સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – અનંતરાય રાવળ/મધ્યકાલીન ગુજરાતી સાહિત્યની વિશેષતાઓ-મર્યાદાઓ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


૪. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યની વિશેષતાઓ અને મર્યાદાઓ

મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય વિષે સૌથી પહેલી નોંધપાત્ર વાત એ છે કે એમાંનું કેટલુંક જ છેલ્લા નવ-દસ દાયકામાં મુદ્રિત થઈ પ્રસિદ્ધ થયું છે[1] અને મોટા ભાગનું હજુ પોથીઓમાં હસ્તલિખિત અવસ્થામાં પડ્યું છે. એમાં પણ જે પ્રસિદ્ધ સંસ્થાઓનાં પુસ્તકાલયોમાં તથા જૈન ભંડારોમાં છે તે અભ્યાસીઓને જાણીતું છે, પણ તેમનાથી અજ્ઞાત એવું ઘણું સાહિત્ય પણ હજુ અનેક સ્થળે પડ્યું હોવાનો પૂરતો સંભવ છે. આપણા સાહિત્યનાદરેક નવા ઇતિહાસકારને નવા સંશોધને સંપડાવેલી વધુ માહિતીનો લાભ ઉઠાવી વિપુલતર મધ્યકાલીન સાહિત્યરાશિની નોંધ લેવી પડે એવું આથી બનવાનું. ‘કાન્હડદેપ્રબંધ’, ‘મુગ્ધાવબોધ ઔક્તિક’, ‘રણમલ્લછંદ’, ભાલણની ‘કાદંબરી’, ‘વસંતવિલાસ’ આદિ કૃતિઓ વિશે તેમ જ ‘નેમિનાથચતુષ્પદિકા’ તથા ‘ભરતેશ્વર-બાહુબલિ-રાસ’ જેવી તેથીય જૂની રચનાઓ વિષે આપણને ધીમેધીમે જ ખબર પડતી ગઈ છે. આવી સંખ્યાબંધ હસ્તલિખિત પોથીઓ સુસંગોપિત સ્થિતિમાં આજ સુધી સંરક્ષી રાખવાનું શ્રેય પાટણ, થરાદ, જેસલમેર, અમદાવાદ, ખંભાત વગેરે જેવાં સ્થળોના જૈન ભંડારોને છે. મુસ્લિમ આક્રમણ અને તજ્જન્ય અવ્યવસ્થા વેળા જૈનોએ પોતાનું[2] હસ્તપ્રત-સાહિત્ય ઉપાશ્રયોના ભંડારોમાં ભૂગર્ભમાં લઈ જઈ સંગોપી રાખ્યું તેથી એ અત્યાર સુધી જળવાઈ રહી શક્યું છે અને ગત યુગનાં ભાષા, સાહિત્ય અને રાજકીય-સામજિક ઇતિહાસ ઉપર પ્રકાશ પાડી શક્યું છે. ઉપલબ્ધ સાહિત્ય હસ્તલિખિત : ઉપલબ્ધ મધ્યકાલીન ગુજરાતી સાહિત્યકૃતિઓની પોથીઓ હસ્તલિખિત દશામાં જ હોવાનું કારણ તો સ્પષ્ટ છે. એ વખતે મુદ્રણકળા ને મુદ્રણયંત્ર આ દેશમાં નહિ. એ આવ્યાં અંગ્રેજોના સંપર્ક પછી. મુદ્રણયંત્રથી મળતો કૃતિના બહોળા પ્રચારનો લાભ એ વેળા શક્ય નહિ, તેમ છતાં મધ્યકાળના કવિઓની રચનાઓ ચોમેર પ્રસરી છે. નરસિંહ મહેતા અને મીરાંબાઈ જેવા ગોપીશ્વર શ્રીકૃષ્ણમાં લયલીન ભક્તોને ભક્તિમત્ત હૈયામાંથી સહજપણે સરતાં પોતાનાં પદો કાગળ પર ઉતારવાની પડી હોય એમ માનતાં સંકોચ થાય તેમ છે. પણ એમની ‘વાણી’ એમનાં ભજનકીર્તનો વેળા એમનાં ભક્તોનાં અને તેમના દ્વારા એમના પ્રત્યે આદરથી જોતી થયેલી પ્રજાનાં કંઠ અને હૈયામાં નિવાસ મેળવતી આજ સુધી ચાલી આવી છે. આજ સુધી ભાવિક નિરક્ષર સ્ત્રીઓ જાણનારી સ્ત્રીઓ પાસેથી ‘વેણ’ ‘હૈયે રાખી’ કેટલાંય પદો કંઠસ્થ કરતી આવી છે. પણ આવો કંઠોપકંઠ પ્રચાર સિદ્ધ અને લોકપ્રિય કવિઓની રચનાઓનો અને તે પણ નાની રચનાઓનો થાય; લાંબી રચનાઓનો પ્રચાર લહિયાઓની મદદથી થતો. અમુકતમુકના ‘પઠનાર્થે’ અમુકે આ કૃતિ લખી છે એમ જણાવતી પુષ્પિકાઓ અનેક હસ્તપ્રતોમાં હોય છે, તે આનો મોટો પુરાવો છે. મધ્યકાળની આવી હસ્તપ્રતો પરથી ગુજરાતના જુદાજુદા ભાગની ભાષાનો અક્ષરોના મરોડમાં થતા ગયેલા ફેરફારનો અને ગુજરાતી ભાષાના વિકાસનો સારો ખ્યાલ આવી શકે. એક જ શબ્દ કેવી વિભિન્ન રીતે જુદાજુદા ભાગમાં બોલતો-લખાતો હશે તે પણ એમાંથી જાણવા મળે. વિકસતી ગુજરાતી ભાષાનો કડીબદ્ધ ઇતિહાસ આથી આ હસ્તલિખિત મધ્યકાલીન સાહિત્યની મદદથી પ્રાપ્ત થઈ શકે એમ છે. લહિયાને એક હસ્તપ્રતની નકલ કરતાં સારો એવો વખત જાય. મુદ્રણયંત્રની માફક હજારો નકલો થોડા જ સમયમાં કાઢવાનું મધ્યકાળમાં શક્ય ન હતું.[3] આથી જે કૃતિઓ વધુ લોકપ્રિય હોય તેની વધુ નકલો થઈ હોય અને ઓછી લોકપ્રિય તેની ઓછી, એમ બનેલું જોવામાં આવે છે. પણ મૂળ રચના જુદા-જુદા સમયે જુદાજુદા લહિયાઓએ પોતપોતાના સમયની ભાષા પ્રમાણે ઉતારી હોય, તેથી વધુ લોકપ્રિય રચનાની ભાષા આપણા સમયની ભાષાની વધુ નજીક આવી પહોંચતી. નરસિંહ અને મીરાંનાં પદોમાં આમ બન્યું છે. શતકોની કંઠયાત્રામાં એ પદોની ભાષા હર શતકે તે શતકની ભાષાનું રૂપ પકડતી રહી આજની જેવી બની ગઈ હોય. બહુ લોકપ્રચલિત ન હોય અથવા ભંડારમાં વર્ષો સુધી અજ્ઞાનતાના અંધકારમાં પડી રહી હોય એવી ભાલણકૃત ‘કાદંબરી’ કે ‘કાન્હડદેપ્રબંધ’ જેવી કૃતિઓની વિશેષ નકલો થયેલી ન હોવાને કારણે તેમની ભાષા તેના મૂળ સ્વરૂપમાં નહિ તો તેના લહિયાઓના સમયની ભાષાના સ્વરૂપમાં આપણી સમક્ષ આવી છે. નરસિંહ પૂર્વેની કૃતિઓ એ જ કારણથી આપણી ભાષાનું તેમના સમયનું સાચું સ્વરૂપ આપણને દેખાડે છે. નરસિંહ અને મીરાંના પદો પરત્વે આ પણ ધ્યાનમાં રાખવું જરૂરી છે કે એમાંનાં કેટલાંક એમનાં ન પણ હોય. ‘નરસૈયાચા સ્વામી’ કે ‘મીરાં કહે[4] પ્રભુ ગિરધર નાગર’ એવા પંક્તિખંડનું લેબલ લગાવી લખનારાઓએ પોતાની કે સમકાલીન રચનાઓ નરસિંહ-મીરાંની તરીકે ખપાવી દીધી હોય, એમ પ્રક્ષેપની બહુ છોછ ન રાખતા આપણા દેશમાં બન્યું હોવું છેક અસંભવિત નથી. લહિયો જો કવિજીવ હોય તો થોડા ગાંઠના સુધારા-વધારા કરવાની લાલચથી દૂર રહેવું પણ તેને માટે મુશ્કેલ. પ્રેમાનંદ જેવાનાં લોકપ્રિય આખ્યાનોમાં આવા પ્રક્ષેપ થયા હોવાનું, એની જુદીજુદી હસ્તપ્રતોમાં દેખાતા ફેરથી અનુમાન થાય છે. આથી જ, જુદીજુદી બધી હસ્તપ્રતોમાં ડૂબકી મારી તદ્‌વિદો મધ્યકાલીન કૃતિઓની કર્તાના મૂળ લખાણને સૌથી વધુ વફાદાર એવી પ્રમાણભૂત શાસ્ત્રીય વાચના પ્રથમ તૈયાર કરે અને પછી એ કૃતિઓ સવિવરણ પ્રગટ થાય, એ મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના સાચા અભ્યાસની સૌપહેલી જરૂર બને છે. મુદ્રણયંત્ર પાંચસાત શતક પૂર્વે આપણે ત્યાં આવ્યું હોત તો આ ધૂળધોયાના ધંધામાંથી અભ્યાસીઓ ઊગરી જાત. મુખ્ય વાહન પદ્ય : મધ્યકાળના ગુજરાતી સાહિત્યની બીજી આગળ તરી આવતી વિશિષ્ટતા એ છે કે એણે બહુધા પદ્ય જ પ્રયોજ્યું છે. લોકોના રોજના વ્યવહારની ભાષા તો ગદ્ય જ હોય અને મધ્યકાળના જુદાજુદા સમયે ગદ્યમાં લખાયેલા દસ્તાવેજો ને લેખો આપણને ઠીક સંખ્યામાં મળ્યા છે. પણ સાહિત્યક્ષેત્રે ગદ્ય એ કાળમાં બહુ પ્રતિષ્ઠિત બન્યું નથી. મધ્યકાળના સાહિત્યમાં ગદ્ય સાવ પ્રયોજાયું ન હોય એમ તો છેક નથી. સંસ્કૃત-પ્રાકૃત ધર્મગ્રંથોના અનુવાદ કે ભાષ્યરૂપ બાલાવબોધોમાં, એમાંની તેમ સ્વતંત્ર કથાઓમાં, ‘પૃથ્વીચંદ્રચરિત્ર’ જેવા વાગ્લિલાસમાં, ‘વર્ણકો’માં અને ‘ઔક્તિક’ વ્યાકરણગ્રંથોમાં જૈન સાધુઓએ ગદ્યનો ઠીક પ્રયોગ કર્યો છે. પારસીઓએ પોતાના (અર્દાગ્વીરા, ઇજિસ્નિ આદિ) ધર્મગ્રંથોના સંસ્કૃત દ્વારા જૂની ગુજરાતીમાં કરેલા અનુવાદ ગદ્યમાં છે. ‘ગીતા’, ‘ગીતગોવિંદ’ આદિનાં સોળમા શતકનાં ભાષાંતર, દયારામની પોતાના ‘સતસૈયા’ની ગુજરાતી ટીકા અને સ્વામિનારાયણનાં ‘વચનામૃત’ પણ ગદ્યમાં છે. સોળમાથી અઢારમા શતક સુધીમાં ‘વેતાલપચીસી’, ‘સિંહાસનબત્રીસી’, ‘પંચદંડ’ અને ‘શુકબાઉતેરી’ની વાર્તાઓ પદ્યમાં લખાઈ છે તેમ સમાન્તરે ગદ્યમાં પણ લખાઈ છે. ચારણી લોકવાર્તાઓ પણ ગદ્યમાં છટાથી કહેવાતી. મધ્યકાલીન સાદા ગદ્યનું ગદ્ય તરીકેનું પોત પાતળું છે અને સાહિત્યિક ગદ્યમાં ચારણી ઢબની ઝડઝમક વધારે હોય છે. પણ મધ્યકાલીન ગદ્યનું જથ્થાપ્રમાણ પદ્યના મુકાબલે એકંદરે થોડું છે. મધ્યકાળે મોટા પ્રમાણમાં પદ્યને જ સાહિત્યનું વાહન બનાવ્યું એનું શું કારણ? દુનિયાનાં ઘણાખરાં સાહિત્યમાં પ્રથમ કવિતા રચાઈ છે અને ગદ્ય ત્યાર પછી સાહિત્યવાહન બન્યું છે, એનું જે કારણ તે આનું પણ કારણ. ગદ્યનું કામ સમજાવવાનું છે, કવિતાનું દેખાડવાનું અને અનુભવાવવાનું. ગદ્યને પૃથક્કરણ-સમગ્ર છાપ ઝીલતી અને પછી તેનું પ્રતિફલન કરતી ઊર્મિ અને કલ્પનાનું પ્રવર્તન. જગત ને જીવનને સાનંદ કુતૂહલથી જોતું માનવીનું મૌગ્ધ્ય હંમેશાં કવિતાનું જનક રહ્યું છે. માનવીનો જ્ઞાનપ્રદેશ વિસ્તરતાં, એનું શૈશવનું મૌગ્ધ્ય ઓછું થતાં અને એની બુદ્ધિ દાર્શનિક અખાડામાં ઊતરી કસાતાં એની કવિતા ઓછી થાય - જ્ઞાનના ફળે ખ્રિસ્તીઓના મતે માનવીનાં આદિ માતાપિતાને સ્વર્ગભ્રષ્ટ કરાવ્યાં તેમ - એમ ઘના વિદ્વાનોનું માનવું છે. જેમાં પૃથક્કરણપ્રવણ બુદ્ધિએ પ્રવર્તવું પડે અને જેમાં તર્કબદ્ધ સુવ્યવસ્થિત વિચારસરણીનું કામ પડે એવાં શાસ્ત્રો અને જ્ઞાન-વિજ્ઞાનની શાખાઓ મધ્યકાળમાં થોડાંઘણાં વિકસ્યાં હોય તોયે તેનું નિરૂપણ કરવાના આશયે મધ્યકાળના સાહિત્યકારો પાસે કલમ પકડાવી હતી નહિ. આમ પણ એ કવિઓ પ્રકૃતિએ બુદ્ધિવીર નહિ તેટલા હૃદયધર્મી અને તેઓ લખતા હ તા એકંદરે તો લોકોનાં હૃદયને સ્પર્શ કરવા, તેમની બુદ્ધિને નહિ. સંસ્કૃત, પ્રાકૃત અને અપભ્રંશ પાસેથી જે પરંપરાનો વારસો ગુજરાતી અને તેની અર્વાચીન ભારતીય-આર્ય ભગિનીભાષાઓને મળ્યો તે પરંપરા પણ ગદ્યસાહિત્યની નહિ તેટલી પદ્યસાહિત્યની હતી. વળી ગદ્ય વધુ જગ્યા રોકે, કવિતા થોડા શબ્દોમાં ઘણું અને સુંદર કહી આપે. પાછી તે ગેય પણ હોય. આથી મુદ્રણકળાની અનુપસ્થિતિના કાળમાં કંઠસ્થ કરી યાદ રાખવામાં લોકોને ગદ્ય જ વિશેષ સગવડભર્યું થાય તેમ હતું. મધ્યકાલીન સાહિત્ય પદ્યમાં અને તેય સંસ્કૃત અક્ષરમેળવૃત્તો કરતાં વધુ પ્રમાણમાં લયમેળ પદો અને દેશીઓ (= જુદાજુદા રાગોમાં ગાઈ શકાય તેવા ઢાળ) તથા માત્રામેળ છંદોમાં લખાયું હોવાનો આ ખુલાસો છે. અપભ્રંશનો પદ્યવારસો પણ તેને એવો જ મળેલો. કેનદ્રસ્થાને ધર્મ : બાહ્ય સ્વરૂપ પરથી આંતરિક સામગ્રી પર નજર કરતાં મધ્યકાલીન ગુજરાતી સાહિત્યની મોટી વિશિષ્ટતા એ દેખાશે કે એનું વિષયવર્તુળ અર્વાચીન ગુજરાતી સાહિત્યના મુકાબલે નાનું છે અને તેમાંય કેન્દ્રસ્થાને ધર્મ છે. નરસિંહ મહેતા પહેલાંનું મોટા ભાગનું સાહિત્ય વિરક્ત જૈન સાધુઓના હાથે લખાયેલું છે. એમની ધર્મકથાઓ, રાસ-રાસા, પ્રબંધો, ચરિત્રો, બાલાવબોધો અને સઝ્‌ઝાયો ધાર્મિક છે. એમના ધર્માભિનિવેશે એમના શૃંગારપ્રધાન ફાગુઓને, ‘પૃથ્વીચંદ્રચરિત્ર’ જેવા સાહિત્યિક છટાવાળા વાગ્વિલાસને, ‘નળદમયંતીરાસ’ જેવી વાર્તાઓને અંતે તો જૈન ધર્મને અભિમત ઉપશમમાં પરિણમન સાધતાં અને જિનશાસનનો મહિમા વધારતાં બનાવ્યાં છે. નેમિનાથ, બાહુબલિ ને સ્થૂલિભદ્ર તો મહાન ધર્મપુરુષો. એમનાં ચરિત્ર જૈન સાધુઓએ વણથાક્યે ગાયાં છે, પણ વિમળ મંત્રી, સમરસિંહ ને વસ્તુપાળ જેવા જિનશાસનના આદર્શ સેવકરૂપ શ્રાવકોનાં ચરિત્ર લખવામાંય તેઓ ધર્મભાવનાથી જ પ્રેરાયા છે. એમનું સાહિત્ય કેટલીક વાર રસાત્મકતા દેખાડે છે, પણ કલા કરતાં તેમણે હંમેશાં ધર્મને વધારે માન આપ્યું છે. મધ્યકાળનું જૈન સાહિત્ય આમ પૂરું ધાર્મિક છે, તેમ જૈનેતર સાહિત્ય પણ બહુધા ધર્મમૂલક છે. જૈનેતર કવિઓમાં નરસિંહ અને મીરાં તો હરદમ પ્રભુમય પ્રભુમસ્ત ભક્તો હતાં. એમના કંઠમાંથિ કૃષ્ણકીર્તન વિના બીજું કંઈ નીકળે તેની જ નવાઈ કહેવાય. ભાલણ, નાકર, પ્રેમાનંદ, આદિ આખ્યાનકારોનાં મોટા ભાગનાં આખ્યાનો પણ ભક્ત, ભગવાન અને ભક્તિનો મહિમા ગાવા જ ધર્મભાવનાથી પ્રેરાઈને લખાયાં છે. અખો, ધીરો, નિરાંત, ભોજો ને ગવરીબાઈ જેવી વ્યક્તિઓ અનુભવી કોટિની હતી. તેમાંની કેટલીક કવિ તરીકે નહિ તેટલી ‘ભક્ત’ તરીકે સમાજમાં પ્રતિષ્ઠા પામી છે. સ્વામિનારાયણી સાધુઓ અને રવિદાસ, ભાણદાસ, જીવણદાસ આદિ કબીરપંથી સંતો પણ ઈશ્વરતત્ત્વમાં રસબસ હતા. પ્રેમાનંદ અને દયારામ જેવા કવિઓએ ભગવાન સિવાય કોઈ માનુષી વ્યક્તિની કવિતા કરવાની ઘસીને ના પાડી હતી. મહિના, થાળ, આરતી, હાલરડાં, રામકૃષ્ણની બાળલીલા - આ સર્વની ઢગલાબંધ મધ્યકાલીન કવિતા પણ ઈશ્વરને કેન્દ્રમાં રાખી તેની આસપાસ જ રચાઈ છે. સાધનાનામનેકતા(ઈશ્વરપ્રાપ્તિનાં સાધનો કે સાધનાની અનેકતા)નો સ્વીકાર કરનાર હિંદુ ધર્મની વિશિષ્ટતા એ છે કે રુચિભેદ અને અધિકારભેદ પ્રમાણે મૂર્તિપૂજાથી માંડી નિરાકારની ઉપાસના અને અદ્વૈતસિદ્ધાંત સુધી સૌની જરૂરત પૂરી પાડી ભિન્નરુચિ લોકોનું બહુધા એકસરખું શાંતિદાયક સમારાધન તે બનેલ છે. ઈશ્વર શિવ, રામ ને ગોપીજનવલ્લભ કૃષ્ણરૂપે આપણે ત્યાં પૂજાયો છે, એ જ રીતે શક્તિરૂપે પણ ઉપાસયો છે. જીવ, જગત અને ઈશ્વરની એકતા પ્રતિપાદિત કરતો વેદાન્તસિદ્ધાંત પણ એટલો જ પ્રતિષ્ઠા પામ્યો છે. મધ્યકાલીન જૈનેતર ધાર્મિક કવિતામાં આનું યથાર્થ પ્રતિબિંબ પડ્યું છે. એમાં માનુષી શૃંગારની પરિભાષામાં વ્યક્ત થતી પ્રેમ લક્ષણા ભક્તિનાં પદો છે, શિવભક્તિનું સાહિત્ય છે, સપ્તશતીના અનુવાદો ને વલ્લભના ગરબાની શક્તિ-ભક્તિની કવિતાનો પ્રવાહ છે અને ગોરખ, કબીર ને માર્ગી સંપ્રદાયના સંતોની ભજનવાણી પણ મળે છે. ગુજરાતની ધરતી પર જૈન અને હિંદુ ધર્મ ઉપરાંત પારસીઓના અને મુસલમાનોના આગમન સાથે અનુક્રમે જરથોસ્તી ધર્મ અને ઇસ્લામનો પ્રવેશ પણ મધ્યકાળમાં થયો છે. એ ધર્મોના અનુયાયીઓના હાથે મધ્યકાળમાં જે સાહિત્ય સર્જાયું છે તે પણ તેમની ધર્મભાવનાથી પ્રેરિત છે. પારસીઓએ તે કાળમાં ‘અર્દવિરાફનામું’ અને ‘મિનોઈખિરદ’ જેવા પોતાના ધર્મગ્રંથોનાં ઝંદમાંથી સંસ્કૃતમાં અને પછી જૂની ગુજરાતીમાં ભાષાંતર કર્યાં છે. તે જ રીતે નૂર સતાગર નેપીર સદરુદ્દીન જેવા ઇસ્લામી ઉપદેશકોના પ્રભાવથી ઇસ્લામી બનેલા હિંદુઓની ખોજા મતિયા તથા વોરા જેવી કોમોએ પણ પોતાની ધાર્મિક કવિતા લખી છે. તેમના કવિઓએ જે પદો, ભજનો ને ગીતો લખ્યાં છે તે આંતરસામગ્રીમાં કબીર-નાનક જેવાની વાણીમાં દેખાય છે તે અદ્વૈતવાદનો પાસ પામેલો ઇસ્લામ અને મુરશિદ-(=ગુરુ, પીર)નો મહિમા દેખાડે છે અને પરિભાષામાં તથા કાવ્યના બાહ્યાંગમાં હિંદુ ભજનવાણીની પ્રણાલિકાને અનુસરે છે. વોરા-પંથની ૧૮મા શતકની રતનબાઈનાં પદો મીરાંબાઈનાં પદોની છાયા કેટલાંક સ્થળે દેખાડે છે. ગુજરાતમાં પ્રવેશેલ ખ્રિસ્તી ધર્મેય ઓગણીસમા શતકના બીજા દાયકાના અંતભાગમાં તરજુમિયા ગુજરાતીમાં તેમના ધર્મગ્રંથ બાઇબલનું ભાષાંતર ગુજરાતને આપ્યું છે. આમ મધ્યકાળનું ભિન્નભિન્ન ધર્મોના અનુયાયીઓનું સાહિત્ય, ધર્મ જ એનું મોટું પ્રેરક બળ હોય તેમ, મોટા પ્રમાણમાં ધાર્મિક છે. આવા ધાર્મિક સાહિત્યમાં વૈરાગ્યની કવિતાનું પ્રમાણ ધ્યાન ખેંચે તેટલું મોટું છે. જો ઈશ્વરપ્રાપ્તિમાં જ જિવનસાફલ્ય કે જીવનસાર્થક્ય હોય, તો એને ભૂલીને સંસારમાં ડૂબ્યા રહેતા જીવોને સંસારની અસારતા અને દેહની નશ્વરતા સમજાવી, તેમને સંસાવિમુખ બની ઈશ્વરાભિમુખ થવાનો ઉપદેશ આપવાનો પોતાનો ધર્મમાની, નરસિંહ મહેતાથી દયારામ સુધીના સંખ્યાબંધ મધ્યકાલીન કવિઓએ તે પોતપોતાની રીતે પાળ્યો છે, એનું એ પરિણામ છે. આમ કરતાં નરસિંહ મહેતા જેવાએ ઘડપણ ને મૃત્યુનાં સચોટ શબ્દચિત્રો આલેખ્યાં છે અને ઘણાએ ગાલિપ્રદાન સુધી પહોંચી જતો સોપાલંભ વૈરાગ્યબૌધ કર્યો છે. મધ્યકાળના આવા વૈરાગ્યબોધક સાહિત્યે શ્રી કનૈયાલાલ મુનશી જેવા જીવનના ઉલ્લાસના પૂજારીને એવા ખીજવ્યા છે કે એમણે જીવનના ઉલ્લાસને, જીવનની પ્રફુલ્લતાને, ‘સંસારી રસ’ને અર્વાચીન સાહિત્યનો પ્રધાન સૂર માની, મધ્યકાળના બધા સાહિત્યકારોને એક ‘પ્રેમાનંદના પૂજ્ય અપવાદ સિવાય’ જીવનના દ્વેષી અને મૃત્યુ(મૃત્યુ એટલે એમના મતે, જીવનનો અભાવ, જીવનના રસનું સુકવણું)ના પયગંબરો કહી નાખ્યા છે અને ‘ઊછળતા જીવનનું કચ્ચરિયું કરવાનો પ્રયોગ મધ્યકાલીન ગુજરામાં સફળ રીતે કરવામાં આવ્યો છે.’ એવું આવેશભર્યું વિધાન કર્યું છે.[5] જીવનનો ઉલ્લાસઃ પણ હકીકતની દૃષ્ટિએ આ વાત પૂરી સાચી નથી. આપણું મોટા ભાગનું મધ્યકાલીન સાહિત્ય ધર્મરંગ્યું છે એ વાત એકંદરે ખરી છે, પણ બધું જ મધ્યકાલીન સાહિત્ય એવું નથી. ‘નર્મદ પહેલાંના કાળનું પ્રથમ લક્ષણ પરભવનો પ્રેમ ને આ ભવની અરુચિ’ એમ કહેતી વેળા વીર, કરુણ ને શૃંગારથી નીગળતા હેમચંદ્રોલ્લિખિત અપભ્રંશ દુહા, ‘વસંતવિલાસ’ જેવું જીવનના ઉલ્લાસને ગાતું શૃંગારરસિક ફાગુકાવ્ય, ‘સંદેશક રાસ’ જેવી એક મુસ્લિમ કવિની વિપ્રલંભશૃંગારની મેઘદૂતાનુસારી કાવ્યરચના, ‘રણમલ્લછંદ’ અને ‘કાન્હડદેપ્રબંધ’ જેવાં ક્ષત્રિય વીરોનાં પરાક્રમ ગાતાં ઐતિહાસિક વીરકાવ્યો, બાણભટ્ટની અદ્‌ભુતરસિક પ્રણયકથા ‘કાદંબરી’નો રસિક પદ્યાનુવાદ અને અસાઇત, નરપતિ, ગણપતિ, માધવ ને શામળ જેવા કવિઓની સંસારી રસની પ્રણય, પરાક્રમ અને અદ્‌ભુતરસની વાર્તાઓનું વિપુલ સાહિત્ય તથા પ્રેમાનંદનાં ‘ઓખાહરણ’ જેવાં આખ્યાનો શ્રી મુનશીની સ્મૃતિએ ચડ્યાં હોત તો આટલા આવેશ સાથે એ વિધાન તેઓ કરી શકત નહિ. એ સાહિત્યને અને જીવનરસને સૂકવી નાખતા વૈરાગ્યને સો ગાઉનું છેટું છે. આમ માનવીનાં પ્રેમ, વિરહ, પ્રરાક્રમ, હર્ષશોક ઇત્યાદિનું ગાન પણ મધ્યકાલીન સાહિત્યમાં ઠીક પ્રમાણમાં થયું છે. મધ્યકાલીન સાહિત્યને ધર્મ, ભક્તિ ને વૈરાગ્યના જ કૂંડાળામાં ફરતું સાહિત્ય કહેતી વેળા આ હકીકત પણ યાદ રાખવી જરૂરી છે. વસ્તુતઃ જીવન જેનું નામ, એનાં જળ તપ, સંયમ, વૈરાગ્યાદિના શિલાખડકોથી કાયમ માટે અવરુદ્ધ રહે નહિ. જીવન સાવ ભૂખ્યું કદી રહે નહિ. જીવનનો ઉલ્લાસ મધ્યકાલીન ગુજરાતી સાહિત્યે પણ તેની રીતે ગાયો તો છે જ. વળી, મધ્યકાળે એકલું વૈરાગ્યનું જ ગાણું ગાયું નથી, તો અર્વાચીન સાહિત્યે જીવનનો નિતાન્ત ઉલ્લાસ જ વ્યક્ત કર્યો છે એમ પણ નથી. એમાં પણ ભક્તિ, વૈરાગ્ય અને ઈશ્વરપ્રાપ્તિની અભીપ્સા ગવાયાં છે. પરત તત્ત્વની પ્રાપ્તિની ઝંખના એના જ સ્ફુલિંગરૂપ માનવીના અંતરમાં અને તેમાંય આ દેશની પ્રજાના લોહીમાં સેંકડો વરસથી પડેલી છે. લખચોરાસીના ફેરામાં, ભવોભવની યાત્રામાં, અંતિમ ગંતવ્યસ્થાન તો ઈશ્વર અને પરમ પ્રાપ્તવ્ય, એની સાથેનો અખંડ યોગ એ જ છે, એ સમજણની ગળથૂથી આ દેશનાં ધર્મ-તત્ત્વજ્ઞાને પ્રજાને જન્મથી જ પાઈ છે. આપણાં ઉપનિષદો, ‘રામાયણ’, ‘મહાભારત’ અને પુરાણોએ એનો જ ઉપદેશ નથી કર્યો? મધ્યકાળના સારા તેમ સાધારણ-સારા કવિઓએ ભારતીય સંસ્કૃતિનો જ આ સનાતન સંદેશ શંખાન્‌ દશ્મૌ પૃથક્‌ પૃથક્‌ એમ પોતાને આવડ્યું તે રીતે પોતપોતાના શંખો વગાડી, જનતાને સંભળાવ્યો છે. એ લોકો તો શ્રી મુનશીને કહેશેઃ "ગીતાનાં ‘સર્વ ભૂત’નાં અને ‘સંયમી’ કે ‘દેખતા મુનિ’નાં રાત્રિ ને દિવસ જુદાં છે, તેમ જીવન અને મૃત્યુની તમારી ને અમારી કલ્પના જ સામસામી છે; એમ તો ભક્તિમય જીવનને જ ખરું જિવાતું કૃતાર્થ જીવન કહીએ, ઈશ્વરાવિમુખ સંસારાસક્તિને (એવા સાચા જીવનનું) મોત." આમ છે, તો શ્રી મુનશીએ અખાના ‘પારલૌકિકતના પયગામ’ના સમુદ્‌ભવનું કારણ પરાક્રમવિહોણી શ્રી, શાંતિ અને સ્વસ્થતાવાળી તેના સમયની બંધિયાર રાજકીય-સામાજિક પરિસ્થિતિને ગણેલ છે તે યથાર્થ પૃથક્કરણ નથી.[6] એટલું ખરું કે મધ્યકાલીન ગુજરાતી કવિવૃંદમાં ‘ઈશાવાસ્ય ઉપનિષદ’, ‘ભગવદ્‌ગીતા’ કે ‘યોગવાસિષ્ઠ’ના રચયિતાઓની કક્ષાની ઋષિપ્રતિભાના સ્વામીઓ બહુ નહિ. હોત તો તેમણે જીવનના તિરસ્કારને બદલે એનો સ્વીકાર (એટલે અનાસક્તિ, ઈશ્વરાર્પણબુદ્ધિ અને કર્તૃ-ભોક્તૃત્વના અનભિમાનથી એનો મેળ ભક્તિ અને જ્ઞાન સાથે બેસાડી સપ્રાણ પુરુષાર્થવંતો કર્મયોગ) પ્રબોધ્યો હોત અને ‘સંસારશું સરસા’ રહી જીવનને પ્રફુલ્લતાથી જીવતા છતાં એને ભગવદ્‌ભાવથી રંગી દેવાનો કીમિયો લોકોને શીખવ્યો હોત;ક અને તો શ્રી મુનશીની ટીકા તેમ જ ૧૮-૧૯મા શતકના કવિઓને માટે કેશવલાલ ધ્રુવ જેવા સ્વસ્થચિત્ત પંડિતે પણ વાપરેલા ‘ઉત્સાહ અને પ્રવૃત્તિનાં મૂળ બાળી નાખનારા વૈરાગ્યનો બોધ આપનાર’[7] એ શબ્દો અને આનંદશંકર ધ્રુવના નીચેના ઉદ્‌ગાર નિરવકાશ બન્યા હોત : ‘આપણા પ્રાચીન ગુજરાતી સાહિત્યનો પ્રદેશ બેશક સાંકડો હતો, કારણ કે તે સમયનું પ્રજાજીવન સાંકડું હતું.’[8] ‘ગુજરાતના કવિઓનો આત્મા બિલકુલ વિશાળ નથી – એમનું વિશ્વ ઘણું જ અલ્પ છે... એનાં (=ગુજરાતનાં) નદીનાળાં, પર્વત, સમુદ્ર, ક્ષેત્ર, વૃક્ષ આદિમાં મનુષ્ય-આત્માને આકર્ષે, રસ ઉપજાવે... એવું કશું જ નથી? એનાં પશુપંખીઓ...એનું અવલોકન, એના ઉપર પ્રેમના ઉદ્‌ગારો, તે આપણી કવિતામાં ક્યાં?... આ વિશાળ રસમય વિશ્વનું પ્રતિબિંબ ઝીલવામાં આપણો આત્મા મૃત્તિકા જેવો અસમર્થ કેમ થઈ પડ્યો? આનો ઉત્તર મને તો એ સમજાય છે કે આપણા આત્માના ઘણાખરા ભાગમાંથી જીવન જ જતું રહ્યું હતું, એની અવલોકનશક્તિ લુપ્ત થઈ ગઈ હતી, એના સંસારનો સ્વાદ મરી ગયો હતો, ગૃહ, રાજ્ય, આદિ મનુષ્યજાતિએ ઉપજાવેલી ભાવનાઓ અને સંસ્થાઓમાંથી એનો રસ ઊડી ગયો હતો. માત્ર એનો એક ભાગ કંઈક સચેત રહ્યો હતોઃ અને તે ધર્મ જે સમયે આપણામાંથી બધું જીવન ગયેલું હતું તે વખતે પણ માત્ર ધર્મની નાડીમાં ચૈતન્ય ભરાઈ રહ્યું હતું, અને તેથી માત્ર એ વિષયની કવિતા આપણે ત્યાં રચાયેલી જોવામાં આવે છે.’[9] સમકાલીન જીવનરંગો : મધ્યકાળના સાહિત્યમાં ઇહજીવનનો રસ એકંદરે ઓછા હોવાને કારણે તેમાં સમકાલીન જીવન ઓછું ઊતર્યું હોવાનું અનુમાન થાય. એવું અનુમાન સમગ્રપણે ખોટું ન કહેવાય છતાં સમકાલીન જીવન પર પાર્શ્વપ્રકાશ નાખે એવું એમાં ઠીક પ્રમાણમાં મળે છે. ગુજરાતની પ્રકૃતિને અને તેનાં પશુપંખીઓને શિષ્ટ સમાજના કોઈ કવિએ મોકળે કંઠે ગાયાં નહિ હોય, પણ ચારણોએ ગીરની ભેંસો અને સિંહોનાં વર્ણનો કરેલાં છે. મધ્યકાળમાં ગુજરાતનાં નદી-પર્વતો વિષે બહુ નહિ લખાયું હોય, પણ એનાં પાટણ ને ખંભાત જેવાં સમૃદ્ધ શહેરોનાં સારાં વર્ણનો તો મળ્યાં છે. ‘સમરારાસુ’માં ઐતિહાસિક ને ભૌગોલિક માહિતી સારી મળે છે. ‘કાન્હડદેપ્રબંધ’માં સમકાલીન વીરાચાર, પાપ-પુણ્યના ખ્યાલો, સેના, શસ્ત્રોસ્ત્રો ઇ. વિશે તેમ જ ‘વિમળપ્રબંધ’માં શ્રીમાળી, ઓસવાળ ને પોરવાડ વણિકોની ઉત્પત્તિ, શુભ લક્ષણો, વણિકોની એંશી નાત ને તેમનાં સામાજિક રીતરિવાજો ઇ. વિશે માહિતી મળે છે. ‘પૃથ્વીચંદ્રચરિત્ર’માં નગર ઇ.નાં વર્ણન મળે છે. પ્રેમાનંદ અને અન્ય કવિઓનાં આખ્યાનો તેમાં આવતાં પૌરાણિક વસ્તુ અને પાત્રોને સમકાલીન દેશકાળનો રંગ ચડાવતાં, તેથી વિષ્ણુદાસ-પ્રેમાનંદનાં ‘મામેરાં’માંના સીમંતનો અને વીરસિંહ-પ્રેમાનંદ આદિનાં ‘ઓખાહરણ’માં ગૌરીપૂજન અને લગ્નનાં વિધિ અને ગીતોથી સમકાલીન વિધિઓ અને લોકાચારનો ખ્યાલ આવી શકે છે. પ્રેમાનંદનાં નારીવર્ણનો તેમ જ વલ્લભના શણગારના ગરબા પરથી મધ્યકાળનાં સ્ત્રીઓનાં વસ્ત્રાલંકારોની માહિતી મળે તેમ છે. લાવણ્યવિજય, વલ્લભ, ગોવિંદરામ ને કૃષ્ણરામ જેવા કવિઓનાં કળિકાળનાં વર્ણનો, વલ્લભનો કજોડાનો ગરબો, ભવાઈના વેશો અને માંડણ, શ્રીધર ને શામળે (અનુક્રમે ‘પ્રબોધબત્રીસી’ ને ‘રાવણમંદોદરીસંવાદ’માં) આપેલી કહેવતો અને લોકોક્તિઓ - આ સર્વમાંથી પણ સમકાલીન લોકમાનસ અને સમાજજીવન વિશે કંઈક માહિતી સાંપડે છે; પણ એના પર વધારે પ્રકાશ પાડે છે લોકસાહિત્ય. લોકસાહિત્ય લોકજીવનની આરસી જેવું છે. તેમાં પ્રજાની લડાયક ને વીર્યવંતી કોમોનાં તેખ, ટેક, ભોગ ને વીરતાનું અને જનસમાજનાં પ્રણય, કુટુંબજીવન અને ધર્મજીવનનું તથા એમનાં સુખદુઃખનું સારું દર્શન થાય છે. એ રીતે નરસિંહ મહેતાના ‘જ્યાં લગી આતમા તત્ત્વ ચીન્યો નહિ, ત્યાં લગી સાધના સર્વ જૂઠી’ એ પદમાં, અખાના ‘તિલક કરતાં ત્રેપન ગયાં’ એ ને બીજા ઘણા છપ્પામાં અને ભોજાના પાખંડી બાવાનાં વર્ણનોમાં તેમના સમયની ધર્મવ્યવહારવિષયક વસ્તુસ્થિતિ પકડી શકાય તેમ છે. મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય આમ સમકાલીન જીવન અને માનસનું ક્યારેક પ્રતિબિંબ ઝીલે છે અને ક્યારેક તેના પર પ્રકાશ ફેંકી તેનો સત્યને નિકટવર્તી એવો ખ્યાલ પણ આપે તો છે. અલબત્ત, આ તેના મુખ્ય કાર્યને અનુષંગે થયું છે; તેનું પ્રધાન લક્ષ્ય આ ન હતું. કવિગણ : મધ્યકાલીન ગુજરાતી કવિઓ આપણને દ્વારકાથી પ્રભાસ સુધીના સૌરાષ્ટ્રમાંથી તેમ જ ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાંથી, એમ સમગ્ર ગુજરાતમાંથી મળેલા છે. કેટલાકની કૃતિઓ ગુજરાતના હાલના પ્રદેશની બહાર લખાયાના પણ ઉલ્લેખ છે. જેમ કે, માંડણે પોતાની કવિતા શિરોહીમાં અને પદ્મનાભે ‘કાન્હડદેપ્રબંધ’ ઝાલોરમાં બેસીને લખેલ છે. મીરાંબાઈનાં કેટલાંય પદો તેઓ દ્વારકા આવ્યાં તેઓ પહેલાં મેવાડ ને વ્રજમાં રચાયાં હોવાં જોઈએ. વણિક કવિ જાવડે ‘મૃગીસંવાદ’ મલીઆગરમાં લખ્યું કહ્યું છે તે મલીઆગર કદાચ મલબાર હોય તો મધ્યકાળમાં એટલે દૂર રહ્યાંરહ્યાં ગુજરાતી ભાષાની સેવા ગુજરાતપુત્રે કર્યાનો સુંદર દાખલો મળે. પ્રેમાનંદે પોતાની કેટલીક આખ્યાનકૃતિઓ નંદરબારમાં પૂરી કરી છે અને તેના શિષ્ય વીરજીએ બુરહાનપુરમાં અને રતનજીએ બાગલાણમાં પોતાની રચનાઓ કરી કહેવાઈ છે. કચ્છ પણ કવિવિહોણું નથી જણાયું. મધ્યકાળના આ વિપુલસંખ્ય કવિઓ બ્રાહ્મણ, વાણિયા, ભાટ, પાટીદાર, સોણિ, બંધારા, ઢાઢી - એમ બધા વર્ણના ને થરના છે. તેમાં બાપુસાહેબ ને રાધાબાઈ જેવાં વડોદરા-નિવાસી મહારાષ્ટ્રીઓ પણ છે. એરવદ રુસ્તમ પેશોતન જેવા પારસીઓ છે અને અબ્દુર રહેમાન, રાજે અને રતનબાઈ જેવાં મુસલમાનો પણ છે. ધર્મે એમાં જૈન સાધુઓ છે, વૈષ્ણવ ભક્તો છે, વેદાંતીઓ છે, શક્તિના ઉપાસકો છે, સ્વામિનારાયણ-સંપ્રદાયના સાધુઓ છે, કબીરપંથી સંતો છે, ઇસ્લામીઓ અને પારસીઓ પણ છે. એમાં પુરુષો છે તેમ સ્ત્રીઓ પણ છે. ધર્મ, વર્ણ, જાતિ અને ઊંચ-નીચના ભેદ મધ્યકાળમાં હતા તો ઘણા, પણ સાહિત્યના પ્રજાસત્તાકમાં ભગવતી સરસ્વતીની ઉપાસનામાં એ ભેદ કોઈને નડ્યા નથી. સ્ત્રીશૂદ્રાદિને ભક્તિનો સમાન અધિકાર આપતા વૈષ્ણવ ભક્તિમાર્ગની ને ભક્ત સંતોની અસરે આ બાબતમાં સારો ભાગ ભજવ્યો હશે. સમાજે પણ એનાં આ કવિજનો પ્રત્યે માન ને મમતાથી જોયું છે. આ કવિવૃંદમાં મીરાં, અખા, પ્રેમાનંદ અને દયારામે ગુજરાત બહાર લાંબી યાત્રાઓ કરેલી. મીરાં, ભાલણ, અખા, શામળ, પ્રીતમ, બ્રહ્માનંદ, દયારામ અને બીજા ઘણાએ વ્રજ-હિંદીમાં પણ લખ્યું ચે. આ કવિઓમાંના ઘના પ્રથમ ભક્ત કે લોકોમાં તેઓ જાણીતા છે તેમ ‘ભગત’ હતા અને પછી કવિ. એમાંના ઘણા મધ્યકાળની રૂઢિ અનુસાર પોતાનાં નામ પોતાની કૃતિઓમાં અન્તે મૂકે છે, પણ તે તેને લઘુવચનમાં (નરસૈયો, અખો, પ્રીતમ, ધીરો, ભોજો, નરભો, દયો - એમ) મૂકીને વ્યક્ત કરાતી નમ્રતાથી, અહંપ્રેમથી નહિ. પ્રેમાનંદ જેવો વાગીશ્વર અને સાચો કવિ પણ કવિપદને મોંઘું ગણી પોતાને સાદોસીધો ‘ભટ પ્રેમાનંદ’ કહીને જ ઓળખાવે છે અને અખો તો પોતાને કવિ ગણવાની ના પાડે છે. (આ કારણથિ જ, પોતાને ‘કવિશ-ઈશ’ કહેતો પ્રેમાનંદસુત વલ્લભ મધ્યકાળમાં શંકાસ્પદ બને છે.) આ મધ્યકાલીન કવિઓને પુરોગામી કવિઓની કૃતિઓમાંથી કેટલીક સામગ્રી ઉપાડવામાં ને પછી પોતાની રીતે તેને વિકસાવવામાં પોતે કશું અજુગતું કરે છે એવો ખ્યાલ ન હતો. અત્યારે જેમ એક જ વિષય કે વસ્તુ પર અનેક સિનેમાચિત્રો જુદાજુદા નિર્માતાઓ તૈયાર કરે છે. આથી એક જ વસ્તુનાં અનેક આખ્યાનો મધ્યકાલીન સાહિત્યમાં મળે છે. એમ તો વનવર્ણનો, સ્ત્રીસૌંદર્યવર્ણનો, યુદ્ધવર્ણનો, સંકટો વેળા ભક્તોએ પ્રભુને કરેલી પ્રાર્થનાઓ, વૈરાગ્યબૌધક પદોમાનાં દલીલો ને દૃષ્ટાંતો, ભાવપ્રતીકો, ઇ.માં જુદાજુદા કવિઓની રચનાઓમાં એક પ્રકારનું સરખાપણું પણ ઘણું જોવા મળે છે. એક જ સાહિત્ય-પ્રણાલિકાના અનુસરણનું એ પરિણામ છે. પ્રથમ પંક્તિની નવનવોન્મેષશાલિની પ્રતિભાવાળા કવિઓ વિરલ અને મધ્યમ ગજાના ગતાનુગતિક ઝાઝા, એવી એ કાળની પરિસ્થિતિને પણ એ આભારી છે.

નોંધ :

  1. સરકારી અને ઇચ્છારામ દેસાઈનાં ‘કાવ્યદોહન’ની તેમ જ વડોદરા રાજ્યની ‘પ્રાચીન કાવ્યમાળા’ની ગ્રંથમાળાઓમાં અને બીજી રીતે છૂટક પ્રકાશનોના રૂપે.
  2. એમાં પછી ‘કાન્હડદેપ્રબંધ’ જેવી જૈનેતર કવિની કૃતિ પણ આવી જાય. કદાચ ‘પ્રબંધ’ શબ્દથિ જૈનો છેતરાયા હોય. આનંદપ્રદ વાત એ છે કે જૈનોએ સરસ્વતીની સુરક્ષામાં જૈન અને વૈદિક એવો ભેદ રાખ્યો જ નથી. જૈન ભંડારોમાં ઘણું જૈનેતર વૈદિક સાહિત્ય પણ સચવાયેલું છે.
  3. એથી બહોળો પ્રચાર તે કાળમાં કંઠપરંપરાથી જ શક્ય હતો. નરસિંહ, મીરાં કે દયારામ જેવાંનાં પદો કવિઓ પાસેથી સીધાં જનતાના કંઠમાં જઈ વસ્યાં અને પ્રેમાનંદ ચૌટામાં આખ્યાનો ગાઈ સંભળાવતો, એટલે એનું કામ પણ સરળ હતું. નાકરે નાગર મિત્ર મદનને સ્વરચિત આખ્યાનો તેથી કથા કરવા આપ્યાં તેમાં પુણ્યની આશા હશે તેટલી પોતાની કૃતિઓના લોકપ્રચારની પણ નહિ હોય? પોતે વાણિયો એટલે પોતાથી કથા થાય એમ હતું નહિ, એટલે આ રસ્તો જ તે લે ને? ધીરાએ વળી વાંસની પોલી ભુંગળીઓમાં પોતાનાં પદોના કાગળ ખોસી તેને મહીનદીમાં વહેતી મૂકવાનો નુસખો અજમાવ્યો હતો! લોકો નદીમાંથી એ ઉપાડી લઈ તેની નકલો કરી મોઢે કરતા.
  4. મીરાં કે’(=મીરાંના)નું ભ્રમવિકૃત ગુજરાતીકરણ.
  5. ‘અર્વાચીન સાહિત્યનો પ્રધાન સ્વર : જીવનનો ઉલ્લાસ’ - આદિવચનો’ ભા.૧.
  6. ‘Gujarat And Its Literature’ : પૃ. ૧૭૮.
  7. બીજી ગુજરાતી સાહિત્ય પરિષદનું પ્રમુખીય વ્યાખ્યાન.
  8. ‘કાવ્યતત્ત્વવિચાર’, પૃ. ૨૮૯ (પહેલી આવૃત્તિ).
  9. ‘કાવ્યતત્ત્વવિચાર’, પૃ. ૨૮૫ (પહેલી આવૃત્તિ).

Lua error: Cannot create process: proc_open(/dev/null): Failed to open stream: Operation not permitted

(ગુજરાતી સાહિત્ય : મધ્યકાલીન, પ્રકરણ ૩)