સોનાની દ્વારિકા/ચોત્રીસ

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.

ચોત્રીસ

તેજાભાઈ રબારીની વહુ સંતોકભાભી અમારા ઘેર આવ્યાં હતાં. માને પૂછ્યું હતું : ‘ભીખોભાઈ ચ્યાં જ્યાં?’ ‘ઈ તો અટાણે નિહાર્યે નો હોય? અરે! ભલીબાઈ તારે ઈનું શું કામ સે?’ ‘કાગર લખાવવો’તો!’ ‘બપોર કેડ્યે આવ્ય તો લખી દેશે!’ હજી તો હું નિશાળેથી આવ્યો જ હતો ત્યાં સંતોકભાભી દૂધનો લોટો લઈને આવ્યાં. કહે કે- ‘નિસારનો ડંકો હાંભર્યો અટલ્યે થ્યું કે ભઈ આવી જિયા હશે!’ મા કહે: ‘ઈ તો તું દૂધ નો લાવી હોત તોય બે અક્ષર નો પાડી દેત?’ ‘માડી! કાગર મફત નો લખાવાય!’ ભાભીના હાથમાં એક પોસ્ટકાર્ડ હતું. આખું ચૂંથાઈ ગયેલું ને પરસેવાના ડાઘાવાળું! હું ઊભો થઈને થાળી અને ઈન્ડિપેન લઈ આવ્યો. ખોળામાં થાળી મૂકી, એના ઉપર પોસ્ટકાર્ડ મૂક્યું હાથમાં ઉઘાડી પેન રાખીને પૂછ્યું : ‘ભાભી! કોને કાગળ લખવાનો છે?’ ‘કોને તે ગગીને! ચકલાસી પોંચે ઈમ!’ ‘બોલો! ભાભી શું લખવું છે?’ ‘ભઈ ઘણુંય લખવું સે પણ તમ્યે પે’લા મોરો તો બાંધો! ઈ બધું મને ચ્યાંથીન આવડે? લખો! સવસ્તાનસરી...’ આ અગાઉ મેં એમના ઘણા બધા પત્રો લખેલા, અને મોટેભાગે વિગતો તો એકસરખી જ હોય; તે અડધું તો મને એમ જ મોઢે થઈ ગયેલું! એટલે બોલતો જાઉં ને લખતો જાઉં : ‘સ્વસ્થાનશ્રી ગામ ચકલાસી મધ્યે બિરાજમાન રાજમાન રાજેશ્રી મોટા રબારી અમારે વેવાઈ શ્રી વરજાંગભાઈ તથા લખમીરોખાં વેવાણ બાઈ ઝમકુબાઈ તથા લાડકવાયા જમાઈ વિસરામ તથા જીને હંભાર્યા વિના દિ’ ચડતોઆથમતો નથી એવી છોરું અમારી ગગી, બેન લાભુ તથા દેવના ચક્કર જેવા ભાણેજડા રામ-લખમણ તથા એક મગની ફાડ્ય જેવાં નાનાંમોટાં સરવે માલધારી સગાંવહાલાંની મા શિકોતર ચડતી કળા રાખે અને તમારો જાનમાલ રાતે નો વધે એટલો દી’એ વધે. એતાનશ્રી ગામ સખપરથી લિખિતંગ...’ એટલું લખીને હું અટકી ગયો. એટલે સંતોકભાભી દૂધ જેવા દાંતે હસી રહ્યાં. મને કહે, ‘ભઈ! લખો આગળ લખો!’ ‘બોલો! આંયાંનાં કોનાં કોનાં નામ લખવાં છે?’ ‘કુનાં લખવાનાં સે તે ચ્યમ તમને નથી ખબર્ય? નકામા સું લેવા પૂસો સો?’ ‘બોલો, નામ બોલો! પહેલું કોનું લખું?’ ‘કુનું! તે તમારા ભઈનું.... બીજા ચીનું?’ ‘નામ બોલો નામ, મારા ભઈનું!’ હું લુચ્ચું લુચ્ચું હસતાં હાથમાં પેન રમાડી રહ્યો! ‘હવેં ભૈશાબ! મેલોને લાંઠી! તમારા ભઈનું નામ તમને હૈયે નથી?’ ‘તમે મારા ભઈનું નામ નહીં બોલો તો આગળ નહીં લખું!’ ભાભી હસી પડ્યાં. માને કહે કે- ‘જોવોને મા! આ મારો દેર રમત્યે સડ્યો સે! ચ્યારનો વગદ્યા કરે સે...’ પછી એમણે જ રસ્તો કાઢ્યો મને કહે લ્યો વરત નાંખું! પસી તમ્યે જબાપ આલો! ‘સૂરજનારા’ણનું હોય ને ઈ!’ ‘અંજવાળું!’ ‘ઈ નંઈ! ઈના જેવું!’ ‘તો તમે જ બોલોને!’ ‘તેજ!’ ભાભી શરમાઈ ગયાં. પછી ઉમેર્યું : ‘હા ઈ! લખો ને રબારી તેજા………!’ ભાભીએ મારા લમણે હાથ મૂકીને કહ્યું- ‘બઉ લોઈ પીવો સો! મારે મોડું થાય સે...’ મેં આગળ ચલાવ્યું : ‘એતાનશ્રી ગામ સખપરથી લિખિતંગ હર ઘડી યાદ કરનાર તમારા વેવાઈ રબારી તેજા નાથા તથા બાઈ સંતોક તથા ભઈ કૂકો તથા નાની બેન સાંકુ...’ સંતોકભાભીએ મને અટકાવ્યો. કહે કે— ‘ઈના નામ આગળ્ય લખો જોગમાયાસરૂપ! કુંવાંશી સે ને અટલ્યે ઈમ...’ મેં ફરી આગળ ચલાવ્યું : ‘તથા જોગમાયાસરૂપ નાની બેન સાંકુ તથા નાનો વસ્તાર ભઈ અરજણ, દેવો, જગો તથા વિકો સરવે વડવાળાદેવની છાંયામાં ઘણાં જ ખુશી મજામાં છે. ઝાઝા કરીને જે નારાયણ વાંચજો.’ ‘ભાભી! હવે જે ખાસ લખવાનું હોય ઈ લખાવો. આ પત્તું તો પૂરું થઈ જવા આવ્યું!’ ભાભીની આંખમાંથી ડળક ડળક આંસુ ખરી પડ્યાં. એમના સુંદર ચહેરા ઉપર દુ:ખની રેખાઓ ઊપસી આવી. જાણે આંખમાંથી તેજ જ ચાલ્યું ગયું! ડૂમો અંદર ઉતારીને કહે કે— ‘લખી દો કે તમારી બોન હીરાને અમારી ના ઉપરવટ જઈન અમારા ભત્રીજા સુરસંગ વેરે દીધી, ઈ હારું કર્યું નો’તું. અટાણે રોજ દિ’ ઊગે તારથી તે ખાટલામાં ગુડાય ન્યાં હુધીનમાં, આખા ઘરનાં ઈને મારી મારીન કોથળો કરી નાંખે સે! અટલ્યે ઈને તાત્કાળી આવીન લઈ જાવ.. ઈમ જાણજ્યો કે આપડે એક ડોબું વધારે સે... આ કાગળ વાંચીને બેઠાં હો ન્યાંથી ઊભાં થઈન હાલી નીકરજો. અમારે ઈમની હાર્યે બોલ્યા વે’વારેય રિયો નથ્ય. પણ એક પશીતે ઘર તે અમારાથી હવેં આ જોવાતું નથ્ય. સોડી કૂવોઅવાડો કરે ઈ પેલાં...’ ભાભી પછી આગળ બોલી જ ન શક્યાં. મને કહે— ‘ભઈ તમ્યે પૂરું કરી દ્યો અટલ્યે હઉં થિયું!’ મેં બને એટલા ઝીણા અક્ષરો કાઢ્યા હતા તોય હીરાનું દુ:ખ લખવા માટે હવે થોડીક જ જગ્યા બચી હતી, મેં સાવ મૂંગાં મૂંગાં બધું લખ્યું. પછી ભાભીને જ પૂછ્યું કે— ‘વાંચી સંભળાવું?’ ‘ના રે ભઈ ના... તમ્યે લખ્યું ઈ ધ્રુવના અખશર! મારાથી નંઈ હંભળાય!’ ભાભીએ ડૂસકાં ઉપર ડૂસકાં ભરવા માંડ્યાં! મા ઊભાં થઈને પાણીનો લોટો ભરીને આવ્યાં અને એમનાં હાથમાં મૂક્યો. ‘અરે માડી! બાંમણના ઘરનું પાણીયે નો પીવાય! દાનધરમ તો કંઈ થાતાં નથ્ય ને તમારું માથે ચ્યાં લેવું?’ માએ આગ્રહ કર્યો એટલે આખો લોટો ઊંચી ધારે ગટગટાવી ગયાં પણ પછી બોલ્યાં : ‘હમણે સાંકુને મેકલું સું.... વાવ્યેથી ચોખામું એક બેડું ભરતી આવશ્યે!’ સાંજે વાળુમાં, ભાભી દઈ ગયેલાં એ દૂધ માએ ખીચડીમાં મને આપ્યું; પણ હું ખાઈ ન શક્યો! બીજે દિવસે વહેલી સવારે રબારીવાસમાં કકળાણ થયું. સુરસંગે હીરાને બહુ જ મારી હતી. આખી રાત ગડાદાપાટુની તો વાત જ જવા દો, પણ સવારે તો લોઢાની નાળ જડેલો જોડો જ કાન ઉપર રમરમાવીને ફટકાર્યો તે કાનની બધી વાળીઓ ઠેઠ ઊંડે સુધી ખૂંપી ગઈ! કાનમાંથી લોહી જાય ભાગ્યું ને હીરા તો અડધી બેભાન થઈ ગઈ! મોઢે ફીણ આવી ગયાં. આંખ્યું ચડાવી ગયેલી! ઉપરથી સુરસંગ કહે કે- ‘મૂંઈ મરી જઈ તો જોડે માર્યે જઈ! આંયાં કુનાં અણદોયાં આઢી જાય સે?’ સુરસંગની મા જેતીડોશી પણ જરાય ઓછી નહીં, સુરસંગને એ જ ચડાવતી હતી, તે લાગ જોઈને બોલી : ‘લગન થિયાને પાંસ પાંસ વરહ થિયાં તોય રાંડનો ખોળો ભરાતો નથ્ય.. ચ્યેટલીય બાધાઆખડિયું કરી... માતાનો તાવો માન્યો... પણ વાંઝણીરાંડ તો ખાલીની ખાલી જ! રાતેય સોકરાને હખ દેતી નથ્ય. ના.. ના... ને ના જ! હું તો કઉં સું મેલ્ય ઈ કભારજાને પડતી, કાલ્ય હવારે બીજી લાવીન ઘરમાં મેલી દઉં! આ રાંડ કૂવોઅવાડો કરે તોય હારું… રોજ ઊઠીન ઈનું મોઢું જોવું તો મટે! રોયો ભગવાનેય નવરીનો સે... આના હાટુ મારગેય કરતો નથી.’ લાંબો હાથ કરીને કહે, ‘આ સુરસંગમાં જ રડતો દાણો નથી… નકર અતાણહુધીમાં તો ચારુની ટાઢીયે ઠારી દીધી નો હોય?’ ડોશીએ હજી શ્વાસ લીધો નહોતો ત્યાં તો સુરસંગ પાછો ઊઠ્યો અને ફરી વાર જોડો હાથમાં લીધો! ફરી એક વાર એ જ કાન ઉપર ઘા કર્યો. હીરા બેઠેલી પડી ગઈ! આ વખતે એક ઉંહકારો માંડ નીકળ્યો ને બેભાન થઈ ગઈ! સામી ઓશરિયે રહેતાં સંતોકભાભીથી ન રહેવાયું! થાંભલીના ટેકે પડેલી કડીયાળી ડાંગ ઉઠાવી ને રાડ પાડી : ‘એ માટી થાજે મારા પીટ્યા સૂરા! આજ તારું નાળિયેર નો વધેરી નાંખું તો મારું નામ સંતોક નંઈ! ગરીબ ગા જેવી વઉના ખેધે પડ્યો સું ચારુનો! ઈમ સોકરાં બજારે જડતાં હોય તો લિયાવને… બઉ મોટો ગો વારીનો થઈ જ્યો સું તે! જો આજ આ વઉને કંઈ થિયું તો તારો અળદાવો ને પીતપાપડો નો કાઢી નાંખું તો મને ફટ્ય કે’જે… ભડવીના તારી ભોં ભારે કરી નાંખું!’ સંતોકનું આ રૂપ જોયું ને સુરસંગે મુઠિયુંવાળી! પાધરો જ બે ઠેકડામાં તો વાડા બહાર! જાય ભાગ્યો! સંતોકે હીરાની આંખો ઉપર થોડુંક પાણી છાંટ્યું ને એનું માથું ખોળામાં લઈને પંપાળતાં પંપાળતાં હળવેથી બોલી : ‘બોન ઊભી થા! આપડે આ કહઈવાડામાં નથ્ય રે’વું! હાલ્ય હું તને મોટા માસ્તર પાંહે લઈ જઉં ને આ બધાંને પાંશરાં કરાવું!’ પણ હીરા ઊભી થઈ ન શકી. સંતોકને લાગ્યું કે હવે કોઈ કારી ફાવે ઈમ નથી અટલ્યે પાધરી જ હડી કાઢી પંચાયત ઓફિસ બાજુ! જઈને એણે મોટા અવાજે બોકાહાં જ દેવા માંડ્યાં! ‘એ તળશીભાઈ! ધોડો… ધોડો…! ઈ બધાં ભેગાં થઈન વઉને મહાણમાં મેલી આવશ્યે!’ પંચાયતને મેલ પડતી ને તુલસીભાઈએ સંતોકની હારોહાર્ય પગ ઉપાડ્યા. જઈને જોયું તો હીરાવઉ તો ગોટો વળી ગઈ હતી. પીડાની મારી કણસતી હતી. આવી દશામાંય એણે તુલસીભાઈને જોયા કે તરત છેડો આડો કરીને લાજ કાઢી લીધી. ગમે ઈમ તોય સરપંચ! તુલસીભાઈએ હળવેથી એનો છેડો આઘો કર્યો ને કહ્યું : ‘બટા! આજ તું વઉ નહીં, મારી દીકરી સો! લાજને મેલ પડતી ને મને જોવા તો દે! જરાય બીક નો રાખીશ... સૌ સારાં વાનાં થાશે!’ જોયું તો હીરાનો ડાબો કાન લટકી રહ્યો હતો. સોનાની બધી વાળીઓ એકદમ વળીને અંદર ઊંડે સુધી ખૂંપી ગઈ હતી. પરિસ્થિતિ બહુ વિકટ હતી. અંદર કાનની પાછળ પણ ખૂબ માર વાગ્યો હતો. સરપંચે વિચાર્યું કે સામાન્ય પાટાપીંડીથી નહીં થાય... ટાંકા લેવા પડે.. વળી મગજ સુધી ઘા પડ્યો હોય એમ પણ બને. એમણે તરત જ નિર્ણય લીધો કે અત્યારે જ વહુને સુરેન્દ્રનગર લઈ જવી પડે. આઈરિશ હોસ્પિટલના ડૉક્ટર ફિલિપ ઉપર પોતે ચિઠ્ઠી લખી અને સંતોકને આપી : ‘કહું છું કે તમે અત્યારે જ ઘોડાગાડીમાં જાવ.... હું નૂરાભાઈને કહું છું કે અટાણે જ ગાડી જોડે! ફીની ચિંતા ન કરશો. ચિઠ્ઠી વાંચીને ડૉક્ટરસાહેબ પૈસા નહીં માગે!’ પછી જેતીમા સામે જોઈને કહે કે— ‘તમારા આખા ઘર વિરુદ્ધ હું પોલીસકેસ કરવાનો છું! સુરસંગને તો જેલના સળિયા ગણાવું નહીં તો કહેજો! આજ જ ફોજદારસાહેબને કાગળ લખું છું!’ જેતીમા, અમથાડોહા અને એનો મોટો દીકરો-વહુ બધાં ધ્રૂજી ઊઠ્યાં! તુલસીભાઈ પંચાયત ઑફિસે ગયા ને થોડીક વારમાં જ નૂરાભાઈની ગાડી આવવાનો અવાજ આવ્યો. હીરાવહુ, સંતોકભાભી અને પંચાયતનો પટાવાળો જસુ ગાડીમાં બેઠાં. સાંજે પંચાયત ઑફિસ બંધ થવાને થોડીક વાર હતી ને ભીમો રબારી તલાટી નવીનભાઈ પાસે આવ્યો. તુલસીભાઈ પાસે અંદર જવાની તો એની હિંમત નહોતી. ખૂણામાં ડાંગ આડી મૂકી અને નવીનભાઈના પગમાં જ લટી પડ્યો. ‘ગમ્યે ઈંમ તોય અમ્યે ભાયું થાઈ! એક ફેરા આ ગનો થઈ જિયો ઈ માફ કરો. તળાટીસ્યાબ તમ્યે તુલસીભઈને કંઈ નો કઈ હગો? આ ફુલેસપાલટી આવશ્યે તો તો ભાર્યે થાશ્યે!’ ભીમાનો અવાજ સાંભળીને તુલસીભાઈ બહાર આવ્યા. એકદમ ગુસ્સામાં હતા. ‘તમ્યે બધાં સું હમજો સો તમારાં મનમાં? જો વઉને કંઈ થિયું તો આવી બન્યું ઈમ જાણજો! સીધો ખૂનનો જ આરોપ લાગ્શ્યે!’ ‘તુલસીભઈ હું તારી ગા... તું કે’તો હું સુરા વતી ભાંઆં... બોલું! પણ સાલ મેલ્ય તો હારું! વઉને કંઈ નઈ થાય... એટલાં વાનાં મારી શિકોતર નઈ થવા દ્યે...’ ‘ઈ તો હાંજે દવાખાનેથી આવે પસે વાત! અટાણે તો તમે સુરસંગને મારા હવાલે જ કરી દ્યો. આજ રાત તો આ વજેરીમાં બંદ જ રે’શ્યે!’ ભીમાને લાગ્યું કે આ માસ્તરનો જ બીજો અવતાર છે એટલે કોઈનું નઈ માને. ‘હમણે આવું સું...!’ કહીને ઊભો થવા ગયો કે તરત તુલસી બોલ્યો. કાલ્યની વાત કાલ્ય!’ ભીમો ગયો. સુરસંગ પાળે બેઠો બેઠો તળાવમાં કાંકરા નાંખતો હતો એને પકડી આવ્યો. તુલસીએ જાતે એને વજેરીના એક રૂમમાં પૂરી દીધો અને બહારથી તાળું મારીને ચાવી પોતાના પાટલૂનના ખિસ્સામાં મૂકી. સાંજ પડી એટલે નવીનભાઈ ઑફિસ બંધ કરીને ઘેર આવતા હતા ત્યારે તુલસીભાઈ પણ એમની સાથે બે ડગલાં ચાલ્યો. નવીનભાઈને એણે પૂછ્યું : ‘બરાબર કર્યું ને?’ ‘ના. ગેરકાયદે ગણાય! આપણે એમ કોઈને પૂરી ન શકીએ!’ ‘આ તો અમથો ડારો દેવા! એક રાત રે’શે એટલે ગારા જેવો થઈ જાશે! બીજું કદાચ છે ને વઉ ને કંઈ થઈ જિયું તો કાલે સવારે સીધો જ સોંપી દેશું! ને કંઈ નો થિયું તો જિંદગીભર હમાખે રે’તો થઈ જાશ્યે! ડોશીયે પછી કંઈ ડક ડક નંઈ કરે....’ દીવાબત્તી થઈ ગયા પછી નૂરુભાઈની ગાડીના ઘૂઘરા સંભળાયા. નૂરુભાઈ અને જસુ પાછા આવ્યા એટલે સહુને ફાળ પડી! શું થયું હશે? જસુએ કહ્યા મુજબ, વહુને તો દવાખાને દાખલ કરવી પડી હતી. સંતોકભાભી એની સાથે રહ્યાં હતાં. ડૉકટરે બધી વાળીઓ કાઢીને ટાંકા લીધા, અને કીધું કે બેત્રણ દિવસ ડ્રેસિંગ કરવા અને માથાના ટેસ્ટ કરાવવા રાખવી પડશે. ઈમ કો’ કે મગજ બચી ગયું છે. જરાક વધારે વાગ્યું હોત તો જીવ બચ્યો ન હોત! ડોકટરે પહેલાં તો કેસ લેવાની જ ના પાડી. કહ્યું કે મારામારીનો પોલીસકેસ કરવો પડશે. પણ, પછી તુલસીભાઈની ચિઠ્ઠી વાંચી એટલે બધું સમું ઊતર્યું! સુરસંગને વજેરીમાં પૂરી રાખ્યો હતો. રાત આખી વલોપાત અને ધમપછાડા કરતો રહ્યો! બીજે દિવસે સવારે તુલસીએ અને નવીનભાઈએ બહાર કાઢ્યો ત્યારે સાવ રાંક થઈ ગયો હતો! તુલસીએ કીધું કે— ‘જો હવે વહુનું નામ લીધું છે કે હાથઊઠલો કર્યો છે તો આવી બન્યું જાણજે! કાયદો કોઈનો હગો નઈ થાય!’ બીજે દિવસે સમાચાર આવ્યા કે વહુને આંચકી આવે છે! એટલે ભારેમાયલા ટેસ્ટ કરાવવા પડશે. જેતીડોશીને તો આખા ગામે ચૂંટી જ ખાધી! ડોશી તો રોતી જાય ને કહેતી જાય કે- ‘સોકરાની લ્હાયમાં અમ્યે ભાન ભૂલી જ્યેલાં! વઉનો બીજો કંઈ વાંકગનો નથી!’ બધાંયે કીધું કે, ‘જાવ જેતીમા જાવ! દવાખાને જઈને વહુની ખબર્ય લઈ આવો!’ પણ ડોશી કહે કે— ‘મને દવાખાનાની હુગ આવે સે!’ મનમાં બીક પણ ખરી કે કોઈ પોલીસમાં પકડાવી દે તો? ન ગયાં તે ન જ ગયાં! ચાર દિવસ સુધી સંતોકભાભી પહેર્યે લૂગડે દવાખાને ઊભા પગે રહી. પાંચમે દિવસે નૂરુભાઈ એમની ગાડીમાં હીરાવહુને અને સંતોકભાભીને લઈને આવ્યા ત્યારે બધાંને હાશ થઈ! વહુના માથાના ડાબી બાજુના વાળ કાપી નાંખ્યા હતા અને પાઘડી જેવો પાટો બાંધ્યો હતો. હજી તો આ બધાં ઘરમાં ઠરીને ઠામ થાય ત્યાં તો ચકલાસીથી વેવઈ, વેવાણ અને સુરસંગનો સાળો, બસમાંથી ઊતરીને હાઈવેથી હાલતાં હાલતાં આવી પહોંચ્યાં! જેતીડોશી અને ડોહાની આંખો ફાટી રહી! સુરસંગનો સાળો તો મોઢામાંથી નીકળે એવી મણમણની જોખતો હતો. બધાંએ એને માંડ ટાઢો પાડ્યો! પણ, એ તો એક જ વાત લઈને બેઠો હતો : ‘ભલે મને જલમટીપ થાય પણ, સુરસંગનું તો ઢીમ જ ઢાળી દઉં!’ સંતોકભાભી પણ કાગળ પ્રમાણે આવી પહોંચેલા વેવાઈવેલાને જોઈને તા’માં આવી ગયાં. હીરાના ભાઈને કહે- આપડે કોઈનાં ભોડાં નથ્ય ફોડવાં. પસે તો રોવાનુંય આપડે ને સનાનેય આપડે જ કાઢવાનું ને? ઈ કરતાં હું એક હારા હમાસાર દઉં તો?’ બધાં સંતોકભાભી સામે જોઈ રહ્યાં. ભાભી કહે- ‘હીરાને અઘયણી સે... દાક્તરે બધી તપાહ કરીને તે ઈમાં ખબર પડી!’ જેતીડોહી અને સુરસંગને તો વાઢ્યાં હોય તો લોહીયે નો નીકળે એવાં મોઢાં થઈ ગયાં! સંતોકભાભીએ ડોશીને મેણું માર્યું : ‘તમારે તો બીજી લાવવી’તી ને? લાવો તો ખરાં! હું સિંહણ જેવી બેઠી સું ફાડી ખઈશ હંધાને!’

<div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(/dev/null): Failed to open stream: Operation not permitted> ***