અનુબોધ/કાલેલકર
‘ઉપાસના કરવા લાયક કોઈ દેવતા હોય તો તે જીવનદેવતા જ છે.
પણ જીવનદેવતાની ઉપાસના કપરી હોય છે. માણસને માટે જો કાંઈ
પણ હિતતમ હોય તો તે જીવનદેવતાને ઓળખવું એ જ છે. જીવનદેવતા
બહુરૂપિણી છે.
—કાલેલકર
૧. જીવનરેખા
દત્તાત્રેય કાલેલકરનો જન્મ ઈ.સ. ૧૮૮૫ના ડિસેમ્બરની પહેલી તારીખે સતારામાં થયો હતો.[1] તેમના પિતા બાલકુષ્ણ કાલેલકર પ્રકૃતિએ ઘણા ધર્મનિષ્ઠ પાપભીરુ અને જાગ્રત ન્યાયબુદ્ધિવાળા હતા. માતા રાધાબાઈ પણ કુલીન સદાચારી અને પરોપકારવૃત્તિવાળાં હતાં. દેવપૂજા જપતપ વ્રતઉપવાસ જેવાં કર્મકાંડો અને વિધિનિષેધોનું તેઓ ચુસ્ત રીતેક પાલન કરતાં. તેમના કુટુંબમાં પ્રાચીન ધર્મગ્રંથો અને મરાઠી સંતોના ભક્તિસાહિત્યનું સતત પારાયણ ચાલતું રહેતું. જ્યારે તીર્થાટનના પ્રસંગો આવતા ત્યારે કુટુંબનાં બાળકોના પણ સાથે લેવામાં આવતાં. આ જાતની ધાર્મિક પ્રવૃત્તિઓની બાળક દત્તાત્રેયના મન પર ઊંડી અસર પડી દેખાય છે. બાલકૃષ્ણ કાલેલકર સરકાર તરફથી દેશી રાજ્યોમાં ઑડિટર નિમાયા હતા. એ કામને લીધે આખા કુટુંબને વારંવાર સ્થળાંતર કરતા રહેવું પડતું. પરિણામે બાળકોને એક જ શાળામાં લાંબો સમય સ્થિર રહીને શિક્ષણ લેવાને અવકાશ મળ્યો નહોતો. જો કે સ્થળાંતરોની સાથે નવાનવા પ્રદેશો જોવાનો લાભ તેમને અનાયાસ મળી ગયો. આવાં પરિભ્રમણોએ જ તરુણ કાકાસાહેબમાં પ્રકૃતિ માટેનું આકર્ષણ જન્માવ્યું હશે. બીજો પરોક્ષ લાભ એ મળ્યો કે જુદી જુદી શાળાના કેટલાક સંનિષ્ઠ શિક્ષકોનો સંપર્ક તેમને થયો. આચાર્ય વામનરાવ અને પદ્મનાભ ચંદાવરકર જેવા શિક્ષકોએ કાકાસાહેબની જિજ્ઞાસા સંકોરવામાં તેમ તેમની ધર્મવૃત્તિ પોષવામાં મોટો ભાગ ભજવ્યો હતો. તરુણ વયે જ ‘પ્રતાપપાંડવ’, ‘રામવિજય’, ‘હરિવિજય’, ‘ભક્તિવિજય’, ‘ગુરુચરિત્ર’, ‘સંતલીલામૃત’, અને ‘બ્રહ્મવાદિન’ જેવાં ધર્મગ્રંથો વાંચવા તેઓ પ્રેરાયેલા. એ સમયે ‘પ્રબુદ્ધ ભારત’ અને ‘બ્રહ્મવાદિન’ જેવાં સામયિકોમાં વેદાંતની જે ચર્ચા ચાલતી તે સમજવાને તેમણે પ્રયત્નો કરેલા. ઈ.સ. ૧૯૦૩માં કાકાસાહેબ, મૅટ્રિકની પરીક્ષા પાસ કરી, પૂનાની ફર્ગ્યૂસન કૉલેજમાં જોડાયા. તેમના વ્યક્તિત્વઘડતરનો આ એક મહત્વનો તબક્કો હતો. એ સમયે આખાયે દેશમાં રાષ્ટ્રીય અસ્મિતાનું પ્રચંડ મોજું ફરિ વળ્યું હતું. સહજ જ જુદીજુદી રાષ્ટ્રીય ચળવળો તેમનું ધ્યાન ખેંચી રહી. રવીન્દ્રનાથ ટાગોર અને અરવિંદ ઘોષની ‘નૅશનલ કાઉન્સિલ ઑફ એજ્યુકેશન’ આર્યસમાજ, ડૉન સોસાયટી, થયૉસૉફિકલ સોસાયટી, બ્રહ્મોસમાજ, રામકૃષ્ણમિશન અને બંગાળનો નૂતન કળાસંપ્રદાય જેવી રાષ્ટ્રીય ચેતનાથી પ્રેરાયેલી જુદી જુદી અનેક સંસ્થાઓ ત્યારે સક્રિય બની હતી. એ સૌની ભાવના પ્રાચીન ધર્મ અને સંસ્કૃતિનું ઉજ્જવલ રૂપ પ્રગટ કરીક નવા યુગના સંદર્ભમાં તેની પ્રાણપ્રતિષ્ઠા કરવાની હતી, સ્વામી વિવેકાનંદ અને ભગિની નિવેદિતાએ પ્રાચીન વેદાંતનું રહસ્ય સમજાવતાં તેમાં જનસેવાનું મૂલ્ય પણ સાંકળી આપ્યું. તરુણ કાકાસાહેબના મન પર આ બધી પ્રવૃત્તિઓ અને વિચારણાનો પ્રભાવ પડ્યો હશે. આ વયે કાકાસાહેબે પોતાના જીવનકાર્ય (mission) વિશે ઘણા સંકલ્પવિકલ્પો કર્યા દેખાય છે. જીવનની દિશા સ્પષ્ટ થતી નહોતી. થોડો સમય લોકમાન્ય ટિળકના નેતૃત્વ હેઠળ ચાલતી સ્વદેશી અને દારૂબંધીની ચળવળમાં કામ કર્યું. થોડો સમય ક્રાંતિકારી બાપટ અને વીર સાવરકરની મંડળીમાંયે જોડાયા. આમે એક બાજુ રાષ્ટ્રીય વહેણોમાં તેઓ ખેંચાઈ રહ્યા હતા ત્યારે, બીજી બાજુ તેમના અંતરમાં આધ્યાત્મિક કટોકટી ચાલી રહી હતી. બાળપણની ભોળી ધર્મશ્રદ્ધા કઠોર બુદ્ધિની એરણ પર ખંડિત થઈ ગઈ હતી. તેમનું મન સંશયવાદથી ઘેરાયેલું હતું. એવે સમયે વિવેકાનંદનાં વચનોએ તેમને ઉગારી લીધા. તેમના અંતરમાં નવી આસ્થા જન્મી કે ભારતના પુનરુદ્ધારનો એકમાત્ર માર્ગ તે કેળવણીનો છે. અને મનોમન જ તેમણે કેળવણીના કામની દીક્ષા અંગીકાર કરી લીધી. ઈ.સ. ૧૯૦૭થી ૧૯૧૫નો ગાળો કાકાસાહેબના જીવનમાં ઝડપી વળાંકો આણે છે. આ ગાળામાં થોડો સમય બેલગામના ગણેશ વિદ્યાલયમાં અને પછી થોડો સમય વડોદરાના ગંગાનાથ ભારતી સર્વવિદ્યાલયમાં શિક્ષક તરીકે કામ કર્યું. વચમાં ગંગાધરરાવના નેતૃત્વ હેઠળ શરૂ થયેલા પત્ર ‘રાષ્ટ્રમત’માંય કામ કર્યું. અહીં તેમને દત્તોપંત આપટે, વીર વામનરાવ, ગોપાળરાવ ઓગલે, હરિભાઉ ફાટક અને સ્વામી આનંદ જેવા રાષ્ટ્રવાદી કાર્યકર્તાઓનો સંપર્ક થયો. ઈ.સ. ૧૯૧૩માં નિકટના સાથી અનંત બુવા મર્ઢેકર અને સ્વામી આનંદ સાથે તેમણે હિમાલયની પગયાત્રા કરી. ત્યાંથી પાછા ફરતાં થોડો સમય હરદ્વારના ઋષિકુળમાં રોકાયા અને જપતપ કર્યાં. પછી ઉત્તર ભારતમાં આર્યસમાજીઓનું કાંગડી ગુરુકુળ, રાજા મહેન્દ્ર પ્રતાપનું પ્રેમમહાવિદ્યાલય, આચાર્ય કૃપાલાનીજીનો સિંધુ બ્રહ્મચર્યાશ્રમ અને રવીન્દ્રનાથની પ્રસિદ્ધ સંસ્થા શાંતિનિકેતનની મુલાકાત લીધી. શાંતિનિકેતનમાં તો ગુરુદેવના સાન્નિધ્યમાં થોડો સમય અધ્યાપકનું કામ પણ કર્યું. ઈ.સ. ૧૯૧૩માં આચાર્ય કૃપાલની અને ગિરાધારી જેવા મિત્રો સાથે તેઓ બ્રહ્મદેશનો પ્રવાસ કરી આવ્યા. ઈ.સ. ૧૯૧૫માં શાંતિનિકેતનમાં તેમને પ્રથમવાર ગાંધીજી જોડે મુલાકાત થઈ. સત્યાગ્રહનો સિદ્ધાંત તેમ જ બીજા રાષ્ટ્રીય પ્રશ્નો વિશે તેમણે ગાંધીજી જોડે વિચારવિનિમય કર્યો. સત્યાગ્રહના સાધનની ક્ષમતા વિશે તેમના મનમાં અત્યાર સુધી જે સંશય પડ્યો હતો તે આ મુલાકતની દૂર થયો. તેઓ હવે ગાંધીજીના અનુયાયી બન્યા. ગાંધીજીના સૂચનથી સત્યાગ્રહ આશ્રમની રાષ્ટ્રીયશાળા અને ગૂજરાત વિદ્યાપીઠમાં તેમણે શિક્ષણ કામ સ્વીકાર્યું, અને કેટલોક સમય એ સંસ્થાના સંચાલનની જવાબદારી પણ ઉપાડી. દરમ્યાન સત્યાગ્રહની લડતમાં તેઓ સક્રિય બન્યા. ઈ.સ. ૧૯૩૨માં ગૂજરાત વિદ્યાપીઠ છોડી અને આખાયે રાષ્ટ્રને પોતાની કર્મભૂમિ બનાવી. અસહકારની લડતમાં ભાગ લેવા બદલ તેમને જેલ જવાના પ્રસંગો આવ્યા. રાષ્ટ્રભાષા હિંદુસ્તાનીના પ્રચારકાર્ય અંગે દેશના જુદા જુદા પ્રાંતોમાં તેમને પ્રવાસો કરવા પડ્યા. સ્વાતંત્ર્યોત્તર સમયમાં ‘ગાંધી સ્મારક નિધિ’ના નિયામક તરીકે સેવા આપી. રાષ્ટ્રીય કક્ષાઓની બીજી અનેક સંસ્થાઓ જોડે પણ તેઓ સંકળાયેલા રહ્યા. દરમ્યાન ચીન, જાપાન, રશિયા, આફ્રિકા, યુરોપ, અમેરિકા વગેરે દેશોમાં પ્રવાસ કરી આવ્યા. ભારતના ‘સાંસ્કૃતિક એલચી’ તરીકે તેમની એ સેવા નોંધપાત્ર છે. ઈ.સ. ૧૯૬૦માં ગુજરાતી સાહિત્ય પરિષદના અમદાવાદ ખાતે મળેલા વીસમા અધિવેશનના તેઓ પ્રમુખ તરીકે વરાયા હતા. તેમની રાષ્ટ્રીય સેવાઓની કદર ભારત સરકારે ઈ.સ. ૧૯૬૪માં તેમને ‘પદ્મવિભૂષણ’ના ઇલકાબથી નવાજ્યા હતા. તેમના ચિંતનાત્મક ગ્રંથ ‘જીવનવ્યવસ્થા’ ને સાહિત્ય અકાદમી, દિલ્હીનું ઈ.સ. ૧૯૬૪નું પારિતોષિક એનાયત થયું હતું.
૨. નિરાળી પ્રતિભા
કાકાસાહેબની લેખનપ્રવૃત્તિ ઈ.સ. ૧૯૨૦ની આસપાસમાં શરૂ થયેલી તે અત્યાર સુધી અવિરતપણે ચાલુ રહી છે. * ગુજરાતીમાં પ્રગટ થયેલા તેમના ગ્રંથોની કુલ સંખ્યા ચાળીસથી પણ વધારે છે. જન્મે મહારાષ્ટ્રી હોવા છતાં ગુજરાતી ભાષા પ્રત્યે પોતાની માતૃભાષા મરાઠી જેટલો જ ભક્તિભાવ તેમણે દાખવ્યો છે. તેમનાં મોટાભાગનાં લખાણો પહેલાં ગુજરાતીમાં જ અવતર્યાં છે. આપણી ભાષાને પોતાના હૃદયની સકલ સમૃદ્ધિ રેડીને એમણે એટલી સમર્થ રીતે ખેડી કે, ગાંધીજીએ તેમને ‘સવાઈ ગુજરાતી’નું મોંઘેરું બિરુદ આપ્યું. કાકાસાહેબ નિબંધ, પ્રવાસકથા, આત્મવૃત્તાંત, પત્ર આદિ ગદ્યના વિવિધ પ્રકારો ખેડ્યા. નિબંધોમાં ચિંતનાત્મક અને લલિત બંને શૈલીનાં લખાણો તેમણે લખ્યાં. ચિંતનાત્મક લખાણોમાં તેમની ચિંતક તરીકેની તેજસ્વી પ્રતિભાનો પરિચય મળે જ છે. પણ તેમની પ્રતિભાનો એ કંઈક સીમિત અને એકદેશીય આવિષ્કાર છે. તેમનું બહુશ્રુત સંસ્કારસમૃદ્ધ વ્યક્તિત્વ, તેમના પ્રવાસગ્રંથોમાં અને લલિતનિબંધોમાં, વધુ સુભગ રૂપમાં અને વધુ આકાશદર્શનના તેમના લેખો એમાં રજુ થતા વિષયની નવીનતાને કારણે એક નિરાળો જ ઉન્મેષ બની રહે છે. ગાંધીજીએ સિદ્ધ કરેલી ગદ્યશૈલીમાં તેમણે લાવણ્યવતી એક અનોખીક ગદ્યછટા નિપજાવી. ગાંધીજીના પ્રખર તપોમય વ્યક્તિત્વ હેઠળ લાંબો સમય તેઓ રહ્યા. પણ તેમના હૃદયની સૌંદર્યવૃત્તિ તેથી કરમાઈ ગઈ નથી : એ વિભૂતિનાં તેજ પી પીને તે જાણે કે વધુ દીપ્તિમંત બની છે. કાકાસાહેબની જીવનગતિ ગાંધીજી કરતાં કંઈક જુદી દિશાની દેખાય છે. ગાંધીજીની દૃષ્ટિમાં ભારતનાં કરોડો દરિદ્રનારાયણો હંમેશ માટે વસી ગયાં હતાં. તેમણે પોતાનું આખું જીવન એ દરિદ્રનારાયણોના પુનરુદ્ધાર અર્થે સમર્પિત કર્યું હતું. લોકશ્રેય, લોકસેવા અને લોકશિક્ષણ એ જ તેમના જીવનનાં મુખ્ય પ્રેરક બળો બની રહ્યાં હતાં. તેમના સત્યના પ્રયોગો આવા પરમ લક્ષ્યની દિશામાં ચાલ્યા હતા. તેમની પાસે સૌંદર્યદૃષ્ટિ નહોતી એમ તેમ કહી શકો નહિ. સંગીત ચિત્ર સાહિત્ય જેવી કળાઓમાં સૂક્ષ્મ રસદૃષ્ટિથી પ્રવેશ કર્યો હોય એવા અનેક પ્રસંગો તેમના જીવનમાં જોવા મળે છે. પોતાની આસપાસ વિસ્તરેલી પ્રકૃતિમાં વિશ્વના મહાન સર્જકની કળાનું પોતે દર્શન કરે છે, એમ પણ તેઓ કહેતા, પણ કેવળ સૌંદર્યની ઉપાસનાને તેમની જીવનવિચારણામાં ઝાઝું મહત્ત્વ નહોતું. બીજી બાજુ, કાકાસાહેબ પણ ગાંધીજીએ બતાવેલા રચનાત્મક કાર્યક્રમમાં જોડાયેલા રહ્યા અને રાષ્ટ્રજીવનના તેમ માનવસમાજના પ્રશ્નો વિશે વિચારવિમર્શ પણ કરતા રહ્યા. પણ તેમની શોધ વિશ્વજીવન પાછળ રહેલા પરમ તત્ત્વની હતી. આ પરમ તત્ત્વને ‘જીવનદેવતા’ તરીકે ઓળખાવે છે. તેઓ કેહ છે કે પ્રકૃતિ અને સંસ્કૃતિ, ભૂમિ અને ભૂમા – એમ સમગ્રને વ્યાપી લેતી ‘જીવનદેવતા’ અનંતવિધ રૂપે વિલસ્યા કરે છે. પ્રકૃતિનાં રુદ્રરમ્ય તત્ત્વોમાં તેમ માનવહૃદયમાં સ્ફુરતાં શુંભકર તત્ત્વોમાં એનો જ વિશેષ આવિર્ભાવ જોવા મળે છે. સત્યમ્ શિવમ્ અને સુન્દરમ્ એ ત્રણ એની જ મુખ્ય વિભૂતિઓ છે. ધર્મ કળા સંસ્કૃતિ આદિમાં એની જ ઝાંખી થાય છે. એ ખરું કે વ્યવહારજીવનમાં હિંસ્રતા કુત્સિતતા જેવાં વિઘતક તત્ત્વોય કામ કરે છે — કાકાસાહેબ જીવનની નરી હકીકત લેખે એનો ઇન્કાર કરતા નથી — પણ તેઓ જે પ્રકારની જીવનભાવના કેળવી રહ્યા છે એમાં એનું ઊંચું સ્થાન નથી. જીવનમાં પ્રગટ થતાં શ્રેયસ્કર તત્ત્વોમાં જ તેમની ઊંડી આસ્થા રહી છે. ‘જીવનદેવતા’ને પૂર્ણરૂપમાં જોવાજાણવાની વૃત્તિ જ તેમને જ્ઞાનવિજ્ઞાનના વિવિધ વિષયોમાં પ્રેરી રહી. કંઈક આશ્ચર્ય લાગે એવી વાત છે કે, ધર્મ સંસ્કૃતિ સમાજવિજ્ઞાન નૃવંશશાસ્ત્ર ઇતિહાસ પુરાણ સાહિત્યાદિ કળા, ગણિત ખગોળશાસ્ત્ર એવા અનેક વિષયોમાં લગભગ એકસરખા રસથી તેમણે પ્રવેશ કર્યો છે. એમાં પ્રાચીન હિંદુ સંસ્કૃતિ અને ધર્મદર્શનના તેઓ ઊંડા અભ્યાસી રહ્યા છે. વેદ ઉપનિષદનાં રહસ્યો તેમના જીવનવિચારમાં ઓતપ્રોત થઈ ચૂક્યાં છે. વીસમી સદીનાં જાગતિક પરિબળોથી પણ તેઓ સારી રીતે પરિચિત છે. માનવતાવાદની ભૂમિકા પણ એમના ચિંતનમાં વ્યાપકપણે ભળી છે. એટલે સંકુચિત સંપ્રદાયવૃત્તિથી તેઓ અળગા થઈ ચૂક્યા છે. એટલે તેમને ‘આર્ય સંસ્કૃતિના પરિવ્રાજક’ તરીકે ઓળખવામાં આવ્યા છે તે યોગ્ય જ છે. વળી વિવિધ વિદ્યાઓના સંસ્કારોથી તેમનો મનઃકોષ અત્યંત સમૃદ્ધ બન્યો હોવાથી કિશોરલાલ મશરૂવાળાએ તેમને ‘જીવતોજાગતો જ્ઞાનિનિધિ’[2] તરીકે બિરદાવ્યા છે. પણ કાકાસાહેબની પ્રતિભાનો વિશિષ્ટ અંશ તે તેમની સૌંદર્યવૃત્તિ છે. સૌંદર્યબોધની તેમની ઇંદ્રિય ઘણી સતેજ અને સદોદિત રહી હોવાનું સમજાય છે. દેશમાં કે વિદેશમાં, જ્યાં જ્યાં તક મળી છે ત્યાં ત્યાં પ્રકૃતિનું સૌંદર્ય માણવાનું તેઓ ચૂક્યા નથી. રામનારાયણ પાઠક[3] એમ કહે છે કે સૌંદર્યવૃત્તિ એ જ કાકાસાહેબની પ્રતિભાનો ખરો વિશેષ છે. કિશોરલાલે[4] વળી એવું અવલોકન નોંધ્યું છે કે ગાંધીજીની ‘કરુણાભીની’ અને ‘અર્થશોધક’ આંખો પ્રજાજીવનની વિષમ વાસતિકતા પર મંડાયેલી રહેતી, જ્યારે કાકાસાહેબની ‘રસભરી’ અને ‘સૌંદર્યશોધક’ દૃષ્ટિ સતત પ્રકૃતિના વૈભવ પર ઠરેલી રહેતી. કિશોરલાલના આ અભિપ્રાયમાં, અલબત્ત, અત્યુક્તિ રહી છે. તો પણ એટલું તો સાચું જ કે સૌંદર્યબોધ અને તેની અભિવ્યક્તિની ઉત્કટ ઝંખના એ કાકાસાહેબની પ્રતિભાનું એક બળવાન અને ગતિશીલ તત્ત્વ છે ગાંધીમંડળના લેખકો-ચિંતકોમાં આ વૃત્તિવિશેષને કારણે તેઓ નિરાળા તરી આવે છે.
૩. લલિય નિબંધો
‘જીવનનો આનંદ’(૧૯૩૫)
આ ગ્રંથમાં પ્રકૃતિદર્શન અને આકશદર્શન ઉપરાંત કળાવિચારણાના નિબંધો ગ્રંથસ્થ થયા છે. એમાં ‘પ્રકૃતિનું હાસ્ય’ અને ‘નિવૃત્તિમાં નિરીક્ષણ’ એ બે ખંડોમાં પ્રકૃતિનાં વિભિન્ન સૌંદર્યરૂપોનું વર્ણન કરતા નિબંધો રજૂ થયા છે. પ્રકૃતિનું સૌંદર્ય માણવા તેઓ સતત પરિભ્રમણ કરતા રહ્યા છે. પણ ‘નિવૃત્તિમાં નિરીક્ષણ’ ખંડનાં લખાણો જેલવાસમાં લખાયાં છે. જેલજીવનની એકાંતતામાં, ખાસ કરીને માંદગીની નિવૃત્તિની ક્ષણોમાં, આસપાસની પ્રકૃતિને નિકટતાથી અવલોકવાની વૃત્તિમાંથી એ લખાણો જન્મ્યાં છે. પ્રકૃતિ જાણે કે સતત અવનવાં રૂપોમાં અવનવી છટાઓથી કાકાસાહેબને આમંત્રણ આપતી રહી છે, અને પ્રસન્નતાપૂર્વક તેઓ એ આમંત્રણ સ્વીકારતા રહ્યા છે! પ્રકૃતિનું રમ્યભવ્ય દૃશ્ય તેમના અંતરમાં અપૂર્વ આહ્લાદ જગાડે છે. એમાં ક્વચિત્ શોકની છાયા ભળે છે, ક્વચિત્ અસૂયાની લાગણી ઉમેરાય છે! પ્રકૃતિ જીવંત સત્ત્વ હોય એ રીતે આત્મીયતાથી તેઓ તેની જોડે વિશ્રંભકથા માંડે છે, કે સ્વગતોક્તિ ઉચ્ચારે છે. પ્રકૃતિના વિશુદ્ધ આનંદના મૂળમાં ખરેખર તો તેમની ભક્તિ અને વિસ્મયની અનુભૂતિઓ રહી હોય છે. નિર્વ્યાજ વિશુદ્ધ આનંદ એ જો તેમના સૌંદર્યબોધની ક્ષણોની પરાકાષ્ઠા છે, તો એવો આનંદ જ તેમના લલિત નિબંધોનું મુખ્ય પ્રેરક બળ છે. ગમે તે સ્થિતિમાં કુદરતનું દર્શન આહ્લાદક જ હોય છે, એવી તેમના અંતરની દૃઢ પ્રતીતિ રહી છે. ઉષાકાળે કેસરવર્ણી આભા અને સોનેરી ઝાંયથી દીપતું પૂર્વીય આકાશ, તારાનક્ષત્રોથી મહોરી ઊઠતું રાત્રિનું કદંબવૃક્ષ, ઋતુઋતુએ મનોભાવ બદલાતાં રહેતાં વાદળોની અવનવી રંગલીલા, નગરને રોશનીથી ઝળહળ કરી મૂકતા દીવાઓની હારમાળા, સૂરજનાં તેજ પીતાં કૂણાં પર્ણો – એવી નૈસર્ગિક સૌંદર્યની છટાઓ તો તેઓ માણે જ છે. પણ જીવનનાં શુષ્ક અને રેઢિયાળ લાગતાં દૃશ્યોમાંય તેઓ લીન બની જાય છે. પ્રખર ગ્રીષ્મના મદ્યાહ્નકાળે આકાશના નીરવ એકાંતમાં ચકરાવા લેતી સમડીઓ જોવાનું કે કુમાશભર્યા કાદવમાં અંકાઈ ગયેલી પગલાંઓની લિપિ ઉકેલવાનું કે પાણીની સપાટી પર વિસ્તરી રહેલી લીલનું બારીક નિરીક્ષણ કરવાનું તો કાકાસાહેબ જેવા કોકને જ સૂઝે! અરે, સુકાતી માટીની તિરાડોથી રચાઈ જતી આકૃતિઓ જોવાનું પણ તેઓ ચૂક્યા નથી! એમ કહી શકાય કે પૃથ્વી પાણી તેજ વાયુ અને આકાશ એ પાંચ મહાભૂતો અલગ અલગ કે સાથે મળીને જે જે માયાવી રૂપો રચે છે, તે સર્વને તેઓ એકસરખી ઉત્સુકતાથી નિહાળતા રહ્યા છે. આવી ક્ષણે તેઓ જે વિરલ પ્રસન્નતા અનુભવી રહ્યા હોય છે, તેની પાછળ તેમની વિરલ આધ્યાત્મિક વૃત્તિ જોઈ શકાય. પ્રકૃતિમાં પ્રત્યક્ષ થતી લીલા એ પરમ ચૈતન્યનો જ આંશિક આવિષ્કાર છે, એવી તેમની પ્રતીતિ રહી છે. આવી પ્રતીતિ ન હોય તો, પ્રકૃતિનાં રમ્યરુક્ષ સુરપકુરૂપ એવાં સત્ત્વો જોડે આટલી આત્મીયતા સાધવાનું પણ શક્ય ન બને. ‘જીવનનો આનંદ’ના બીજા ખંડ ‘અનંત વિસ્તાર’માં કાકાસાહેબના આકાશદર્શનના લેખો રજૂ થયા છે. મૂળ તો સત્યાગ્રહ આશ્રમના વિદ્યાર્થીઓને, અને બીજા આકશપ્રેમી લોકોને માટે પણ, આ વિષયનો પ્રાથમિક ખ્યાલ આપી એમાં તેમને રસ લેતા કરવાને એ લખાયા હતા. એ પૈકી ‘અઘમર્ષણ’થી ‘રાત્રિની સમૃદ્ધિ-૧’ સુધીના છ નિબંધો વિશેષતઃ માહિતીલક્ષી છે, જ્યારે બીજા લેખો તારાદર્શનના આહ્લાદમાંથી જન્મ્યા હોઈ લલિત નિબંધો બન્યા છે. તારનક્ષત્રો અને નિહારિકાઓનું દર્શન કાકાસાહેબમાં અજબ ઉલ્લાસ જગાડે છે. રાત્રિની એ જ્યોતિર્મય સૃષ્ટિને તેમણે ‘દેવોનું કાવ્ય’ કહીને ઓળખાવી છે. એક પ્રસંગે તેમણે એમ કહ્યું છે કે દિવસના ‘કાળા પ્રકાશ’ કરતાં રાત્રિનો ‘ઊજળો અંધકાર’ તેમને વધુ ગમે છે! કેમ કે, આ અનંત બ્રહ્માંડનં વધુ યથાર્થ દર્શન ‘ઊજળા અંધકાર’માં જ થઈ શકે. સાચું છે કે તારાનક્ષત્રોની રહસ્યભરી સૃષ્ટિ તેમના અંતરના વિસ્મયને સંકોરતી રહી છે, તેમના ભક્તિભાવને પોષતી રહી છે. ખગોળશાસ્ત્રના તેઓ ઊંડા અભ્યાસી રહ્યા છે, એટલે તારાનક્ષત્રોના ઉદયઅસ્તની માહિતી તેમની પાસે હોય જ. એટલે જેલની સાંકડી બરાકમાં પડ્યા હોય, કે દક્ષિણ છેડે કન્યાકુમારીના સાગરતટે ઊભા હોય, કોઈ પણ સ્થાનેથી પોતાના સ્વજન સમાં તારાનક્ષત્રોની તેઓ અચૂક ભાળ મેળવી લેવાના. આ રીતે આકશદર્શન એ તેમની અતિપ્રિય પ્રવૃત્તિ રહી છે. આ વિષયના તેમના લલિત નિબંધો, માત્ર વિષયની નવીનતાને કારણે જ નહિ, ચારુ ગદ્યશૈલીને કારણે પણ એટલા જ હૃદ્ય બન્યા છે. તારાનક્ષત્રોની સતત ચાલતી રહેતી વણઝાર તેમની સંવેદનાને તીવ્રતાથી સંકોરી આપે છે અને તેમની કલ્પનાને તરલચંચલ બનાવી દે છે. તારાઓની વૈવિધ્યભરી આકૃતિઓનું ચેતોહર અલંકારોની સહાયથી તેઓ વર્ણન કરે છે. વેદઉપનિષદના સંદર્ભો સહજ રીતે તેમના અલંકારોમાં પ્રવેશી જાય છે. પ્રસંગેપ્રસંગે તારાનક્ષત્રોમાં માનવભાવોનું આરોપણ કરી સજીવારોપણ અલંકરો રચે છે. તો એમાં હાસ્યવિનોદની નિર્દોષ ક્ષણોય તેઓ શોધી લે છે. આકશદર્શનની પ્રસન્નતા જાણે કે તેમની સર્જકકલ્પનાને પ્રેરી રહે છે, એટલે જ ‘દેવોનું’ એ ‘કાવ્ય’ આપણા સાહિત્યમાં હૃદયંગમ એવા ગદ્યકાવ્યના ઉન્મેષો નિપજાવી આપે છે.
‘રખડવાનો આનંદ’ (૧૯૫૩)
આ ગ્રંથમાં આપણા દેશનાં જુદાંજુદાં તીર્થધામો કલાધામો વગેરે સ્થળવિશેષોને લગતા લેખો ગ્રંથસ્થ થયા છે. ‘દેશદર્શન એ મારે મન દેવદર્શનનો જ ભાગ છે’ એવું આત્મનિવેદન કાકાસાહેબે રજુ કર્યું છે. આવી રાષ્ટ્રભક્તિ જ આપણા દેશના ધાર્મિક અને સાંસ્કૃતિ વારસાને આત્મસાત્ કરવા પ્રેરે છે. તેમની જિજ્ઞાસા અને સૌંદર્યવૃત્તિ પહેલેથી સતેજ હતી અને રાષ્ટ્રીય સેવાની જુદીજુદી પ્રવૃત્તિઓ નિમિત્તે દેશના ખૂણેખૂણામાં પ્રવાસ કરવાની તકો મળી ત્યારે તીર્થધામો કે બીજાં ઐતિહાસિક ધામો તેમણે નિકટતાથી નિહાળી લીધાં હતાં. એક રીતે આ પ્રવાસો તેમની ભારતીય આત્માની શોધ જેવા બની રહ્યા છે. આ બધાં પ્રવાસજન્ય લખાણોમાં તેમના લલિત નિબંધોની રમણીય શૈલીનું જ અનુસંધાન જોવા મળશે. એમાં ધર્મ સંસ્કૃતિ આદિ વિષયોને લગતી કેટલીક ચર્ચાઓ છે, ઐતિહાસિક અને ભૌગોલિક વિગતોના સંદર્ભો છે, પણ તેથી એ શૈલીની રમણીયતા ખાસ લુપ્ત થઈ નથી. પ્રકૃતિના નિબંધોમાં તેમના સંસ્કારસમૃદ્ધ વ્યક્તિત્વના જે ઉન્મેષો જોવા મળ્યા હતા તેનો જ કંઈક વિલક્ષણ આવિર્ભાવ અહીં જોઈ શકાશે. આ ગ્રંથમાં આપણા દેશનાં તીર્થધામો વિશેના નિબંધો મહત્ત્વનું સ્થાન લે છે. જુદાજુદા ધર્મો અને સંપ્રદાયો દ્વારા બંધાયેલા મંદિરો, તેની આગવી સ્થાપત્યશિલ્પની કળા, તેના વિશિષ્ટ શૈલીનાં મૂર્તિવિધાનો જેવી બાબતોમાં કાકાસાહેબને જીવંત રસ રહ્યો છે. એટલે આ પ્રવાસોમાં તેઓ આ તીર્થધામોનો વિવિધ રીતે પરિચય મેળવી લે એ સ્વાભાવિક છે. આ ગ્રંથમાં, આ રીતે, તેમણે અનેક સ્થળવિશેષોનો રસભીની શૈલીમાં પરિચય આપ્યો છે. દક્ષિણ ભારતને છેડે આવેલું કન્યાકુમારીનું મંદિર, બેલૂડનું રામકૃષ્ણ પરમહંસનું મંદિર, નર્મદાતીરે આવેલું યોગિની મંદિર, મહાવીરની કૈવલ્યભૂમિ અપાપાપુરી, બુદ્ધગયા, નાંદેડેનો ગુરુ ગોવિંદસિંહનો ગુરુદ્વારા, મૈસૂરની વિશાળકાય બાહુબલીની મૂર્તિ, નિર્વાણધામ કુશીનારા, દેલવાડાનાં જૈન મંદિરો, ઘૃષ્ણેશ્વર – એમ અનેક તીર્થોનો અહીં પરિચય પ્રાપ્ત થાય છે. કેટલાંક સ્થાનોનાં વર્ણનમાં તેની સાથે સંકળાયેલી પુરાણકથા કે દંતકથાનો ટૂંકો ઉલ્લેખ રજૂ કરે છે એમાં પોતીકી દૃષ્ટિએ અર્થઘટન કરવાની વૃત્તિ પણ કામ કરે છે. તો, અનેક પ્રસંગે મંદિરનાં સ્થાપત્યશિલ્પ આદિનો સૌંદર્યસૃષ્ટિએ વિચાર કર્યો છે. આ બધા નિબંધોમાંથી ભારતીય સમાજ અને સંસ્કૃતિની એક વિશિષ્ટ ભાતીગળ મુદ્રા ઊપસી આવી છે. ધાર્મિક સ્થાનોમાં પણ અંધશ્રદ્ધા ભ્રષ્ટાચાર જેવી બદીઓ જોઈ તેમનું હૈયું ખિન્ન બની જાય છે, અને હિંદુ ધર્મ અને સંસ્કૃતિને મોટો રોગ લાગ્યો છે તે વાતનો સ્વીકાર કરે છે, છતાં મંદિરોની સંસ્કૃતિ પરત્વે એકંદરે તેમનો ભક્તિભાવ અને શ્રદ્ધાભાવ જ પ્રગટ થઈ જાય છે. આપણી પ્રાચીન સંસ્કૃતિનો એ જીવંત વારસો છે એવી દૃઢ શ્રદ્ધા તેઓ કેળવી રહ્યા છે. ‘વૈરાગ્યવૈભવનો વારસો’, ‘દેલવાડાની ધાર્મિક કળા’, ‘બાહુબલી’, ‘અજંટા’, ‘તાજમહાલ’, ‘બુદ્ધ યશોધરા અને રાહુલ’ જેવા લેખોમાં આપણાં કેટલાંક મહત્ત્વનાં કલાધામોનો પરિચય મળે છે. આપણે ત્યાં ઘણીએક કળાપ્રવૃત્તિ જુદી જુદી ધર્મસંસ્થાઓના આશ્રયે વિકસતી રહી છે, અને જુદી જુદી સંસ્થાઓની કળાઓમાં જુદીજુદી શૈલીઓ નિર્માણ થવા પામી હતી. આથી, કાકાસાહેબ આવી ધર્મસંસ્થાઓનો તેમ તેનાથી પ્રેરાયેલી શૈલીઓનોય વિચાર કરવા પ્રેરાયા છે. તેઓ સ્થાપત્યાદિ કળાઓ વિશે જે ચર્ચા કરે છે તેમાં તેમની શિષ્ટ અભિજાત રસવૃત્તિ અને સૂક્ષ્મ કળાદૃષ્ટિનો પરિચય થાય છે. જો કે કેવળ કળાદૃષ્ટિએ વિચારતા રહેવાનું તેમનું વલણ નથી. સમાજ સંસ્કૃતિ અને જીવનવ્યવસ્થાને વિશેષ લક્ષમાં રાખી તેઓ એ બદી કળાનો વિચાર કરે છે. આથી સમાજજીવન પર કળાઓની અસરના પ્રશ્નો તેમનું વિશેષ ધ્યાન રોકે છે. આ ગ્રંથમાં મોટાભાગના નિબંધો પ્રકૃતિની ભૂમિકા રજૂ કરે જ છે. પણ ‘દક્ષિણને છેડે’, ‘ઘંટાશિલેશ્વર’, ‘સીતાનહાણી’, ‘પુણ્યતારાનગરી’ કે ‘ચાંદીપુર અથવા પૂર્વનું બોરડી’ જેવા નિબંધો મુખ્યત્વે પ્રકૃતિદર્શનના છે. કાકાસાહેબની સૌંદર્યદૃષ્ટિનો એમાં સુભગ પરિચય મળી જાય છે. તેમની હાસ્યવિનોદની નર્મમર્મભરી ઉક્તિઓ અહીં શૈલીને વધુ હૃદ્ય બનાવે છે.
‘જીવનલીલા’ (૧૯૫૬)
કાકસાહેબનો, આપણા દેશની નદીઓનું મહિમાગાન કરતા લેખોનો પહેલો નાનો સંગ્રહ ‘લોકમાતા’(૧૯૩૪)ના નામે પ્રગટ થયો હતો. એમાં સાહિત્ય અકાદમી, દિલ્હીની સૂચનાથી જળદર્શનને લગતાં બીજાં લખાણો ઉમેરીને ઈ.સ. ૧૯૫૬માં ‘જીવનલીલા’ની સંવર્ધિત આવૃત્તિ તૈયાર કરવામાં આવી. એમાં નદીદર્શન ઉપરાંત સાગર સરોવર જેવાં જળાશયો વિશેનાં લખાણો એકસાથે રજુ થયાં તેથી પાણી જેવી વિભૂતિ પરત્વે કાકાસાહેબનું કેવું અપાર આકર્ષન રહ્યું છે, તેનો સરસ પરિચય મળે છે. ‘જીવનલીલા’ શીર્ષકમાં ‘જીવન’ શબ્દના શ્લેષથી જ ‘ચૈતન્ય’ અને ‘પાણી’ એ બંને અર્થો સૂચવાઈ જાય છે. કાકાસાહેબને પાણી માટે કંઈક વિશેષ પક્ષપાત રહ્યો દેખાય છે. નદી સાગર કે સરોવરના દર્શન માટે તેઓ સદાય ઉત્સુક રહ્યા છે. નિરંતર વહેતા જળપ્રવાહમાં માનવજીવનની ગતિવિધિનું દર્શન તેઓ કરી શકે છે. પાણીના અપારવિધ રૂપોમાં પરમચૈતન્યની લીલા પ્રતિબિંબિત થઈ રહી હોવાની તેમની પ્રતીતિ છે. બધાં મહાભૂતોમાં પાણી પ્રવાહી ચંચલ અને ગતિશીલ છે, એ તો ખરું જ, પણ ઇતિહાસ સંસ્કૃતિ અને સમાજવિજ્ઞાનના અભ્યાસી તરીકે તેઓ એ વાત પણ સારી રીતે પામી ગયા છે કે નદીઓ લોકમાતાઓ છે. લોકજીવનને પોષવામાં, તેનું સંરક્ષણ અને સંવર્ધન કરવામાં, અને એ રીતે લોકસંસ્કૃતિના જતનમાં નદીઓનો મોટો ફાળો રહ્યો છે. જગતની અનેક મહાન સંસ્કૃતિઓ મહાનદીઓના કિનારા પર વિકસી હતી. પ્રજાઓના વ્યવહારવિનિમયમાં એ નદીઓનો ફાળો નાનોસૂનો નથી. આથી કાકાસાહેબ એમ સુચવવા પ્રેરાયા છે કે જુદી જુદી પ્રજાઓના ઇતિહાસ તેની રાજકર્તાઓની વંશાવલીઓ પ્રમાણે નહિ, પણ જુદી જુદી નદીઓને કાંઠે વસેલી પ્રજાઓની જુદીજુદી વંશાવલીઓ પ્રમાણે લખાવો જોઈએ. કાકાસાહેબે આપણા દેશની નદીઓને ઓળખાવતાં દરેકના વિશિષ્ટ વ્યક્તિત્વની મનોહર મુદ્રા ઉપસાવી આપી છે. નદીઓ પણ તેમની સ્વજન હોય તે રીતે, વહાલથી તેઓ તેનો પરિચય આપે છે. ‘ગંગામૈયા’, ‘યમુના રાણી’, ‘સખી માર્કંડી’, ‘ગુર્જરમાતા સાબરમતી’, ‘દક્ષિણગંગા ગોદાવરી’, ‘ઉભયાન્વયી નર્મદા’ જેવાં લખાણોનું નદીદર્શન અત્યંત હૃદયસ્પર્શી બની આવ્યું છે. સંસ્કારસમૃદ્ધ વર્ણશૈલીના સુભગ ઉન્મેષો એમાં જોવા મળે છે. કાકાસાહેબની રસિકકોમળ કલ્પનાશક્તિ આકર્ષક ચિત્રો અહીં કંડારી આપે છે. ‘સંધ્યારસનું સૌંદર્યદર્શન’ અને ‘મોજાંઓનો તાંડવયોગ’ જેવાં લખાણોમાં પણ તેમની ગદ્યશૈલીની રમણીયતા એટલી જ હૃદ્ય છે. ગેરસપ્પાના ધોધ વિશે ત્રણ જુદાજુદા પ્રસંગે લખાયેલા ત્રણ લેખો તેમની જુદી જુદી મનઃસ્થિતિનાં હૃદ્ય ચિત્રો અર્પે છે.
‘ઓતરાતી દીવાલો’(૧૯૨૫)
આ નાનકડી પુસ્તિકામાં કાકાસાહેબે આપણા વિશ્વના એક અપરિચિત પાસાનું દર્શન કરાવ્યું છે. આપણી આસપાસમાં જ રહેતાં છતાં હંમેશાં ઉપેક્ષા પામેલાં પંખીઓ જીવજંતુઓ અને છોડ-વેલ અહીં વર્ણનનો વિષય બન્યાં છે. અસહકારની લડતમાં ભાગ લેવા માટે સરકારે તેમને કેટલોક સમય સાબરમતી જેલમાં રાખ્યા હતા. આ જેલવાસ દરમ્યાનની એકલતાની ક્ષણોમાં તેઓ પોતાની બૅરેક બહારની દુનિયા કુતૂહલપૂર્વક નિહાળતા રહ્યા હતા. જેલની ઓરડીમાંથી દેખાતું આકાશ અને તારાનક્ષત્રોની ગતિવિધિ તેમની દૃષ્ટિમાં આવ્યાં છે જ, પણ ઓરડીમાં અને બહાર એકત્ર થતાં જીવજંતુઓ અને પંખીઓની ક્રીડા પણ તેઓ એટલા જ રસપૂર્વક નિહાળતા રહ્યા છે. આંગણામાં ઊગેલો એરંડો અને પીપળો તો એમના અંતેવાસીઓ બની રહ્યાં છે. જંતુલોકની પ્રવૃત્તિઓનું તેમનું આ જાતનું અવલોકન રોમાંચક છે. સંઘગતિમાં વિચારતાં કીડીમંકોડા, ‘કર્મકાંડી’ કબૂતરોનું જલસ્નાન, વંદાઓનું ‘સ્વાગત’, ખિસકોલી ને સમડીઓ જોડે કાગડાનું ‘મહાયુદ્ધ’, ‘વૃત્તનિવેદન’ અર્થે બિલાડીનું પરિભ્રમણ, સ્નાનાગારમાં મંકોડાનું મૃત્યુ, કાનખજૂરાની ‘ભવમુક્તિ’ ચકલીના ‘મહેલ’ની કથા, એકપગા કાગડાની ચતુરાઈ, પીળાં પતંગિયાનું સ્વૈર ઉડ્ડયન – આવાં અનેક રસપ્રદ વૃત્તાંતો તેમણે અહીં સુભગ યોગ થવા પામ્યો છે. સામાન્ય માનવીની નજરને બિલકુલ તુચ્છ ને નગણ્ય લાગતી જીવનસૃષ્ટિ અહીં એક સચેત લોક રૂપે છતી થઈ છે. આ જંતુલોકની એની આગવી દિનચર્યાઓ છે, વૃત્તિપ્રવૃત્તિઓ છે, જીવન ટકાવવાનાં સંઘર્ષો અને મુકાબલાઓ છે, અને એ બધું અહીં સરસ રીતે રજૂ થાય છે. કાકાસાહેબની હાસ્યવિનોદની વૃત્તિ આ વર્ણનોમાં વિશેષ રોચકતા આણે છે. પંખીઓ, જીવજંતુઓ વગેરેની સૃષ્ટિમાં કાકાસાહેબ એવા તો ગરકાવ બની ગયા છે કે, ઘડીક જેલજીવનની કઠોરતા તેમને ખરેખર કઠતી હશે કે કેમ એવો પ્રશ્ન પણ થાય. તેમના અંતરની ઊંડી પ્રશાન્તતા અને પ્રસન્નતા જ અહીં વિશેષ પ્રત્યક્ષ થાય છે. જોકે પ્રસંગોપત્ત આપણા વર્તમાન સમાજની ગતિવિધિ, તેના રાગદ્વેષો, ન્યાયઅન્યાય કે જીવલેણ સંઘર્ષો તરફ વિનોદવ્યંગમાં તેઓ નિર્દેશ કરી લે છે ખરા, પણ તેથી વિશેષ ગંભીર ચિંતનનું અહીં કોઈ પ્રયોજન જ નથી. જેલજીવનના દિવસોમાં જંતુલોકનો આ રીતનો પરિચય તેમણે કર્યો, અને એક નવો જ સંસાર તેમણે આપણી સમક્ષ ખુલ્લો કર્યો. આ પ્રકારનું ‘સંસાર દર્શન’ વિશ્વસાહિત્યમાં બહુ ઓછું જ હશે, એમ લાગે છે. ‘મીઠાના પ્રતાપે’(૧૯૫૮)નું પણ અહીં સ્મરણ કરવું જોઈએ.
લલિત નિબંધોની ગદ્યશૈલી
લલિત નિબંધોની શૈલી અને સંવેદના કાકાસાહેબના નિરાળા સંસ્કારસમૃદ્ધ વ્યક્તિત્વથી અંકિત થઈ છે. પ્રકૃતિવિષયક નિબંધોમાં તેમની સૌંદર્યવૃત્તિનો અનન્ય આવિર્ભાવ જોવા મળે છે. આપણા ગદ્યસાહિત્યમાં તેમની શૈલી અનોખી ભાત પડે છે. અગાઉ નિર્દેશ કર્યો ચે તેમ, પ્રકૃતિને આત્મીયતાથી તેઓ નિહાળે છે, એટલે તારાનક્ષત્રો વાદળો કે પંખીઓ જોેડે સરળતાથી વિશ્રંભકથા માંડી શકે છે, અપરિચિતાનું આવરણ તોડી તરત તેના અંતરમાં સ્થાન લે છે. આવા પ્રસંગોમાં તેમની બાલસુલભ કુતૂહલ અને વિસ્મયવૃત્તિ કામ કરી રહી હોય છે. કોઈ પણ રમણીય દૃશ્ય, અભિરામ છટા, કે જીવનશક્તિનો ઉદ્રેક તેમની કલ્પનાશક્તિને ઉત્તેજિત કરી મુકે છે. કહો કે, તરંગવૃત્તિને સક્રિય કરી દે છે! અને, તેમના અનુભવમાં આવેલી રમણીયતા નૂતન ચિત્રાત્મકતા ધારણ કરીને પ્રત્યક્ષ બની ઊઠે છે. કાકાસાહેબના વર્ણનમાં સજીવારોપણ અલંકારો વારંવાર આવ્યા છે, તેય સૂચક છે. શિશુસુળભ એવી તેમની કલ્પના પ્રકૃતિના પદાર્થોને અને સત્ત્વોને જાણે કે જીવંત વ્યક્તિરૂપે જ પ્રત્યક્ષ કરે છે! વૃક્ષ વાદળ કે નક્ષત્ર – દરેકમાં માનવસહજ વૃત્તિઓ વર્તનો અને ભાવોનું તેઓ આરોપણ કરવા પ્રેરાયા છે. તેમની આ પ્રકારની ગ્રહણશક્તિ ઘણીવાર વળી ઉપમા ઉત્પ્રેક્ષા રૂપે પ્રગટ થાય છે. સજીવારોપણ ઉપમા અને ઉત્પ્રેક્ષા, એ ત્રણ અલંકારો કાકાસાહેબના લલિત ગદ્યમાં વિશેષ ચમત્કૃતિ આણે છે. તેમની સર્ગશક્તિ મુખ્યત્વે આ ત્રણ અલંકારો રૂપે જ સાકાર થઈ છે. એ દ્વારા તેમનું ગદ્ય ચિત્રાત્મક બન્યું છે એ તો ખરું જ, પણ તાજગી નૂતનતા અને હૃદ્યતાના ગુણો પણ પ્રાપ્ત કરી શક્યું છે. પ્રકૃતિના વર્ણનમાં કાકાસાહેબના જ્ઞાનવિજ્ઞાનના સંસ્કારો સહજ રીતે ઊતરી આવ્યા છે, વિશેષ કરીને સંસ્કૃત કાવ્યનાટકાદિના સંસ્કારો તરત ધ્યાન ખેંચે છે. તારાનક્ષત્રોના વર્ણનમાં વેદ પુરાણના સંદર્ભો એટલા જ પ્રબળ છે. તેમના અનુભવકથનમાં આ રીતે અર્થનું ગૌરવ જન્મે છે, કહો કે એક વિશેષરૂપનું સાંસ્કૃતિક પરિણામ ઊભું થાય છે. આ ઉપરાંત ઇતિહાસાદિ વિષયોના સંસ્કારો પણ તેમના કથનવર્ણનમાં સહજ ઊતરી આવ્યા જણાશે. પ્રાચીન સાહિત્યના પાત્ર કે પ્રસંગને કેટલીક વાર ઉપમાન લેખે સ્વીકારે છે, તો કેટલીકવાર પોતાના વક્તવ્યને સ્ફુટ કરવા દૃષ્ટાંતો રૂપે આણે છે. પ્રાચીન શ્લોક કે ઊક્તિનુંક અર્થઘટન પણ એમાં ચાલતું રહે છે. હાસ્યવિનોદના પ્રસંગોમાં કેટલીકવાર પ્રાચીન ઉક્તિ કે પદ શ્લેષ અર્થે પ્રયોજાયેલા જોવા મળે છે. આમ પ્રાચીન સાહિત્ય અને સંસ્કૃતિનાં તત્ત્વો તેમના ગદ્યમાં સતત પ્રવેશતાં રહ્યાં છે. સદાજાગ્રત અને સદોદિત એવી તેમની સ્મૃતિ આપણી સંસ્કૃતિનાં કેટકેટલાં પાસાંઓને સ્પર્શતી રહી છે! એટલે જ, ઉમાશંકર જોશી[5] એમ કહેવા પ્રેરાયા છે કે કાકાસાહેબની ગદ્યશૈલીમાં ‘છેલ્લાં પાંચ હજાર વરસની સંસ્કૃતિની સુવાસ છે.’ આવી ગદ્યશૈલીને કારણે ગાંધીયુગના જ નહિ, આપણા સમસ્ત અર્વાચીન સમયના નિબંધકારોમાં તેઓ અનન્ય સ્થાન ધરાવે છે. કાકાસાહેબ બહુશ્રુત અભ્યાસી હોવા છતાં લલિત સુકુમાર ગદ્યનું સર્જન કરવા તેઓ સમર્થ બન્યા છે. કંઈક વિશેષ રૂપની સૌમ્યતા ઋજુતા અને લાવણ્ય તેમાં અનાયાસ સિદ્ધ થયાં છે. તેમની કોમળ રુચિ અને અંતઃકરણવૃત્તિનો એમાં વારેવારે આપણને પરિચય થાય છે. તેમના ગદ્યમાં જે વિશદતા અને પ્રાસાદિક્તા જન્મ્યાં છે તેમાં તેમના અંતરની સ્ફૂર્તિ અને પ્રસન્નતા જ કારણભૂત છે એમ સમજાય છે. તેમની સંવેદનામાં તીક્ષ્ણ ગ્રહણશક્તિ(perception) અને બારીક નિરીક્ષણશક્તિ(observation) એ બે શક્તિઓનું વિશેષ અનુસંધાન રહ્યું છે. એને કારણે પ્રકૃતિનાં દૃશ્યો અને પદાર્થો વિશે સ્વચ્છ અને સુરેખ તાજગીભર્યા પ્રતિભાવો તેઓ ઝીલી શક્યા છે. પ્રકૃતિનાં સામાન્ય કે તુચ્છ લાગતાં પાસાંઓમાંય તેઓ આકર્ષક રૂપો પ્રત્યક્ષ કરી શક્યા છે. પરિચિત જગતને જોવામાં ટેવમાં બંધાઈ જતી ઇન્દ્રિયોને સતત સતેજ રાખીને તેઓ ચાલ્યા છે. વર્ણનનો પ્રસંગ કોઈ પણ હો – રંગ બદલતાં આભલાં હો, કે તારાનક્ષત્રોની આકૃતિ હો, કે ખરતાં પાદડાંની ચક્રકાર રમણા હો – એમાંથી મૂર્ત ઇન્દ્રિયગોચર વિગતો તેઓ ઝટ પકડી લે છે. વર્ણ્ય વસ્તુને તેની આગવી રંગછાયા, પોત કે તેજછાંયની આભા સમેત પકડી લે છે. આથી ચિરપરિચિત દૃશ્યો અને પદાર્થોનેય નવું ચમત્કૃતિભર્યું રૂપ પ્રાપ્ત થાય છે. જુદાજુદા પ્રસંગે લખાયેલા આ નિબંધોની માંડણી અને રજૂઆત પણ વિવિધ રીતે થતી રહી છે. કોઈ વાર પ્રાચીન સાહિત્યનું અવતરણ ટાંકી તેના અર્થઘટનની શરૂઆત કરી છે, કોઈ વાર સ્મૃતિમાં સચવાયેલા પ્રસંગકથનથી શરૂઆત કરી છે તો કોઈ વાર પ્રસ્તુત વિષયના ચિંતનમનનથી કરી છે. તેમણે કથ્ય વસ્તુની શરૂઆતમાં સતત અરૂઢ એવી શેલી પ્રયોજી છે. એમાં સાક્ષરવૃત્તિમાંથી સહજ રીતે જન્મતી શુષ્કતા કે બોજિલતા ભાગ્યે જ વરતાય છે. પણ તેમની આ વિશિષ્ટ કથનશૈલી પ્રાકૃતતાના સ્તરથી પણ અળગી રહી શકી છે. ગાંધીજીની ગદ્યશૈલીની સરળતા સુઘડતા અને ઉક્તિલાઘવ એમના ગદ્યમાં આવ્યાં જ છે પણ એમાં કુમાશ અને લાલિત્યનું તત્ત્વ ઉમેરાયું છે. અંતરની પ્રાસાદિકતામાંથી સહજ જન્મતાં વાક્યો સતત નવાનવા વળાંકો અને વળોટો લેતાં દેખાય છે. એમાં લાંબાં અને ટૂંકા વાક્યો કશાક મૂળભૂત લય અને આંતર સંવાદમાં સુભગ રીતે ગોઠવાયેલાં હોય છે. સંસ્કૃતનો અપરિચિત શબ્દ કે સમાસ પણ આથી સંવાદ સાધીને દાખલ થાય છે. શબ્દખંડ કે વાક્યખંડને કેટલીકવાર વળી અનુપ્રાસની યુક્તિથી ચમત્કૃતિ સાથે સાંકળી લેતા હોય છે, તો અર્થાન્તરન્યાસી વિધાનની રીતિ પણ તેઓ કેટલીકવાર પ્રયોજે છે. આ લલિત નિબંધો તેમની હાસ્યવિનોદની લાક્ષણિક વૃત્તિને કારણે વધુ મર્માળા બન્યા છે. તેમનો હાસ્યવિનોદ તેમના અંતઃકરણની કોમળ વૃત્તિમાંથી જન્મતો હોય એવો નિર્દોષ અને નિર્દંશ પ્રતીત થાય છે. પ્રકૃતિના પદાર્થોમાં માનવવૃત્તિ કે વર્તનનું આરોપણ કરી તેઓ તેમાં વિનોદની ક્ષણો મેળવી લે છે. એમ કરતાં માનવસમાજની અજ્ઞાનતા જડતા કે મૂર્ખાઈ તરફ વ્યંગભર્યો નિર્દેશ પણ કરી લે છે. પણ એમાં દાહક રોષ કે ડંખ ભાગ્યે જ જોવા મળે છે. ઘણી વાર તો શબ્દશ્લેષ કે શબ્દચાતુરીથી વિનોદ કરે છે. તેમની આ જાતની વિનોદવૃત્તિ પાછળ તેમની વ્યાપક અનુકંપા રહેલી છે, નિર્વ્યાજ ઉલ્લાસ રહ્યો છે એમ સમજાય છે.
૪. પ્રવાસગ્રંથો
‘હિમાલયનો પ્રવાસ’(૧૯૨૪)
કાકાસાહેબનો પ્રથમ પ્રવાસગ્રંથ ‘હિમાલયનો પ્રવાસ’ આપણા ગદ્યસાહિત્યની એક પ્રશિષ્ટ કૃતિ છે, અને તેની અપૂર્વ સંસ્કારસમૃદ્ધ શૈલીને કારણે આ પ્રકારના આપણા સાહિત્યમાં વિરલ સ્થાન ધરાવે છે. પ્રવાસકથાનો લેખક જેટલો આંતરિક રીતે સમૃદ્ધ હોય તેટલી જ તેની પ્રવાસકથા પણ સમૃદ્ધ નીવડી આવવા સંભવે છે. ‘હિમાલયનો પ્રવાસ’ના સંદર્ભમાં અવલોકન ઘણું યથાર્થ લાગે છે. હિમાલયની વિભૂતિ તો એની એ જ છે, અનેક પ્રવાસીઓએ એનું બયાન આપવાના પ્રયત્નો કર્યા છે, એ સૌમાં કાકાસાહેબનો ગ્રંથ નિરોળો તરી આવે છે. તેમના અંતરની વિપુલ સમૃદ્ધિ એમાં પ્રગટ થઈ શકી છે. હિમાલયના પ્રવાસની આ કથા, એક રીતે, કાકાસાહેબની આધ્યાત્મિક જીવનનું એક રસપ્રદ પ્રકરણ બની રહે છે. હિમાલય હિંદુ ધર્મ અને સંસ્કૃતિનો મુખ્ય સ્રોત રહ્યો છે, એવી તેમની પહેલેથી જ શ્રદ્ધા રહી છે. છેક બાળપણથી જ તેમને હિમાલય માટે ગૂઢ આકર્ષણ રહ્યુંહતું. એટલે ઈ.સ. ૧૯૧૨માં તેમને જેવી મોકળાશ મળી કે તરત જ પોતાના બે નિકટના સાથી મિત્રો અનંત બુવા મર્ઢેકર અને સ્વામી આનંદ જોડે હિમાલયમાં લગભગ ૨૫૦૦ માઈલની પદયાત્રા તેઓ કરી આવ્યા. એ પ્રવાસી કથા તો પછીથિક સાતેક વરસના ગાળા બાદ તેમણે લખી. સત્યાગ્રહ આશ્રમના વિદ્યાર્થીઓ ત્યારે હસ્તલિખિત સામયિક ચલાવતા હતા. તેમાં આ પ્રવાસકથા પહેલાં લેખમાળારૂપે રજૂ થઈ. પછીથી તે પુસ્તકકારે પ્રગટ થઈ. કાકાસાહેબના હૃદયમાં હિમાલય માટે ઊંડો ભક્તિભાવ હતો. એટલે એના પ્રવાસના અનુભવો ચિત્તમાં તીવ્રતાથી અંકાઈ ગયા હોય એ સ્વાભાવિક છે. અને એટલે જ, પ્રવાસ પછી સાતેક વરસનો ગાળો વીતી જવા છતાંય એ સમયનાં સ્મરણો ઉત્કટતાથી તાજાં કરી શકાયાં. કાકાસાહેબ માટે આ પ્રવાસ જાણે કે આંતરખોજ માટે નિમિત્ત બન્યો. આચાર્ય કૃપાલાનીજીને આ સંદર્ભમાં એક માર્મિક મુદ્દો નોંધ્યો છે : ‘કાકામાં જે વિશાળ જ્ઞાનનો ધોધ વહેતો જોઈએ છીએ તેનું મૂળ આ હિમાલયમાં જ પેડલું છે. એ પ્રવાસમાં કાકાએ એકેએક તીર્થનું ધામ જોયું, એકએક જ્ઞાનનું ધામ જોયું, એકએક સૌંદર્યનું સ્થાન જોયું અને દરેક સ્થાનનો સંદેશો એમના એ અદ્ભુત મગજમાં સંઘરી લીધો.’[6] તાત્પર્ય કે, ધર્મ જ્ઞાન અને સૌંદર્ય જેમાંથી પ્રગટ થાય છે, તે અંતરની ગંગોત્રીની કાકાસાહેબે આ યાત્રામાં ઓળખ કરી. આ જ ‘ગંગોત્રી’માં પ્રાચીન આર્યધર્મ અને સંસ્કૃતિનો મૂળ સ્રોત તેમને પ્રત્યક્ષ કર્યો. તો નવા યુગની અસ્મિતાનો ઉદય પણ તેમણે એમાં જ જોયો. આવા પ્રેરણાસ્રોતનું વર્ણન તે સ્થૂળ ‘શબ્દચિત્ર’ રૂપ નહિ, તેમના હૃદયના રંગોથી રંગાયેલું એ એક ‘પ્રેમચિત્ર’ બની રહ્યું. હિમાલયનું પ્રાકૃતિક સૌંદર્ય અદ્ભુત છે, દિવ્યતાની ઝાંખી કરાવે તેવું લોકોત્તર છે. એટલે કાકાસાહેબ જેવા પ્રકૃતિપ્રેમીને આવો પ્રસંગ આત્માના ઉડ્ડયનમાં પ્રેરે એમ સહજ બનવાનું. આથી હિમાલયની યાત્રામાં એક પછી એક જે દૃશ્યપટો ખૂલે છે, તેની કથા મોહક બની રહે છે. હિમલાયનાં યુગયુગજૂનાં શિખરો, તેની બરફછાઈ ટોચ અને ઢોળાવ, તેજાછાયામાં રચાતી અવનવી રંગીન ઝાંય, ઉપર વિલસતું નીલવર્ણું આકાશ, તળેટી અને ખીણોમાં મોરેલી અડાબીડ વનસ્પતિ, એકલ પગદંડીઓ – આ પ્રવાસકથામાં મુખ્ય દૃશ્યપટ રચે છે. એવી પ્રકૃતિની પશ્ચાદ્ભૂમિકા પર સંતમહંતોની મુલાકાતનો કેટલાક પ્રસંગો આગવી હૃદ્યતા ધરાવે છે. આ પ્રવાસકથાના વર્ણનમાં પ્રકૃતિના જીવનની નાનીમોટી બધી જ વિગતો તેમના હૃદયરસમાં ભીંજાઈ રજૂ થઈ દેખાય છે. એમ કહી શકાય કે તેમના અંતરની સંસ્કારસંપત્તિને પ્રગટ થવામાં બહારની પ્રકૃતિ તો કેવળ ઉદ્દીપક તત્ત્વ જ રહી છે! વિવિધ દૃશ્યો અને પ્રસંગોની કથા કહેતાં કાકાસાહેબના વિચારો લાગણીઓ સ્મૃતિઓ અને વિદ્યાકીય સંસ્કારો – એ બધી જ સંપત્તિ એકરસ બનીને ઊતરી આવી છે. રામાયણ, મહાભારત, ગીતા, ઉપનિષદ, શાકુંતલ, ઉત્તરરામચરિત જેવા પ્રાચીન સાહિત્યના સંસ્કારો અને સંવેદનો તેમની શૈલીમાં અનાયાસ ગુંથાતાં રહ્યાં છે. એક પ્રકારે ભારતીય સંસ્કારિતાનો સૂક્ષ્મ પરિવેશ તેમના પ્રસંગવર્ણનમાં વ્યાપી રહેલો દેખાય છે. કાકાસાહેબની સૌમ્ય ઋજુ વિનોદવૃત્તિ અહીં પણ ખીલી ઊઠી છે. પ્રવાસમાર્ગમાં તેમને અનંત ભટ, પરમહંસ, સિદ્ધાર્થ, સ્વામી પ્રજ્ઞાનંદ, શારદાનંદ, ખાખી બાવા અને કાલીકમલી બાબા જેવા કેટલાક સંતમહંતોનો ભેટો થયો, તે પ્રસંગોનાં પાવનકારી સ્મરણો અહીં નોંધાયાં છે. એક દરેકનું વિશિષ્ટ વ્યક્તિચિત્ર કાકાસાહેબે થોડીક પણ માર્મિક રેખાઓમાં આલેકી દીધું છે. અહીં, પ્રસંગોપાત્ત, હિંદુ ધર્મ અને સંસ્કૃતિ વિશે કેટલુંક ચિંતનમનન પણ રજૂ થયું છે. હિંદુ ધર્મની જડતા કુરૂઢિઓ વગેરેની ટીકાટિપ્પણી કરવાનું પણ તેઓ ચૂક્યા નથી. પણ એમાં દાહક વ્યંગકટાક્ષ નથી, કોમળ અંતઃકરણની વ્યથા અલબત્ત એમાં ટપકે જ છે. આર્ય ધર્મ અને સંસ્કૃતિ પરત્વે તેમની શ્રદ્ધાભક્તિ એ જ તેમના હૃદયની સ્થાયીવૃત્તિ રહી છે, એમ તરત સમજાય.
‘બ્રહ્મદેશનો પ્રવાસ’(૧૯૩૧)
કાકાસાહેબની આ પ્રવાસકથાને એનું આકર્ષક પાસું છે. પણ ‘હિમાલયનો પ્રવાસ’ની ભવ્યતા અને સમૃદ્ધિ એમાં નથી. અને એ સહજ સમજાય તેવી વાત છે. બ્રહ્મદેશનો પ્રવાસ તેમણે ઈ. ૧૯૧૫માં કર્યો, અને એની કથા છેક ઈ.સ. ૧૯૨૭માં એટલે કે બારેક વરસ પછી લખવાનો પ્રસંગ પડ્યો. એ સમય દરમ્યાન પ્રવાસનાં સંસ્મરણો ઝાંખાં થઈ ચૂક્યાં હોય એ તો દેખીતું છે. પણ અહીં બીજી એક વાત પણ લક્ષમાં લેવા જેવી છે. હિમાલય પ્રત્યે તેમને ઉત્કટ ભક્તિભાવ હતો. એટલે એ પ્રવાસના અનુભવો તેમના ચિત્તમાં ઊંડા અંકિત થઈ ચૂક્યા હતા. તેમની આંતરચેતનામાં બરોબર સંગૃહીત રહ્યા હતા. બ્રહ્મદેશની ભૂમિ પરત્વે આવા કોઈ ઉત્કટ ભક્તિભાવનો પ્રશ્ન ખાસ નહોતો. માત્ર આપણા પડોશી રાષ્ટ્ર તરીકે એ ભૂમિનું જીવન અને એની સંસ્કૃતિને ઓળખવાનું કુતૂહલ હતું. ઉત્સુકતા માત્ર હતી. અને, એ રીતે, આ પ્રવાસકથામાં બ્રહ્મી પ્રજાને ઓળખવાની તેમની વૃત્તિ જ મુખ્ય છે. અને એ પ્રજાની રહેણીકરણી તેમનો પહેરવેશ, ઉદ્યોગ, બાંધકામ અને ધર્મ એવી બધી બાબતો સહજ જ તેમની કથામાં સ્થાન લે છે. અલબત્ત, આ સાથે જ હિંદમાંથી વેપારધંધા અર્થે આવી વસેલી હિંદી પ્રજાની પરિસ્થિતિ અને બ્રહ્મી પ્રજા જોડેના તેના સંબંધોમાંય તેમને એટલો જ રસ રહ્યો છે. એક સમાજશાસ્રીની વૃત્તિની તેઓ ત્યાંની સામાજિક-આર્થિક પરિસ્થિતિનું અવલોકન કરી રહે છે. હિંદી વેપારીઓએ બ્રહ્મી મજૂરોનું ભારે શોષણ કર્યું છે, એ જાણી તેમનું હૃદય ખિન્ન બની જાય છે. આ કથામાં પ્રકૃતિનાં આકર્ષક દૃશ્યો પણ આલેખાયાં છે જ. કાકાસાહેબની ગદ્યશૈલી આવાં દૃશ્યોના વર્ણનમાં ખૂબ મોરી ઊઠે છે. પણ અહીં તેમની નિસ્બત વિશેષતઃ ત્યાંની માનવપરિસ્થિતિ જોડે રહી છે. એ રીતે તેમનાં વ્યક્તિત્વનું જરા જુદું પાસું એમાં ઊપસે છે, એટલું જ.
‘ઉગમણો દેશ’(૧૯૫૮)
કાકાસાહેબે આ ગ્રંથમાં પોતાના બે વારના જાપાનના પ્રવાસોની કથા રજૂ કરી છે. પહેલી વાર ઈ.સ. ૧૯૫૪ના એપ્રિલ માસમાં ગાંધીજીના એક જાપાનીઝ અનુયાયી શ્રી ગુરુજી નિચિદાત્સુનું ભાવભર્યું આમંત્રણ સ્વીકારી તેઓ જાપાનમાં મળનારી વિશ્વશાંતિ પરિષદમાં ભાગ લેવા ગયા હતા. બીજી વાર ઈ.સ. ૧૯૫૭માં જાપાનમાં મળેલી અણુબૉમ્બ વિરોધી વિશ્વપરિષદમાં ભાગ લેનારા ભારતીય પ્રતિનિધિમંડળના વડા તરીકે તેઓ ત્યાં ગયા હતા. આ બે પ્રવાસો દરમ્યાન જે કંઈ સમય તેમને મળ્યો તેમાં જાપાનનો બને તેટલો વધુ મુલક જોઈ લેવાનો કાર્યક્રમ રાખ્યો. એમાં પહેલા પ્રવાસની કથા તેમણે સળંગ રૂપમાં કહી છે, જે પ્રથમ ખંડમાં રજૂ કરી છે. બીજી વારના પ્રવાસના અનુભવો તેમણે પત્રોના રૂપમાં મૂક્યા છે, અને તે બીજા ખંડમાં સ્થાપના પામ્યા છે. આ બે ખંડની કથામાંથી જાપાન જેવા પૂર્વીય દેશનો, તેની અનોખી ધરતી અને અનોખી સંસ્કૃતિનો, સરસ પરિચય મળે છે. જાપાનના પ્રજાજીવનની લાક્ષણિકતાઓ પ્રગટ કરતા પ્રસંગો અને ત્યાંની સાંસ્કૃતિક-ધાર્મિક પરિસ્થિતિઓ વિશે અહીં અનેક પ્રકરણો મળે છે. ક્યોતોનું ‘શિન્ટો’ મંદિર, ‘ગેશા’ તરીકે જાણીતી ત્યાંની નૃત્યાંગનાઓ, ત્યાંનાં સ્થાપત્યશિલ્પ, ‘ડૉરેમિકા’ નાટ્યગૃહ, નારાનગરનાં હોડિયૂજી મંદિર, ભીષણ જ્વાળામુખી આસો, કુમામૉતોનો સૌમ્યદીપોત્સવ, અણુબૉમ્બના વિનાશમાંથી પુનર્જન્મ પામતું હિરોશીમા શહેર – એ બધાંની કથામાંથી જાપાનની આગવી સંસ્કૃતિ પ્રબળપણે ઊપસી આવે છે. બીજા ખંડમાં લોકજીવનની કથા સામે પ્રકૃતિનાં સૌંદર્યધામોનું વર્ણન વિશેષ ધ્યાન રોેેકે છે. ‘આકાન-કાનન’, ‘માત્સ્યુ અને ખુશારો’, ‘ભવ્યતાનું પિયરઃ નિક્કો’, ‘ઇજનેરી પુરુષાર્થનું પ્રતીક’, ‘સિમિઝુનું સાગરદર્શન’ અને ‘ફુજિયામાનાં દર્શન’ વગેરે પ્રકરણોમાં રોમાંચક પરિવેશવાળી ત્યાંની ધરતીનાં રોમાંચક દૃશ્યોનું વર્ણન મળે છે. જાપાનમાં ભૂતલ જ અનોખું છે. અનેક ટાપુઓનું મિલન, ધુમ્મસમાં ઢંકાઈ જતા અર્ધપારદર્શી પર્વતો, ખીણોમાં વિલસતાં મનોહર સરોવરો, વિરાટકાય વૃક્ષોથી રચાતી વીથિકાઓ, અને ત્યાંનાં પહાડી ખડકો – એ બધાં દૃશ્યો કાકાસાહેબના હૃદયને પ્રસન્ન કરી દે છે. પણ ધરતી કરતાંયે વધુ રહસ્યાવૃત તો કદાચ જાપાની પ્રજાનો આત્મા છે. પોતાના ટૂંકાં રોકાણોમાંયે તેમણે એ પ્રજાના અંતરંગમાં ડોકિયું કરવા પ્રશસ્ય પ્રયત્ન કર્યો છે. જાપાની પ્રજાની સાહસિકતા, પુરુષાર્થ, નિખાલસતા અને વિશેષ તો તેમનો રાષ્ટ્રપ્રેમ કાકાસાહેબને સ્પર્શી ગયાં છે. આ કથામાં તેમણે એવી ભાવના પ્રગટ કરી છે કે, નવા યુગમાં જગતની જુદીજુદી સંસ્કૃતિઓના સમન્વયથી જે પ્રક્રિયા આરંભાશે, તેમાં જાપાની પ્રજાનું વિશિષ્ટ અર્પણ હશે. આ પ્રવાસમાં નિહાળેલાં પ્રકૃતિનાં દૃશ્યો તેમની સર્ગશક્તિને ઉત્તેજિત કરી રહ્યાં હશે, એટલે ત્યાંની એ વનશ્રી, ત્યાંનાં જળાશયોની રોમાંચક શોભા, અને ખડક વિસ્તારનાં વર્ણનો સહજ જ આકર્ષક બની આવ્યાં છે. લલિત નિબંધોમાં સિદ્ધ થયેલી તેમની ચારુ ગદ્યશૈલી અહીં ફરીથી ઊઠતી દેખાય છે.
‘પૂર્વ આફ્રિકામાં’(૧૯૫૯)
આ ગ્રંથમાં કાકાસાહેબે પોતાના પૂર્વ આફ્રિકાના પ્રવાસની કથા રજૂ કરી છે. આ પ્રવાસમાં વળી એ ‘અંધારિયા ખંડ’ના માનવીય પ્રશ્નો અને પરિસ્થિતિઓ તેમનું વિશેષ ધ્યાન રોકે છે. કાળી પ્રજાની વર્તમાન દશા શી છે, તેમની સામાજિક રાજકીય મહત્ત્વાકાંક્ષાઓ શી છે, અને તેમના સંઘર્ષો કયા છે – એ બધી બાબતોમાં તેમને ઊંડો રસ હતો જ. પણ એ સાથે આ ખંડમાં એકત્ર થયેલી કાળી ગોરી અને ઘઉંવર્ણી પ્રજાઓના પરસ્પરના સંબંધો વિશેય તેમને સચિંતતા હતી. અહીં આ પ્રજાઓનાં હિતો અને સ્વાર્થો એકબીજાની સામે ટકરાઈ રહ્યાં છે એ વિશે તેઓ સભાન હતા. એટલે આ પ્રવાસકથા મુખ્યત્વે આવા પ્રશ્નોને વિશેષ અનુલક્ષે છે. એમાં પ્રસંગેપ્રસંગે ગાંધીજીની જીવનભાવના, વિશ્વકલ્યાણ, રાષ્ટ્રધર્મ જેવા મુદ્દાઓ પર તેમનું ચિંતનમનન રજૂ થયું છે. વિશાળ માનવજાતિની એકતા અને વૈશ્વિક સંસ્કૃતિનો ‘મહાપ્રયોગ’ એ ખંડની ધરતી પર જ શરૂ થશે, એવી શ્રદ્ધા પણ તેમણે વ્યક્ત કરી છે. આ પ્રવાસમાં પૂર્વ આફ્રિકાની પ્રકૃતિનાં કેટલાંક રમણીય દૃશ્યો આલેખાયાં છે, પણ પ્રકૃતિસૌંદર્યનું વર્ણન એ તેમની અહીં મુખ્ય નિસબત જ નથી એમ સમજાશે.
૫. વિચારક
વિચારક તરીકનો અભિગમ
ગાંધીજીએ પોતાની પુસ્તિકા ‘હિંદ સ્વરાજ’માં[7] એમ પ્રતિપાદિત કર્યું હતું કે હિંદને માટે સ્વરાજ્યનો અર્થ માત્ર પરદેશી શાસનની ધૂંસરી હઠાવી દેવી એટલો જ નથી; સ્વરાજ્ય એટલે સ્વદેશી, સ્વાવલંબન, અને ત્યાગબલિદાનની ભાવના પર નૂતન સમાજની સ્થાપના. પશ્ચિમની વિલસતી જતી ભૌતિક સંસ્કૃતિ અને તેની સાથે સંલગ્ન સમાજવ્યવસ્થાના મૂળમાં રહેલા દોષો તેઓ વેધક દૃષ્ટિએ પામી ગયા હતા. જ્યાં સુધી ભોગવિલાસની સંસ્કૃતિનો સ્વીકાર કરીશું ત્યાં સુધી પ્રજાપ્રજા વચ્ચે સ્પર્ધા, સંઘર્ષ, શોષણખોરી, અન્યાય અને સામ્રાજ્યવાદ જેવાં અનિષ્ટો ફાલતાંફૂલતાં રહેશે જ, એમ તેમને સમજાઈ ચૂક્યું હતું. હિંદનું હૃદય તો તેનાં ગામડાંઓ છે. એટલે સ્વાવલંબન સાદાઈ અને સંયમના સિદ્ધાંત પર પ્રતિષ્ઠિત ગ્રામસ્વરાજ અને ગ્રામસંસ્કૃતિની ભાવના તેમણે પ્રતિષ્ઠિત કરી. તે સાથે તેમણે દૃષ્ટિસંપન્ન રચનાત્મક કાર્યક્રમ પણ ઘડી કાઢ્યો. એ ભાવના અને કાર્યક્રમના પ્રચારમાં ગાંધીજીને દેશના ખૂણેખૂણામાંથી આવેલા અસંખ્ય કાર્યકારોનો સહયોગ મળ્યો. આવા કાર્યકરોમાં કાકાસાહેબ કાલેલકરનું વિશિષ્ટ સ્થાન છે. ગાંધીજીએ પોતાને માટે જ જીવનકાર્ય(mission) નક્કી કર્યું હતું તેમાં સત્યની ખોજ અને લોકસેવા એ બે પુરુષાર્થો એકરૂપ થઈ ગયા હતા. ગીતામાં પ્રતિપાદિત નિષ્કામ કર્મયોગને માર્ગે તેઓ ચાલ્યા હતા. રામનારાયણ પાઠકે કહ્યું છે તેમ, ગાંધીજીનો ધર્મ અને આચરણનો ધર્મ હતો.[8] પરમ સત્યની પ્રાપ્તિ આચરણ દ્વારા જ થઈ શકશે એવી તેમની ઊંડી શ્રદ્ધા હતી. તેમના સત્યના પ્રયોગો આવી શ્રદ્ધાથી પ્રેરાયેલા હતા. સાક્ષરયુગમાં ગોવર્ધનરામ, મણિલાલ અને આચાર્ય આનંદશંકર ધ્રુવ જેવા મહાન ચિંતકોએ પણ પોતપોતાની રીતે પ્રાચીન હિંદુ ધર્મમાં રહસ્યો સમજાવવાની પ્રવૃત્તિ કરી હતી. પણ તેમનો માર્ગ વિશેષતઃ અક્ષરની ઉપાસનાનો હતો. પ્રાચીન ધર્મગ્રંથોનું નવા યુગ સંદર્ભમાં અર્થઘટન કરવું, એ તેમની મુખ્ય પ્રવૃત્તિ હતી. ગાંધીજીએ જુદાજુદા ધર્મોના ઉત્તમ અંશો લઈ વ્યાપક ધર્મભાવના પ્રતિષ્ઠિત કરી. પશ્ચિમના મહાન ચિંતકોમાંથી[9] મહાત્મા થૉરો, રસ્કિન અને ટૉલ્સ્ટૉયની જીવનભાવનામાંથી પણ શ્રેયસ્કર અંશો તેમણે સ્વીકાર્યા. પણ હિંદુ ધર્મનાં વિશુદ્ધ અને ઉદાત્ત તત્ત્વોનો તેમની વિચારણાના પાયામાં સ્વીકાર હતો. પ્રાચીન ધર્મનાં સત્ય અહિંસા અસ્તેય બ્રહ્મચર્ય અને અપરિગ્રહ જેવાં મહાવ્રતો મુખ્યત્વે વ્યક્તિગત સાધનાનો વિષય રહ્યાં હતાં. એ વ્રતોને ગાંધીજીએ સમસ્ત પ્રજાના પુરુષાર્થ અર્થે ઉપયોગમાં લીધાં. જીવનના સિદ્ધાંતોને કાર્યાન્વિત કરવાનો એ મહાપુરુષાર્થ હતો. આત્મખોજ અને આત્મશુદ્ધિને આ રીતે વ્યાપક લોકશ્રેયનું નિમિત્ત મળ્યું. લોકસેવાના તેમના આ કાર્યક્રમમાં રાજકીય મુક્તિ ઉપરાંત અસ્પૃશ્યતાનિવારણ, ગ્રામોદ્ધાર, રેંટિયાપ્રચાર, રાષ્ટ્રિય કેળવણી, મજૂરકલ્યાણ, નારીપ્રતિષ્ઠા, સ્વદેશીપ્રચાર, હિંદુમુસ્લિમએકતા, રાષ્ટ્રભાષા હિંદુસ્તાનીનો પ્રચાર જેવા અનેક મુદ્દાઓ સ્થાન પામ્યા હતા. છેક નાનામાં નાના રોજિંદા કામમાંયે ધર્મભાવના લાગુ પાડવાનો ગાંધીજીનો ઉપક્રમ હતો. દેખીતી રીતે જ, એમાં કોઈ ગૂઢ બ્રહ્મવાદ નહોતો, કે અટપટો કર્મકાંડ નહોતો કે કોઈ ગુરુનો આદેશ પણ નહોતોઃ હતો કેવળ અંતરના પવિત્ર અવાજનો સ્વીકાર. આપણે ત્યાં પુનરુત્થાન કાળમાં સ્વામી વિવેકાનંદ, અરવિંદ ઘોષ અને રવીન્દ્રનાથ ટાગોર જેવા મહાપુરુષોએ પ્રાચીન ધર્મનું વિશુદ્ધ ઉજ્જવલ રૂપ સમજાવવાને જે પ્રવૃત્તિ કરી, લગભગ તેવી જ પ્રવૃત્તિ ગાંધીજીની હતી. અલબત્ત, એમનો માર્ગ નિરાળો હતો, તેમનું દર્શન આગવું હતું. એક ગાંધીવાદી ચિંતક તરીકે કાકાસાહેબનો ઉપક્રમ વળી આગવો દેખાય છે. પ્રાચીન ધર્મગ્રંથો અને મરાઠી સંતોની ભક્તિભાવનાના સંસ્કારો તેમના અંતરમાં રોપાયેલા પડ્યા હતા. પણ આધુનિક જ્ઞાનવિજ્ઞાનમાંથી કેટલાક ઇષ્ટ લાગતા અંશોનોય તેઓ પુરસ્કાર કરવા ચાહે છે. તેમની જીવનભાવનામાં વિભિન્ન વિદ્યાઓના સંસ્કારો નિર્ણાયક બન્યા જણાય છે. પોતાની જીવનભાવના સ્પષ્ટ કરતાં તાજેતરના એક લેખમાં તેમણે કહ્યું છે : ‘મારે તો પશ્ચિમનો વિકાસવાદ સિદ્ધાંત તરીકે સ્વીકારી પશ્ચિમની સંકુચિતતા છોડી દેવી હતી. અને મનોવિજ્ઞાન અને ભૌતિકવિજ્ઞાન અને આધ્યાત્મવિજ્ઞાન ત્રણેનો સમન્વય કરી એમાંથી બિલકુલ સ્વતંત્ર સ્વદેશી વિકાસવાદ ઉપજાવી દયાનંદ સરસ્વતીની ભૂમિકા સુધારવી હતી. અને જે કામ આર્યસમાજ કે બ્રહ્મસમાજે ન કર્યું તે મારે કરવું હતું. મને પોતાને સ્વામી વિવેકાનંદ, શ્રી રવીન્દ્રનાથ ટાગોર અને શ્રી અરવિંદ ઘોષ એ ત્રણ પ્રેરક તત્ત્વો આદરણીય હતાં. એમાંથી મારે વૈદિક વિકાસ સ્વદેશી ઢબે સિદ્ધ કરવો હતો, જેને આધારે સર્વધર્મના સમભાવ માટે પણ ઉત્તમોત્તમ ભૂમિકા તૈયાર થઈ જાત. આ કામ આ ઉંમરે હું ન કરી શકું તો પણ કોકે કર્યા વગર ચાલે નહિ. કેમ કે પરમ સત્ય એ દિશાએ જ આપણને મળવાનું છે, એ મારી આંતરિક શ્રદ્ધા છે.’[10] કાકાસાહેબની જીવનગતિ ગાંધીજી કરતાં કંઈક જુદી દિશાની છે. એમ આ નિવેદનમાંથી સ્પષ્ટ સમજાય છે. કાકાસાહેબ ગાંધીજીના કર્મમાર્ગનું મહત્ત્વ બરોબર સમજે છે, પણ તેમનું પોતીકું દર્શન જુદું છે. વિકાસવાદની ચોક્કસ ભૂમિકાનું એમાં અનુસંધાન છે. ધર્મ સમાજ સંસ્કૃતિ અને સાહિત્ય જેવા અનેકવિધ જીવતસત્ત્વોને સમાજવિકાસની દૃષ્ટિએ તેઓ યોજવા ચાહે છે. વિશ્વજીવનની મૂળભૂત એકતા અને વિવિધ સંસ્કૃતિઓનો સમન્વય – એ તેમના વિકાસવાદનું અંતિમ લક્ષ્યસ્થાન રહ્યું છે. માનવજાતિની વિષય પરિસ્થિતિ વિશે તેઓ સભાન પણ છે, પણ તેમનામાં રહેલો ભાવનાવાદી-આશાવાદિ-ચિંતક મોટું વર્ચસ્ ભોગવે છે. કાકાસાહેબના ચિંતનમાંથી આથી સ્વપ્નિલતાનું તત્ત્વ સહજ રીતે ભળી ગયું છે. ગાંધીજીનો માર્ગ કઠોર નિર્દય આત્મખોજનો માર્ગ હતો. અસાધારણ સંકલ્પબળથી તેઓ વિચારને આચરણમાં મૂકવા પ્રયત્નશીલ બન્યા હતા. એટલે, તેમના ગદ્યમાં તેમના મંથનશીલ આત્માના અનુભવો ઉત્કટતાથી રણકી ઊઠ્યા છે : તેમના અવાજમાં વિશેષ પ્રકારનું સામર્થ્ય પ્રગટ થયું છે. આથી ભિન્ન કાકાસાહેબમાં માનવસમાજ અને સંસ્કૃતિના શ્રેયની ચિંતા છે, ઊંડી ઝંખના અને સ્વપ્નિલતા છે. એ રીતે એમના ચિંતનાત્મક ગદ્યમાં એક વિશેષ પ્રકારનો પરિવેશ વરતાય છે.
‘જીવનસંસ્કૃતિ’(૧૯૩૯)
સમાજ અને સંસ્કૃતિ વિશેના લેખોના આ બૃહદ્ સંગ્રહમાં આરંભના ખંડમાં જગતની મુખ્યમુખ્ય સંસ્કૃતિઓ વિશેના લેખો રજૂ થયા છે. તેમના ભારતીય સંસ્કૃતિ વિશેના લેખો અલબત્ત અહીં વિશેષ સ્થાન લે છે. જગતની જુદી જુદી સંસ્કૃતિઓના સમન્વયની જે પ્રક્રિયા ચાલશે તેની ભૂમિકામાં મુખ્યત્વે ભારતીય સંસ્કૃતિ જ રહી હશે એવી તેમની શ્રદ્ધા રહી છે. આપણી પ્રાચીન સંસ્કૃતિ અને સમાજવ્યવસ્થા, ત્યાગ તપ સહિષ્ણુતા અને ઉદારતાનાં મૂલ્યો પર ઊભી હતી, અનેએ કારણે જ ઇતિહાસને જુદેજુદે તબક્કે પોતાનું સત્ત્વ ખોયા વિના પરદેશી સંસ્કારો તે આત્મસાત્ કરી શકી છે. અને એવા સમન્વયની ક્ષમતા હજીય તેના સત્ત્વમાં પડી છે. હિંદની ધર્મવૃત્તિ હજીય સતેજ રહી છે એવી સમજથી કાકાસાહેબ એવી કલ્પના કરવા પ્રેરાય છે કે એશિયામાં નવા જગદ્ગુરુ તરીકેનું તે સ્થાન લેશે. કાકાસાહેબની સંસ્કૃતિવિચારણામાં આ રીતે તેમની સ્વપ્નિલતા વારંવાર છતી થઈ જાય છે. ગાંધીજીની જેમ કાકાસાહેબ પણ પાશ્ચાત્ય સામ્રાજ્યવાદનો મૂળથી જ વિરોધ કરે છે. એ જ રીતે પશ્ચિમની ભોગપ્રધાન સંસ્કૃતિનાં ભયસ્થાનો પણ તેઓ બરોબર ઓળખે છે. અને એટલે જ ગાંધીજીએ રજૂ કરેલા ગ્રામસંસ્કૃતિના ખ્યાલને તેઓ સમજપૂર્વક આવકારે છે. નવી જીવનવ્યવસ્થા અંગે તેમણે જે જે વિચારણા કરી છે તેમાં આ રીતે ગાંધીજીની પ્રેરણા જ મુખ્યત્વે પડેલી છે, એમ જોઈ શકાશે. સમાજ અને સંસ્કૃતિનાં સંવર્ધન અને પોષણ અર્થે ઋષિઓએ તેનાં ‘સાધનો’ અને ‘સાધના’ એ બંને વસ્તુઓનું સતત ચિંતનમનન કરતા રહેવું જોઈએ એમ કાકાસાહેબ કહે છે. માત્ર સ્થૂળ ‘સાધનો’ની વિપુલતા સંસ્કૃતિના પ્રાણને રુંધનારી જ નીવડે, જ્યારે ‘સાધનો’ના અભાવમાં ‘સાધના’ વંધ્ય જ નીવડે. સંસ્કૃતિના સંપૂર્ણ વિકાસ અર્થે આમ ‘સાધનો’ અને ‘સાધના’ વચ્ચે યોગ્ય સંતુલન રચાવું જોઈએ, એમ તેઓ માને છે. આ સંદર્ભમાં ગીતાએ પ્રતિપાદિત કરેલી યજ્ઞ દાન અને તપ, એ ત્રણ ધર્મભાવનાઓનો વ્યાપક સ્વીકાર કરવાને તેઓ સૂચવે છે. તેમની સંસ્કૃતિમીમાંસામાં આ ત્રણ મૂલ્યો પાયામાં રહ્યાં છે. તેમનું કેટલુંક ચિંતન આ ત્રણ મૂલ્યોના પ્રતિપાદનમાં રોકાયેલું છે. અન્ય પ્રસંગે સર્વભૂતદયા, ક્ષાંતિ, અનસૂયતા, શૌચ, અનાયાસ, માંગલ્યમ્, અકાર્પણ્યમ્ અને અસ્પૃહા એ આઠ આત્મિક ગુણોને સમાજવ્યવસ્થાના આધારસ્તંભો લેખવ્યા છે. ગીતા, સમાજ અને સંસ્કૃતિના નવઘડતર માટે સતત પ્રેરણારૂપ બની શકે એવો સમર્થ ગ્રંથ છે એમ તેઓ કહે છે. અને એ રીતે ગીતાના આદર્શોને સંસ્કૃતિવિકાસ અર્થે તેઓ પ્રતિષ્ઠિત કરે છે. પાશ્ચાત્ય દેશોમાં આ સદીમાં વ્યક્તિ ચડિયાતી કે સમાજ એવો ઉગ્ર વિવાદ ચાલ્યો હતો. તેના ઉત્તર રૂપે તેઓ એ વિચાર મૂકે છે કે વ્યક્તિ સમાજ પ્રત્યેની પોતાની ફરજો અદા કરે, તે સાથે પોતાનું ‘મુખ્ય સ્વાતંત્ર્ય’ તે જાળવી રાખી શકે : બીજી બાજુ સમાજ પોતાનું ઇષ્ટ ધ્યેય સ્વીકારીને ચાલતો રહે, તે છતાંય વ્યક્તિના વિશિષ્ટ હકો કે અધિકારોને તે સુરક્ષિત રાખી શકે. વર્તમાન માનવસમાજના એક અતિ વિષમ પ્રશ્નનું આ રીતે તેઓ પોતાની ભાવનાવાદી દૃષ્ટિએ નિરાકરણ સૂચવે છે. પણ વાસ્તવવાદી ચિંતકોને એ એટલું સમાધાનકારી નહિ નીવડે એ દેખીતું છે. કાકાસાહેબે આપણી રાષ્ટ્રીય પરિસ્થિતિના સંદર્ભમાં ગ્રામોદ્યોગ અસ્પૃશ્યતાનિવારણ જેવા અનેક મુદ્દાઓની જે ચર્ચા કરી છે તેમાંયે તેમનો ભાવનાપરાયણ દૃષ્ટિકોણ જ પ્રવર્તતો રહ્યો દેખાય છે. આ પ્રકારના ચિંતનાત્મક ગદ્યમાં તેમની શૈલી ગાંધીજીની ગદ્યશૈલીની નિકટ આવી જાય છે. પોતાનું વક્તવ્ય સરળ સુઘડ અને લાઘવભરી શૈલીમાં રજૂ કરવાનો તેમનો ઉપક્રમ અહીં તરત દેખાઈ આવે છે. પ્રસંગેપ્રસંગે પોતાના વિચારો સ્ફુટ કરવા દૃષ્ટાંતો રૂપકો કે બીજા અલંકારો તેમણે ઉપયોગમાં લીધા છે. આવાં દૃષ્ટાંતો આદિથી તેમનું વક્તવ્ય વધુ અસરકારક બને છે, એટલું જ નહિ તેમાં કેટલુંક રોચક તત્ત્વ ઉમેરાય છે.
‘જીવનચિંતન’(૧૯૫૯) અને ‘જીવનવ્યવસ્થા’(૧૯૬૩)
કાકાસાહેબના ધર્મ અને સમાજ વિશેનાં મહત્ત્વના લખાણો આ બે ગ્રંથોમાં સંગૃહીત થયાં છે, ગાંધીજીની જેમ તેઓ પણ ધર્મને વ્યવહારમાં આચરવાની વસ્તુ લેખે સ્વીકારે છે. એ રીતે તેમની ધર્મભાવના સમાજના ધારણ અને પોષણ અર્થે ઉપકારક એવી નીતિભાવનાને જ વધુ અનુલક્ષે છે. ધર્મની વ્યાખ્યા કરતાં તેઓ એક પ્રસંગે કહે છે : ‘જે કોઈ વ્યવસ્થાથી, વિચારપદ્ધતિથી અને આચારવ્યવહારથી પ્રજાનું બધી રીતે કલ્યાણ થઈ શકતું હોય તેને ધર્મ કહેવામાં આવે છે. ધર્મ એટલે જીવનમીમાંસા, જીવનવ્યવસ્થા, જીવનદૃષ્ટિ.... ધર્મ એટલે સંસ્કૃતિ, ધર્મ એટલે વ્યાપક સમાજશાસ્ર.’[11] કાકાસાહેબની ધર્મભાવનામાં વેદ ઉપનિષદ અને ગીતાનાં ઉત્તમ તત્ત્વો એકત્ર થયાં છે. તેમ મરાઠી સંતકવિઓનીક નિર્વ્યાજ ભક્તિનું તત્ત્વ પણ ભળ્યું છે. વ્યક્તિના હૃદયનો વિસ્તાર, સમસ્ત વિશ્વ જોડેની એકતા અને આંતરસંવાદ એ જ સાચો ધર્મ એમ પણ તેઓ કહે છે. સ્પષ્ટ છે કે હૃદયવિકાસ રૂપે જ તેઓ ધર્મને સ્થાપે છે. એમાં ગહન રહસ્યવાદનું આવરણ નથી કે તાર્કિક વિતંડાવાદની ભૂમિકાયે નથી. કોઈપણ સંસ્થા કે સિદ્ધાંત, આ હૃદયધર્મને જેટલે અંશે ઉપકારક નીવડે, તેટલે અંશે જ તેનો સાધન લેખે સ્વીકાર તેઓ ઇચ્છે છે. કાકાસાહેબ પોતાની ધર્મવિચારણામાં સાધ્યસાધન વચ્ચે આ રીતે સતત વિવેક કરતા રહ્યા છે. ધર્મગ્રંથ કે આચાર્યોના શબ્દોને જડતાથી અનુસરવાનો એમાં કોઈ પ્રશ્ન જ નથી. અને એવો ગ્રંથ કે શબ્દનો કેવલ મહિમા ન હોઈ શકે, એમ તેઓ કહે છે. ધર્મનાં બે પાસાંઓ વિશે કાકાસાહેબ ચર્ચા કરે છે. એક પાસું તે ધર્મના તત્ત્વદર્શનનું છે, પરમ સત્યના બોધનું છે. ધર્મના હાર્દમાં રહેલું એ અફર તત્ત્વ છે. ધર્મનું બીજું પાસું તે તેના કર્મકાંડો રૂઢિઓ અને બાહ્ય આચારવિચારોનું છે. એમાં બદલાતા યુગસંદર્ભ પ્રમાણે સતત પરિવર્તન થતું રહેવું જોઈએ, એમ કાકાસાહેબ ઇચ્છે છે. તેમની દૃષ્ટિએ બાહ્ય કર્મકાંડો આદિ તે જીવનવૃક્ષની છાલ જેવા છે. છાલનું કામ અંદરના જીવનરસને સંરક્ષવાનું ને પોષવાનું છે. અને આ કામ પૂરતું જ તેનું મહત્ત્વ સંભવે છે. જ્યારે તે નિરૂપયોગી બને છે ત્યારે કુદરતના સહજ ક્રમમાં તે ખરી પડે છે, પણ જીવનરસને રૂંધવાનું કામ તે નહિ કરે. બાહ્ય કર્મકાંડો આમ ધર્મના હાર્દને સંરક્ષે અને પોષે, તેટલે અંશે જ તે ઉપકારક. પણ તેમાં જડતા પ્રવેશે તો ધર્મનું રહસ્ય રૂંધાવા માંડે છે. કાકાસાહેબ વારંવાર કહે છે કે નવા યુગને અનુરૂપ નવાં કર્મકાંડો અને નવા આચારવિચારો જન્મતા રહેવા જોઈએ, ધર્મવૃક્ષ એ રીતે સતત વિકાસશીલ રહેવું જોઈએ. બીજી રીતે કહીએ તો ધર્મભાવ નદીની જેમ સતત વહેતો રહેવો જોઈએ. ધર્મમાં એકીસાથે સંરક્ષક વૃત્તિ અને પરિવર્તનક્ષમતા હોય છે એમ તેઓ કહે છે. ધર્મનું હાર્દ સદાય એનું એ રહે છે. જ્યારે એની સાથે જોડાયેલી સંસ્કૃતિ માનવજાતિના નવાનવા અનુભવો અને નવીનવી સર્જક કલ્પના પ્રમાણે બદલાતી રહે છે. વૈદિક, જૈન અને બૌદ્ધ ધર્મસંપ્રદાયો ઉપરાંત આર્યસમાજ, પ્રાર્થનાસમાજ જેવી ધર્મસંસ્થાઓ વિશે અવલોકન કરતાં તેઓ ગુણગ્રાહી દૃષ્ટિએ એ સંપ્રદાય કે સંસ્થાના ઉદાત્ત અંશોનો પુરસ્કાર કરે છે. આવા સંપ્રદાયોનાં રૂઢ દર્શન કે વિચારનું અતિ ઉદાર દૃષ્ટિએ અર્થઘટન કરે છે, અને નવા યુગસંદર્ભમાં તેની ઉપકારકતા બતાવે છે. તેમના ચિંતનમાં આ વિષયોના અનેક પાસાં સ્પર્શાતાં રહ્યાં છે. જૈન ધર્મનો અહિંસાનો સિદ્ધાંત, અહિંસાદિ પાંચ મહાવ્રતો, ધર્મશાસ્ત્રોનું પ્રામાણ્ય આદિ વિષયોમાં તેમની વૃત્તિ બારીકાઈથી અવલોકવા જેવી છે. એમાં એક બાજુ બૌદ્ધિક ભૂમિકાનું સરળ ચિંતન છે બીજી બાજુ તેમની ભાવનાપરાયણતાનું સતત અનુસંધાન એમાં રહ્યું છે. તાર્કિક વિતંડાવાદમાં તેમને રસ નથી, માત્ર પ્રેમધર્મના વિસ્તાર માટે તેઓ નિવેદન રજૂ કરે છે. તેમના ધર્મચિંતનનાં આથી રૂઢ ખ્યાલો પણ છેવટે હૃદયની કેળવણીનું રૂપ લે છે. લોકશિક્ષણ અર્થે તૈયાર થયેલાં આ લખાણોમાં કેટલાક પાયાના ખ્યાલો ફરીફરીને વ્યાખ્યા પામતા રહ્યા છે. એ રીતે તેમાં કેટલુંક પુનરાવર્તન પણ થયું દેખાશે. પણ આ લખાણોના મૂળ ઉદ્દેશોને લક્ષમાં લેતાં આમ બનવું સ્વાભાવિક લાગે છે. ‘પરમ સખા મૃત્યુ’ (૧૯૪૪) મૃત્યુવિષયક ચિંતનલેખોનો સંગ્રહ છે.
‘ગીતાધર્મ’(૧૯૪૪) અને ‘જીવનપ્રદીપ’(૧૯૫૬)
‘ગીતાધર્મ’માં કાકાસાહેબના ગીતાના વિચારો વિશેનું વિવરણ મળે છે, તો ‘જીવનપ્રદીપ’માં જુદે જુદે પ્રસંગે લખાયેલા ગીતાવિષયક લેખો ગ્રંથસ્થ થયા છે. એ તો સ્પષ્ટ છે કે કાકાસાહેબના જીવનચિંતનમાં ગીતાના વિચારોનો સ્પષ્ટ પ્રભાવ છે. આપણા પ્રાચીન ધર્મગ્રંથોમાં ગીતા તેમને સૌથી વધુ પ્રાણવાન ગ્રંથ લાગ્યો છે. એ ગ્રંથને તેમણે ‘રાષ્ટ્રપુરુષ’નું બિરુદ પણ આપ્યું છે. તેઓ સ્પષ્ટ માને છે કે ગીતાનો સંદેશ સનાતન હોઈ નિત્યનૂતન છે. નવા યુગની જીવનવ્યવસ્થામાં ગીતા સૌથી મૂલ્યવાન અર્પણ કરી શકશે એવી તેમની શ્રદ્ધા રહી છે. તેઓ કહે છે : ‘ગીતાનું કર્મયોગશાસ્ત્ર, ગીતાની યજ્ઞમીમાંસા, ગીતાનો વર્ણાશ્રમઆદર્શ વગેરે પ્રત્યેક વિવેચનમાં સમાજનો દૈવી અથવા આર્ય આદર્શ જ બતાવવામાં આવ્યો છે અને તે બધા આદર્શોની સિદ્ધિ માટે દૈવી સંપત્તિનું વર્ણન સૂક્ષ્મતાથી કરવામાં આવ્યું છે. ગીતાના ગૂંથેલા એ સમાજશાસ્ત્રનો આવિષ્કાર કરવાનો સમય હવે આવી પહોંચ્યો છે. ગીતાના સામાજિક દૃષ્ટિબિંદુનું આપણે જેટલું નિરીક્ષણ કરીશું તેટલી જ આપણને વર્તમાન ગૂંચો ઉકેલવામાં આ ગ્રંથરાજની મદદ મળશે’[12] માહાત્મ્ય રજૂ કરી તેઓ ‘દૈવી સંપત્’નું વિસ્તૃત સ્પષ્ટીકરણ કરે છે. ભગવદ્ગીતાનું પ્રામાણ્ય, નિષ્કામ કર્મયોગ, ચાર વર્ણોની વ્યવસ્થા, યજ્ઞ-દાન-તપનું સમાજશ્રેયની દૃષ્ટિએ માહત્મય, હિંસાઅહિંસાવિવેક, સામ્યયોગ જેવા મહત્ત્વના પ્રશ્નો ને ગીતાની આગવી દૃષ્ટિના પ્રકાશમાં તઓ ચર્ચે છે. આધુનિક સમયમાં જુદા જુદા ચિંતકોએ ગીતાના વિચારોનું જુદી જુદી રીતે અર્થઘટન કરતાં લખાણો આપ્યાં છે. તેમાં કાકાસાહેબનાં આ લખાણોનું પણ આગવું સ્થાન છે. ‘ગીતાસાર’ ઈ.સ. ૧૯૯૪માં પ્રગટ થયું હતું.
‘જીવનવિકાસ’(૧૯૩૬)
આ ગ્રંથમાં કાકાસાહેબના કેળવણીચિંતનના લેખો સંગૃહિત થયા છે. અલબત્ત, આ કોઈ આકરગ્રંથ નથી. પણ કેળવણીના વિવિધ પ્રશ્નો અને પાસાંઓની જે ચર્ચાવિચારણા એમાં ઉપલબ્ધ થાય છે તેથી એક આકરગ્રંથનું મૂલ્ય તેને પ્રાપ્ત થાય છે. અને કેળવણીના પ્રશ્નો જોડે તેમને સીધી નિસ્બત રહી છે. પોતાને કેળવણીની પ્રવૃત્તિ અતિપ્રિય છે એમ પણ તેમણે નોંધ્યું છે. ‘ગુજરાતની પ્રજા મને ભૂલે નહિ ત્યાં સુધી મને સાહિત્યકાર તરીકે ન ઓળખે પણ કેળવણીકાર તરીકે ઓળખે એવી મારી આંતરિક ઇચ્છા છે.’[13] તેમનું આ નિવેદન તેમની વિશેષ વૃત્તિનું દ્યોતક છે. અને એય સાચું છે કે તરુણવયથી કેળવણિ જ તેમનું જીવનકાર્ય (mission) રહી છે. સ્વામી વિવેકાનંદ, અરવિંદ ઘોષ, રવીન્દ્રનાથ ટાગોર, બ્રૂકર ટી. વૉશિંગ્ટન જેવા અનેક ચિંતકોના કેળવણી વિશેના વિચારોનું તેમણે પરિશીલન કર્યું છે. પણ તેમન સવિશેષ પ્રેરણા ગાંધીજીના આ વિશેના વિચારોમાંથી મળી છે. અગાઉ નિર્દેશ કર્યો છે તેમ, ગાંધીજીના આદેશથી તેમણે સત્યાગ્રહ સત્યાગ્રહ આશ્રમની રાષ્ટ્રીય શાળામાં કેળવણીની જુદી જુદી અનેક સંસ્થાઓનો નિકટતાથી પરિચય કેળવ્યો હતો. એ રીતે કેળવણીની પ્રક્રિયામાં તેઓ સીધી રીતે ગુંથાયેલા રહ્યા છે. તેમના કેળવણી વિશેના વિચારો એ વિષયની સિદ્ધાંતચર્ચાથી નહિ, તેટલા જાતઅનુભવથી ઘડાયા દેખાય છે. તેઓ એ વિશે પણ સભાન છે કે વર્તમાન સમયમાં પલટાઈ રહેલા માનવસંયોગોને લક્ષમાં લેતાં કેળવણીના ક્ષેત્રમાં છેવટેનો કોઈ સિદ્ધાંત સ્થાપવાનું મુશ્કેલ છે. આથી પોતાના શિક્ષણકાર્યને તેઓ કેવળ ‘પ્રયોગોની પરંપરા’થી વિશેષ લેખવતા નથી. ઈ.સ. ૧૯૧૫માં તેઓ શાંતિનિકેતનમાં ગાંધીજીને મળ્યા તે પહેલાં રાષ્ટ્રીય કેળવણીના સ્વરૂપ વિશે તેમણે કેટલાક સ્પષ્ટ-અસ્પષ્ટ ખ્યાલો બાંધ્યા હતા ખરા. પણ ગાંધીજીની વિચારણા જાણ્યા પછી એ વિશે તેમનો ખ્યાલ વધુ સ્પષ્ટ બન્યો. આ પ્રકારના કેળવણીના કાર્યક્રમમાં તેમણે સ્વદેશી સ્વાવલંબન સેવા સાદાઈ શ્રમ ઉદ્યોગ ચારિત્ર્યશુદ્ધિ જેવાં મૂલ્યોને ઘણું ઊંચું સ્થાન આપ્યું. અંગ્રેજ શાસકોએ ચલાવેલી શિક્ષણસંસ્થાઓમાં વાચન લેખન અને ગણિત એ ત્રણ વિષયોનો જ મહિમા હતો. પણ કાકાસાહેબ એને માત્ર ‘ઉજળિયાતોની કેળવણી’ તરીકે ઓળખે છે. સાચી કેળવણી સમસ્ત પ્રજાને માટે મુક્તિદાતા હોય એવી તેમની સમજ રહી છે. હકીકતમાં, માનવજાતિના વિકાસક્રમમાં કેળવણી જ હવે સાર્વભૌમ સાધન લેખે ઉપયોગમાં આવશે, એવી એક મૂળભૂત શ્રદ્ધા તેમણે ફરીફરીને પ્રગટ કરી છે. સમાજપરિવર્તન અર્થે અત્યારસુધી ધર્મ નીતિ અને કાનૂન જેવાં સાધનોએ મહત્ત્વનો ભાગ ભજવ્યો છે. પણ એ સાધનોની મર્યાદાઓ હવે સ્પષ્ટ બની ગઈ છે. નવા યુગમાં વિવિધ સંસ્કૃતિઓના સમન્વયનું તેમ વિશાળ માનવજાતિની આંતરિક એકતા સ્થાપવાનું ભગીરથ કાર્ય હવે કેળવણી દ્વારા જ શક્ય બનશે એવી શ્રદ્ધા તેઓ પ્રગટ કરે છે. આવી સાર્વભૌમ કેળવણી, અલબત્ત, કોઈ સત્તા કે શાસનની દાસી નહિ હોય, કોઈ સ્થાપિત જૂથની રક્ષક નહિ હોય, કે ભોગવિલાસનું સાધન પણ નહિ હોય. આવી કેળવણી માનવહૃદયની અહિંસાવૃત્તિ પર પ્રતિષ્ઠિત થઈ હશે, અને માનવજાતિને બધી બાજુથી મુક્તિ અપાવવાની તેની પ્રતિજ્ઞા હશે : सा विद्या या विमुक्तये – આ જ એકમાત્ર તેનો ધ્યાનમંત્ર હશે. માનવીનાં તન મન અને પ્રાણને નિરોગી રાખે, તેના અંતરની સર્વ શુભ વૃત્તિઓનો વિકાસ કરી આપે, માનવઆત્મામાં નિર્ભયતા સાહસિકતા અને પુરુષાર્થના ગુણો વિકસાવે અને લોકસેવાની દીક્ષા આપે : આટલું જે કરી શકે તે જ ખરી કેળવણી. અત્યાર સુધી પ્રચારમાં રહેલી ‘ઉજળિયાત કેળવણી’ એ સમાજજીવનમાં અન્યાય શોષણ અને વર્ગભેદને જ પોષ્યો છે. ‘ખરી કેળવણી’ આવાં અનિષ્ટોનો પ્રતિકાર કરવાને તેજ અને સામર્થ્ય આપશે. કાકસાહેબના કેળવણી વિષયક ચિંતનમાં સાદ્યંત આ પ્રકારનો ભાવનાલક્ષી અભિગમ ગૂંથાયો છે. અહિંસા, પરિશ્રમ અને ઉદ્યોગનું કેળવણીમાં સ્થાન, અભ્યાસક્રમમાં ઇતિહાસાદિ વિષયોનું સ્થાન, પાઠ્યક્રમો અને શિક્ષણપદ્ધતિ, ધાર્મિક કેળવણીનું સ્વરૂપ, આદર્શ પાઠ્યપુસ્તક, શિક્ષકોનું કર્તવ્ય, છાત્રાલયનું મહત્ત્વ જેવા પ્રશ્નોની તેમણે જે ચર્ચાવિચારણા કરી તેમાં પણ તેમનો ભાવનાવાદી ઉપક્રમ તરત દેખાઈ આવે છે. એમાં કેટલીક વિચારણા આજે પ્રાસંગિક લાગશે, તોપણ કાકાસાહેબની કેળવણીમીમાંસાનાં મૂલ્યવાન દૃષ્ટિબિંદુઓ સમજવા તે ઉપયોગી બની રહે એમ છે. ‘કાલેલકરના લેખો’ ભાગ ૧ (૧૯૨૩) અને ભાગ ૨ (૧૯૨૫)માં શિક્ષણવિષયક લેખો છે. ‘શુદ્ધ જીવનદૃષ્ટિની ભાષાનીતિ’ એ એમણે આપેલું વ્યાખ્યાન(૧૯૬૦) છે.
‘જીવનભારતી’(૧૯૩૭)
કાકાસાહેબનાં સાહિત્યવિષયક લખાણો આ ગ્રંથમાં રજૂ થયાં છે. (આ ઉપરાંત ‘જીવનનો આનંદ’ના એક ખંડમાં તેમની કળાવિષયક વિચારણા રજૂ થઈ છે તેનો પણ અહીં નિર્દેશ કરવો જોઈએ.) એમાં કેટલાંકમાં સાહિત્યનું સ્વરૂપ, તેનું સમાજસંદર્ભમાં મહત્ત્વ કે એવા બીજા પ્રશ્નોની ચર્ચા કરે છે, તો બીજાં અનેકમાં પ્રગટ થયેલાં પુસ્તકો વિશેનાં નાનાંમોટાં અવલોકનો કે પ્રસ્તાવનારૂપ પરિચયો મળે છે. સાહિત્ય વિશે આટલાં લખાણો ગાંધીજીના અનુયાયી બીજા ચિંતકો પાસેથી મળ્યાં નથી. આ લખાણોમાં કાકાસાહેબની સૂક્ષ્મ અભિજાત રુચિ અને રસદૃષ્ટિ પ્રગટ થાય છે. અનેક પ્રશિષ્ટ કૃતિઓનું પરિશીલન એની પાછળ રહ્યું છે, અને કળા વિશે તેમની આગવી સમજ રહી છે, એમ પણ એમાં જોઈ શકાશે. જો કે સાહિત્ય કળા વિશેની આ બધી વિચારણાઓમાં તેમનો નીતિવાદી અભિગમ સ્પષ્ટ રૂપમાં દેખાઈ આવે છે. સૌપ્રથમ અને અંતે પોતે લોકશિક્ષક છે, એવી સંપ્રજ્ઞતા જ એમાં કામ કરી રહી છે. સમાજની નીતિમત્તાના, તેના શ્રેયના પ્રશ્નો આથી તેમનું વિશેષ ધ્યાન રોકી રહે છે. સાહિત્ય કેવળ સૌંદર્યની ઉપાસના કરે તે પર્યાપ્ત નથી, પ્રજાના ચારિત્ર્ય ઘડતરમાં એ ઉપયોગી નીવડવું જોઈએ, એમ તેઓ માને છે : ‘સુંદરતા એ સાહિત્યનું ભૂષણ છે, પણ સાહિત્યનું સર્વસ્વ નથી. સાહિત્યનું સર્વસ્વ સાહિત્યનો પ્રાણ, એ ઓજસ્વિતા છે, વિક્રમશીલતા છે, સત્ત્વસમૃદ્ધિ છે. જીવનનાં વિવિધ ક્ષેત્રોમાં પૌરુષ વધારવામાં જ સાહિત્યની ઉન્નતિ રહેલી છે.’૧૪ કાકસાહેબની ભાવનાનો સાહિત્યકાર આ રીતે સમસ્ત પ્રજાનો આચાર્ય અને સંસ્કારગુરુ છે. સ્વયં ચારિત્ર્યશીલ હોઈ પ્રજાના ચારિત્ર્યનો સંરક્ષક અને સંવર્ધક પણ છે. તેણે સમાજના હૃદયવિકાસની જવાબદારી નિભાવવાની છે. દેખીતું છે કે, કાકાસાહેબને કળાતત્ત્વ પોતે શું છે તે કરતાંય પ્રજામાનસ પર તેનો કેવો પ્રભાવ પડે છે તેના પ્રશ્નોમાં વિશેષ રસ રહ્યો છે. કળાઓ ઇંદ્રિયોના માધ્યમ દ્વારા કામ કરતી હોવાથી વ્યક્તિના ચિત્ત પર તેની ઉત્કટ અસર પડે છે, માઠી અસર તો વધુ ઉત્કટ રીતે પડે છે. એટલે સદાચાર પ્રેરે અને પુરુષાર્થમાં માર્ગદર્શક બને તેવી ઉત્તમ કલાકૃતિઓનું જ તેમને મન મોટું મૂલ્ય છે. સત્ય પ્રેમ સ્વતંત્રતા સેવા ત્યાગ સંયમ બલિદાન જેવાં પરમ મૂલ્યોની કળાકૃતિઓમાં પ્રતિષ્ઠા થવી જ જોઈએ એમ તેઓ માને છે. તેમનો નૈતિક અભિનિવેશ તેમની પાસે એમ કહેવડાવે છે કે ઉત્તમ જીવન જીવવું એ જ ઉત્તમ કળા છે. અહીં કળા એક વિશિષ્ટ સર્જનાત્મક પ્રવૃત્તિ રહેતી નથી એ તો સમજાય તેવું છે. સાહિત્યસ્વરૂપ આદિને લગતી તેમની ચર્ચા શાસ્ત્રીય સ્તરની સિદ્ધાંતચર્ચાની નથી, તેમનો ઉપક્રમ વિશેષતઃ લોકરુચિ કેળવવાનો છે. એટલે સમાજ અને સંસ્કૃતિના શ્રેયની દૃષ્ટિએ સાહિત્ય વિશેની તેમની જે અપેક્ષાઓ છે તે જ વધુ તો અહીં રજુ થઈ છે. એમાં ઊંચા સાહિત્ય વિશેની તેમની આગવી સમજ પ્રગટ થાય છે. સાહિત્ય અને નીતિ, સાહિત્ય અને સદાચારવૃત્તિ, કળા અને તત્ત્વજ્ઞાન, કળા અને સૌંદર્ય, કુદરતનું સૌંદર્ય અને કળાદીક્ષા જેવા મુદ્દાઓની વિચારણામાં વિશેષતઃ તેમની અંગત પ્રતીતિઓ પડેલી છે. આ ગ્રંથમાં કૃતિવિષયક લખાણો એટલાં જ, બલકે કંઈક વધુ ધ્યાનપાત્ર છે. એમાં કેટલાંક સાહિત્યકૃતિઓને લગતાં છે, જ્યારે બીજાં જ્ઞાનના બીજી વિષયોને લગતા ગ્રંથોને ચર્ચે છે. એમાં મોટાભાગના લખાણો જે તે ગ્રંથના પ્રવેશકો રૂપે તૈયાર થયાં હતાં. એ પૈકી સાહિત્યકૃતિઓ વિશેનાં લખાણોમાં તેમના સંસ્કારસમૃદ્ધ વ્યક્તિત્વનો હૃદ્ય પરિચય મળે છે. કાવ્ય નાટક કે નવલકથા જેવા ભિન્ન પ્રકારની રચનાઓ તેમના અવલોકનમાં આવી છે. એ દરેક વિશે તેમનો સ્વચ્છ નિર્વ્યાજ પ્રતિભાવ અહીં નોંધાયો છે. એક પ્રકારની તાજગી અને પ્રસન્નતા એમાં વરતાય છે. કેટલાંક દૃષ્ટાંતોમાં કૃતિનું પાત્રાલેખન, સંકલના અને ભાષાશૈલી વિશે ટૂંકાં માર્મિક નિરીક્ષણો જોવા મળે છે. એમા પ્રસંગે પ્રસંગે તેમનું માર્મિક ચિંતન પણ ભળ્યું છે. સાહિત્યકાળ વિશેની તેમની માર્મિક દૃષ્ટિ અને અભિજાત રસવૃત્તિનો આપણને આ લખાણોમાં વારંવાર સુખદ પરિચય મળે છે. જો કે સાહિત્ય વિશેના અવલોકનોમાં તેમના નૈતિક આગ્રહો પણ એટલા જ છતા થઈ જાય છે. તેમનામાં રહેલો નીતિવાદી ચિંતક વારંવાર નૈતિક મૂલ્યોનો પુરસ્કાર કરે છે, અને કૃતિના મૂલ્યાંકનમાં પણ નીતિમત્તાનો આગ્રહ રાખે છે. એવે પ્રસંગે તેમની વિવેચનામાં રસતત્ત્વની ઉપેક્ષા થતી હોય એમ પણ દેખાય છે. આ ગ્રંથમાં અનેક લખાણોમાં તેમના નિબંધોની ગદ્યશૈલીની ભિન્ન પણ તેના જેવી જ સંસ્કારસંપન્ન અને રસાર્દ્ર શૈલીનો વિનિયોગ થયેલો જોવા મળે છે. સાહિત્યવિષયક અન્ય કૃતિઓમાં ‘રવીન્દ્રસૌરભ’, (અનુવાદ : ૧૯૫૯), ‘રવિચ્છવિનું ઉપસ્થાન અને તર્પણ’ (૧૯૬૧), ‘ભારતીય સંસ્કૃતિનો ઉદ્ગાતા’ (ગુજ. યુનિ. ટાગોર શતાબ્દી જ્ઞાનસત્ર વ્યાખ્યાન; ૧૯૬૧), ‘નારીગૌરવનો કવિ’ (કવિ ન્હાનાલાલ જયંતી વ્યાખ્યાન : ૧૯૬૦), ‘સાહિત્યમાં સાર્વભૌમ જીવન’ (વિદ્યાબહેન નીલકંઠ સ્મારક વ્યાખ્યાન : ૧૯૬૧) (બીજું વ્યાખ્યાન ‘ચિંતન અને પુરુષાર્થમાં સમન્વય’ વિશે) વ.નો નિર્દેશ કરવો જોઈએ.
૬. પ્રકીર્ણ પ્રકાશનો
‘સ્મરણયાત્રા’(૧૯૩૪)
આ પુસ્તકમાં કાકાસાહેબે પોતાના બાળપણ તેમ જ કિશોરવયનાં કેટલાંક રસિક સંસ્મરણો રજૂ કર્યાં છે. આ પુસ્તક વિશે સ્પષ્ટતા કરતાં તેમણે કહ્યું છે કે વનના એવા કોઈ ‘ઊંડા અનુભવો’ કે ‘મોટા પરિવર્તનની કથા’ એમાં નથી : અહીં તો એક બાળકના જીવનની નાની નાની રોજિંદી ઘટનાઓ જ આલેખી છે. પણ કાકાસાહેબે જે સરળતા નિખાલસતા અને સચ્ચાઈથી એ બધાં સંસ્મરણો રજૂ કર્યાં છે, તેથી એ કથા ચિત્તસ્પર્શી બની આવી છે. એમાં બાળપણની તેમની મુગ્ધ મૂંઝવણો, શિશુસહજ ભીરુવૃત્તિ અને નિર્દોષ તોફાનોની કથા તો રસપ્રદ છે જ, પણ વાત્સલ્યસભર કુટુંબજીવનનું જે ચિત્ર ઊપસે છે, તે એથીય વધુ ચિત્તસ્પર્શી બન્યું છે. વત્સલ માતાપિતા, વહાલસોઈ બહેન આક્કા, અને બીજા સ્વજનોનાં રેખાચિત્રો આ પુસ્તકનો મૂલ્યવાન અંશ છે. અહીં મહારાષ્ટ્રની સાંસ્કૃતિક પરંપરાઓ તેમ જ ધાર્મિક વ્રતોઉત્સવોની જે કથા મળે છે, તેમાં કાકાસાહેબના વ્યક્તિત્વને ઘડનારાં વિશિષ્ટ પરિબળોનો સંકેત પણ મળે છે. તેમની વિનોદવૃત્તિ પણ અહીં અનેક પ્રસંગોમાં ખીલી નીકળતી જોવા મળે છે
.
‘ધર્મોદય’(૧૯૫૨)
આ પુસ્તિકામાં કાકાસાહેબે પોતાની ધાર્મિક વૃત્તિના વિકાસ અને સંવર્ધનનો ટુંકો આલેખ આપ્યો છે. તે સાથે ભક્તિમાર્ગ પાપપુણ્ય સ્વર્ગનરક જેવ પ્રશ્નો ની સંક્ષિપ્ત વિચારણા રજૂ કરી છે. ‘સ્મરણયાત્રા’ની કથામાં આ એક પૂર્તિરૂપ એવી આત્મકથા લાગે છે.
‘બાપુની ઝાંખી’(૧૯૪૯)
આ પુસ્તકમાં ગાંધીજીના વિરલ વ્યક્તિત્વની ઝાંખી કરાવતા ૧૦૧ પ્રસંગો રજૂ કરવામાં આવ્યા છે. ગાંધીજી પ્રત્યેની કાકાસાહેબની આદરભક્તિ અહીં સ્પષ્ટ રીતે ઊપસી આવે છે. રોજનાં નાનાં નાનાં કામોમાંય ગાંધીજી કેવી ચીવટ રાખતા, અને કેવો મૂલ્યબોધ પ્રગટ કરતા, તે આ પ્રસંગોમાં જોઈ શકાય છે. અંતેવાસીઓ પ્રત્યે ગાંધીજીને અપાર વાત્સલ્યભાવ હતો એ વાત પણ તેમના હરેક વ્યવહારમાંથી પ્રત્યક્ષ થઈ જાય છે. તેમની ક્ષમાશીલતા સ્વાવલંબન માતૃભાષાપ્રેમ સમયપાલનનું વ્રત અને ધર્મપરાયણવૃત્તિ જેવા ગુણો તેમના સ્વભાવમાં સહજ વણાઈ ચૂક્યા હતા, એમ પણ એમાંથી સમજાય છે. મહાદેવભાઈ, કિશોરલાલ, વિનોબા, સ્વામી આનંદ જેવા વ્યક્તિવિશેષનાં રેખાચિત્રો પણ અહીં સરસ રીતે અંકિત થઈ ગયાં છે. ઈ.સ.૧૯૦૮માં ‘સ્વામી રામતીર્થનું જીવનચરિત્ર’, ઈ.સ. ૧૯૨૦માં ‘સ્વદેશી ધર્મ’, ૧૯૨૩માં ‘ગામડાંમાં જઈને શું કરવું?’ ઈ.સ. ૧૯૨૩માં નરહરિ પરીખ સાથે ‘પૂર્વરંગ’, ઈ.સ. ૧૯૩૪માં પર્વો વિશેનું ‘જીવતા તહેવારો’, ઈ.સ. ૧૯૩૫માં ‘લોકજીવન’, મશરૂવાળા સાથે ‘માનવી ખંડિયેરો’ (૧૯૪૬)નો કરેલો અનુવાદ જેવી કૃતિઓનો પણ અહીં ઉલ્લેખ કરી લઈએ. ‘અવારનવાર’ (૧૯૫૬), ‘પ્રાસંગિક પ્રતિસાદ’ (૧૯૭૦), ‘ગાંધી પરિવારના જ્યોતિર્ધરો’ (૧૯૭૫) વ. એમની અન્ય કૃતિઓ છે.
‘શ્રી નેત્રમણિભાઈને’(૧૯૪૭)
આ પુસ્તિકામાં શ્રી નેત્રમણિભાઈ જોડેનો તેમનો પત્રવ્યવહાર રજૂ થયો છે. એમાં નેત્રમણિભાઈની કાકાસાહેબ પરત્વેની હૃદયની નિર્મળ ભક્તિ પ્રગટ થઈ જાય છે, તો કાકાસાહેબના અંતરનીક ભાવાર્દ્રતા અને સમભાવવૃત્તિ પણ જોઈ શકાય છે. આ બે મિત્રો વચ્ચેના લાગણીસંબંધો જ અહીં આપણને સ્પર્શી જાય છે. બંનેના અંતરનું આભિજાત્ય અને પ્રીતિ જ અહીં મહેકી ઊઠે છે. ‘ચિ. ચંદનને’ (૧૯૫૮)માં કાકાસાહેબના કટુંબજીવનની નાજુક કથા સ્પર્શાઈ છે. કાકાસાહેબ અને સતીશભાઈ વચ્ચે જ્યારે વિચારભેદ જન્મ્યો ત્યારે તેમનાં ક્ષેમકુશળ જાણવા તેમણે પુત્રવધૂ ચંદનબહેનને પત્રો લખ્યા હતા. એમાં કૌટુંબિક પરિસ્થિતિનું ચિત્ર માર્મિક રેખાઓમાં ઊપસે છે. કાકાસાહેબે પોતાના પત્રોમાં નારીધર્મને લગતા મુદ્દાઓ ચર્ચ્યા છે, તો કોમળ લાગણીથી સ્વજનોની ખબર અંતર પૂછી છે. આવી માનવીય સંબંધની વિશિષ્ટ ભૂમિકાને લીધે પત્રો ચિત્તસ્પર્શી બન્યા છે. ‘વિદ્યાર્થીનીને પત્રો’ (૧૯૬૮) એમનો ત્રીજો સરસ પત્રસંચય છે.
ઉપસંહાર
ગાંધીજીના મંડળમાં એકત્ર થયેલા લેખકો-ચિંતકોમાં કાકાસાહેબનું વિશિષ્ટ સ્થાન રહ્યું છે. ગાંધીજીની રચનાત્મક કાર્યક્રમ વિશેની ચર્ચાવિચારણાઓનું વિવરણ કરી તેને લોકો સુધી પહોંચાડવામાં તેમનું વિશિષ્ટ યોગદાન રહ્યું છે. પણ તેથી વિશેષ, ‘જીવનદેવતા’ને જુદીજુદી બાજુઓથી ઓળખવાના પ્રયત્નોમાં તેમણે ખેડેલાં જ્ઞાનવિજ્ઞાનોનું આગવું મૂલ્ય છે. ધર્મ સંસ્કૃતિ સમાજ કળા આદિ વિશેની તેમની તાત્ત્વિક ચર્ચાવિચારણાઓ આપણા ચિંતનાત્મક ગદ્યનં એક મોટું તેજસ્વી પ્રકરણ બને છે. પોતાના અભ્યાસ અને અનુભવોમાં ગાંધીપ્રબોધિત મૂલ્યો સૂક્ષ્મ સ્તરે ઊતરીક ગયાં છે. એમાં તેમનો ભાવનાવાદી અભિગમ તરત ઊપસી આવે છે. વિકાસવાદી ભૂમિકાના સ્વીકારથી તેમના ચિંતનને એક વિશેષ મરોડ મળ્યો છે, એમ પણ જોઈ શકાય. વળી સમાજ, સંસ્કૃતિના પ્રશ્રોને તેમણે વારંવાર વિદ્યાકીય સ્તરેથી સ્પષ્ટ કરવા પ્રયત્ન કર્યો છે. એમાં એક ગાંધીપરંપરાના ચિંતક તરીકે તેમનો વિશેષ અભિગમ જોઈ શકાય. પણ તેમની પ્રતિભાનો વધુ સમગ્ર અને ચેતોહર આવિષ્કાર તો તેમના લલિત નિબંધો અને પ્રવાસગ્રંથોમાં જોવા મળે છે. રુચિસંપન્ન અભિજાત વ્યક્તિત્વનો જીવંત સ્પર્શ તેમના આ પ્રકારના સાહિત્યમાં આપણને જોવા મળ્યો. આપણા ગદ્યસાહિત્યમાં તેમને ખરેખર એક સંસ્કારસમૃદ્ધ શૈલી નિર્માણ કરી. એ રીતે આપણા સંસ્કારજીવનને સમૃદ્ધ કરવામાં, આપણી રસકીય ચેતનાને પ્રફુલ્લિત કરવામાં, તેમ જ આપણી ભાષાની ખિલવણીમાં તેમના લલિત નિબંધો અને પ્રવાસગ્રંથોનું વિશેષ યોગદાન રહ્યું છે.
નોંધ
- ↑ કાકાસાહેબનું વ્યક્તિત્વ ઘડનારાં પરિબળોની ચર્ચા મુખ્યત્વે પાંડુરંગ દેશપાંડેના લેખ ‘કાકાસાહેબ કાલેલકરની જીવનરેખા’ (‘કાલેલકર અધયયનગ્રંથ’માં સંગૃહિત)ને આધારે કરી છે. ‘સ્મરણયાત્રા’ અને ‘ધર્મોદય’નો આધાર પણ લીધો છે.
- ↑ જુઓ, ‘કાકાસાહેબ – જીવનદર્શન,’ પૃ.૧(એજન).
- ↑ ‘સાહિત્યકાર કાકાસાહેબનું વિશિષ્ટ અને અનન્યસાધારણ લક્ષણ તે તેમની સૌન્દર્યદૃષ્ટિ છે. એમના સ્વભાવમાં અને સાહિત્યમાં સિદ્ધ રૂપે જણાતી શક્તિઓમાં આને જ હું પ્રધાન ગણું’ – રામનારાયન પાઠક : ‘કાકાસાહેબનું ગદ્ય : એક દૃષ્ટિ’, પૃ. ૨૨-૨૩ (એજન).
- ↑ જુઓ, ‘કાકાસાહેબ – જીવનદર્શન લેખ,’ પૃ. ૬(એજન).
- ↑ જુઓ, ‘કાકાસાહેબની કવિતા’ લેખ, પૃ.૪૪ (એજન).
- ↑ જુઓ, ‘જૂના દોસ્ત’ લેખ, પૃ. ૩૪૬(એજન).
- ↑ ‘હિંદ સ્વરાજ’ની વિચારણા અહીં આધાર રૂપે લીધી છે.
- ↑ જુઓ ‘આકલન’માં લેખ ‘ગાંધીજી અને વ્યાપક ધર્મભાવના’.
- ↑ ‘ગાંધીજીનું ધર્મદર્શન’ (લે. મગનભાઈ જે. પટેલ)નો અહીં આધાર લીધો છે.
- ↑ જુઓ ‘પ્રકૃતિ અને સંસ્કૃતિ’ શીર્ષક લેખ, ‘સંસ્કૃતિ’, જૂન, ૧૯૭૩, પૃ. ૨૩૮.
- ↑ જુઓ, ‘જીવનવ્યવસ્થા’માં લેખ ‘જીવનનું શાસ્ત્ર’, પૃ. ૧૮૨-૮૩.
- ↑ જુઓ, ‘જીવનપ્રદીપ’નો લેખ ‘આપણો નિત્યનૂતન ગ્રંથ’ પૃ. ૯.
- ↑ જુઓ ‘જીવનવિકાસ’ની પ્રસ્તાવના, પૃ. ૧૭. ૧૪. જુઓ, ‘જીવનભારતી’નો લેખ, પૃ. ૧૨.
Lua error: Cannot create process: proc_open(/dev/null): Failed to open stream: Operation not permitted
* ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ ભાગ-૪ (ગુજરાતી સાહિત્ય પરિષદ, ૧૯૮૧)–માં ગ્રંથસ્થ
<div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(/dev/null): Failed to open stream: Operation not permitted> * * *