સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – અનંતરાય રાવળ/ઠાકોરની કાવ્યવિભાવના

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


૭. ઠાકોરની કાવ્યભાવના[1]

સને ૧૯૬૯નું વર્ષ ગુજરાતી સાહિત્યની દૃષ્ટિએ નોંધપાત્ર શતાબ્દીવર્ષ છે. એ આનંદશંકર ધ્રુવનું, ગાંધીજીનું અને ગાંધીજીથી બાવીસ વાસાએ નાના બળવંતરાય ઠાકોરનું શતાબ્દીવર્ષ છે. ઠાકોર પંડિતયુગના સૌથી વધુ ભાગ્યશાળી મહારથી છે. એમના સમકાલીન અને સમવયસ્ક વિદ્વાનો કરતાં એ વધુ દીર્ઘાયુષી બન્યા, અને નર્મદયુગમાં ઊછરી-ભણી, પંડિતયુગ અને ગાંધીયુગમાં ઉત્તરોત્તર વધુ સક્રિય રહી, ગાંધીયુગની જુવાન પેઢીના પ્રેરણાદાતા મિત્ર અને ગુરુ બની ગયા, એ બાબતમાં જેમ સમવયસ્ક ગુજરાતી વિદ્વાનો કરતાં એ વધુ નસીબદાર, તેમ તેમનાં કરતાં કેટલીક બાબતોમાં પણ તેઓ વિશિષ્ટ. એમનું મનોબંધારણ બુદ્ધિવાદી (ratinalist) નું. વાચનમાં તેઓ વિશેષ અદ્યતન. એમની હેડીના વિદ્વાનોનું કવિતાનું વાચન ગઈ સદીના રોમૅન્ટિક કવિઓ અને મેથ્યુ આર્નોલ્ડ, ટેનિસન, બ્રાઉનિંગ, સ્વિન્બર્ન, સુધીનું જ્યારે આમનું એમનાં ‘લિરિક’ તથા ‘નવીન કવિતા વિશે વ્યાખાનો’ બતાવે છે તેમ, તે ઉપરાંત જ્યૉર્જિયન અને તે પછીના કવિઓ અને એઝારા પાઉન્ડ તથા એલિયટ સુધીના કવિઓનું. એને લીધે તેમ જ પ્રયોગખોર કહેવાય તેટલી હદે સાહસિક પ્રયોગશીલ હોવાથી તેઓ નિત્ય વિકાસશીલ અને પ્રગતિસાધક રહ્યા, જેણે એમને એના સમવયસ્કો કરતાં વધુ પ્રમાણમાં અર્વાચીન, લગભગ અદ્યતન કહેવાય એટલા અર્વાચીન, બનાવ્યા હતા. વ્યક્તિત્વમાં પણ ઠાકોર અનુકાલીનોને જેમાં વધુ રસ પડે તેવા : કર્કશ તેટલા જ મૃદુ, વાસ્તવાગ્રહી અને વ્યવહારુ કુનેહવાળા તેટલા જ ભાવનાભક્ત, શિષ્ટતાનુરાગી ક્લાસિકલ રુચિ-દૃષ્ટિવાળા તેટલા જ બંડખોર વ્યક્તિવાદી રોમૅન્ટિક પ્રકૃતિના, અને બોલવા-લખવામાં લાઘવ અને સઘન મિતભાષિત્વના પુરસ્કર્તા તેટલા જ પાછા શબ્દાળ. ઊંડા વિદ્યાવ્યાસંગે અધ્યાપક બનાવેલા આવા ઠાકોર હતા તો ઇતિહાસ અને રાજ્યશાસ્ત્રના પ્રોફેસર, અને પહેલા માધવરાવ પેશ્વા, પ્રતિ-સહયોગી સ્વરાજ્યના આગમન સુધીના ભારતના રાજ્યબંધારણ અને યુનાઈટેડ સ્ટેટસ વિશે પુસ્તકો તેમ જ ‘ઇતિહાસ દિગ્દર્શન’ લખી પોતાના એતદ્‌વિષયક અભ્યાસનો સુખદ પરિચય એમણે ગુજરાતને કરાવ્યો પણ છે. તેમ છતાં તેઓ વધુ સક્રિય રહ્યા સાહિત્યક્ષેત્રે; જેને પરિણામે એમને કવિ, અનુવાદક, વિવેચક, નાટક-વાર્તા-ચરિત્ર-નિબંધ-કાર, પત્રલેખક, વિચારક અને ગદ્યકાર, એમ જુદાજુદા સ્વરૂપમાં જોવા-મૂલવવાનું આપણને પ્રાપ્ત થયું છે. ઠાકોરની એવી વિપુલ સાહિત્યસેવાનાં જુદાં જુદાં પાસાં વિશે આ પરિસંવાદમાં બીજા અભ્યાસીઓ બોલનાર છે. મારે માટે મુકરર થયેલો વિષય છે ઠાકોરની કાવ્યભાવના. સર્જક ઠાકોરની વિશેષ સિદ્ધિ નાટક ને વાર્તા કરતાં કવિતામાં, જે એમણે પેલાં બે સાહિત્યસ્વરૂપો કરતાં વિશેષ નિષ્ઠાથી ઉપાસી હતી. ગદ્યકાર ઠાકોરની વિશેષ સિદ્ધિ તેમની કાવ્યચર્ચા અને કાવ્યવિવેચનામાં દેખાય છે. ‘કવિ ઠાકોર ચડે કે કવિતાશિક્ષક ઠાકરો’? ‘કવિ ઠાકોર કરતાં કવિતાશિક્ષક ઠાકોર ચડેઃ’ ચર્ચો" એવા પ્રશ્નો બી.એ. એમ.એ.ના વિદ્યાર્થીઓને પૂછવાનું, તેમને ઉત્તેજી – ઉશ્કેરી તેમની પાસેથી ઠાકોરનું ખરું મૂલ્યાંકન કરાવવાના શુભાશયે જ અલબત્ત પ્રેરેલું, ચાપલ અમારી પરીક્ષકોની નાત વર્ષોથી કરતી આવી છે. એને માટે થોડીક અનુકૂળતા ઠાકોરે કરી આપી છે એ ખરું, પણ આટલું તો સિદ્ધ છે કે ઠાકોર કવિ હતા, અને સારા કવિ હતા. એવા તરીકે એમણે એમની લાક્ષણિકતાઓથી અંકિત કેટલીક પ્રથમ પંક્તિની એવી કવિતા ગુજરાતને આપી છે, જેણે ગુજરાતી કવિતાને ‘કલાપી’ ‘લલિત’ ને ન્હાનાલાલને માર્ગેથી વિકાસની દિશામાં બીજા જ વહેણમાં વાળવાની ઐતિહાસિક સેવા બજાવી છે. એ સેવા જેમ પોતાની પ્રત્યક્ષ નમૂનારૂપ કવિતાથી, તેમ પોતાની કવિતામાં અંતર્હિત એવી પોતાની કાવ્યદૃષ્ટિ કે કાવ્યભાવનાની, તેમણે ન કરી હોત તો અભ્યાસીઓને કરવાની રહેત તેવી ચર્ચા, વિવેચના અને સ્થાપનાથી તેમણે બજાવી છે. આમ એ બની છે એમની, મમ્મટનો શબ્દ વાપરીને બોલીએ તો, કાવ્યશિક્ષા, કાવ્યના કવિ એટલે સર્જક અને તેની ખૂબી-ખામીઓ પારખનાર ઉત્તમ, આસ્વાદક ભોક્તા કે વિવેચક, એ બેઉ અર્થમાં બળવંતરાય ઠાકોર કાવ્યજ્ઞ હતા. કાવ્યજ્ઞશિક્ષાના ઠાકોરના આ પુરુષાર્થનાં પ્રેરકોમાં મુખ્ય તો ઢગલાબંધ પ્રમાણમાં જોવા મળતી હતી એ ‘પોચટ આંસુ સારતી’, ‘ખોટા ઓપ’ અને ‘અસત્પ્રભા’વાળી તથા ‘બલિહારી ભાષાતણી’માં રાચતી સમકાલીન ગુજરાતી કવિતાએ જન્માવેલા એમના ‘પૂછું, મને કટેવ’ એ એમની પદ્યરચનામાં તારસ્વરે પ્રકટ થયેલ પ્રત્યાઘાતને તથા કાવ્યસમજ પરત્વે તેમણે ભાળેલા પ્રવર્તમાન ‘બેસમજ’, ‘અનધિકારી’, ‘ઉદ્ધત’ ‘નુગરા’ ‘કોલાહલે’[2] તેમને સુઝાડેલા કર્તવ્યને ગણી શકાય. એમણે ‘લિરિક’માં કહ્યું છે તેમ, પાશ્ચાત્ય અને અત્રત્ય કાવ્યમીમાંસાના સંઘટ્ટન વેળા ‘પર્યેષક બુદ્ધિથી’ સર્વગ્રાહી વ્યવસ્થા ઉપજાવવામાં સહાયભૂત થવાની વૃત્તિએ પણ એમની પાસે આ ‘સત્યાવેન્ષી, નીડર, નમ્ર, સહૃદય, શાસ્ત્રીય અને જવાબદાર બુદ્ધિવ્યાપાર’ ખેડાવ્યો છે, એ પણ ખરું. કવિતાનું સર્જન શીખવ્યું શિખવાડાતું નથી, પણ કવિતા-કલાના ઉપભોગ-આસ્વાદનું શિક્ષણ અવશ્ય આપી શકાય છે, એવી એમની પ્રતીતિએ પણ કવિતા શિક્ષણનો આ ઉદ્યમ તેમની પાસે કરાવ્યો હોવાનું માની શકાય તેમ છે. ‘કાવ્યમાધુર્ય’ દ્વારા શ્રી હિંમતલાલ અંજારિયાએજેના ભણી ગુજરાતના સહૃદયોનું ધ્યાન ખેચ્યું હતું પણ જે ‘કલાપી’ની અને પછી ન્હાનાલાલની કવિતાની અઢળક લોકપ્રિયતાથી ઠીક વખત સુધી ઢંકાઈ જઈ સહૃદયેર ઉપેક્ષિતા જેવી બની હતી પણ જેની સત્ત્વસમૃદ્ધિ વિશે પોતાને કશી જ શંકા ન હતી, એવી પોતાની કવિતા પ્રત્યેની સમજુઓની અભિમુખતા અને રુચિ ઉત્તેજવાનું તથા તેનાં સમજણ, આસ્વાદ અને મૂલ્યાંકન માટેની હવા ઊભી કરવાનું પણ આ ઉદ્યમથી ભેગાભેગું સધાઈ જતું હતું. એ આનુષંગિક લાભ પણ એમની ગણતરી બહાર નહિ. આવાં પ્રયોજને પ્રેરિત ઠાકોરનું ‘કવિતા-કલાના ઉપભોગાસ્વાદનું શિક્ષણ’ મૂર્ત થયું છે એમનાં ‘કવિતાશિક્ષણ’, ‘લિરિક’, ‘આપણી કવિતાસમૃદ્ધિ’, ‘મ્હારાં સૉનેટ’ તથા ‘ભણકાર’ (નવી આવૃત્તિ-૧૯૫૧)નાં વિવરણો તથા ‘નવીન કવિતા વિશે વ્યાખ્યાનો’માં. એ બધાંમાં એમણે અખત્યાર કરી છે કાવ્યને પ્રત્યેક્ષ રાખી કાવ્યસિદ્ધાંત ચર્ચવાની મૂર્ત પદ્ધતિ, જે પોતે જ પાડેલી નવી કેડી હોવાનો એમનો દાવો તો રમણભાઈ, નરસિંહરાવ આદિને હાથે પણ અમુક પ્રમાણમાં એ પદ્ધતિનો આશ્રય લેવાયેલો હોઈ, તેમ જ સંસ્કૃત કાવ્યવિવેચનમાં એ જ પદ્ધતિ વિનિયુક્ત થઈ હોવાને કારણે, બહુ ટકે એવો નથી. આ પદ્ધતિ એમને ફાવે એવી હતી. આપતા જાય તે નમૂનાને કે તેમાંની પંક્તિ, શબ્દ, વસ્તુ, અલંકાર, ઊર્મિ, કલ્પના, વિચાર વગેરેમાંથી કોઈ ને કોઈ આધાર નિમિત્ત બનાવી, કવિતા વિશેની પોતાની સમજણ લાક્ષણિક ભાર સાથે તે રજૂ કરતા જાય છે. આ મૂર્ત પદ્ધતિથી ‘લિરિક’માં અંગ્રેજી ઊર્મિકાવ્યોના નમૂના રજૂ કરીને નવી પેઢીની કાવ્યરુચિ કેળવી આપવાનું તેમણે કર્યું છે, તો ‘આપણી કવિતાસમૃદ્ધિ’ તથા ‘નવીન કવિતા વિશે વ્યાખ્યાનો’માં અર્વાચીન ગુજરાતી કવિતાના નમૂના વિવેચી-ઉલ્લેખી તેમણે અર્વાચીન ‘કાવ્યપુરુષ’નું રાજશેખરનો એ શબ્દ તેમણે પોતે જમાનાની કવિતાનો આત્મા Spirit એ અર્થમાં વાપર્યો છે – અર્ચન-અભિવાદન કર્યું છે. કોઈ કોઈ કવિઓ, રચનાઓ, શૈલીઓ કે વલણો પરત્વે ઉત્કટતાથી વ્યક્ત થતાં એમનાં ટીકા, ગમા, અણગમા, ચીડ, વગેરે : પ્રસ્તુતની વાતમાંથી અપ્રસ્તુતના પ્રદેશમાં ક્યારેક ફંટાઈ જતી ચર્ચાઃ નાના મુદ્દાને વધુ જગ્યા કે વધુપડતો મળી જતો ભાર : કાવ્યચર્ચા ભેગો (જાણે સભાનપણે) ચમકાવાતો જતો લાક્ષણિક ઠાકોરી ગદ્યવિલાસ : વચમાં થતો રહેતો વાંચનારની સાહિત્યસમજને પરિશુદ્ધ કરી આપે અથવા તેને વિચારવા પ્રેરે – ઉત્તેજે એવા સુચિંતિત સાહિત્યિક સુવિચારોનો છંટકાવ : આ બધાંને કારણે જાણે ઠાકોરને સાંભળતા લાગીએ એવી સજીવતા લખાવટમાં લાવતી અને વાચકને કોઈ ને કોઈ રીતે તેના વાચનશ્રમનું રૂડું વળતર વાળી દેતી ઠાકરોની કાવ્યશિક્ષામાંથી એમની કાવ્યભાવનાનો સરવાળે જે પરિચય આપણે પામીએ છીએ તે સુખદ-સંતપર્ક છે. એમની કાવ્યભાવના સર્વગ્રાહી છે. તેમાં ઊર્મિ, કલ્પના, પ્રતિભા, સર્જક કલાકારીગરી, વિચાર, દર્શન, લય, સાધારણીકરણ, ઉદાત્તીકરણ, ઉચ્ચીકરણ : સર્વનો સ્વીકાર છે. તેમાંના કોઈ એક અંગ કે અંશ ઉપર જ ભાર મૂકી તેને કાવ્યસર્વસ્વ માનનારાઓને તો ઠાકોર હાથીનું વર્ણન કરવા મથતા આંધળાઓની હારમાં મૂકે છે. એમના નામ સાથે વિચારપ્રાધાન્યનો એમનો આગ્રહ એવો જોડાયેલો છે કે તેઓ કવિતામાંથી ઊર્મિતત્ત્વનો કાંકરો જ કાઢી નાખવા મથતા હોય એમ એમને વિશે માની લેવાની ગેરસમજ ઊભી થાય. ‘પુષ્કળ કવિતા માત્ર પોચટ આંસુ સારતી’ એમ એમણે લખ્યું તે તો લાગણીવેડા કે ઊર્મિલતા સામેની એમની સૂગથી પ્રેરાઈને. શુદ્ધ ઊર્મિતત્ત્વ સામે તેમને વિરોધ નથી જ. ‘ઊર્મિશૂન્ય તે કવિતા નહિઃ કવિતા હૃદયનો વ્યાપાર અને હૃદયને સ્પર્શવાની શક્તિવાળી હોવી જોઈએ.’ એમ ‘લિરિક’માં કહેનાર ઠાકોર ઘણાને પલાળે એવાં ઊર્મિ-આલેખનોવાળી કવિતાનું મૂલ્ય સ્વીકારે છે. અને Lyric માટે ઊર્મિપ્રાધાન્ય આવશ્યક ગણી તેને માટે ‘ઊર્મિકાવ્ય’ તથા ‘ઊર્મિક’ જેવા શબ્દો પણ યોજે છે, તે અમસ્થા નહિ. માત્ર, તેમનો આગ્રહ કાવ્યની ઊર્મિવત્તા માટે છે; નર્યા લાગણીવેડાને તો તેઓ કાવ્યને માટે અપકર્ષકારક માને છે. હૃદયના ઉછાળાની ઉપર વિવેકબુદ્ધિનું ચાંપતું નિયંત્રણ તેઓ ખસૂસ આવશ્યક માને છે. કવિતામાં કલ્પનાનું મહત્ત્વ પણ એમને મંજૂર છે. પોતાની કાવ્યવ્યાખ્યામાં ‘કલ્પનોત્થ’ શબ્દ એમણે સાભિપ્રાય પ્રયોજ્યો છે. માત્ર, એ કલ્પના ‘છોટી લલિત અલ્પવર્તુલી’ તરંગ (fancy) કે કોટિ (conceit)ના પ્રકારની ક્ષણિક, અવાસ્તવિક અને આભાસી નહિ, પણ મૂર્તતાવાળી વાસ્તવિક, સ્થિરદ્યુતિ, ‘વિશાલોદાર’ અને ટકાઉ (imogination) એમને ખપે. લે હંટ, કૉલરિજ, આદિની એ વિશેની વિચારણામાં ઠાકોરની સંમતિ છે. ‘કવિતાની વાણીનું ખાસ લક્ષણ તેની મૂર્તતા, વાસ્તવિકતા, ચિત્રમયતા છે, જે કલ્પનાજન્ય હોય છે’ (‘લિરિક’), એ શબ્દોમાં એમણે કવિતામાં કલ્પનાના પ્રવર્તનનું યથોચિત ગૌરવ કર્યું છે. ઠાકોરની કાવ્યભાવનામાં સુંદરતા અને માધુર્યનો પણ સમાસ છે. ‘સુંદરતા સાથે માધુર્ય પણ શ્રેષ્ઠ કવિતાનું નિશાન છે જ; પણ તે શ્રવણથી વધારે ઊંચી ઇંદ્રિય જ ઝીલી શકે તે માધુર્ય...જે માધુર્ય પ્રથમ અંતરશ્રુતિને સંભળાય છે અને પછી શ્રવણ પણ જેને ગ્રહણ કરતાં અને જેને માટે તલસતાં શીખે છે, તે કવિતા માધુર્ય.’[3] આવા કવિતામાધુર્યનો દેહ સંગીતના આરોહ-અવરોહને નહિ પણ અર્થભાવના આરોહ-અવરોહને તેઓ માને છે, જેને માટે અગેયતા અને યતિસ્વાતંત્ર્ય એમણે જરૂરી માન્યાં. સંગીત અને કવિતાને એમણે ‘અન્યોન્ય સંગી’[4] કલાભગિનીઓ’[5] ‘તથાપિ જુદી જુદી’૫[6] કહી છે. એકલા પદલાલિત્યને ‘બાળકને રમવાનો ઘૂઘરો’ અને કાવ્યાભાસી પદાવલિને ઊતરતી પંક્તિનું rhitric કહી કવિતાની વાણીનો આદર્શ તેમણે એથી વધુ ઊંચો લઈ જઈને થાપ્યો છે. ‘અમુક પદાર્થને ઉત્કૃષ્ટ રીત એક જ શબ્દ કથેઃ એવા વીણી વીણીને વાપરેલા શબ્દમૌક્તિકોની મિતાક્ષરતામાં જ શૈલી અને કલાની લીલાઓ ખીલે’ એમ તેમણે ‘કવિતાશિક્ષણ’માં કહ્યું છે. ‘માત્ર તાલ, માત્ર લય, માત્ર શબ્દસિદ્ધિ, માત્ર લાગણી, માત્ર લાવણ્યની રમતો બસ નથી. આ સર્વેને સાથે લઈને ઊડનારી મેધા અને પ્રતિભા પણ આવશ્યક છે.’ એમ તેમણે પ્રતિપાદ્યું છે.[7] આ પ્રતિભાનું ઠાકોરને અદકેરું મહત્ત્વ છે. તેઓ પ્રતીતિપૂર્વક કહી નાખે છેકે ‘જેમાં પ્રતિભા નહિ તે અમર કાવ્ય જ નહિ.’ (‘લિરિક’) : ‘માણસ કવિ તો બને છે જન્મસિદ્ધ કે પાછળથી ખિલતી પ્રતિભા વડે જ.’ (‘આપણી કવિતાસમૃદ્ધિ’) : ‘પ્રતિભા વિના ઉત્તમ સર્જકતા નથી.’ (‘નવીન કવિતા વિશે વ્યાખ્યાનો’). આ પ્રતિભાને ઠાકોર સર્જકનો અમુક વ્યક્તિના હાથનો ચમત્કાર માનવો પડે, (‘લિરિક’) એવો શક્તિવિશેષ માને છે, અને તેને ‘શબ્દ, લય અને કલા ત્રણે વડે અર્થ અથવા કાવ્ય-વસ્તુની પાકક્રિયામાં અસાધારણ માપનું કૌશલ’ (‘લિરિક’) કહી, તેનો સંબંધ કવિના કાવ્ય કૌશલ, કલાવિધાન કે હમણાં કેટલાક વખતથી પ્રચલિત બનેલા આનંદવર્ધનના શબ્દ ‘કવિકર્મ’ સાથે જોડે છે એ ધ્યાન ખેંચે તેવું છે. ‘કવિ સર્જક; કલાગુંફન વિના સર્જન નહિ’ (‘ભણકાર’, ‘૪૨ નિવેદન) એમ કહેત ઠાકોર પ્રતિભાસ્ફુરણ માટે ‘કલાની એકતાનતા’ અનિવાર્ય જણાવે છે (‘નવીન કવિતા...પૃ.૧૫૭). ‘કુદરત સર્જકને કાચી સામગ્રી પૂરી પાડે. સર્ગમાં જે કંઈ બીજું છે તે આવી કલાને આભારી છે’ એમ તેમણે ‘કવિતાશિક્ષણ’માં કહ્યું છે. એ નિબંધના પુસ્તકસ્વરૂપના નિવેદનમાં ‘સોએ નેવું પંચાણું વસા કેવળ કારીગરીના હોય છે.’ એમ જણાવી ‘કવિતામાં ભાષા, છંદોલય, વ્યાકરણ, અલંકરણ, લાગણીના આરોહવરોહનું આયોજન, વિગતોની પૂર્વાપર ગોઠવણ, શૈલીવિવેક, જુદા જુદા રસ ઉપજાવવા-વહેવડાવવાનો કસબ, અનેક અંગોપાંગોની સળંગ સુઘડ સંકલના, વગેરે સૌ વત્તાં ઓછાં અપનાવી શકે એવાં કૌશલોનો વત્તોઓછો સમન્વય આવશ્યક છે’ એ વાક્યથી કવિતામાં પ્રવર્તવા જોઈતા કલાવ્યાપારનું ઠાકોર ગૌરવ કરે છે. આ વ્યાપાર સભાન પ્રવૃત્તિ હોઈ કવિને ઘણી વાર ‘પોતાનો માંડેલો અને અર્ધગૂંથેલો ગોંફ આખો વીંપી નાખીને પુનરપિ ગૂંથવો પણ પડે છે.’ (‘કવિતા શિક્ષણ’). આથી ‘લખેલું સુધારવાની કલા’ને તેઓ ‘સર્જકતાની જ ન્હાની બહેન’ ગણે છે ‘આપણી કવિતા-સમૃદ્ધિ’) અને ‘પૂરેપૂરી સફાઈ’ને કલાનું એક ધ્યેય લેખે છે. આમ, કવિતા જેટલે અંશે કલા છે તેટલે અંશે તેમાં ભાગ ભજવતા કવિકર્મમાં સર્જકનો જાગ્રત વિવેકશક્તિવાળો બુદ્ધિવ્યાપાર સક્રિય હોય છે, એથી વિચારતત્ત્વને ઠાકોર ઘણું મહત્ત્વનું કરીને થાપે છે, અને કહે છે : ‘વિચારની એકાગ્રતા વિના કલા નથી’ (નવીન કવિતા, પૃ.૧૫૭). ‘કવિતાશિક્ષણ’માં તેઓ કહે છેઃ ‘સપાટીથી તલ સુધી જે કૃતિમાં પારદર્શક વિચારશુદ્ધિ નહિ, તેમાં પ્રસાદ હોય જ ક્યાંથી?’ ‘આપણી કવિતાસમૃદ્ધિ’માં કહે છે : ‘કલાના મિનારા તો લાંબાં તથાપિ એક અક્ષર વધારે પડતો નહિ એવાં ઉદાત્ત વિચારપ્રધાન સર્જનો જ ચણી શકે.’ ‘નવીન કવિતા’માં કહે છે : ‘અર્થમાં તેમ અર્થના દેહમાં હું પૂરતી ઘટ્ટતા, પૂરતા વાણાતાણાવાળી ટકાઉ વણાટનો હિમાયતી છું.’ ઉત્તમ સર્જનને કલ્પનાપ્રધાન નહિ પણ વિચારપ્રધાન કહેવું તેઓ પસંદ કરે છે તે આથી. કાવ્યમાં કલાકૃતિલેખે સઘન સુશ્લિષ્ટ એકતા (organiounity) નો ઠાકોરનો આવો આગ્રહ કાવ્યમાં પ્રવર્તતા કલાવ્યાપાર અને બુદ્ધિવ્યાપારદ પર તેઓ આટલો ભાર મૂકે છે તેમાંથી જ આવ્યો છે, જે તેમની દૃષ્ટિ કે રુચિને ‘ક્લસિકલ’ ઠરાવે છે. ‘કલાસિકલ’ શબ્દને માટે એમનો પર્યાય છે ‘સ્વસ્થાચ્છ’, જ્યારે ‘રોમૅન્ટિક’નો છે ‘અસ્વસ્થોચ્છિ્‌ત’, ‘ક્લાસિકલ’ને તેઓ ‘નિર્ધૂમજ્યોતિ’ કહે છે, જ્યારે ‘રોમૅન્ટિક’ શૈલીને ‘ધૂમના પરિવેશવાળી’ કહે છે. ઊંચી કવિતાની તેમની વ્યાખ્યામાં પહેલું વિશેષણ ‘સુસ્પષ્ટ’ એવું તે વાપરે છે તે પણ તેમણે ‘ક્લાસિકલ’ શૈલીના પક્ષપાતી સિદ્ધ કરે. કાવ્યનાં વિષયવસ્તુ, બાની, પદ્યપચના ઇ. પરત્વે બંડખોર પ્રયોગકાર અને કવિતાને પ્રણાલીગત ગેયતા, શ્લોકબંધન અને નિશ્ચિત યતિસ્થાનમાંથી મુક્ત કરનાર તેમ જ સૉનેટનાં અંગ્રેજી સ્વરૂપનાં કડી-યમક-યોજનાને અવગણી અંતર્ગત કવિતારસ ઉપર જ ભાર મૂકનાર ઠાકોરમાં ‘રોમૅન્ટિક’ પ્રકૃતિના સર્જકની સાહસિકતા પર્યાપ્ત પ્રમાણમાં છે. છતાં તેમની કાવ્યભાવના તેમને ‘ક્લાસિકલ’ ઠરાવે છે. એથી જ તેઓ કવિતાના નવસાધકોને પ્રથમ નિયમપાલનની શીખ આપે છે. નિયમપાલને બક્ષેલા છંદોવિધાન પરના પ્રભુત્વ પછી જ સ્વતંત્રતા બૂઝવાની, અને સ્વતંત્રતાનો હક પ્રાપ્ત થવાનો, એ પહેલાં નહિ. (જુઓ ‘કવિતાશિક્ષણ’ પૃ.૩૧). કાવ્યમાં ‘પૂરતા ગાંભીર્યગૌરવ’વાળા ભારઝલ્લા વસ્તુની પસંદગીની એમની હિમાયત,[8] તેમ જ શિવમ્‌, સુન્દરમ્‌, સત્યમ્‌ ત્રણ જુદાં જુદાં પરસ્પર વિરોધી થઈ શકે એવાં ધ્યેયો નહિ, પણ એક જ આત્માનો ત્રિમૂર્તિ દેહ હોવાની એમની માન્યતા[9] પણ ઠાકોરને ‘ક્લાસિકલ’ પ્રકૃતિના ઠરાવે. કવિતામાં ‘દર્શન’ અને ‘જ્ઞાન’ને કવિતાના આત્માને સ્થાને મૂકવામાં, અને કવિને ગુરુ, ઋષિ ને દેવદૂત તથા કવિતાને દેવી કહેનારાઓનું અનુમોદન કરવામાં ઠાકોર રોમૅન્ટિકોની છાવણીમાંથી બોલતા જણાય, પણ ઠાકોર પૂરતું એ વલણ પણ ક્લાસિકલ ગણાય. દવિતાને સમુક્રાન્તિ-પોષક, જીવનસંસ્કારબળ કે શક્તિ માનવાનું એમનું વલણ તો ખાસ એવું ગણાય. ‘કલા પોતાના પોષણ માટેનાં રસકસ જીવનભોંય અને જીવનવાતાવરણમાંથી જ મેળવે છે’ એમ કહીને ‘કલા એ રસકસ પોષણરૂપ પોતાના કર્જનો બદલો વ્યાજ સાથે આપી દે છે એવાં તો સર્જનો ઉપજાવીને, કે જીવનને પણ શૃંગારવા, સમારવા, સમજાવવા, સુધારવા, વળી વધારે સમૃદ્ધ અને ઉદાત્ત બનાવવા સમર્થ નીવડે છે.’ (‘નવીન કવિતા’... પૃ.૨૬) એ શબ્દોમાં એમણે પોતની એ પ્રતીતિ ઉચ્ચારી છે. ઠાકોર સાચી સર્જકતા ઉપર અને મૌલિકતા ઉપર ઠીક ભાર મૂકે છે. તેઓ કહે છેઃ ‘રૂઢ અલંકારો અને લોકપ્રિય કવિતમાં સુંદર ગણાઈ ચૂકેલાં શબ્દગુચ્છો જ વાપરી જાણે તે કવિ નહિ, સારી કવિતા તરીકે પ્રતિષ્ઠિત સુંદરતાનો છાયો કે પ્રતિધ્વનિ માત્ર યોજનાર નકલિયો. ખરેખર નવી સુંદરતા ઉપજાવવાની સર્ગશક્તિવાળો હોય તે જ કવિ’ (‘કવિતાશિક્ષણ’ – પૃ.૭). દરેક સારી કૃતિમાં તેની ને કવિની કશીક વિશિષ્ટતાની અપેક્ષા તેઓ રાખે છે. સાચો કવિ ‘બીજો પ પ્રસંગ આવતાં આગલી રચના વડે નહિ રોડવે, નવી જ કરશે, નવી અને આગલીથી ભિન્ન’, એવી એમની માંગ છે. સાચો કવિ નિત્ય વિકાસશીલ અને તેથી પ્રયોગશીલ રહ્યા કરે. એમ કરતાં જૂના ચીલાને છોડતાં તેમ જ સાહસિક કવિધર્મ બજાવતાં થોડો વખત દુર્બોધ અને અલોકપ્રિય બનવું પડે તોય ભલે. આમ માનનાર તથા આગળ ગણાવી તેવી અનેકમુખી સત્ત્વસમૃદ્ધિવાળી વિચારપ્રધાન કવિતાનો જ આગ્રહ સેવનાર ઠાકોર શીઘ્ર કવિતા, મુશાયરાની કવિતા, રાસગરબી-ગરબાની કવિતા અને લોકપ્રિય કવિતા માટે એકથી વધુ વખત તુચ્છકાર-તિરસ્કારની ભાષામાં બોલ્યા છે તેથી નવાઈ લાગવી જોઈએ નહિ. ‘સસ્તી, સોંઘી, ગાંગલી ઘાંચણનેય સાધ્ય એવી લોકપ્રિયતાની પરવા જ નથી’ એવી સખત ભાષા આ સંબંધમાં એમણે વાપરી છે. એમના એક કાવ્યમાં સર્જક કવિ લોકપ્રિયતાને બારણું દેખાડે છે! ‘ઉત્કૃષ્ટ કૌશલ કાબેલકમાલ કારીગરી પણ જેને આંબી ન શકે’ તેવું ‘કાવ્યનું ઉત્તમાંગ અને રહસ્યમય હીર, કાવ્યનું કાવ્યત્વ’, એની ‘આશ્ચર્યજનક ચમત્કારિક તાજુબી’, જે ‘માનવ કરામત’ હોવા છતાં ‘માનવીનાક કાબૂમાં કદાપિ પૂરેપૂરી ના આવે એવી’ હોવાથી ‘દિવ્ય’ કે ‘દત્ત’ (inspired) જેવી લાગતી હોય છે, તેની સર્જક કે પ્રકાશક (Subliminal, spiritual, emotional, intellectual, faculties and powers) નો પણ સ્વીકાર ઠાકોરની કાવ્યવિભાવનામાં છે. ‘કૃતિ રચતાં રચતાં કર્તાની તમામ શક્તિઓની સંપૂર્ણ એકતાનતાના આકર્ષણે પ્રતિભા કિંવા આત્માનાં પણ કોઈ કોરણ અંશતઃ આ રચનાપ્રવૃત્તિમાં પ્રવેશી જાય, એ અતીન્દ્રિય દર્શન સ્થૂલ ઇંદ્રિયગ્રામ લગી વ્યાપે અને એમ આંખ અદૃષ્ટપૂર્વ દેખે, કાન અનાહત નાદ સાંભળે, એ અછડતો આકાર જુએ-દેખાડે, એ દૂરદૂરના ભણકાર કલાનિષ્ઠ કર્તા સાંભળે-સંભળાવે અને જે અનુપમ અભૂતપૂર્વ અમર કૃતિ બને તે આત્માની કલાની પ્રસાદીનો પણ તેમાં સ્વીકાર છે. અને ‘દૃષ્ટા-સ્રષ્ટાની પ્રાસાદિક લોકોત્તર કવિતા’ જેને પાશ્ચાત્ય કાવ્યમીમાંસામાં સર્વોત્કૃષ્ટ Prophetic અથવા inspired કવિતા કહી છે તેના પ્રાક્ટયમાં કામ કરતી પ્રજ્ઞા કે ‘ત્રીજા નેત્ર’નો પણ એમાં આદરભાવભર્યો સત્કાર-સ્વીકાર છે. પોતાની આવી સર્વગ્રાહી કાવ્યભાવના ઠાકોરે બે સ્થળે આમ લલકારી છેઃ ૧. કાવ્ય એટલે મર્યાદાઓ વડે સ્પષ્ટ અંકિત પટ્ટ યા દેહવાળી, એકપુદ્‌ગલ એટલે વ્યક્તિત્વ યા આત્માવાળી છે એવી છાપ પાડવાની શક્તિશાળી, કલ્પના અને કલાના સહધર્મચારે સાધેલી, વિશિષ્ટ શૈલીતંતુઓ વડે સર્જાયેલી, દર્શને દર્શને દિદક્ષા વધતી જાય એવા ચમત્કારવાળી, સહૃદયનાં સ્મરણો અને સ્વપ્નોમાંય વણાઈ જાય અને કિમપિ દ્રવ્યમ્‌ બને એવી સુંદરતામૂર્તિ. કવિહૃદય એવી મૂર્તિ જ્યાં જ્યાં જુએ છે, ત્યાંથી પોતાને હાથે પોતાની વાણીમાં એવી પણ નવી રચવા પ્રાણ પાથરે છે, અને કલ્પનાકલ્પિત, બાવસમુલ્લસિત, વિચારપોષિત, ભાવના-સંકલનાના નવા નવા ફાલ આપી આપીને જીવનનું ઉદ્દભાવન કરનારી સાહિત્યવાડી વધારે છે, (‘કવિતાશિક્ષણ’ : પૃ.૧૨૩) ૨. ‘સુસ્પષ્ટ (simple prepicuous) કલ્પનોત્થ (sensuous, imaginative, sculpturesque, picturesque, concrete), મધુર-સુષ્ઠુ (rhythmical, harmonious, well-proportioned) તેજોમય (radiant) અને પ્રસાદયુક્ત (brilliant) હ્રદયવેધી, (impassioned) અને ભવ્યગંભીર (profound) એ ગુણોવાળી હોય તે ઉત્તમ કવિતા, તે જ કવિતાનું નામ – ગૌરવ દીપાવતી કવિતા.’ (‘લિરિક’ + ‘નવીન કવિતા વિશે વ્યાખ્યાન’) જોઈ શકાશે કે એમાં મિલ્ટન, ડ્રાઈડન, હેઝલિટ, લે હંટ, વડર્‌ઝવર્થ કૉલરિજ, મૅથ્યુ આર્નોલ્ડ, રસ્કિન, વૉલ્ટર પેટર, ડ્રિન્ક વૉટર, એબરક્રોમ્બી, એઝરા પાઉન્ડ અને ટી.એસ. એલિયટ સુધીના કવિ – વિવેચકોએ કવિતા અને તેની કલા વિશે જે કંઈ સત્ત્વશાળી લખ્યું – ઉદ્‌ગાર્યું છે તે સર્વનો એમાં પ્રાયઃ સંમતિ સાથેનો સ્વીકાર-સમાવેશ થાય છે. ‘નિશાનચૂક માફ, ન માફ નીચું નિશાન’ લખનારે શિષ્યભૂત સંબોધ્ય શ્રોતૃવાચક પેઢીને ઊંચો કાવ્યાદર્શ ગાંઠે બંધાવ્યો છે, જેણે અવશ્ય તેનો કાવ્યાકાવ્યવિવેક સુધારી કે ધારદાર બનાવી આપ્યો હશે. એમાં આગળ ઉલ્લેખેલાં કાવ્યચર્ચાનાં ચારે પુસ્તકોમાં કેટલાક મુદ્દા થોડોક ભાષાફેર પામીને પુનરાવૃત્ત થઈને સ્થાણુખનન ન્યાયે એમના પ્રધાન વક્તવ્યને અભ્યાસીઓની ચિત્તભૂમિમાં દૃઢપણે રોપી આપે છે, પણ જે કંઈ અત્ર ઉલ્લેખ્યું ટાંક્યું છે તેમાં તેનું સારતત્ત્વ આવી જાય છે. ‘બધા સૂર ખિલાવજે મુનજચિત્ત – સારંગિના’ અને ‘બધાં ફલક માપજે મનુજબુદ્ધિ સીડીતણાં’ એવી શીખ કવિને આપતા ઠાકોરે ‘સર્જન-સફર’ કાવ્યમાં પણ વાણી-છંદ, બુદ્ધિ, કલ્પના, ભાવના અને સંકલનકલા, એ સૌના સહકારી સંયોગની જરૂર કાવ્યસર્જનમાં પ્રતિપાદી છે, જેમ તેમણે હમણાં તપાસી એવી તેમની સર્વગ્રાહી કાવ્યવિચારણામાં પણ ભારપૂર્વક સ્થાપી-અનુમોદી છે. પણ એમની બોલવા તથા લખવાની રીત જાણે પોતે મેજ ઉપર હાથનો હથોડો ઠોકીને with a bang બોલતા હોય એવાં ભાર, જોર, ઉત્કટતા, આવેશ અને બુલંદીવાળી છે કે એમની પોતાની સર્જનરીતિ અને કવિતાશૈલી જેનું પુરસ્કારણ કરી તેનું મૂર્ત દૃષ્ટાંત બનતી હતી, તે વિચારપ્રધાન્યની જીકર એમનાથિ એટલી બધી થઈ ગઈ કે એક જરૂરની ને સારી વસ્તુનો પ્રચારક ઉત્સાહમાં અતિયોગ (too much of a good thing) થઈ ગયા જેવું બન્યું છે. એકલું પદ્યકૌશલ, અર્થની તમા વિનાનું સંગીતતત્ત્વ, સ્થિરદ્યુતિ કલ્પનાજ્યોતના નહિ પણ ક્ષણિક જ્યોત તરંગ કે દુરાકૃષ્ટ કોટિ (once it)ના ચમકારા, અશ્લિષ્ટ અદોદળો કાવ્યબંધ – આ બધું સારી કવિતા લેખે ખપવા ન માંડે એ માટે પ્રમાણભાન અને ઔચિત્ય-વિવેક રખાવનાર બુદ્ધિતત્ત્વ તથા જાગૃત કલાવ્યાપારનું નિયમન એની ઉપર સ્થાપવાની અને કાવ્યના અંતસ્તત્ત્વરૂપ અર્થ અને ધ્વનિની પૂજાસ્થાને પ્રતિષ્ઠા કરવાની જરૂર અવશ્ય હતી. એ જરૂર પૂરી પાડવાનું ઠાકોરે કર્યું તે તેમની કવિતાની તેમ ગુજરાતી સાહિત્યની અમૂલ્ય સેવા છે. પણ વધુ સારો શબ્દ ન જડતાં આ બધાને માટે ‘વિચારપ્રધાન’ શબ્દ વાપરી તે દ્વારા કાવ્યસર્જનમાં બુદ્ધિયોગની ઇષ્ટોપકારકતા અને આવશ્યકતા સૂચવવા મથેલા ઠાકોર વિચારપ્રધાન કવિતાને જ ‘દ્વિજોત્તમ’ કવિતા કહેવા-મનાવવાની જે અભિનિવેશયુક્ત ઝુંબેશ આદરી બેઠા, તેને અનભ્યસ્તોને એ શબ્દના અતિસરલીકરણ ભણી વાળી તેમાંના ઘણા પાસે એવી કવિતાનો ઢગલો રચવ્યો, જે પદ્યદેહી લઘુ-નિબંધોથી બહુ ચડિયાતો ન હતો. ઠાકોરના વિચારપ્રાધાન્ય પરના અતિભારનું પરિણામ એ આવ્યું કે ‘સુંદરમ્‌’ અને શ્રી ઉમાશંકર જેવા વર્તમાન અગ્રણી કવિઓ, જેમણે ન્હાનાલાલ – શૈલીના તેટલા જ સ્વકીય વૈશિષ્ટ્યવાળા કાવ્યસર્જન સાથે ઠાકોરશૈલીને સાદર ાનુસરણનું માન આપ્યું હતું – જેમાં ‘સુંદરમે’ તો ઠાકોરની કવિતા અને કવિતા-શૈલીનું સોત્સાહ પુરસ્કરણ અને પ્રતિષ્ઠાપન કર્યું હતું – તેમને જ ‘સબૂર’ એમ પોકારવું પડ્યું. ‘સુંદરમે’ શ્રી અરવિંદની ભાવિ કવિતા વિશેની ભાવનાના પ્રકાશમાં કવિતામાં સૌંદર્યતત્ત્વ અને મંત્રવાણીનું મહત્ત્વ દર્શાવી એકલા બુદ્ધિતત્ત્વ પરના ઝોકની અધૂરપ દર્શાવી; અને શ્રી ઉમાશંકરે એને ઠાકોરનું ખંડદર્શન કહ્યું અને ઠાકોરના વિચારપ્રાધાન્યવાદના સવા દાયકા સુધી પ્રવર્તેલા વર્ચસને એક પાપ થઈ ગયાનું જણાવ્યું! ઠાકોરનાં કેટલાંક આત્યંતિક વલણો પણ સમીક્ષા માગે છે. તેમણે લોકપ્રિયતાનું પૂરું અવમૂલ્યન કરી નાંખ્યું, પણ સત્ત્વશાળી કૃતિ સાથે લોકપ્રિયતાનો ‘સોનહિ મિલત સુહાગા’ જેવો સંબંધ અકલ્પ્ય ને અસંભવિત નથી, તે એમણે રામાયણ-મહાભારતાદિની આજ સુધીની આસેતુહિમાલય જનપ્રિયતાથી સ્વીકારી લેવું જોઈતું હતું. એમણે સંગીતનો છેદ કવિતા પરત્વે ઉડાડી દીધો, પણ ભલે જુદી તોય ભગિની-કલાઓ એવી એ બંને કલાઓ ક્યારેક એક જ કૃતિમાં સંવાદી સહનૃત્ય કરતી જોવા મળતી હોય (દા.ત. કાવ્ય તરીકે પણ ઉત્તમ હોય એવાં ગીતોમાં) તો એ ધન્ય અનુભવને વધાવી લેવાનું શીદ ચૂકવું? વિચારપ્રધાન ને લાંબી મહાકાવ્ય જેવી કવિતા માટે શ્લોક ને છંદાનુસારી યતિનાં બંધનથી મુક્ત અગેય પ્રવાહી પદ્યરચનાની તેમણે તેની અનિવાર્ય આવશ્યકતા માની હિમાયત કરી, પણ અનુષ્ટુપે એવું જ કામ રામાયણ-મહાભારતાદિમાં આપ્યું છે તેય ધ્યાનમાં રાખવું ઘટે છે. તે સાથે એ પણ ભૂલવું ઘટતું નથી કે અંગ્રેજી બ્લૅન્કવર્સ, જેનું કામ અગેય પ્રવાહી પદ્ય પાસેથી લેવું તેમણે પુરસ્કાર્યું છે, તેના જેવો પ્રયત્નબંધ ગુજરાતી પદ્યરચનામાં તેની બંધારણગત ભિન્નતાને કારણે કોઈ રીતે શક્ય નથી. મહાકાવ્ય વિચારપ્રધાન કવિતામાં જ શક્ય હોવાની તેમની વાત પણ ‘મહાકાવ્ય’ શબ્દનો પરંપરાગત epic – પ્રકાર એવો અર્થ કરીએ તો બહુ નભે એવી નથી. ‘મહાકાવ્ય’ શબ્દને પ્રશસ્તિવાચક ગણી ‘ઉત્તમ કાવ્ય’ના અર્થમાં ઘટાવી ચિંતનોર્મિ કાવ્યો માટે એ વિધાન સાચું માની શકીએ, પણ કાવ્યપ્રકાર મહાકાવ્ય – માં વસ્તુ અને રસના પ્રવાહના સાતત્યની અને વિપુલકાય કૃતિની પુદ્‌ગલગત એકતાની સાધનામાં સર્જકના કાવ્યકૌશલને નિયમતા બુદ્ધિવ્યાપારને કારણે વિચારપ્રધાનતા પ્રવર્તે છે એમ કહો કે ગણો તો ભલે, બાકી એ વસ્તુતઃ અભિધાવો ઘટે કથનપ્રધાન કે કથાત્મક – વર્ણનાત્મક કાવ્યપ્રકાર. ‘કવિઓ જન્મે છે, બનતા નથી’ (Poets are born,not made) એ કથનના નિષેધાત્મક ઉત્તરાર્ધનું નિરસન કરી, કવિઓ ઘડ્યા ઘડાય છે, બન્યા બને છે, એવી સ્થાપના કરવા અને રચાયેલી કવિતાની પ્રતિષ્ઠા વધારવા ઠાકોરે સર્જકના સભાન કલાસાધના વ્યાપારનું, તેનાં કસબ-કારીગરી-કૌશલનું, (કદાચ વૉલ્ટર પેટર જેવાને અનુસરીને) વધુ પડતું ગૌરવ કરી, સર્જનમાં ખપે એવી કૃતિની સફળતા માટે તેને નેવું પંચાણુ ટકા જેટલો જશ આપી, બાકીના પાંચ-પંદર ટકાનો જશ કૃતિના અકલિત, આશ્ચર્યવત્‌ અને દત્ત (inspired) લાગતા ઉત્તમાંશ માટે કવિની આંતરશક્તિને આપવાનું કરી, તેનેય માનવીય કરામત કહેવામાં ઠાકોરે તેમના મિત્ર ત્રિભુવનદાસ ગજ્જરના – (પ્રતિભા એટલે ૯૯ ટકા ખંતીલો શ્રમ અને એક ટકો પ્રભુદત્ત પ્રેરણા) એ પ્રિય સિદ્ધાંતના પલ્લામાં પોતાનું બધુ વજન નાખ્યું છે. પણ કૉલરિજ જેવાની સ્વપ્નપ્રેરિત સહજ – કૃતિઓ વિશે જાણનાર અને પોતાની એક ઉત્કૃષ્ટ રચના ‘ભણકાર’માં સૂતેલો લવું નવલ અર્ધા અનાયાસ છંદ’ એમ લખતા ને એવા અનુભવનો સ્વીકાર કરતા ઠાકોરને એવા પરિણામની ફિકર ન નડી કે સભાન કલાકારીગરીની અતિપૂજાથી કાવ્યકૃતિઓ ઊંચાં સર્જનો (creations) બનવાને બદલે સફાઈદાર પ્રયત્નસાધ્ય બાહ્ય કરામત કે રચના (constructions) બની બેસશે. ઠાકોરની કાવ્યતત્ત્વચર્ચા, રમણભાઈ, આનંદશંકર, રામનારાયણ પાઠક, આદિની માફક તેમણે ભારતીય પરંપરાની સંસ્કૃત કાવ્યમીમાંસાનો યથેષ્ટ લાભ લીધો કે વિનિયોગ કર્યો હોવાનું દેખાડતી નથી. ઠાકોરે પાશ્ચાત્યની સાથે જે અત્રત્ય કાવ્યભાવનાના સંઘટ્ટનની વાત કરી હતી, તે આથી ગુણ, અલંકાર, રીતિ, ધ્વનિ, રસનિષ્પત્તિ ઈ.માં વ્યાપૃત કાવ્યભાવનાની નહિ, પણદલપત શૈલીની, નરસિંહરાવશૈલીની, ‘કલાપી’શૈલીની, ન્હાનાલાલશૈલીની અને લલિત-ખબરદારાદિની શૈલીની કવિતમાંથી ઊપસતી કવિતાદૃષ્ટિની હતી, એમ જ સમજવું પડે છે. ઠાકોરની કાવ્યસમજ અંગ્રેજી કવિતાના તેમ કાવ્યમીમાંસાના વાચન - પરિશીલનથી વિશેષ ઘડાઈ જણાય છે. તેમણે ઊર્મિકાવ્યની સદૃષ્ટાંત ચર્ચા-મીમાંસામાં ‘લિરિક’ પુસ્તકમાં જે નમૂના ટાંક્યા – ઉલ્લેખ્યા છે તેમાંના ઘણા અંગ્રેજી કવિતના છે. પોતાની કાવ્યચર્ચામાં તેમણે જેમનાં મંતવ્યો ને કથનો નિર્દેશ્યાં ને ઉતાર્યાં છે તે પણ બહુધા અંગ્રેજ કવિ – વિવેચકોનાં છે. ‘કવિતાશિક્ષણ’ની નવી આવૃત્તિના પરિશિષ્ટમાં ઉતારેલી ચૂંટેલી સામગ્રી પણ અંગ્રેજી-યુરોપીય છે. ગુણદૃષ્ટિથી બોલવું હોય તો એમ બોલાય કે ઠાકોરની કાવ્યભાવના છેક ઈમેજિસ્ટ કવિઓની કાવ્યભાવના સુધી પહોંચતી હોઈ પશ્ચિમી કાવ્યમીમાંસાની શક્ય તેટલી અદ્યતન વિકાસગતિના પરિચયનું પરિણામ હોઈ, તે અત્રત્ય (ભારતીય સંસ્કૃતિ તેમ જ સમકાલીન ગુજરાતી) કાવ્યમીમાંસાની યથાયોગ્ય સંપૂર્તિરૂપ બની છે. ઠાકોરની કવિતાશિક્ષણ તરીકેની જે કોઈ કોઈ મર્યાદા હમણાં ચીંધી તે ખરું જોશો તો અતિભારની છે. એમાંથી જિકરનું અને ‘જ’ કારનું તત્ત્વ કાઢી લો, તો કવિ વિશેની સામાન્ય કાવ્યરસિકની રૂઢ સમજણ ઠાકોરે વિશદ અને પરિષ્કૃત કરી આપી તથા કેટલાક ધ્યાનપાત્ર અંશો એમાં ઉમેરી તેને વિસ્તારી આપી ગણાય. એ રીતે જોતાં, જેમ અગેય પ્રવાહી પદ્યથી તેમ જ પૃથ્વી છંદના તદર્થ વિનિયોગથી ગુજરાતી પદ્યરચનાને અંગ્રેજી બ્લૅન્ક વર્સનું કામ આપતી કરી, ગુજરાતી કવિતમાં સૉનેટનો છોડ દૃઢપણે રોપ્યો, એમની કાવ્યભાવના માટે દૃષ્ટાંત પૂરું પાડે તેવી કવિતા લખી, અને કવિતામાં સાહસિક પ્રયોગશીલતા લાવ્યા, એ બાબતમાં કાવ્યસર્જન ક્ષેત્રે એમણે ઐતિહાસિક અગત્યની સેવા બજાવી છેઃ તેમ કવિતાને ઊર્મિલતા અને રૂઢ કાવ્યાભાસી વાગ્ડંબરથી તેમ જ સંગીત કે ગેયતાની પકડથી છોડાવી બુદ્ધિતત્ત્વના હાથમાં એનું સુકાન મૂક્યું અને કાવ્યનિર્મિતિમાં સર્જકના બુદ્ધિયુક્ત કલાવ્યાપાર પર ભાર મૂકી એને સાધનાનું ગૌરવ આપી કવિકર્મનું અધિમૂલ્યન કર્યું, એ એમની સેવા પણ ઐતિહાસિક મૂલ્યની છે. આ બાબતમાં ઠાકોરે એવી અદ્યતનતા દેખાડી છે કે આજનો જુવાન ગુજરાતી કવિવર્ગ નરસિંહરાવ, કલાપી કે ન્હાનાલાલના કવિકુળનો નહિ તેટલો ઠાકોરના કુળનો કહી શકાય, એ રીતે એમની ચીંધેલી દિશા ભણી, પશ્ચિમની પણ અસરથી, એમના પછીની ગુજરાતી કવિતાની ગતિ થતી રહી છે.

નોંધ:

  1. વડોદરા ખાતે તા. ૨૩-૧૦-૬૯ના રોજ ઊજવાયેલ બળવંતરાય ઠાકોર શતાબ્દી વેળા અપાયેલ વ્યાખ્યાનના મુદ્દાઓનું લેખસ્વરૂપ.
  2. ‘આપણી કવિતાસમૃદ્ધિ’ (આવૃત્તિ ૧) પ્રવેશક. પૃ. ૩૪.
  3. ‘નવીન કવિતા વિશે વ્યાખ્યાનો’ પૃ.૧૪૫
  4. ‘લિરિક’, પૃ.૧૫૯
  5. ‘નવીન કવિતા’... પૃ.૧૪૬
  6. ‘લિરિક’, પૃ.૧૫૯
  7. ‘નવીન કવિતા...’ પૃ.૧૧૬
  8. ‘નવીન કવિતા’ – પૃ.૧૧૪.
  9. ‘નવીન કવિતા’ પૃ. ૬૩

Lua error: Cannot create process: proc_open(/dev/null): Failed to open stream: Operation not permitted

(‘તારતમ્ય’)