરેપૂરું વર્ણન કરવાની એમણે નેમ રાખી છે. આ જરૂરી હતું, પરંતુ સમસ્ત રૂપે વપરાતાં સાધિત અંગોના દાખલાઓ આપ્યા પછી એમાંથી કયાં અંગો સ્વતંત્ર રીતે પણ વાપરી શકાય છે એની તારવણી કરી છે એ જરૂરી નહોતું. કેમકે અસમસ્ત રૂપે વપરાતાં અંગોની એમણે યાદી પહેલાં જ આપેલી હોય છે. આથી આ નિરર્થક પુનરાવર્તન બની ગયું છે. ઉપરાંત, અસમસ્ત રૂપે વપરાતાં અંગોની માહિતી જુદેજુદે ઠેકાણે આવે છે એમાં એકવાક્યતા રહી નથી. દાખલા તરીકે, પૃ. ૪૩–૪૪ પર સમસ્ત રૂપે વપરાતાં સાધિત અંગોની એક યાદી આપી છે. એમાંથી અસમસ્ત રૂપે વાપરી શકાતાં અંગોની નોંધ પૃ. ૪૪ પર આપી છે. એમાં સમસ્તનાં ઉદાહરણોમાંથી સ્વતંત્ર રીતે વાપરી શકાતાં કેટલાંક અંગોનો ઉલ્લેખ નથી – વેઠ, કાપ, ખોજ, ખાંડ, ખેંચ, ધડ, છોડ, ઢોળ, ફોડ, ફૂટ, માંડ, વગેરે. આમાંથી ‘કાપ’ ‘ધડ’ ‘ફોડ’નો પૃ. ૪૪ પરની જ એક બીજી યાદીમાં સ્વતંત્ર રીતે વાપરી શકાતાં અંગો તરીકે ઉલ્લેખ થયો છે, તો ‘કાપ’ ‘ખેંચ’ ‘ફૂટ’ ‘માંડ’નો પૃ. ૪૨–૪૩ પરની અસમસ્ત રૂપે વપરાતાં અંગોની યાદીઓમાં સમાવેશ દેખાય છે. (‘ખેંચ’ વિશે તો પૃ. ૩૮ પર સ્પષ્ટ વિધાન કરવામાં આવ્યું છે કે એ સ્વતંત્ર રીતે વપરાતું અંગ નથી!) બીજી બાજુથી, પૃ. ૪૨–૪૩ પરની યાદીઓમાં ખાંડ, ખોજ, ધડ, છોડ, ઢોળ, ફોડ, વેઠ વગેરે અંગોનો સમાવેશ જ નથી. એમ લાગે છે કે અલગ યાદી માત્ર સમસ્ત રૂપે જ વપરાતાં અંગોની આપવી જોઈતી હતી. તો પુનરાવર્તન અને વીગતોની ગરબડ ટાળી શકાઈ હોત. (૧૩) પૃ. ૧૨૯ની પાદનોંધમાં કેટલાંક વિશેષણોની નોંધ છે, જેનાં લિંગવાચક પ્રત્યય વગરનાં રૂપ ભાષામાં સ્વતંત્ર રીતે વપરાતાં નથી એવું વિધાન કરવામાં આવ્યું છે. એ બહુધા સાચું છે, છતાં બેત્રણના એવા પ્રયોગો ખ્યાલમાં આવ્યા છે તે તરફ ધ્યાન દોરું, જેમકે ‘સુતરુ’ના લિંગવાચક પ્રત્યય વગરના રૂપ ‘સુતર’નો અખાની કવિતામાં સ્વતંત્ર રીતે પ્રયોગ થયો છે : “સુતર આવે ત્યમ તું રહે.” ‘ઊધડ’ પણ કેટલીક વાર છૂટું વપરાતું જોવા મળે છે. ‘એણે એ કામ ઊધડ રાખ્યું છે.’ ‘ઊલટ ટપાલે’માં ‘ઊલટ’ સમસ્ત રૂપે છે એમ ગણીશું? (૧૪) ‘ઢોળાવ’ વિશેની માહિતીમાં એકવાક્યતા નથી. પૃ. ૪૦ પર એને પ્રેરકના સાદૃશ્યથી ‘આવ’ પ્રત્યય દ્વારા સિદ્ધ થયેલી સંજ્ઞા ગણી છે; તો પૃ. ૪૨ પર એને કર્મણિ અંગ પરથી સિદ્ધ થયેલી બતાવી છે. હકીકતમાં ઘણાં સાધિત અંગોમાં ‘વ’નો આગમ સમસ્યા ઊભી કરે છે. જ્યાં પ્રેરકના અર્થ વિના બન્યું છે ત્યાં પ્રેરકના સાદૃશ્યથી થયેલું ઘડતર માનવામાં આવ્યું છે. પૃ. ૪૦ પર ‘ઘેરાવ, પડાવ, ફેલાવ, વર્તાવ’ વિશે અને પૃ. ૪૬ પર ‘ઘેરાવો, ઝોળાવો, ફુગાવો, ફેલાવો, પસ્તાવો’ વિશે આ પ્રમાણે કહેવામાં આવ્યું છે. જ્યાં પ્રેરકનો પ્રત્યય ગણાવી શકાય તેમ નથી ત્યાં ‘વ’ને વિધ્યર્થનો ગણ્યો છે – પૃ. ૫૧ પર ‘નાવણ, ધોવણ, મોવણ’ વિશેની, પૃ. ૬૧ પર ‘ચુવાટ’ ‘બકવાટ’ ‘વસવાટ’ વિશેની અને પૃ. ૬૩ પર ‘કહેવત’ વિશેની નોંધ જુઓ. ખરેખર ‘વ’ના આગમ પાછળ બેત્રણ જાતની જુદી જ પરિસ્થિતિ કામ કરી રહેલી જણાય છે. ‘ઘેર’ ‘વર્ત’ ‘પડ’ પરથી ‘ઘેરાવ’ ‘વર્તાવ’ ‘પડાવ’ થાય અને પ્રેરકના અર્થ’ને બદલે મૂળ સાદા અંગનો જ અર્થ રહેતો હોય ત્યાં પ્રેરકના સાદૃશ્યથી થયેલું ઘડતર છે એમ કહી શકાય. પણ કેટલેક ઠેકાણે કર્મણિનો અર્થ જણાય છે. લેખિકાને ‘ઢોળાવ’માં એવું લાગ્યું જ છે. એનાથી વધારે સ્પષ્ટ ઉદાહરણ ‘ભરાવો’નું છે. ‘ભરાવો’ એટલે ‘ભરવું તે’ નહીં, પણ ‘ભરાવું તે’. એટલે કે ‘ભરા’ પરથી ‘ભરાવો’ સિદ્ધ થયું છે, ‘ભર’ પરથી નહીં, તો પછી ‘ભર+આવ+ઓ’ માનવું કે ‘ભરા+વ+ઓ’ એમ ‘વ’નો આગમ માનવો? આપણે જાણીએ છીએ કે સ્વરાંત ધાતુઓને પ્રત્યય લાગતાં પહેલાં ઘણી પરિસ્થિતિમાં (દા.ત. કર્મણિ અને પ્રેરક રૂપાખ્યાનમાં) ‘વ’નો આગમ થાય છે. તો પછી ‘ભરાવો’ પ્રેરક અંગ પરથી (પૃ. ૪૮) નહીં પણ કર્મણિ અંગ પરથી સિદ્ધ થયું છે, એમ કહેવું જોઈએ. ‘ફુગાવો, ફેલાવો, પસ્તાવો, નાવણ, ધોવણ, મોવાણ, ચુવાટ, કહેવત’ વગેરેમાં પણ મૂળ સ્વરાંત અંગો છે એટલે આ રીતે ‘વ’ આવ્યો છે એમ કહેવું જોઈએ. આ ‘વ’ મૂળભૂત રીતે વિધ્યર્થનો હોવાનું અનુમાન થઈ શકે પણ સ્વરાંત અંગો પરત્વેની આ વિશિષ્ટ પરિસ્થિતિ છે એ ખાસ લક્ષમાં રહેવું જોઈએ. આ અનુસાર ‘ઢોળાવ’માં પણ અપ્રત્યય પૂર્વે ‘ઢોળા’ એ કર્મણિ ‘આ’કારાંત અંગ પછી ‘વ’નો આગમ થયો છે એમ ઘટાવી શકાય. પૃ. ૬૧ પરના ‘કહોવાટ’ તથા પૃ. ૬૯ પરના ‘રહેવાશ’માં પણ સ્વરાંત ધાતુને કારણે ‘વ’ આવેલો છે એની નોંધ કરવી જોઈએ. એ તરફ ધ્યાન દોરવું ખાસ જરૂરી છે કે બધા પ્રત્યયો પૂર્વે કે બધાં સ્વરાંત અંગો પરત્વે આમ બનતું જોવા મળતું નથી – કહેણ, ધોણ, નાણ, મોણ, ભંગાણ, રોકાણ, કમાણી, રહેણી, ગાણું, લેતી, દેતી વગેરેમાં ‘વ’નો આગમ થયો નથી. પરંતુ અમુક પરિસ્થિતિમાં અમુક ઉદાહરણોમાં સ્વરાંત અંગોમાં પ્રત્યયો પૂર્વે ‘વ’નો આગમ થાય છે એટલું જ આપણે કહી શકીએ. આ પછી પણ ‘બકવાટ’ અને પૃ. ૬૯ પરનાં ‘બકવાશ’ ‘અંજવાશ’ જેવાં થોડાં અપવાદરૂપ ઘડતરો રહે છે. એમાં સ્વરાંત ધાતુઓમાં ‘વ+આટ’ ‘વ+આશ’ થાય તેના પરથી ‘વાટ’ અને ‘વાશ’ પ્રત્યય બની જઈને આવ્યા છે એમ કહી શકાય. (૧૫) પૃ. ૪૨ પર ‘ઉઘાડ, ગાળ, તોડ, ફોલ’ને સાદાં અંગો તરીકે ઓળખાવવામાં આવ્યાં છે. ‘ઉઘાડ’ને તો નીચે પ્રેરક અંગોની સૂચિમાં પણ સમાવ્યું જ છે. ‘તોડ’ ‘તૂટ’નું અને ‘ગાળ’ ‘ગળ’નું પ્રેરક છે. ‘ફોલ’ ‘ફૂલ’નું પ્રેરક હોવાનો સંભવ નથી? (૧૬) છોલ, રોપ (પૃ. ૪૨), ચીર (પૃ. ૪૩), થૂંક, વીંધ (પૃ. ૪૫), છાપું (પૃ. ૫૦), સૂંઘણી (પૃ. ૫૬), અથાણું, પીણું (પૃ. ૫૮) વગેરે ક્રિયા કે પરિણામવાચક સંજ્ઞાઓ રહી નથી, વસ્તુવાચક બની ગઈ છે એનો ઉલ્લેખ કરવો જોઈતો હતો. ટાંકણી, ઢાંકણી (પૃ. ૫૬), ઢાંકણું, સાચવણું (પૃ. ૫૮), પણ ક્રિયા કે પરિણામવાચક સંજ્ઞાઓ રહી છે ખરી? ‘પરણેતર’ (પૃ. ૬૭) ક્રિયા કે પરિણામવાચક સંજ્ઞા ઉપરાંત સામાન્ય સંજ્ઞા તરીકે (‘સ્ત્રી’ના અર્થમાં) વપરાય છે તે દર્શાવવું જોઈતું હતું. ‘આથમણું’ અને ‘ઊગમણું’ને કર્તૃવાચક વિશેષણોમાં સમાવ્યાં છે (પૃ. ૭૬) પણ ખરેખર એ સ્થાનવાચક છે એ સ્પષ્ટ કરવું જોઈતું હતું. (૧૭) સાધિત અંગોની જે ઓળખ આપવામાં આવી છે તે કેટલેક ઠેકાણે ચર્ચાસ્પદ જણાય છેઃ ૧. ‘ઠાંસોઠાંસ’ (પૃ. ૪૪) સંજ્ઞા તરીકે વપરાય? કે એને ક્રિયા-વિશેષણ જ ગણવું? દ્વિરુક્તિવાળાં ઘણાં અંગો વિશે આ પ્રશ્ન થાય તેમ છે. ૨. ‘ફેરબદલ’ ‘ઓળઘોળ’ (પૃ. ૪૬, પાદટીપ) વિશેષણો છે? કે સંજ્ઞાઓ? ‘હારબંધ’ પણ વિશેષણ કરતાં ક્રિયાવિશેષણ તરીકે વધારે વપરાતું હોય એમ જણાય છે. ૩. ‘રમણભમણ’ અવ્યય એટલે કે ક્રિયાવિશેષણ છે? ૪. ‘કડકડાટ’ વગેરે કેટલીક સંજ્ઞાઓને ‘ક્યારેક’ અવ્યય (એટલે કે ક્રિયાવિશેષણ) તરીકે વપરાતી જણાવી છે. (પૃ. ૮૮) પણ એ અંગો ‘બહુધા’ (રીતિવાચક) ક્રિયાવિશેષણ તરીકે વપરાતાં હોવાનું જણાય છે. પ. ‘જરૂરિયાત’ને વિશેષણ કહેવામાં આવ્યું છે (પૃ. ૧૦૩) પણ એ ભાવવાચક સંજ્ઞા તરીકે જ વપરાય છે. ૬. ‘અકાજ, અકારજ, અસત’ને વિશેષણ કહ્યા છે (પૃ. ૧૯૯) પણ ‘અકાજ’ ‘અકારજ’ ‘અસત’ મોટે ભાગે સંજ્ઞા તરીકે વપરાય છે. ૭. ‘સવેળા’ સંજ્ઞા છે (પૃ. ૧૯૮) કે ક્રિયાવિશેષણ? ૮. ‘અદેખું’ વિયુક્તિવાચક અર્થવાળું કહેવામાં આવ્યું છે. હકીકતમાં એમાં નકારનો જ અર્થ છે. ૯. ‘વિવા’ પરથી ‘વિવાડો’ માત્ર સ્વાર્થિક ઘડતર છે (પૃ. ૧૩૬) કે એમાં વિશિષ્ટ અર્થછાયા – સમૂહવાચકતા છે? ‘મણ’ પરથી ‘મણીકો’ (પૃ. ૧૪૩માં અર્થ બદલાઈ જાય છે. ‘તડાક’ ‘તડાકો’ (પૃ. ૧૪૨) ‘સપાટો’ ‘ઝપાટો’ (પૃ. ૧૪૬) ‘છમકલું’ (પૃ. ૧૫૧) વગેરે પણ કેવળ સ્વાર્થિક ઘડતર હોય એમ જણાતું નથી. એમાં અર્થછાયાનો થોડો ભેદ છે. ‘તડતડાટ’ ‘સડેડાટ’ ‘કડકડાટી’ ‘છમકાટ’ વગેરેમાં ‘આટ’ પ્રત્યય ભાવવાચક સંજ્ઞાસાધક હોય (પૃ. ૮૬–૮૭) તો આ ઉદાહરણો પણ એ પ્રકારનાં જ જણાય છે. (૧૮) કેટલેક ઠેકાણે મૂળ અંગની ઓળખ કે સમજૂતી ચર્ચાસ્પદ જણાય છે. ૧. પૃ. ૪૦ પર ‘લ્હાવ’ના મૂળ અંગને લુપ્ત ગણાવવામાં આવ્યું છે તે બરાબર છે પણ એ ‘લહ’ (‘લહે’ ‘લહ્યું’ વગેરે રૂપો) છે એ દર્શાવી શકાયું હોત. એ જ રીતે ‘લહિયો’ (પૃ. ૯૧), ‘વાંઝણું’ (પૃ. ૧૦૫), ‘ઉજાશ’ (પૃ. ૧૦૯)માં મૂળ અંગ અસ્પષ્ટ હોવાનું જણાવવામાં આવ્યું છે ત્યાં અનુક્રમે ‘લહ’ (<લિખ), ‘વાંઝ’ (<વંધ્યા) એ અંગો અને ઊજળું >ઉજળાશ> ઉજાશ એવા ઘડતરનો નિર્દેશ થઈ શક્યો હોત. અથવા તો લુપ્ત કે અસ્પષ્ટ, અંગોવાળાં ઉદાહરણ જ ટાળી શકાયાં હોત. ૨. ‘બેસારુ’ને સમજાવવા માટે જૂની ગુજરાતીના ‘બઇસારઇ’ સુધી જવાની જરૂર નહોતી (પૃ. ૭૫), ‘બેસાર’ અંગ વપરાશમાં છે જ. ૩. ‘ઘચરકો’ ‘બાચકો’ ‘મણકો’ (પૃ. ૧૩૦ : ‘ક’ પ્રત્યયનાં ઉદાહરણો)માં મૂળ અંગ કયાં? ‘મણકો’માં ‘મણિ’ અંગ ખરું? ૪. ‘સથરપથર’માં ‘પાથર’ આખ્યાતિક અંગ રહેલું હોવાની વાત (પૃ. ૪૬) ચર્ચાસ્પદ જણાય છે. ૫. ‘ફોકટ’માં મૂળ અંગ વ્યક્તલિંગવાચક છે એમ જણાવ્યું છે (પૃ. ૧૩૧) તે કયું? ‘ફોક’ નહીં? (‘ફોગટ’માં મૂળ અંગ અવ્યક્ત-લિંગવાચક છે એમ કહ્યું છે.) ૬. ‘છાકટું’નું મૂળ અંગ વ્યક્તલિંગવાચક છે એમ કહ્યું છે. (પૃ. ૧૩૨) તે કયું? ‘છાક’ નહીં’? તો ‘ટ’ પ્રત્યય અંગવિસ્તારક કેમ ગણાય? ૭. ‘સોજીલું’માં મૂળ અંગ વિશેષણ છે એમ કહેવામાં આવ્યું છે. (પૃ. ૧૦૧) તે કયું? ‘સોજું’? તો ‘ઈલ’ પ્રત્યય વિશેષણસાધક કે અંગવિસ્તારક? એને બદલે મૂળ અંગસંજ્ઞા – ‘સોજ’ – છે એમ ન માની શકાય? ૮. ‘લાડકું’નું મૂળ અંગ વિશેષણ છે એમ જણાવવામાં આવ્યું છે (પૃ. ૧૩૦) તે કયું? મૂળ અંગ ‘લાડ’ સંજ્ઞા નહી? તો ‘ક’ પ્રત્યય અંગવિસ્તારક કે વિશેષણસાધક? ૯. ‘જૂઠણ’ (પૃ. ૫૨)માં મૂળ અંગ ‘જૂઠ’ આખ્યાતિક કેવી રીતે? ‘જૂઠું’ વિશેષણ નહીં? ૧૦. ‘અણપક’ ‘અણતોલ’માં મૂળ અંગ સંજ્ઞા (પૃ. ૨૦૧) અને ‘અણજાણ’ ‘અજાણ’માં મૂળ અંગ વિશેષણ (પૃ. ૨૦૨) હોવાનું દર્શાવાયું છે પણ ‘પક’ તો સ્પષ્ટ રીતે આખ્યાતિક અંગ જ છે અને ‘જાણ’ તથા ‘તોલ’ને મૂળભૂત રીતે આખ્યાતિક અંગ ગણવા જોઈએ. આ ઉદાહરણોમાં ‘અણ’ તથા ‘અ’ આખ્યાતિક અંગ પરથી નકારવાચક વિશેષણ બનાવે છે એમ કહેવું જોઈએ. ૧૧. ‘કચકચાટ, ખડભડાટ’ જેવા શબ્દોમાંના ‘આટ’ પ્રત્યય અંગે પૃ. ૮૭ પર નોંધ છે કે “આ પ્રત્યયના વર્ગીકરણ માટે રવ એટલે અવાજને મૂળ અંગ ગણ્યું છે, અને સંજ્ઞાના અંગ પરથી આખ્યાતિક અંગ બને છે એમ સ્વીકાર્યું છે. તેથી જ્યાં સંજ્ઞાનું તેમજ આખ્યાતિક બંને પ્રકારનાં રવાનુકારી અંગો મળતાં હોય ત્યાં સંજ્ઞાના અંગને જ મૂળ માન્યું છે.” લેખિકા પોતે જ આ નિયમને ચુસ્તપણે વળગી શક્યાં નથી. ‘કકળાટ’ અને ‘કકણાટ’ પૃ. ૬૧ પર આખ્યાતિક પ્રત્યયોના વર્ગીકરણમાં તો પૃ. ૮૭ પર નામિક પ્રત્યયોના વર્ગીકરણમાં દેખા દે છે. બીજી બાજુથી, ‘છમકાટ’ ‘ધડકાટ’માં નામિક અંગ છે એમ કહેવું (પૃ. ૮૭) અને ‘ચળકાટ, છલકાટ, ઝળકાટ, મલકાટ’માં આખ્યાતિક અંગ છે એમ કહેવું (પૃ. ૬૧), ‘ચકચકાટ, ઝગમગાટ’માં નામિક અંગ છે એમ કહેવું (પૃ. ૮૭) અને ‘મઘમઘાટ, ડગમગાટ’માં આખ્યાતિક અંગ છે એમ કહેવું (પૃ. ૬૧), ‘ટળવળાટ, તડતડાટ, ફડફડાટ, બડબડાટ’માં નામિક અંગ રહેલાં માનવાં (પૃ. ૮૭–૮૮) અને ‘ટટળાટ, તતડાટ, ફફડાટ, બબડાટ’માં આખ્યાતિક અંગ રહેલાં માનવાં (પૃ. ૬૧) એમાં વિસંગતિ છે. (એ નોંધપાત્ર છે કે પૃ. ૮૭–૮૮ પર ‘ખડખડાટ-ખખડાટ’ ’ધડધડાટ-ધધડાટ’ ‘ચળવળાટ–ચવળાટ’ ‘વળવળાટ-વવળાટ’ – એ બધામાં નામિક અંગ માનવામાં આવ્યાં છે.) વસ્તુતઃ આ બધી સામગ્રીને કારણે લેખિકાએ સ્વીકારેલો નિયમ જ ચર્ચાસ્પદ બની જાય છે. પૃ. ૮૮ પર ‘ગરબડાટ’ રવાનુકારી નથી એમ કહેવામાં આવ્યું છે તે યોગ્ય જણાતું નથી. ૧૨. ‘પલાણ’ (પૃ. ૫૨)માં ‘ણ’ પ્રત્યય છે એમ માનીએ તો મૂળ અંગ કયું – ‘પલ’? કે ‘પલાણ’ એ આખ્યાતિક અંગને અપ્રત્યય લાગી થયેલું નામિક અંગ એને ગણવું? ૧૩. ‘ઉશ્કેરાટ’ (પૃ. ૬૧) ‘પછડાટ’ (પૃ. ૬૮)માં મૂળ સાદાં અંગો હોવાનું જણાવવામાં આવ્યું છે, પણ ખરેખર કર્મણિ અંગો છે : ઉશ્કેરાવું તે ઉશ્કેરાટ, પછડાવું તે પછડાટ, ‘પછડાટ’માં તો ‘ટ’ પ્રત્યય ગણ્યો છે એટલે ‘પછડા’ અંગ સ્પષ્ટ છે. તો પછી ‘ઉશ્કેરાટ’માં પણ ‘ટ’ (અને નહીં કે ‘આટ’) પ્રત્યય ગણવો જોઈએ ને? પૃ. ૧૬ પર જેનાં મૂળ અંગો કર્મણિ છે એમ કહેવામાં આવ્યું છે તે ‘અફળાટ’ વગેરેમાં પણ, તો પછી ‘ટ’ પ્રત્યય ન માનવો જોઈએ? એમ કહીએ તો જેમાં મૂળ અંગ ‘આ’કારાંત છે તે ‘કચવાટ’ ‘ગભરાટ’ ‘ધૂંધવાટ’ વગેરેમાં પણ ‘ટ’ પ્રત્યય રહેલો માનવો પડે. ‘ટ’ પ્રત્યયને મૂળભૂત ગણીને કર્મણિ કે ‘આ’કારાંત અંગોમાં ‘આ+ટ’ થાય છે તે પરથી ‘આટ’ પ્રત્યય આવ્યો હોવાનું ઘટાવી શકાય. ૧૪. ‘ઉપજાઉં’ના મૂળ અંગને પૃ. ૭૮ પર આખ્યાતિક અને પૃ. ૧૦૪ પર નામિક ગણવામાં આવ્યું છે. પૃ. ૧૦૪ પર ‘ફળાઉ’ ‘ચોરાઉ’માં મૂળ અંગ નામિક હોવાનું ગણવામાં આવ્યું છે તે બરાબર નથી. જ્યાં અંગ (નામ ઉપરાંત) આખ્યાત રૂપે વપરાતું હોય ત્યાં એને મૂળભૂત રીતે આખ્યાતિક જ ગણવું ઇષ્ટ છે. (પૃ. ૯૦ પર ‘ઠગાઈ’ અને ‘રંગારો’માં પણ આ અનુસાર આખ્યાતિક અંગ માનવાનાં રહે.) ‘ચોરાઉ’ને તો ચોર કરતાં ચોરાવાની ક્રિયા સાથે સીધો સંબંધ છે. – ચોરાયેલો હોય તેવો માલ તે ચોરાઉ માલ. પૃ. ૭૮ પર ‘ઉપજાઉ’માં મૂળ અંગ સાદું માનવામાં આવ્યું છે, ‘ઉડાઉ’માં પ્રેરક; અર્થની દૃષ્ટિએ બન્નેમાં સમાનતા છે – ઉપજાવે તે ઉપજાઉ, ઉડાવે તે ઉડાઉ. મૂળ અંગ પ્રેરક હોય અને ‘વ’નો લોપ થયો હોય તો પ્રત્યય ‘આઉ’ ગણવો જોઈએ કે ‘ઉ’? કેમ કે આ અર્થનો ‘ઉ’ પ્રત્યય પાછો છે જ. પૃ. ૭૬ પર ‘ઉઠાઉગીર’ના ‘ઉઠાઉ’માં ‘ઉ’ પ્રત્યય જ માનવામાં આવ્યો છે. આના કરતાં ‘જ્યાં ઊપજે તે ઉપજાઉ’ ‘જેના હાથે પૈસા ઊડે તે ઉડાઉ’ એમ બન્ને સાદા અંગ પરથી ‘આઉ’ પ્રત્યયથી થયેલાં ઘડતર જ માનીએ તો? અથવા તો ઘડતર સાદા અંગ પરથી જ થયું હોય પણ અર્થ પ્રેરકનો આવી ગયો હોય એ સંભવિત નથી? ‘ઉ’ અને ‘આઉ’ પ્રત્યય મૂળભૂત રીતે એક હોવાની સંભાવનાનો નિર્દેશ લેખિકાએ કર્યો છે : “એક એવી પણ શક્યાતા છે કે ‘ઉ’ પ્રત્યય જે અંગોનો પહેલો કે બીજો અક્ષર ‘આ’ હોય તેને લાગે, બાકીનાને ‘આઉં’ પ્રત્યય.” (પૃ. ૧૦૪ પાદનોંધ) નામિક અંગોના પ્રત્યયો પૂરતી આ વાત બરાબર છે, પરંતુ આખ્યાતિક અંગો પરત્વે આપણે કંઈક જુદો ખુલાસો મેળવવાનો રહે કેમકે ત્યાં ‘ભેદુ, ખેડુ, રખડુ’માં મૂળ અંગમાં ‘આ’ ન હોવા છતાં ‘ઉ’ પ્રત્યય જ લાગ્યો છે. (એટલે જ પૃ. ૭૯ પરના ‘ખાંખાંખોળુ’માં મૂળ અંગ આખ્યાતિક જ ગણવું જોઈતું હતું. નામિક અંગ હોય તો લેખિકાએ આપેલા નિયમ અનુસાર ‘ખોળાઉ’ થવું જોઈએ.) એમ લાગે છે કે મૂળ ‘ઉ’ પ્રત્યય જ હોય અને કર્મણિના કે ’‘ા’કારાન્ત ધાતુના ‘આ’ સાથે મળતાં એનો ‘આઉ’ થતાં ‘આઉ’ સ્વતંત્ર પ્રત્યય તરીકે વિકસ્યો હોય. લેખિકાએ પૃ. ૭૬ પર ‘વ્યાજખાઉ’માં ‘ઉ’ પ્રત્યય માન્યો છે, પરંતુ પૃ. ૭૮ પર ‘કમાઉમાં ‘આઉ’ પ્રત્યય માન્યો છે એ વિસંગત છે. એ જ રીતે ‘વેચાઉ’ ‘ચોરાઉ’ જેવામાં પણ કર્મણિનો અર્થ હોઈ કર્મણિના ‘આ’કારાન્ત અંગને ‘ઉ’ પ્રત્યય લાગેલો ગણવો જોઈએ. (૧૯) કેટલાક પ્રત્યયો વિશે ચર્ચા આગળ થઈ ગઈ છે. હવે બીજા કેટલાક પ્રત્યયો અને એમના અર્થો વિશે થોડું વિચારવાનું રહે છે. ૧. લેખિકાએ કર્તૃવાચક વિશેષણસાધક ‘નાર’ પ્રત્યય અને કૃદંતવાચક ‘નાર’ પ્રત્યયને જુદા ગણ્યા છે અને કૃદંતવાચક ‘નાર’ વાક્યમાં ક્રિયાપદની રચના લે છે (એટલે કે બીજી વિભક્તિ સાથે વપરાય છે) ત્યારે કર્તૃવાચક ‘નાર’ વાક્યમાં નામિક રચના લે છે (છઠ્ઠી સંબંધવિભક્તિ સાથે વપરાય છે કે અપ્રત્યય રૂપે વપરાય છે) એ ભેદ તરફ એમણે ધ્યાન દોર્યું છે. આ ભેદ કેટલે અંશે ઉપયોગી છે એ ચર્ચાસ્પદ છે. કેમકે ‘કાગનું બેસવું’ ‘હરવું ફરવું તો સૌને ગમે’ જેવા પ્રયોગોમાં જણાય છે તેમ વિધ્યર્થકૃદંત પણ નામિક રચના લઈ શકે છે, પણ એથી આપણે એને નામિક સાધિત અંગ નહીં કહી શકીએ. એમ જણાય છે કે ‘નાર’ને મૂળભૂત રીતે કૃદંતવાચક જ ગણવો જોઈએ અને એનાથી સાધિત થયેલાં અંગો કર્તૃવાચક નામિક અંગો તરીકે પણ વપરાતાં થયાં છે એની સ્પષ્ટતા કરવી જોઈએ. ૨. પૃ. ૮૯–૯૦ પર ભાવવાચક સંજ્ઞાસાધક અપ્રત્યયનું વર્ણન છે. જે ઉદાદરણો આપ્યાં છે તે પરથી જણાય છે કે કોઈક અપવાદ બાદ કરતાં એ સ્ત્રીલિંગના ‘ઈ’ સાથે જ આવે છે. જો આમ હોય તો ‘ઈ’ને જ પ્રત્યય ગણી એ સ્ત્રીલિંગ સંજ્ઞા બનાવે છે એમ કહેવું વધારે ઉચિત નહીં? એ નોંધપાત્ર છે કે આ જાતનું ઘડતર ફારસી અંગોમાં વિશેષપણે જોવા મળે છે, અને ફારસીમાં આવો ‘ઈ’ પ્રત્યય સ્ત્રીલિંગની ભાવવાચક સંજ્ઞા બનાવનાર છે, તો પછી ગુજરાતીમાં એ પ્રત્યય જ ઊતરી આવ્યો છે એમ ન માનવું જોઈએ? ‘જુવાની’ (પૃ. ૧૧૦)માં પણ આ જ પ્રત્યય માનવો જોઈએ. ૩. પૃ. ૯૧–૯૨ પરના ધંધાવાચક અને સ્વામિત્વવાચક અર્થ ધરાવતા સંજ્ઞાસાધક ‘ઈ’ પ્રત્યય અને પૃ. ૯૭–૯૮ પરના સામાન્ય સંબંધવાચક અને સ્વામિત્વવાચક વિશેષણસાધક ‘ઈ’ પ્રત્યય વચ્ચે બહુ ભેદ થઈ શકે તેમ જણાતું નથી. સંજ્ઞાસાધક ગણાવાયેલા ‘ઈ” પ્રત્યયથી સાધિત અંગો વિશેષણ તરીકે પણ વપરાય છે એમ લેખિકા કહે જ છે અને ‘દાણી’ શબ્દ તો બન્ને ઠેકાણે દેખાય છે. આ પ્રત્યય સામાન્ય સંબંધના અર્થમાં ઘણાં ફારસી અંગોને અને સ્વામિત્વના અર્થમાં ઘણાં સંસ્કૃત અંગોને લાગતો જણાય છે એ સૂચક છે. સંસ્કૃતમાં સ્વામિત્વવાચક ‘ઇન્‌’ પ્રત્યય હતો, જે ગુજરાતીમાં ‘ઈ’ રૂપે આવે (એ ધંધાનો અર્થ પણ સૂચવી શકે જ) અને ફારસીમાં સામાન્ય સંબંધવાચક વિશેષણ બનાવનાર ‘ઈ’ પ્રત્યય હતો જ. ૪. લેખિકાએ ‘એકમ, સાતમ’ વગેરેમાં અપ્રત્યય માન્યો છે (‘સાતમું’ પરથી ‘સાતમ’ એ રીતે) અને ‘બારશ’માં ‘શ’ પ્રત્યય માન્યો છે એમાં ધોરણનું બેવડાપણું જણાય છે. ઐતિહાસિક દૃષ્ટિએ ‘સાતમ’ વગેરેમાં ‘મ’ પ્રત્યય રહેલો સિદ્ધ થાય છે. તો પછી આવી અવળી રજૂઆત કરવાની જરૂર ન હતી. ‘છુંટું’ વગેર વિશેષણો પરથી ‘છૂટ’ વગેરે સંજ્ઞાઓ આવી છે એ ઐતિહાસિક પરિવર્તનની પ્રક્રિયાને અહીં લાગુ પાડી કૃત્રિમ એકવાક્યતા સિદ્ધ કરવાની પણ જરૂર નહોતી. એ ‘મ’ પછી લિંગવાચક પ્રત્યયો સાથે વિશેષણસાધક તરીકે વ્યાપક રીતે પ્રયોજવા લાગ્યો એમ અવશ્ય ઘટાવી શકાય. ૫. પૃ. ૧૧૬ : ‘ચારગણું’ ‘પાંચગણું’ વગેરેમાંના ‘ગણનો અર્થ ‘–થી ગુણતાં આવે એટલું’ એવો થતો હોય, અને કોઈપણ સંખ્યાને એ લગાડી શકાતો હોય તો એને પ્રત્યયરૂપ માનવો કે એનાથી સામાસિક રચના થાય છે એમ માનવું તે વિચારવા જેવું છે. (એ નોંધવું જોઈએ કે ‘બમણું’ ‘તમણું’ એ અનિયમિત રૂપોની સાથે ‘બેગણું’ ‘ત્રણગણું’ એ નિયમિત રૂપો પણ થઈ શકે જ છે.) અથવા ‘ગણ’ને પરસર્ગ’ ન લેખી શકાય? ૬. પૃ. ૧૧૭–૧૧૮ પર ‘કે’ સર્વનામ દર્શાવ્યું છે તે સંસ્કૃતના ‘કિમ્‌’નું એક કલ્પિત રૂપ છે એમ જણાવવું ઇષ્ટ ગણાય. પૃ. ૧૧૮ પર ‘ત્યાર’ પ્રત્યય બતાવવામાં આવ્યો છે તે ‘અત્યારે’ને જ લક્ષમાં રાખીને. ‘જ્યારે’ ‘ત્યારે’માં એ પ્રત્યય કેવી રીતે બતાવી શકાય? એને બદલે ‘આરે’ પ્રત્યય ગણ્યો હોય તો ‘જ્યારે’ વગેરેને ‘જે’ વગેરે પરથી સરળતાથી સાધિત કરી શકાય અને ‘અત્યારે’માં સાદૃશ્યમૂલક ઘડતર છે એમ કહી શકાય. એ જ રીતે ‘ક્યાં, જ્યાં, ત્યાં’માં પણ ‘યાં’ નહીં પણ ‘આં’ પ્રત્યય માનીએ તો તે મૂળ અંગ ‘કે’ ‘જે ‘તે’ છે તે હકીકતને અનુરૂપ બને. ૭. અપ્રત્યય (પ્રત્યય નહીં હોવો તે)થી અંગ વિસ્તૃત થાય છે (પૃ. ૧૨૦) એમ કહેવું વિચિત્ર નથી? ખરેખર ત્યાં લિંગવાચક પ્રત્યય જ અંગવિસ્તારક તરીકે કાર્ય કરે છે એમ ન કહેવું જોઈએ? બીજે જ્યાંજ્યાં કેવળ લિંગવાચક પ્રત્યયો દ્વારા કંઈ ફેરફાર થતો હોય ત્યાં પણ લિંગવાચક પ્રત્યયો જ જે-તે કાર્ય કરે છે એમ કહેવું જોઈએ. ૮. પૃ. ૯૯–૧૦૦ : ‘ઈ’કારાન્ત અંગને લાગતાં ‘આળ’ પ્રત્યયનો ‘યાળ’ થાય છે (લોહિયાળ, ચૂંદડિયાળું) તેના સાદૃશ્યથી ‘ઈ’કારાન્ત ન હોય તેવાં અંગોમાં પણ કેટલીક વાર ‘યાળ’ થાય છે (અપશુકનિયાળ, રમતિયાળ, ફુમતિયાળું) એમ કહેવામાં આવ્યું છે. વસ્તુતઃ અહીં સાદૃશ્યથી ‘ઇયાળ’ પ્રત્યય વિકસ્યો છે એમ કહેવું જોઈએ. ‘અ૫શુકનિયાળ’ વગેરેમાં ‘ઇ’ છે એનો ખુલાસો પણ મળવો જોઈએ ને? એ જ રીતે પૃ. ૧૦૩ પરના ‘ઉજળિયાત, લેણિયાત, ફરજિયાત’ વગેરેમાં (‘ચોકી+આત=ચોકિયાત’ના સાદૃશ્યથી) ‘ઇયાત’ પ્રત્યય વિકસ્યો છે એમ કહેવું જોઈએ. ૯. પૃ. ૧૦૨ : ‘યલ/યેલ’ પ્રત્યય વિશે એમ કહેવામાં આવ્યું છે કે સંજ્ઞાના મૂળ અંગને અંતે ‘આ’ ન હોય ત્યાં આ પ્રત્યય લાગતાં ‘ઈ’ ઉમેરાય છે – જેમકે, ગુણ>ગુણિયલ. પ્રાપ્ત સામગ્રી જોતાં આ ખુલાસો આમ તો બંધબેસતો થઈ જાય છે. પરંતુ ‘ગુણિયું, કોઢિયું, ચીડિયું, પતિયું’ વગેરેનો ‘લ’ દ્વારા વિસ્તાર થઈને ‘ગુણિયલ, કોઢિયલ, ચીડિયલ, પતિયલ’ થયાં હોવાની સંભાવના નથી? (પૃ. ૧૨૬ પર ‘જાણતલ, રોતલ’માં સ્વાર્થિક ‘લ’ રહેલો જ માન્યો છે.) ‘કઢિયેલ’ ‘ગળિયેલ’ વગેરેને ભૂતકૃદન્તનાં વિશેષણોને ‘યેલ’ પ્રત્યય લાગી થયેલાં અંગોનાં ઉદાહરણો ગણ્યાં છે, પણ ભૂતકૃદંતાત્મક અંગ તો ‘કઢિયું’ વગેરે જ હોઈ શકે, એ ‘એલ’થી વિસ્તૃત થયાં છે એ એમ કહેવું જોઈએ. નહીં તો પછી, ત્યાં ‘આ’કારાંત અંગ ન હોઈ, ‘કઢ’ ‘ગળ’ એ આખ્યાતિક અંગો જ (કૃંદતો નહીં) મૂળમાં રહેલા માનવાં પડે. આ ‘યલ/યેલ’ (અને ‘ઇયલ/ઇયેલ’પણ)પ્રત્યય ભૂતકૃદંતનાં વિસ્તૃત રૂપો પરથી આવ્યો હોવાની સંભાવના વિચારવા જેવી છે. ૧૦. પૃ. ૧૦૭ : ‘આડોડાઈમાં ‘આઈ’ પ્રત્યય છે એમ કહેવામાં આવ્યું છે તે બરાબર છે, પણ ‘આડું’ને મૂળ અંગ ગણીએ તો ‘ઓડ’ અંશનો ખુલાસો કરવાનો રહે. [જુઓ હવે પછી (૨૦) ૧૮.] ૧૧. પૃ. ૧૫૧ : ‘મૂતરડું’માં ‘રડ’ પ્રત્યય છે કે ‘ડ’? એ વિશેષણને સ્વાર્થે લાગેલો છે કે સંજ્ઞા પરથી વિશેષણ બનાવે છે? [જુઓ હવે પછી (૨૦) ૧૮.] ૧૨. પૃ. ૧૫૧ : ‘રમકડું’માં ‘કડ’ પ્રત્યય સ્વાર્થે છે કે આખ્યાતિક અંગ પરથી સાધનવાચક સંજ્ઞા બનાવે છે? [જુઓ હવે પછી (૨૦) ૧૮.] (૨૦) છેલ્લે ‘પ્રકીર્ણ પ્રત્યયો’ એ પ્રકરણમાં (પૃ. ૨૦૪–૨૦૮) એવા શબ્દોની યાદી કરવામાં આવી છે, જેમાં અંગ, પ્રત્યય અને એના સંબંધ વિશે અસ્પષ્ટતા જણાઈ છે. આ શબ્દોમાંથી કેટલાકના વિશ્લેષણ અને વર્ગીકરણની દિશામાં સૂચન રૂપે કંઈક વિચારી શકાય : ૧. સૌ પ્રથમ તો એ વાત ધ્યાન ખેંચે છે કે આ સૂચિમાંના કેટલાક શબ્દોને લેખિકાએ પોતાના વિશ્લેષણ અને વર્ગીકરણમાં લીધેલા જ છે – છૂટકારો (પૃ. ૬૦), હથોટી (પૃ. ૧૪૫), રાખોડી (પૃ. ૧૩૫), છૂટક (પૃ. ૧૩૦), ચડિયાતું (પૃ. ૧૦૩) ભૂંડાળું (પૃ. ૧૦૦) વગેરે. ૨. ઉપરાંત, કેટલાક શબ્દો વર્ગીકરણમાં સમાવિષ્ટ થયેલા બીજા શબ્દો સાથે મળતાપણું ધરાવે અને એમને વિશે એ જાતનો ખુલાસો આપી શકાય તેમ છે. જેમકે, ક. ‘કુદકારો’ (અને આપણે ‘દેકારો’ પણ ઉમેરી શકીએ)માં ‘છૂટકારો’ (પૃ. ૬૦)ના જેવું જ ઘડતર છે [જુઓ હવે પછી ૧૮.] ખ. ‘જન્મારો, જિવારો’ની અર્થછાયા વિશિષ્ટ હોય તોપણ ‘ઘસારો’ વગેરે (પૃ. ૬૦)ની સાથે એમને નહીં સમાવવાનું કોઈ કારણ નથી. ગ. ‘નાણાવટું, બહારવટું, વહાણવટું’ પૃ. ૮૯ પરના ‘દિયરવટું’ વગેરેના વર્ગમાં સહજપણે આવે તેમ છે. ઘ. ‘વૈદુ’ને ‘મોસાળું’(પૃ. ૯૦)ના જેવી અપ્રત્યય (સાથે નપુંસકલિંગના ચિહ્ન)થી સાધિત ભાવવાચક સંજ્ઞા અવશ્ય માની શકાય. ચ. ‘મથોટી’ એ ‘હથોટી’ (પૃ. ૧૪૫)ના જેવું ઘડતર છે. છ. ‘ટાઢોડું’ સ્પષ્ટ રીતે ‘ભાલોડું, મટોડું’ (પૃ. ૧૩૫) જેવું સ્વાર્થિક ઘડતર છે અને ‘કાંઠોડું, માથોડું’ને પણ, એમાંના અર્થવિકાસ છતાં, ઘડતરની દૃષ્ટિએ એ વર્ગમાં મૂકી શકાય. જ. ‘ચંપી, તડામારી, સાઠમારી, હાડમારી’માં પૃ. ૪૯ પરના ‘આંચકી, મારામારી’ વગેરેના જેવો ક્રિયાવાચક સંજ્ઞાસાધક અપ્રત્યય (સ્ત્રીલિંગ) સ્પષ્ટ છે. ‘ચંપી’નું મૂળ અંગ લુપ્ત છે, અને બાકીનામાં સમાસરચના છે. ‘સાઠમારી’ના મૂળમાં ‘સાંઢમારી’ હોવાનો સંભવ ખરો? ઝ. ‘રાખડી’માં ‘ઝુલડી’ (પૃ. ૭૩)નો સાધનવાચક સંજ્ઞાસાધક ‘ડ’ પ્રત્યય છે. [જુઓ હવે પછી ૧૮.] ટ. ‘ટાઢક, ઠંડક’ પરત્વે ‘આવક જાવક’ (પૃ. ૬૫)માંનો ‘ક’ પ્રત્યય નામિક અંગમાંથી ભાવવાચક સંજ્ઞા બનાવવા પ્રયોજાયો છે. એમ બતાવી શકાય. [જુઓ હવે પછી ૧૮.] ઠ. ‘આડશ’ વિશે એમ કહી શકાય કે ‘આડુ+ંઆશ’નું ‘આડાશ’ (‘રતાશ’ વગેરે પૃ. ૧૦૯) થવાને બદલે ‘આડશ’ થયું હોય. ૩. ‘ઊજળામણ, ભોંઠામણ, હૂંડિયામણમાં ‘શિખામણ’ વગેરેના સાદૃશ્યથી વિકસેલો ‘આમણ’ પ્રત્યય નામિક અંગોને લાગ્યો હોય એવી સંભાવના વિચારવા જેવી છે. ૪. ‘ઘરેળુ’ ‘ઘરાળુ’ (‘દયાળુ, કૃપાળુ, યાત્રાળુ’ના સાદૃશ્યે થયેલું ઘડતર)ના ધ્વનિવિકારથી સિદ્ધ થયું હોય એવો સંભવ છે. ૫. ‘આવરો, જાવરો, ઘૂમરી, લવરી, અવરજવર’માં ક્રિયાવાચક સંજ્ઞા બનાવનાર ‘ર’ પ્રત્યય (લિંગચિહ્ન સાથે કે વિના) સ્પષ્ટ જણાય છે. ૬. ‘ખાયકી, ગાયકી’ હિંદીમાંથી સ્વીકૃત શબ્દો જણાય છે. ૭. ‘વચકલું’ ‘વચકું’ને સ્વાર્થિક ‘લ’ લાગી બનેલું છે એટલું સ્પષ્ટ છે. ૮. ‘બોલછા, હિંડછા, મોંછા, ગાંડછા ઘેલછા’માં ‘છા’ભાવવાચક સંજ્ઞા બનાવે છે એ સ્પષ્ટ છે, માત્ર નામિક અને આખ્યાતિક બંને પ્રકારનાં અંગોને એ લાગે છે. ૯. ‘લડવાડ, વઢવાડ, એંઠવાડ’ (‘મંદવાડ’ ‘ગંદવાડ’ પણ ઉમેરી શકાય)માં ‘વાડ’ ભાવવાચક સંજ્ઞા બનાવનાર છે અને નામિક તેમજ આખ્યાતિક બન્ને પ્રકારનાં અંગોને લાગે છે. એ ધ્યાનપાત્ર છે કે આખ્યાતિક અંગોને એ લાગે છે ત્યારે સ્ત્રીલિંગ સંજ્ઞા બને છે અને નામિક અંગોને લાગે છે ત્યારે પુંલ્લિંગ સંજ્ઞા બને છે. ૧૦. ‘ટાળક, ઠારક’માં ‘ક’ કર્તૃવાચક વિશેષણસાધક છે. ‘સાધક, પાચક’ વગેરેના સાદૃશ્યે આ ઘડતર થયું જણાય છે. ૧૧. ‘નામેરી, રૂપેરી, સોનેરી, જમણેરી, ડાબેરી’માં વિશેષણસાધક ‘એરી’ પ્રત્યય સ્પષ્ટ છે, માત્ર સંજ્ઞા અને વિશેષણ બન્નેને એ લાગે છે. ૧૨. ‘બંધિયાર, ગોંધિયારું, દુઃખિયારું’ – એ સૂચિમાં ‘કાળિયાર’ ‘મોટિયાર’ પણ ઉમેરી શકાય – આ બધાં સાધિત અંગો વિશેષણો છે અને ‘ઇયાર’ પ્રત્યય જણાય છે, જોકે ‘દુઃખિયારું’ ‘દુઃખિયું’ને ‘આર’ લાગીને બન્યું હોય. ૧૩. ‘ગાંધિયાણું, સાલિયાણું, હટાણું, ગજિયાણી’માં ‘આણ’ પ્રત્યય (વિકસિત રૂપ ‘ઇયાણ’) જણાય છે. મૂળભૂત રીતે એ વિશેષણસાધક જણાય છે, જોકે આ સાધિત અંગો બહુધા સંજ્ઞા તરીકે વપરાય છે. ૧૪. ‘ઓરમાયું’, પરાયું’, ફટાયું, હેવાયું, ભુરાયું, હરાયું’માં વિશેષસાધક ‘ય/આય’ પ્રત્યય જણાય છે, જોકે એમાં ક્યાંક અંગ અસ્પષ્ટ છે, ક્યાંક વિશિષ્ટ અર્થછાયા છે. ૧૫. ‘કોકરવાયું, વેરવાયું, એકલવાયું, લાડકવાયું’માં વિશેષણસાધક ‘વાય’ પ્રત્યય સ્પષ્ટ છે પણ ‘રઘવાયું, વસવાયું’ને ‘રઘવાટ, વસવાટ’ સાથે કંઈ સંબંધ છે કે કેમ તે વિચારવા જેવું છે. ૧૬. ‘વિવાતું’ ‘રાઈતું’ ‘પસાયતું’માં વિશેષણસાધક ‘ત’ પ્રત્યય દેખાઈ આવે છે. ‘ઉતરાતું/ઉતરાદુ”નો આની સાથેનો સંબંધ સ્પષ્ટ નથી. ૧૭. ‘ખટૂમડું/ખટુંબડું’ (તથા ‘રતૂમડું/રતુંબડું’)માં અંગવિસ્તારક ‘ઊમડ/ઉંબડ’ પ્રત્યય તથા ‘કોઠીમડું’ (’કોઠીંબડું’ પણ)માં ‘ઈમડ’ (કે ‘ઈંબડ’) પ્રત્યય જણાય છે. ૧૮. લેખિકાએ આપેલી સૂચિમાંના બીજા કેટલાક શબ્દો તપાસતાં જણાય છે કે ઘણે ઠેકાણે કોઈક પરિચિત પ્રત્યય તારવી શકાય તેમ છે, માત્ર સાથે કોઈક અંગવિસ્તારક અંશ આવેલો છે એમ ઘટાવવું પડે દાખલા તરીકે, ક. ‘ઉ’ પ્રત્યય કર્તૃવાચક કે શીલવાચક વિશેષણ બનાવનાર છે – ‘ભેદુ, રખડુ’ વગેરે. ‘નાસેડુ ભાગેડુ, હાંકેડું, તાકેડું’માં એ પ્રત્યય સ્વાર્થિક અંશ ‘એડ’ સાથે અને ‘ડરકુ, લડકુ’માં એ સ્વાર્થિક અંશ ‘ક’ સાથે આવેલો છે એમ કહી શકાય. ખ. નામિક અને આખ્યાતિક ‘અપ્રત્યય’ (લિંગચિહ્ન સાથે) વિશેષણસાધક કે સાધનવાચક છે – ‘છૂટું’ ‘ગોબરું’ ‘ઝૂલો’ વગેરે. ‘બોલકું’ ‘મારકું’ ‘તેડકું’ (તથા ‘લાડકું’ પણ)માં એ સ્વાર્થિક અંશ ‘ક’ સાથે, ‘ચોટડું’ ‘ઢૂંકડું’ ‘મરકડું’ (તથા ‘મૂતરડું’ પણ)માં ‘ડ’ સાથે, ‘આપીકું, બાપીકું, પોતીકું, વહેવારીકું’માં ‘ઈક’ સાથે, ‘પેટૂડું’ ‘ચટૂંડું’ ‘બાપૂડું’માં ‘ઊડ’ સાથે, ‘ઓણૂકું, પોરૂકું, બળૂકું’માં ‘ઊક’ સાથે અને ‘વલકૂડું’માં ‘કૂડ’ સાથે આવેલો છે એમ કહી શકાય. અથવા અપ્રત્યય સ્વાર્થિક અંશોથી વિસ્તૃત થતાં બનેલા ‘ક’ ‘ડ’ ‘ઇક’ ‘ઊડ’ ‘ઊક’ ‘ફૂડ’ પ્રત્યયો છે એમ પણ લેખી શકાય. ‘બાધોડકું”માં ‘ઓડ+ક+અપ્રત્યય+લિંગચિહ્ન’ એમ વિશેષપણે વિસ્તાર થયેલો છે. ‘ભમરડો’ અને ‘રમકડું’માં ‘રડ’ અને ‘કડ’ અંશ આ પ્રકારના છે કે કેમ તે વિચારવા જેવું છે. ‘આવક, ડૂબકી, કૂદકો’ વગેરેમાંના ‘ક’ અને ‘રાખડી, ઝૂલડી’ વગેરેમાંના ‘ડ’ને પણ આ રીતે ઘટાવી શકાય. (જુઓ, હીંચ-હીંચક-હીંચકો) ગ. ‘સટોડિયો’ (તથા ‘વાતોડિયો’)માં ‘ઓડ’ વડે વિસ્તૃત ’ઇય’ પ્રત્યય સ્પષ્ટ રીતે દેખાઈ આવે છે. ‘દારૂડિયો’ પણ એવું જ ઘડતર છે, માત્ર સંધિને કારણે ‘ઓ’ ઊડી ગયો છે. ઘ. ‘આડોડાઈ’માં પણ ’આઈ’ પ્રત્યય ‘ઓડ’ વડે વિસ્તૃત થયો છે એમ કહી શકાય. ઉપરાંત, ‘છૂટકારો, કૂદકારો’ ‘ભૂલકણું, બોલકણું’ વગેરેમાંના ‘ક’ વિશે પણ ઉપર પ્રમાણે કહી શકાય. જુઓ કૂદ-કૂદકો-કૂદકારો; બોલ-બોલકું-બોલકણું. (૨૧) વ્યક્તિવાચક સંજ્ઞાઓને લાગતા અંગવિસ્તારક પ્રત્યયોમાંથી (પૃ. ૧૫૭–૧૬૭) અપ્રત્યય, ‘ડ’ અને ‘ઇય’ સિવાયના બધા જ પ્રત્યયો અંગના પ્રથમ બે અક્ષરને લાગે છે એવી નોંધ આરંભમાં જ કરવી જોઈતી હતી. એથી લગભગ સમગ્રપણે પ્રવર્તતી પરિસ્થિતિનો ખ્યાલ આવ્યો હોત. ‘ડિય’ પ્રત્યય અંગે એ પહેલા બે અક્ષરને લાગે છે એવી નોંધ કરવી પણ રહી ગઈ છે. બીજે ઘણે ઠેકાણે પ્રત્યય ‘કેટલીક વાર’ કે ‘કોઈક વાર’ પ્રથમ બે અક્ષરને લાગે છે એવી નોંધ છે તે બરાબર નથી. કેમકે ત્રણ પ્રત્યયો સિવાયના બાકીના બધા અનિવાર્યપણે પહેલા બે અક્ષરને લાગે છે. (૨૨) લિંગવાચક પ્રત્યયોના વર્ગીકરણમાં વિગતોની અચોકસાઈ ઠીકઠીક રહી ગઈ છે. માત્ર ‘ઓ’ ‘ઈ’ કે ‘ઉં’ પ્રત્યય લેતાં અંગોમાં એવાં અંગોનો ઉલ્લેખ છે જે લિંગચિહ્ન વિના તેમજ બીજા લિંગચિહ્નો સાથે પણ આવી શકે છે, એટલું જ નહીં, લેખિકાએ પોતે બીજે ઠેકાણે એ અંગોને એ રીતે ઉલ્લેખ્યાં છે! જેમકે, પૃ. ૧૮૧ પર ‘પાવડી’માં માત્ર સ્ત્રીલિંગનો ‘ઈ’ પ્રત્યય લેનાર અંગ છે એમ ગણ્યું છે. પૃ. ૧૮૫ પર ‘પાવડો-પાવડી’માં એને જ ‘ઓ-ઈ’ બન્ને પ્રત્યયો લેનાર અંગ ગણ્યું છે, તો પૃ. ૧૮૮ પર ‘પાવડો-પાવડું’માં એને ‘આ-ઉ’ પ્રત્યયો લેનાર અંગ ગણયું છે, પણ ત્રણે પ્રત્યયો લેનાર અંગોની સૂચિમાં ‘પાવડો-પાવડી-પાવડું’ નથી! વીગતોમાં એકવાક્યતાનો આવો અભાવ ઘણાં ઉદાહરણો પરત્વે નજરે પડે છે. અર્થભેદ રહેલો હોય એવાં ઉદાહરણોની એક જુદી નોંધ અને એમનું વર્ગીકરણ લેખિકાએ આપ્યું તે યોગ્ય કર્યું છે પણ તે પહેલાંના નિરૂપણમાં પણ આવાં ઉદાહરણો સમાવેલાં છે જ – ‘ટાંકણી-ઢાંકણું’ ‘પીંછી-પીંછું’ (પૃ. ૧૮૭) વગેરે. તો પછી અર્થભેદવાળાં લિંગવાચક પ્રત્યયોના જે વર્ગો પૃ. ૧૯૨–૧૯૩ પર પાડ્યા છે તે બધા વર્ગો આગળના નિરૂપણમાં પણ આવવા જ જોઈએ, પણ ખરેખર આવતા નથી. આ બધું બતાવે છે કે લિંગવાચક પ્રત્યયોનું નિરૂપણ સુસંગત દૃષ્ટિથી થયું નથી. અર્થભેદના ઉદાહરણોમાં કેટલાંક ચર્ચાસ્પદ જણાય છે, ‘પાંખ–પાંખો’ (પૃ. ૧૯૨)માં ‘પાંખો’ પુંલ્લિંગ સંજ્ઞા છે? ‘પગ-પગી’માં ‘પગી’ અવ્યક્તલિંગવાચક વિશેષણ હોય તો લિંગવાચક પ્રત્યયના ઉદાહરણ લેખે એ કેવી રીતે આવી શકે? લિંગચિહ્નથી જુદીજ વ્યાકરણી કોટિનું ઘડતર થતું હોય તો તેવાં ઉદાહરણોને અહીં સમાવવાં યોગ્ય ખરાં? જેવાં કે ‘ગોળ-ગોળો, ગોળી’ ‘સાહેબો-સાહેબી’ (પૃ. ૧૯૩) ‘લાડ-લાડો-લાડી’ (પૃ. ૧૯૮). તો ‘જુવાન-જુવાની’ ‘દલાલ-દલાલી’ આદિ ઘણાં ઉદાહરણોનો અહીં સમાવેશ કરવાનો રહે. એમ લાગે છે કે આવાં ઉદાહરણોમાં લિંગચિહ્ન દ્વારા વિશેષણ પરથી સંજ્ઞા કે સામાન્ય સંજ્ઞા પરથી ભાવવાચક સંજ્ઞા (કે એથી ઊલટું) સધાતી હોઈ એના અર્થભેદની જુદી જ કોટિ માનવી જોઈએ. પૃ. ૧૯૨થી પૃ. ૧૯૪ સુધી ‘વ્યક્તલિંગવાચક’ની સાથે ‘અપ્રત્યય’ કહ્યું છે તે સરતચૂક જણાય છે. જ્યાં લિંગ વ્યક્ત હોય ત્યાં લિંગવાચક પ્રત્યય હોય જ ને? આગળ બધે એ રીતે જ નિરૂપણ થયેલું છે. (૨૩) લેખિકાએ પ્રસ્તુત હોય ત્યાં સંસ્કૃત વ્યાકરણની પૂર્વભૂમિકા આપી છે, પરંતુ એમાં એમની કચાશ જણાઈ આવે છે. ક્યાંક અવતરણ ખોટાં છપાયાં છે – પૃ. ૨૦ પર ‘અસ્મિનધાત્વાધિકારે’ તથા પૃ. ૨૨ પરની આઠમી પાદનોંધ જુઓ, પૃ. ૧૫૪ની ત્રીજી લીટીમાંના અવતરણમાં પણ ગરબડ લાગે છે અને ચોથી લીટીમાં ‘સચ્ચા’ ને બદલે ‘સત્ત્વા’ છપાયું છે; ક્યાંક ભાષાંતર દોષયુક્ત છે – પૃ. ૧૯ પરની બીજી પાદનોંધના ભાષાંતરમાંથી એવું સમજાય છે કે કૃત્‌ અને તદ્ધિત એ ‘પ્રત્યયો’ છે, મુખ્ય વક્તવ્ય સાથે અસંગત છે. પૃ. ૧૫૫ પરનાં કેટલાંક ભાષાંતરો પણ શિથિલ છે; ક્યાંક વિવરણ બંધબેસતું નથી – પૃ. ૧૦ પર ‘આર’ પ્રત્યય સંસ્કૃત ‘કાર’માંથી ઊતરી આવ્યો છે એમ કહીને વ્યુત્પત્તિ ‘ચમકે’ની આપી છે! પૃ. ૧૫૬ પર ‘નીતિના અર્થમાં’ એ વાક્યખંડ સમજાતો નથી. જોઈ શકાશે કે ચર્ચાસ્પદ છે તે કેટલીક વીગતો અને અર્થઘટન, ક્યાંક નિરૂપણપદ્ધતિ. આટલા માહિતીપ્રચુર ગ્રંથમાં એ કોઈ મોટો દોષ નથી. સામગ્રી અને પ્રયોગનું વૈવિધ્ય પણ એમાં જવાબદાર છે. એથી, લેખિકાએ સામગ્રીસંચયનો, એના વિશ્લેષણ અને વર્ગીકરણનો જે શ્રમ કર્યો છે – અને શાસ્ત્રીય પદ્ધતિથી કર્યો છે – એનું મૂલ્ય ઘણું રહે છે. પણ વધારે ચોક્કસ માહિતી અને અર્થઘટન તરફ જઈ શકાય એટલા માટે અહીં કેટલીક સામગ્રીની ઝીણવટથી ચકાસણી કરી છે.

પાદટીપ : ૧. આ કોઠાની સાથે પ્રત્યયની તે-તે કામગીરીની ચર્ચા ગ્રંથમાં કયા પૃષ્ઠ પર છે તે દર્શાવવું આવશ્યક હતું.

[‘પરબ’, ૧૯૭૪ : ૧]