વાર્તાવિશેષ/૧૩. એક અંત : બે નવલિકા

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
૧૩. એક અંત : બે નવલિકા

<hr class="wst-rule " Lua error: Cannot create process: proc_open(/dev/null): Failed to open stream: Operation not permitted /> <hr class="wst-rule " Lua error: Cannot create process: proc_open(/dev/null): Failed to open stream: Operation not permitted />

‘સાગરસંગમે’, ‘શ્મશાનયાત્રા’

પ્રેમેન્દ્ર મિત્ર કૃત ‘સાગર-સંગમે’ એક ઉત્તમ બંગાળી વાર્તાનાં બધાં લક્ષણો પૂરાં પાડે છે. વાર્તાનો આરંભ નાવમાં ખીચોખીચ બેઠેલી બંગાળી યાત્રાળુ સ્ત્રીઓમાંની એક દાક્ષાયણીના વિલક્ષણ વ્યક્તિત્વ તરફ ધ્યાન કેન્દ્રિત કરે છે. દાક્ષાયણી અહીં સંપન્ન ઘરની જુનવાણી સ્ત્રીઓની માત્ર પ્રતિનિધિ નથી. એની ભાષામાં પણ વ્યક્તિત્વ છે. નાવમાં વેશ્યાઓને ભેગી બેસાડવા બાબતે નાવિક પર ગુસ્સે થઈને એ શાપ વરસાવે છે એ વખતની એની ભાષા જોવા જેવી છે. પણ એમાં તો દાક્ષાયણીના વ્યક્તિત્વની સપાટીથી વધુ દર્શાવવાની જરૂર નથી. લેખકે આ પ્રૌઢા અને આઠ વર્ષની એક ચબરાક વેશ્યાપુત્રીને સામસામે મૂકીને અસંતુલિત લાગે એ પ્રકારનાં પરિબળોમાંથી સંઘર્ષ જન્માવ્યો છે. જિજ્ઞાસા ટકાવી રાખે બલ્કે વધારે એવી ઘટનાઓ પણ બને છે. નાવિકને કોગળિયું થવાનો દાક્ષાયણીનો શાપ જુદી જ રીતે ફળે છે. વેપારી વહાણ સાથે નાવ અથડાતાં એમાં ગાબડું પડે છે. બધાં અંધારામાં તણાય છે. જે થોડાંક યાત્રિકો અજાણ્યા ખલાસીઓની મદદથી બચ્યાં એમાંથી દાક્ષાયણી અને બાતાસીને સાથે મૂકીને સંઘર્ષમાંથી સંબંધ જગવવાની – બંને પાત્રોનું સ્વરૂપાંતર સિદ્ધ કરવાની કપરી કામગીરી હાથ ધરી છે. એક જ લાકડું બાતાસી અને દાક્ષાયણીનો આધાર બને છે. શરૂઆતના ઝઘડા વખતે બાતાસીના જવાબ સાંભળીને એના ‘દૂધિયા દાંતમાં શું ઝેર ભર્યું છે! મોટી થઈ રાંડ કેટલાંયનાં ઘર બાળશે કોણ જાણે!’ એવું કહેનાર દાક્ષાયણીના હૃદયમાં એની ચીસો સાંભળી અનુકંપા જાગે છે. પછીની ક્ષણે પાછો પ્રશ્ન થાય છે : આને બચાવી સંસાર પર પાછો પાપનો ભાર વધારવો? બાતાસી ચાર-પાંચ વાર ડૂબકી ખાઈને પાણી પી જાય છે ત્યાં દાક્ષાયણી એના ભણી કૂદે છે. બચાવવા જતાં એ પોતેય બેહોશ થઈ જાય છે. ભાવી સંબંધની આ પહેલી કડી છે. બીજી કડી ખલાસીઓ પૂરી પાડે છે. એમની વાત સાંભળી દાક્ષાયણી ખુલાસો કરે છે : ‘આ છોકરી મારી નથી.’ સાંભળીને બધા હસી પડે છે. ઘરડો માછી કહે છે : ‘મા ઠાકુરણની વાત સાચી છે. આ તો ગંગામાએ દીધેલી દીકરી છે. કેમ બેટી, સાચું છે ને?’ માછીઓએ જે માની લીધું છે એની જાણે કે બંને પર અસર પડે છે. પણ બંને વચ્ચે હજી વિશ્વાસ જાગ્યો નથી. બાતાસી પાછળ પડી જાય કે વાગે ત્યારે દાક્ષાયણી મિશ્ર લાગણી અનુભવે છે. એમના અંતરતમ માતૃત્વનો વિકાસ બતાવવામાં લેખકે સહેજે ઉતાવળ કરી નથી. ઠંડી જોઈ દાક્ષાયણી અનિચ્છાએ પણ બાતાસીને બાજુમાં સુવડાવે છે. સવારે જાગીને જુએ છે તો છોકરીનો હાથ એમના ગળે વળગેલો હતો. એ એમની છાતીએ બાઝી ઘસઘસાટ ઊંઘતી હતી. અહીં એમને વિચાર આવે છે : ‘આ નિર્દોષ ચહેરા પર પાપનું કોઈ ચિહ્ન નથી જણાતું.’ અને ગળે વળગેલો કોમળ હાથ છોડાવવો મુશ્કેલ થઈ જાય છે. જાગ્યા પછી બાતાસી ચિંતા, ભય અને આશ્ચર્યનો મિશ્ર ભાવ અનુભવે છે. દાક્ષાયણીનો મમતાભર્યો વ્યવહાર જુએ છે. આ ક્ષણ વાર્તાનું મધ્યબિન્દુ છે. ધીરે ધીરે બાતાસીનું નિર્દોષ અને ચતુર વ્યક્તિત્વ પૂર્વવત્ દેખાવા લાગે છે. દાક્ષાયણી પાછાં પ્રાયશ્ચિતનો ભાવ અનુભવે છે. ગંગા-સાગર ઊતરીને બાતાસીનો ત્યાગ કરવાનો એ સંકલ્પ કરે છે. એમના પગ દબાવવા માંગતી બાતાસીને એ રજા આપતાં નથી. પછીના પ્રવાસમાં વહાણ ડોલે છે ને બાતાસી દાક્ષાયણીને વળગી પડે છે. એ સ્થિતિમાં બંને ગંગા-સાગર પહોંચે છે. બંનેને નજીક લાવવામાં અને રાખવામાં લેખકે પરિસ્થિતિ અને વાતાવરણનો પૂરતો લાભ ઉઠાવ્યો છે. પાત્રોના સંબંધની ભાવી અનિશ્ચિતતા ટકાવી રાખીને વાર્તારસ પણ સાચવી રાખ્યો છે. ઝાકળનું પાણી ઝૂંપડીની છતના ઘાસમાં થઈ ટપકે છે તે ક્ષણે બાતાસીનું જાગવું, સૂર્યોદય પહેલાં સ્નાન કરવાનું પુણ્ય લઈ લેવા તત્પરતા દાખવવી અને અનેક નાના પ્રશ્નો પૂછીને દાક્ષાયણીનો જીવ ખાવો આ બધું વાત્સલ્ય જગવવામાં નિમિત્ત બને છે. એ ભીડમાં ભૂલી પડે છે. ને જોવા ન મળતાં છેવટે દાક્ષાયણી એના નામની બૂમો પાડી બોલાવે છે, છેક સાંજે પત્તો લાગે છે ત્યારે એક તમાચો ચોડી દે છે. આ એમના સંબંધની છેલ્લી અને કાયમી કડી છે. વાર્તાને અંતે બાતાસી મૃત્યુ પામે છે. ન્યૂમોનિયામાં એ બચતી નથી. એને હૉસ્પિટલમાં મૂકી ત્યારથી જ દાક્ષાયણી મૂઢ બની ગયાં હતાં. એમની એ મનોદશાનું વર્ણન પણ સુંદર છે. સ્નાન કરી પાછાં ફરતાં, એ ઢગલો રમકડાં ખરીદે છે. હવે એ ભગવાનને પ્રાર્થના કરી રહ્યાં છે : ‘હે દયાનિધિ મારી બાતાસીને બચાવ!’ છોકરીને હૉસ્પિટલમાં મૂકવા બદલ એમને પસ્તાવો થાય છે. હૉસ્પિટલના પડદા ચીરી, દોડી, બાતાસીને છાતીએ વળગાડી અહીંથી ભાગી જવાની એમને ઇચ્છા થાય છે. આવાં ઉત્સુક અને અધીરાં દાક્ષાયણી દાક્તરના મોંનો ભાવ જોઈ સમજી જાય છે. જડ બની, આંખો ફાડી જોઈ રહે છે. છેવટે હૉસ્પિટલની નોંધ માટે માહિતી આપવાની હોય છે. ‘થોડી વાર સુધી દાક્ષાયણી મૌન રહ્યાં. પછી એકાએક ઊભાં થયાં. સ્વયંસેવકના હાથમાંનો ચોપડો લઈ કલમ પકડી. તેમાં બાતાસીની માતા તરીકે પોતાનું તથા પિતા તરીકે પતિનું નામ લખ્યું. જન્મસ્થળ પોતાનું સાસરું બતાવ્યું.’ આ ક્ષણે પહોંચ્યા પછી વાચક પાછળ નજર કરશે તો આ મોટું અંતર વટાવ્યાનો એને ખ્યાલ આવશે. દાક્ષાયણીના માતૃત્વ આડેનાં રૂઢિ અને સંપ્રદાયનાં કેટકેટલાં આવરણો લેખકે લીલયા દૂર કરીને માનવીય સમૃદ્ધિની ઝાંખી કરાવી છે! આ કંઈ કલા ખાતર કલાવાળી વાર્તા નથી. માનવતાવાદી હોઈ એક અર્થમાં તો હેતુલક્ષી છે જ, છતાં લેખકના કલા-કૌશલ્યનો એને કેવો સહારો મળ્યો છે! બાહ્ય સૃષ્ટિના અનુભવો અને અંતે આંતર-સૃષ્ટિના રહસ્યને પ્રગટાવતી વાર્તાકલા જોઈ બંગાળીઓ માટે ઇર્ષ્યાભર્યો આદર જાગે છે. શ્રીકાન્ત વર્માકૃત ‘સ્મશાનયાત્રા’ (‘શવયાત્રા’) એક નાની ઓરડીમાંથી શરૂ થઈને શહેરની સડક પરથી પસાર થતી નદીની સામી બાજુના સ્મશાન સુધી પહોંચે છે. વાર્તામાં ખપમાં લેવાયેલી ભૌગોલિક પરિસ્થિતિમાં વધતી મોકળાશ પાત્રના માનસિક ઉઘાડમાં સ્વયં સહાયક થાય એવો સંદર્ભ જાણે કે લેખકને આપોઆપ મળી આવ્યો છે. અલબત્ત, વાર્તામાં સધાયેલી સહજતાને લીધે ભાવકને આમ લાગે એથી લેખકની કલ્પકતા ઓછી આંકવાની નથી. જાણ થતાં પોલીસ તપાસ કરીને ઓરડીની બહાર આવતાં એના વારસ વિશે પૂછ્યું. જવાબ ન મળ્યો, બંદોબસ્તની ચિંતા કરતાં પાછું પૂછ્યું : ‘હિન્દુ હતી કે મુસલમાન?’ એક છોકરા પાસેથી જવાબ મળ્યો : ‘રંડી હતી.’ પછી થોડાક ભૂતકાળમાં જઈને લેખકે ઈમરતીબાઈની ઓળખ આપી. એ પણ લોકોના અભિપ્રાય દ્વારા. એણે દીવાલ પર સારા અક્ષરોથી લખાવ્યું હતું : ‘ઉધાર મહોબ્બતની મનાઈ છે.’ એ બહુ ઓછું બોલતી, નાચગાન કે લટકાં નહોતી કરતી, સાદી સીધી રંડી હતી. પાનવાળાએ એને ઇલાજ કરાવી લેવા સલાહ આપેલી પણ ‘કમબખ્ત જીવી ત્યાં સુધી આખી દુનિયામાં બીમારી વહેંચતી ફરી.’ પોલીસનું ચા-બીડીનું ચાલતું હતું ત્યાં મ્યુનિસિપાલિટીનું મેલું ઉપાડવાનું ગાડું હાંકતો બંસીલાલ ‘ડ્યૂટી’ પર જતો દેખાયો. એણે ઈમરતીબાઈના મૃત્યુના સમાચારને કંઈક અવિશ્વાસથી સાંભળ્યા અને ખાતરી કરવા માગતો હોય એમ એ છેક ઓરડીની અંદર ગયો : ‘ઈમરતીને એણે ઘણી વાર જોઈ હતી અને એણે કોઈ ને કોઈ દિવસ એને ત્યાં જવાનો મનસૂબો પણ ઘડી રાખ્યો હતો. ગોરો ને ગુલાબી દેહ ને આટલું વપરાઈ ગયા પછી પણ કસેલું લાગતું એવું એનું બદન!’ પણ એ પૂરતા પૈસાના અભાવે એને ત્યાં જઈ શકેલો નહીં. લેખકે બંસીલાલની આર્થિક સ્થિતિ સાથે એના રૂપરંગ ને નાના કદનો પણ ઉલ્લેખ કરી લીધો છે. વળી, એ વાંસળી વગાડતો તેથી એની એક મંડળી પણ થઈ ગઈ હતી. બંસીલાલમાં કંઈક ખૂટે છે એની સાથે કંઈક છે પણ ખરું એ જણાવીને કહ્યું છે કે મૃત્યુ પામેલી ઈમરતીબાઈનું આ રૂપ જોઈને એને જરા દુઃખ થયું. શરીર પર સાડી ઢાંકી દીધી. લાશને બહાર લાવ્યા પછી બંસીલાલને ગાડું ધોઈ લેવાનું મન થાય છે. લેખકે એનામાં ક્રમશઃ રુચિ પ્રગટતી – વિકસતી દાખવવા એક પછી એક ઘણી ક્ષણો ઝડપી છે. એ ગાડું બે વાર ધુએ છે. પોતાને ભાગે આ જે કંઈ કરવાનું આવ્યું છે એમાં એ જાણે-અજાણે ખુશી પણ અનુભવે છે. એ જાણે છે કે આ શબ છે પણ એનો પક્ષપાત કંઈ એથી મૃત્યુ પામ્યો નથી. શબ ટૂંકા ગાડામાં બરોબર ગોઠવાય, માથે ઓશિકા જેવું કંઈક મુકાય એ બધાની એ કાળજી લે છે. ગાડા પર ઊભો રહીને સહુ ઉપર નજર નાખે છે ત્યારે પોતે કંઈક ઊંચો હોવાનું અનુભવે છે. લેખકે બીજું કશું નથી કહ્યું પણ વાચકને આ ક્ષણનો બંસીલાલ ક્ષણાર્ધ માટે વરરાજા જેવો લાગે તો નવાઈ નહીં! વળાંક પર આવીને ગાડું ઊભું રાખી એ તપાસ કરી લે છે. કપડું ખસી જતાં એ મૃત શરીર લગભગ નગ્ન થઈ ગયું હતું. લેખક અહીં નોંધે છે : ‘એકવાર એની નજર એના પર ચોંટી ગઈ. પછી એને શરમ જેવું લાગ્યું અને એણે શરીરને કપડાથી ઢાંકી દીધું.’ બંસીલાલ પાસે સાત રૂપિયા હતા. કામના હતા. પણ કોઈક અસંપ્રજ્ઞાત ક્ષણે એણે નિર્ણય કરી લીધો છે કે હવે આ મૂડીનું શું કરવું. પરચૂરણ લે છે. લેખક અહીં પાનવાળાની રુચિ કરતાં બંસીલાલની રુચિને વધુ સ્વસ્થ બતાવતો નિર્દેશ કરી લે છે. શબનો તકિયો સરખો કરવા જતાં એ જરાક હલી ગયું ને બંસીલાલ થથરી ઊઠ્યો. એના જીવતા શરીરને સ્પર્શ કરવાના વિચારથી એને રોમાંચ જેવું થઈ ગયું. અહીં એ સ્મરણોમાં વહે છે. રંગબેરંગી સાડી પહેરીને બારણે ઊભેલી ઈમરતીબાઈને એ જોતો. જાણે રાણી રૂપમતી! નજર મેળવતાં એને શરમ લાગતી, પસાર થતાં દિલ ધડકતું પણ આગળ નીકળી ગયા પછી પાછળ ફરીને જોતો જ. એણે ઈમરતીબાઈના એ રીતે ઊભા રહેવા અને પોતાના પસાર થવા વચ્ચે સંબંધ જોડી દીધો હતો : ‘કોઈક ને કોઈક દિવસે હું જરૂર એની પાસે જઈશ.’ પછીની ક્ષણે બંસીલાલ પરચૂરણની થેલી ઉઘાડે છે ને જે પૈસા એને પૂરતા વહાલા છે એ હવામાં ઉછાળે છે. એમાંથી છોકરાં અને ભિખારીઓનું ટોળું ઊભું થાય છે અને આગળ-પાછળ સ્મશાનયાત્રાનું દ્રશ્ય રચાય છે. વાચકને પહેલી નજરે એમ લાગે કે આ સંખ્યા ઊભી કરવા અને ટકાવી રાખવા એ પૈસા વેરે છે, વાજાંવાળાને બોલાવે છે. પણ મુખ્ય વસ્તુ કદાચ બીજી છે. ઈમરતીબાઈ પાસે એણે જવાનું હતું એની જાણે કે આ ચુકવણી છે. એ ઉડાઉગીરી કરી રહ્યો નથી. જાણે કે અધૂરા રહી ગયેલા મનસૂબાની કિંમત ચૂકવી રહ્યો છે. પણ આ વસ્તુ એ પોતે પણ ન જાણતો હોય એવું સાવધ આલેખન થયેલું છે. ઊછળતા સિક્કા, આગળ-પાછળ વહેંચાયેલું ટોળું, ‘રામ નામ સત છે, સહુની આ જ ગત છે’, એવા પુનરાવર્તન પામતા લલકાર, ગાડું ઝડપથી ચલાવવા પાડાની પીઠ પર પડતા ડંડા – આ બધામાં ગાડાનું નનામી જેવું દેખાવું, આ દ્રશ્ય જોવા સ્ત્રીઓનું આગાસીઓ પર ચડીને જોવું, એને કોઈ મહેતર તરીકે ઓળખાવે એથી ખોટું લગાડવું અને એના પ્રત્યાઘાતરૂપે વાજું જોરથી વગાડવા કહેવું, છેવટે નદીનો પુલ આવતાં ટોળાને પાછું લઈ જવા બચેલા સિક્કાની થેલી ભિખારીને જ સોંપવી – આ બધાથી ‘સ્મશાનયાત્રા’નું ગતિશીલ ચિત્ર રચાય છે જે વાચકને બીજું કશું વિચારવા – સમજવાની છૂટ ન આપે એ રીતે રોકી રાખે છે. હવે સ્મશાન નજીકમાં છે. ત્યારે રસ્તાના માણસોની વાતચીત દ્વારા એક અપેક્ષા જગવવામાં આવી છે. કોઈક વાર મડદાં બેઠાં થઈ જાય છે. આવી અપેક્ષા બંસીલાલની અંદર પણ પડેલી હતી. અહીં એ આનંદ અને અવિશ્વાસથી શબની નાડી તપાસે છે. છેવટે ખબર પડે છે કે જે ધડકી રહ્યું હતું એ તો એનું પોતાનું હૃદય હતું. અહીં સુધી વાર્તા અતૃપ્ત કામની, ક્યારેક નરી કુંઠાની વ્યંજના કરતી લાગે છે. વિધાયક ભાવોમાં કુંઠાનું સુપેરે ગોપાન હોવાથી વ્યંજના સધાઈ છે. પણ લેખક વાર્તાના એક એવા બિન્દુએ પહોંચાડવા માગે છે જ્યાં માનવીય ભાવવિસ્તાર સધાય. સ્મશાનના ચોકીદારને શા જવાબ આપવાના છે એ વિશે બંસીલાલે પહેલાંથી વિચાર્યું નથી. એને માટે એ શક્ય પણ ન હતું, ઈમરતીબાઈની ઉંમર તો એણે સહેજે અચકાયા વિના ‘બત્રીસ વરસ’ જણાવી દીધી પણ ચોકીદારે વરનું નામ પૂછ્યું ત્યારે એ જરા અટક્યો, આમતેમ જોયું ¬¬– જાણે કોઈ સાંભળી તો નથી રહ્યું ને! – અને કહ્યું : ‘બંસીલાલ વાલ્મીકિ.’ પતિ તરીકે સહી કર્યા પછી શબ ઉતારતાં, એને બરોબર સાડી ઓઢાડતાં અને પછી ખાડો ખોદતાં બંસીલાલ બીજો બની ચૂક્યો છે, કેમ કે એના અતૃપ્ત કામનું એક માનવીય સંબંધમાં રૂપાંતર થઈ ગયું છે. આમ, શબના વર્ણનથી શરૂ થયેલી વાર્તા એક જીવતા માણસના હૃદયમાં વિરમે છે. । । । આ બંને સ્વયંપર્યાપ્ત વાર્તાઓ છે. એકમાં વેશ્યાની છોકરી છે અને બીજીમાં વેશ્યાનું શબ છે. એ તો માત્ર આધાર છે. બંને વાર્તાઓમાં બીજા પાત્રના પ્રતિભાવ મહત્ત્વના છે. દાક્ષાયણી અને બંસીલાલના સંવેદન સાથે જ લેખકોએ કામ પાડ્યું છે. એ પાત્રોના સંવેદનનું વિકસવું અથવા કહો કે જાગવું એ જ લેખકોના સર્જનકર્મનું લક્ષ્ય છે. પણ આ પ્રકારની વિકાસરેખાઓ તો અનેક ઉત્તમ વાર્તાઓમાં જોવા મળશે. તેથી એ સામ્યને કેન્દ્રમાં રાખીને સરખામણી કરવાથી ભાગ્યે જ કોઈ નવા મુદ્દા પર આવવાનું બને. વાર્તાકાર કે એનો જાગ્રત ભાવક જાણે છે કે આ પ્રકારની નવલિકાઓમાં અંતનું કેટલું મહત્ત્વ હોય છે. એ એક પ્રભાવક તત્ત્વ બની જાય છે. દાક્ષાયણી બાતાસીની માતા તરીકે પોતાનું નામ લખે છે અને બંસીલાલ ઈમરતીબાઈના પતિ તરીકે પોતાનું નામ જણાવે છે એમાં એમના સંવેદન-વિકાસની છેલ્લી ક્ષણો ઝિલાઈ છે. બંનેના એ થોડાક શબ્દો પ્રસ્તુત વાર્તાઓમાં ઘટના બને છે. આ વાર્તાગત ઘટનાઓમાં દીવા જેવું સામ્ય છે. કહી શકાય કે પ્રેમેન્દ્ર મિત્ર કે શ્રીકાન્ત વર્મા કોઈ એક લેખકે આ બે વાર્તાઓ ન જ લખી હોત, પુનરુક્તિ કરી ન હોત. કેમ કે બંનેનો અંત એક છે અને આ પ્રકારની વાર્તાઓના અંત લેખકને પૂર્વ-અનુભૂતિ-રૂપે સાંપડેલા હોય છે. પૂર્વ-અનુભૂતિમાં શું હોય છે અને છેવટે એ કેવું શબ્દરૂપ ધારણ કરે છે એ આખી સર્જન-પ્રક્રિયા મોટે ભાગે રહસ્યમય રહી જતી હોય છે. લેખકોએ કહ્યું નથી કે આ વાર્તાઓ એમને કેવી રીતે સૂઝી, તેથી આ વિધાન પણ એક ધારણા જ છે છતાં બંને વાર્તાઓના અંતમાં રહેલું સામ્ય ઉપસાવવા આ એક વ્યાપ્તિદોષ વહોરવો પડે એમ છે. શ્રીકાન્ત વર્માએ ‘સ્મશાનયાત્રા’ લખ્યા પછી ‘સાગર-સંગમે’ લખી ન હોત અને પ્રેમેન્દ્ર મિત્રે ‘સાગર-સંગમે’ લખ્યા પછી ‘સ્મશાનયાત્રા’ લખી ન હોત એમ કહેવાથી વાત પૂરી થતી નથી. કેમ કે એથી તો એવું સૂચવાઈ જાય છે કે ભાવક માટે બેમાંથી એક જ વાર્તા પૂરતી છે. પણ હકીકતમાં એ બંને વાર્તાઓ જાણ્યા પછી એમના વિશે વાચકને એક સાથે વિચાર કરવાનું સૂઝે એમ છે અને વિચાર કરતી વખતે અંતના દેખીતા સામ્ય સાથે બીજી અનેક બાબતોનું નોખાપણું ઊપસી આવે એમ છે. તેથી કહેવાનું તો એ પ્રાપ્ત થશે કે અંતનું સામ્ય આકસ્મિક છે. વિશેષ નોંધપાત્ર તથ્ય છે બંને લેખકોનાં સાવ સ્વતંત્ર વ્યક્તિત્વ, જે એમના કલાસંયમને કારણે સતત નેપથ્યે રહ્યાં છે. પરંતુ એમ કહેવામાં સહેજે અતિશયોક્તિ નથી કે પ્રેમેન્દ્ર મિત્ર ‘સ્મશાનયાત્રા’ ન લખે અને શ્રીકાન્ત ન લખે ‘સાગર સંગમે’. પ્રેમેન્દ્ર મિત્ર પ્રગતિવાદી કહેવાય એવા ને શ્રીકાન્ત વ્યક્તિવાદી દેખાય એવા લેખકો છે માટે આ ભેદ છે, એ આ વાર્તાઓ જરૂર કહી જાય છે. બંને લેખકો માનવમનની ગતિ જાણે છે, પણ શ્રીકાન્ત જે માનસશાસ્ત્રીય આધાર લઈ શક્યા છે એ પ્રેમેન્દ્ર મિત્રની પેઢી માટે સહજ ન હતો. ધર્મભીરુ દાક્ષાયણી માટે વેશ્યાજીવન સામેની સૂગ સાથે કુંઠિત બંસીલાલના ઈમરતીબાઈ માટેના ઓરતાને સરખાવી જોતાં બંને વાર્તાઓની પરિસ્થિતિ સાથે સંકળાયેલા સમાજોની ભિન્નતા અને એ સમાજોને જોતા લેખકોના દૃષ્ટિભેદ સ્પષ્ટ થઈ જશે. દાક્ષાયણી માટે બાતાસી અને બંસીલાલ માટે ઈમરતીબાઈનું શબ ભલે આપદ્ધર્મ હોય, એ બંને પાત્રોનો સ્વીકાર અને માવજતમાં પણ મોટું અંતર છે અને એક બીજું અંતર છે લેખકોના કાકુમાં. પ્રેમેન્દ્ર મિત્ર ધીરગંભીર રહીને દાક્ષાયણીની સૂગને મમતામાં પલટી નાખે છે. જે ઉદારતા દાક્ષાયણીની દૃષ્ટિએ નબળાઈ છે એને અંતે સહજસિદ્ધ વાસ્તવિકતા બનાવતાં સુધી લેખકે જાણે કે દાક્ષાયણીની અદબ જાળવી છે. જ્યારે બંસીલાલની પડખે રહીને લેખકે લોકદૃષ્ટિને બરોબર ઝપટમાં લઈ લીધી છે. એક ઠાવકો કટાક્ષ ‘સ્મશાનયાત્રા’ના આરંભથી જ વરતાઈ રહ્યો છે. એ બંસીલાલના સંવેદનને ક્યાંય પ્રતિકૂળ નીવડ્યો નથી એ લેખકની ખૂબી છે. એક અંત ધરાવતી બે વાર્તાઓ સમગ્રપણે કેવું સ્વયંપર્યાપ્ત અસ્તિત્વ ધરાવે છે એમ કહેવા માટે આટલું નિરીક્ષણ પણ પૂરતું છે.

૧૯૭૬