અધીત : પર્વ : ૫ - કાવ્યવિચાર/ઊર્મિગીત : સ્વાયત્ત કાવ્યપ્રકાર

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૪૬. ઊર્મિગીત : સ્વાયત્ત કાવ્યપ્રકાર

ભગીરથ બ્રહ્મભટ્ટ

<div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(): Unable to create pipe Too many open files> (૧)

અન્ય કાવ્યપ્રકારોની પેઠે ઊર્મિગીત વિદેશી કાવ્યપ્રકાર નથી. ગીતનો જન્મ લોકગીતની નાભિમાંથી થયો છે. લોકગીતના અને સંતપરંપરાના કેટલાક સંસ્કારો આ પ્રકારે ઝીલ્યા છે એનાં સમર્થનો શોધી કાઢવાથી ગીતનો આસ્વાદ વધુ પ્રમાણભૂત અને પ્રાણવાન બને છે. ગીતકાવ્યનો કવિ ભાવની સૂક્ષ્મતા આણવા, સંકુલતા સિદ્ધ કરવા શિષ્ટ બાની પ્રયોજી પ્રતીક-કલ્પન, અલંકાર વડે અર્થની સૂક્ષ્મતા તાગવાની કોશિશ કરે છે. વૈયક્તિક સ્વાભાવિક ઊર્મિનું વહેણ એવી તો લયધારામાં વહે છે કે એ લયાત્મક આંદોલનોમાં કવિ કળાત્મક અભિજ્ઞતાની મદદથી રસાત્મકતા સિદ્ધ કરે છે. આમ ગેયતાના તત્ત્વની સમાંતર કાવ્યત્વની ગરિમા ધ્રુવપંક્તિ, અંતરા, પૂકપંક્તિ, પ્રાસ અને પૂરકોમાં પ્રવેશે છે. એટલે શબ્દગુંજનની અખંડિતતા જળવાઈ છે અને અર્થનું માધુર્ય પણ જન્મે છે. લયાત્મકતામાં દાખલ થતો પરિચિત શબ્દ પરંપરાપ્રાપ્ત સાંકેતિકતાને કોરે મેલી નૂતન અર્થવ્યંજનાનાં વલણો અને વલયો રચે છે. ગીત ઊર્મિકાવ્યનો પેટા પ્રકાર હોઈ લાઘવ એનું લક્ષણ બને છે. સંવેદનને કલ્પનામાં ભીંજવી અત્તર જેવું બનાવી શબ્દ અને અર્થની મહેક પાથરે છે. એમાંથી થતો ભાવિકાસ જ્યારે પરાકાષ્ઠાએ પહોંચે છે ત્યારે જ એ અભિવ્યક્તિ વધુ પ્રભાવક બને છે.

<div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(): Unable to create pipe Too many open files> (૨)

ગીતની પંક્તિ ગવાય ત્યારે શબ્દની છંદોલયયુક્ત ઉચ્ચારણની ભૂમિકા રચાય છે. આમાં પઠન-ઉચ્ચારણ જ પર્યાપ્ત નથી તેમાં સંગીત પણ અનિવાર્ય છે – અપેક્ષિત છે...

  • ‘મેંદી તે વાવી માળવે…’ જેવી પંક્તિનું પઠન કરી કેવળ ઉચ્ચારણ કરીએ તો ન ચાલે – એને ગાવાથી જ એ વધારે અર્થબોધક બને છે. આમ સંગીતનું તત્ત્વ એમાં આવશ્યક છે એ ગીતની વિશેષતા છે. ગીતમાં સંગીતનું તત્ત્વ પણ અર્થને ઉપકારક બને છે. શબ્દની ગતિને, એના વ્યાપને, ઊંડાણને એના વજનને સ્પષ્ટ કરવાની ક્ષમતા એમાંથી મળે છે.
  • ગીતમાં આવતું સંગીત શબ્દને ઉલ્લંઘતું નથી પણ શબ્દની આણને (અર્થને) બળવાન કરે છે. સંગીત શબ્દની સાથે, શબ્દની આગળ તો ક્યારેક શબ્દની અંદર પ્રવેશ કરીને સૌંદર્યપ્રભાવક ગતિચ્છાયા વિસ્તારે છે. શબ્દ અને સૂરનો અપૂર્વ સંવાદ રચાય છે. એ સ્પષ્ટ કરવું.
  • ગીતનો કવિ શબ્દ - અર્થની સાથે ગેયતાનો પણ સભાનપણે ખ્યાલ રાખે છે.
  • કાવ્યસર્જનની સંવેદનાના જેવી જ ગીતસર્જનની સંવેદના હોય નહિ, જ્યારે ચિત્તભૂમિ ઉપર ગીતતત્ત્વો તકાદો હોય, પ્રસન્ન મુદ્રા હોય ત્યારે ત્યારે વિશિષ્ટ પ્રકારની સંવેદના ગીતને ખપ લાગે છે. ગીત થવા માટે ગાનોચિત નાદસંપત્તિ - ગીતરસ્ફૂર્તિ સાહજિક ઊતરી આવે છે.
  • ગાવું એટલે શબ્દની ગુંજનક્ષમતાને સ્વીકારવી. સંગીત’ એ સંવેદનને ઘૂંટે છે. કવિની કળાત્મક અભિજ્ઞતા એમાં કાવ્યત્વ ઉમેરે છે. કવિ ગીતના પિંજરામાં કાવ્યત્વ ઉમેરે છે – ભરે છે એટલે શું કરે છે?
  • કવિ ભાવની સૂક્ષ્મતા, સંકુલતા આણવા શિષ્ટ બાની પ્રયોજીને, પ્રતીક-કલ્પન, અલંકારનો વિનિયોગ કરીને વૈયક્તિક ઊર્મિને કાવ્યમાં વાચા આપે છે. એમ કરવા જતાં ગેયતાનું તત્ત્વ વણસી પણ જાય ક્યારેક ગેયતાનું તત્ત્વ જ જળવાય, કાવ્યત્વ ન રહે એમ બે પ્રકારની સ્થિતિ જન્મે, પરંતુ બંનેના વચ્ચેની સ્થિતિ આવે ત્યારે ગીતકાવ્ય બને છે.

‘મારી આંખે કંકુના સૂરજ આથમ્યા’ રાવજીની આ પંક્તિમાં સંગીત - લોકગીતનું છે. ગીતત્વ સિદ્ધ કરે છે પછી કવિની કળાત્મક અભિજ્ઞતા ‘મારી આંખે સૂરજ આથમ્યા' શબ્દબંધમાં દેખાય છે. ઉક્તિ વૈચિત્ર્ય ઊભું થયું છે. ‘મારી આંખે સૂરજ આથમ્યા' એમાં શબ્દાર્થ બેસતો નથી નૂતન અર્થ ઇન્દ્રિય ગ્રાહ્યતાને સ્પર્શે છે. <div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(): Unable to create pipe Too many open files> (૩)

ગીતમાં પ્રયોજાયેલો શબ્દ કેવળ ઉચ્ચારણ કે ઉદ્ગાર માટે નહિ, ઉદ્ગાન માટે પણ હોય છે. એટલે આપણે ઉચ્ચારણની સાથે ઉદ્ગાનને ધ્યાને લઈએ તે ગીતમાં જરૂરી છે, કેમ કે ઉત્કટ ભાવોદ્રેકની લયપૂર્ણ ગાનાભિવ્યક્તિ તરીકે ‘ગીત’ માનવકંઠે ફૂટ્યું છે. એટલે ગીતના શબ્દને સંગીત અને કવિતા એમ કળાસંસિદ્ધિની બેવડી કસોટીમાંથી પસાર થવાનું બન્યું છે. ગીત પ્રકૃતિથી અને વ્યુત્પત્તિથી પણ સંગીતાત્મક લય આંદોલન સાથે સંલગ્ન છે. ગીતને એની ગળથૂથીમાંથી જ સંગીતનું સૂક્ષ્મ અનુપાન સાંપડ્યું છે, જેથી કવિતાકોટિની એની અલયાદી ઓળખમાં એ પ્રભાવક બની રહે છે. ઉદાહરણથી જોઈએ -

મીઠા મધુ ને મીઠા મેહુલા રે લોલ…

બોટાદકરની ગીતપંક્તિ છે. એમાં 'મ'ની વર્ણસગાઈમાંથી સંવાદ રચાય છે એ તો ખરું, પરંતુ સ્વરોનું વૈવિધ્ય (અ, આ, ઈ. ઉ, એ) ખપમાં લેવાયું છે. 'મ' ઓષ્ટય ધ્વનિ બે હોઠનો સંવાદ રચે છે. આમ વર્ણની પસંદગી જ માતૃભાવને પોષક બને છે... અને 'અ' સ્વરથી ‘ઉ' સ્વર સુધીનો વ્યાપ એ માતૃભાવનાની વ્યાપકતા સિદ્ધ કરવા ખપ પણ લાગે છે. આમ ગીતનો શબ્દ કેવળ ઉદ્ગાર ન રહેતાં ઉદ્ગાનને પણ સફળ રીતે ચરિતાર્થ કરે છે. ગીતની ધ્રુવપંક્તિ એક વિશિષ્ટ લયનું એકમ લઈને આવે છે. એ લય માત્રિક જ હોય એવું નથી. ક્યારેક પારંપરિક સંગીતમેળનું અનુસરણ પણ એમાં હોય છે. જેમ ઊર્મિકાવ્ય કેવળ પઠન માટે હોય છે તેમ ગીતમાં પઠનની સાથે ગાયનની સાથે નાતો હોય છે. ‘ગીત વાંચવા માટે નથી હોતાં, ગાવા માટે હોય છે. એ વિધાનમાં પણ એના સંગીતતત્ત્વનો મહિમા છે. ગીતના પ્રત્યેક શબ્દને પોતાનું આગવું સૂક્ષ્મ સંગીત હોય છે. સંગીત અપૂર્વ લયમાંથી જન્મ પામે છે. કવિપ્રતિભામાંથી જન્મેલો શબ્દ માધુર્ય, પ્રસાદ, ઓજસ ગુણ ભલે ધરાવે પણ જ્યારે લય સાથે સંલગ્નાય ત્યારે તે ઉદ્ગાર મટી ઉદ્ગાન બને છે, એમાંથી નાદસૌંદર્ય જન્મે છે. લયની સાહજિકતાને વધુ અનુકૂળ આવે અને સંવેદનને ઘાટ મળે એ બંને વાનાં કવિએ સાચવવાનાં હોય છે. એટલે સાહજિકતાની સાથે, સાહજિકતાની હદમાં રહીને કવિની સંપ્રજ્ઞતાનું ઉમેરણ થાય છે. એ સંપ્રજ્ઞતા રચનાને કાવ્યાત્મકતા બક્ષે છે.

‘કેવડિયાનો કાંટો અમને વનવગડામાં વાગ્યો રે’

  • આ પંક્તિમાં ચાર ચાર માત્રાનાં નિયમિત આવર્તનો છે. કેવડિયાના 'ક’ સાથે કાંટાના 'ક'નો સંવાદ છે. એવો જ વનવગડાના ‘વ’ની સાથે ‘વાગ્યા’ના 'વ'નો સંવાદ છે એ અનુપ્રાસની સંવાદિતા પણ લયને ઉપકારક છે.
  • છાંદસ વાણીમાં સંધિ એકમોનું ચોક્કસ સ્થાન છે, જ્યારે ગીતમાં એ સંધિએકમોમાં કવિ ગેયશ્રુતિનું ઉમેરણ કરે છે ‘રે’ ‘જી' એ પ્રાસ-પૂરકો ગેયશ્રુતિનું કામ કરે છે. ઉત્કટ ભાવોર્મિ

આમ દ્વિકલથી અષ્ટકલ માત્રાઓમાં લયાવર્તન પામે છે. આમ ધ્રુવપંક્તિમાંથી ઊભું થતું સંવેદન જે લયમાં જન્મ પામે છે તેને સમાંતર અંતરા આવે છે. એ અંતરાના ભાવો પણ પેલા મૂળ સંવેદનને વધુ સુદઢ કરે છે. આખું ગીત એક જ સંવેદન ઉપર ઊભેલું હોય છે. પછીની બધી જ કડીઓ એ ધ્રુવપંક્તિને વફાદાર હોય છે અથવા ધ્રુવપંક્તિને ઉપકારક હોય છે. ગીતમાં સંગીતની જેમ કાવ્યત્વ સિદ્ધ થાય તો તે ઉત્તમ રચના બને છે.

(૧) ગીત ભણાવતી વખતે છાંદસકાવ્યની જેમ કેવળ પઠન કરવાનું નથી... ઉદ્ગાર નહિ, ઉદ્ગાનનો પણ મહિમા કરવાનો હોય છે.
(૨) ગીત ભણાવનારે ગીતનો લય શોધી કાઢીને એ લય -. કેડી ઉપર ગીતનું ઉદ્ગાન કરવાનું હોય છે.
(૩) ગીતના શબ્દોમાંથી અર્થવ્યંજકતા છૂટી પાડી એનો કાવ્યાર્થ પકડવો પડે છે. દ્વિકલથી અષ્ટકલ માત્રાનાં લયાવર્તનો ઓળખાવવાં.
(૪) ગીતના શબ્દોનું નાદદ્રવ્ય જે માધુર્ય રચે છે તે માણતાં શીખવવાનું હોય છે.
(૫) ધ્રુવ પદ અને અંતરામાં લય પરસ્પર અનુવર્તી બનીને અલંકાર, પ્રતીક, કલ્પન દ્વારા જે ભાવનાં વિશિષ્ટો, વર્તુળો રચાય તે તારવવાનાં હોય છે.
(૬) ગીતને કાવ્યની દૃષ્ટિએ તપાસવાની એક રીત અને એમાં પ્રવેશેલા ગેય તત્ત્વની ઉપકારકતા સાથે એની અર્થવ્યંજનાને તપાસવાની બીજી રીત.
(૭) ઉપરોક્ત બંને રીતોના સમન્વયથી ગીતસ્વરૂપનું ભાવવિશ્વ પામી શકાય છે.
(૮) ગીતની આબોહવા લોકહૈયાની નજીક હોઈ તેના શબ્દો પરિચિત અને નાદસૌંદર્ય પેદા કરનારા વધારે હોય છે તેની સ્પષ્ટતા કરવી જોઈએ.
(૯) ગીતમાં સાહજિકતા વધારે હોય છે તેથી એ શિષ્ટ કાવ્ય કરતાં વધુ લોકભોગ્ય બને છે.
(૧૦) ગીતનું ખરું કામ તો કાવ્યત્વ સિદ્ધ કરવાનું છે, તે યાદ રાખવું જોઈએ.

ઊર્મિગીતના પ્રકાર તરીકે જોઈએ તો પ્રાર્થનાગીત, ઊર્મિગીત – પ્રણય મૃત્યુગીત કે ઋતુગીત પ્રસંગોચિત ગીતપરંપરાની ગીતરચનાઓ વગેરેને તપાસતાં એના પ્રકારો અને બાહ્ય લક્ષણો (આકારની દૃષ્ટિએ) આ પ્રમાણે જણાયાં છે -

(૧) ધ્રુવપંક્તિ એક જ હોય તેવું ગીત.
(૨) ધ્રુવપંક્તિ એકના માપની જ તમામ પંક્તિઓ હોય તેવાં ગીત.
(૩) અંતરાવાળાં ગીતો.
(૪) અંતરા વગરનાં ગીતો.
(૫) ધ્રુવપંક્તિને પૂરક પોષક પંક્તિઓવાળાં ગીતો.
(૬) પ્રાસ અને પૂરકોવાળાં ગીતો.

ગીતની આંતરસમૃદ્ધિ પ્રગટાવતાં એનાં આંતરલક્ષણોની યાદી નીચે મુજબ છે :

(૧) લય
(૨) ભાષા
(૩) ઢાળ - રાગ
(૪) રસકીય ક્ષમતા
(૫) રાગીયતા-વિષય નિરૂપણરીતિ
(૬) સંગીત અને કાવ્યનાં તત્ત્વો
(૭) ઊર્મિ - વિચારનું પ્રવાહીપણું

ટૂંકમાં ગીત મુખ્યત્વે ઊર્મિભાવ પ્રગટાવે છે. એ ભાવને કયે છેડેથી પામવો તેનો વિકાસ કેવો થયો તે સમજવું એમાં આવતા શબ્દ, સૂર અર્થનાં વલયો એની ક્ષમતાને ચકાસવી એ બધું સંકુલ છે, છતાં આ પ્રક્રિયા ગીતમાં થતી હોય છે. આ રીતે ગીત સ્વતંત્ર કાવ્યપ્રકાર બને છે.

(‘અધીત : ચાલીસ')
<div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(): Unable to create pipe Too many open files> ❖