વાર્તાવિશેષ/૧૨. બે વસ્તુ : ચાર નવલિકા

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
૧૨. બે વસ્તુ : ચાર નવલિકા

<hr class="wst-rule " Lua error: Cannot create process: proc_open(/dev/null): Failed to open stream: Operation not permitted /> <hr class="wst-rule " Lua error: Cannot create process: proc_open(/dev/null): Failed to open stream: Operation not permitted />

‘તલાશ’, ‘ગંધ’, ‘લાક્ષાગૃહ’, ‘એક ભટકી હુઈ મુલાકાત’

૧. હિન્દી લેખક કમલેશ્વરની વાર્તા ‘તલાશ’ અને મરાઠી લેખિકા જ્યોત્સ્ના દેવધરની વાર્તા ‘ગંધ’ – બંનેમાં વિધવા માતા અને યુવાન પુત્રી વચ્ચે એક અણધાર્યો સંદર્ભ રચાઈ જાય છે. બંને વાર્તાઓની સૃષ્ટિના કેન્દ્રમાં પુત્રી છે અને એની નજરે માતાના જીવનમાં આવેલો પલટો સૂચવાયો છે, ‘તલાશ’ની સુમી અને ‘ગંધ’ની શાંતા બંને વીસેકની છે અને એમની માતાઓ બેવડી ઉંમરની, જેમના પતિના અવસાનને પણ લગભગ દાયકો થયો છે, ‘તલાશ’ પરથી ઊતરેલા હિન્દી ચલચિત્ર ‘ફિર ભી’માં સુમી અને એને ચાહનાર યુવક વચ્ચે સંબંધ રચાવાને બધાં જ વાજબી કારણો છે, પણ મૃત પિતાનું એક પ્રતિરૂપ સુમીના મનમાંથી ખસતું નથી અને એ પેલા યુવક સાથે લાગણીથી બંધાઈ શકતી નથી. ‘ફિર ભી’ તલાશનું વિસ્તૃત અને મુખર રૂપ છે. મૂળ વાર્તામાં જે સંકેત રૂપે હોય એ પણ ચલચિત્રમાં તો દ્રશ્યરૂપની નજીક જતાં પ્રગટ થઈ જાય, બોલકું થઈ જાય. ‘તલાશ’માં સુમી સાથે કોઈ યુવકનો ઉલ્લેખ પણ જરૂરી ન હતો. એની મદદ વિના જ એનો માનસિક ખાલીપો વ્યક્ત થયો છે, જ્યારે મરાઠી વાર્તા ‘ગંધ’ની શાંતા પરણેલી છે. પતિ માટે એને આદર છે, પણ કામ વિનાનો પ્રેમ અપૂરતો છે. ચાહવા છતાં એ પતિને ઉષ્માભર્યું શરીર આપી શકતી નથી. પતિ સ્વભાવે સરળ છે. શાંતા કહે છે : ‘મારા ઠંડા વર્તનથી – મારા વિચિત્ર લાગે તેવા વ્યવહારથી તે બિચારો મૂંઝવણમાં પડી જતો. તેના ચહેરા પર દીનતાનો ભાવ જોઈ મને ઘણીવાર તેની દયા આવતી. મારું શરીર મને પરાયું લાગતું. એક પ્રકારની અલિપ્તતાના ભાવે મનને જડવત્ બનાવી દીધું હતું.’ લેખિકાએ કારણ પણ આપ્યું છે, એના પિતાની પુસ્તકોની દુકાન ગુંડાઓએ બાળી નાખી હતી. બાપુજી દાઝી ગયા હતા. હૉસ્પિટલમાં મૃત્યુ પામેલા. હુલ્લડ અને કરફ્યુ. શબ પણ મેળવી શકાયું ન હતું. પિતા મૃત્યુ પામતાં પહેલાં પુત્રીના માથે સ્નેહભર્યો હાથ પણ ફેરવી શક્યા ન હતા. નહીં તો પેલી પુરુષ ગંધ એવી ઝેરી બની ગઈ ન હોત. દુકાન બાળનાર ગુંડાઓના શરીરની એ ગંધ હતી. લેખિકાએ આખી વાર્તા શાંતાના મુખે કહી હોઈ એના એ અનુભવના વર્ણનમાં પ્રતીતિ અને તીવ્રતા છે : ‘ગુંડાઓએ મને ઘેરી લીધી હતી, મને ચૂંથી પીંખી નાખી હતી. મારા ગાલ પર, મોં પર ગંદી વાસવાળા આ ગુંડાઓના ઓઠ અને ગરમ શ્વાસ ફરી વળ્યા હતા. મારાં સ્તનો મસળી નાખવામાં આવ્યાં હતાં. ધક્કા, ખેંચાખેંચી, અશ્લીલ ઇશારા, બીડીની, દારૂની, પસીનાની વાસ... વાસનાની દુર્ગંધ – મારા શરીરના પ્રત્યેક રન્ધ્રમાં પેસી ગઈ હતી. પૌરુષી ગંધની એ બળતરા હજુ પણ મને બાળતી – દઝાડતી હતી. પુરુષ પ્રત્યેની ઘૃણાના કાંટાળા કીડા મારી રગરગમાં હજુ ફરતા હતા.’ આ બળાત્કારના અસહ્ય અનુભવનું સ્મરણ શાંતા માટે ગ્રંથિ બની બેઠું. એનું સમગ્ર સ્ત્રીત્વ આ ગ્રંથિમાં વીંટળાઈ ગયું, કુંઠિત થઈ ગયું. પુરુષને પામવાની ઇચ્છા જ મરી પરવારી. જ્યારે ‘તલાશ’ની સુમીમાં હજી સહચરની ઊણપ જાગી જ નથી. ગુંડાઓનો ભોગ બનેલી શાંતા માટે પણ જેમ પિતાનું સ્મરણ શાતારૂપ છે તેમ પુરુષથી અસ્પૃષ્ટ રહેલી સુમીનો સહારો પણ એના મૃત પિતા જ છે. આટલું સમજતાં જ એ સ્પષ્ટ થઈ જશે કે બંને યુવતીઓ પિતૃગ્રંથિ અને પુરુષની પિતૃછબી ધારણ કરી રાખીને પોતાના ભાવીને રૂંધી રહી છે, બંને વિકૃત નહીં તોપણ અસહજ માનસના દાખલા બને છે. તેથી જ એમના જીવનમાં શક્ય બનવું જોઈતું હતું એ માતાના જીવનમાં થતું જોઈને એની ઝીણામાં ઝીણી નોંધ લે છે. ચાળીસેકની ઉંમરે પહોંચેલી મા દાયકાની એકલતા જીરવ્યા પછી પુરુષનો સંગ ઝંખી રહી છે, મેળવી રહી છે. એમની સામે આ યુવાન પુત્રીઓ બળવો તો શું અણગમો પણ દાખવતી નથી. આ વલણને ગ્રંથિ કહેવાય કે સહજ વર્તનનો અંશ એ નક્કી કરવાનું મનોવિજ્ઞાન ઉપર છોડીને વાર્તામાં નિરૂપાયેલા સંવેદનની જ વાત કરીએ તો, પુરુષસંગી બનેલી માતાઓનું વર્તન જોઈને શાંતા અને સુમી બંને અતૃપ્તિ અને તૃપ્તિની મિશ્ર લાગણી અનુભવે છે. માતાએ મૃત પિતા પ્રત્યેની વફાદારી ગુમાવ્યાના આઘાત કરતાં નવેસરથી ગોઠવાઈ રહેલા માતાના જીવનને જોવાનું કુતૂહલ બંને વાર્તાઓમાં વધુ ઊપસે છે. માતાના સ્મરણમાંથી પિતાને ખસેડી લઈને પોતાના ચિત્રમાં ગોઠવી લેવાની જાણે પ્રક્રિયા ચાલી રહી છે. કમલેશ્વર અને જ્યોત્સ્ના દેવધરે આ માનસિક પ્રક્રિયાને કેટલાંક પ્રતીકોથી સૂચવી છે : ‘તલાશ’ની મમ્મી છાજલી ખસેડવા માટે દીકરીની મદદ માગે છે. એની પાછળ થોડા કાગળ પડી ગયા હતા  : ‘આવ ને જરા... તો સુમી ઊઠીને ગઈ હતી. છાજલી ખસેડતાં કાગળોની એક મોટી થપ્પી ઢળી પડી અને પેલી છડી પણ, જે પપ્પાએ પર્વત પર ખરીદી હતી. એક વાર એમનો પગ મચકોડાઈ ગયેલો. પેલા ઢળી પડતા કાગળોમાંથી ધૂળની એક ડમરી ઊડી હતી. મમ્મી જેમ તેમ ખાંસવા લાગી હતી.’ પપ્પાની છડીને સુમી એના ઓરડામાં લઈ જાય છે. આ પહેલાં પણ એ પપ્પાની ડાયરી તો વાંચી ચૂકી છે. મમ્મીના ઓરડામાંથી એ ત્રણેયની ભેગી છબી પણ ખસેડી લાવી છે. ડાયરીમાંથી મમ્મીનો જન્મદિવસ જાણવા મળે છે. ત્યારથી ઊજવાયો નથી. ‘સાચે જ, મમ્મીને કેટલું સૂનું લાગતું હશે! આઠ વરસ પસાર થઈ ગયાં... પણ એવું લાગે છે કે પપ્પા જાણે હમણાં જ ઊઠીને ગયા ન હોય! એમના મરણની વાત હવે બહુ જૂની લાગે છે. એક વીતેલી વાત જેવી. લોકો અટકી જાય છે; પણ કેટલીક વાતો એવી છે, જે વીતી જાય છે... પપ્પાની વાતો તો જાણે વીતી ગઈ છે પણ એ પોતે હજી સુધી રોકાઈ રહ્યા છે. પણ હવે કંઈક એવું લાગે છે કે જાણે પપ્પા ડગમગી ઊઠ્યા હોય અને ઘરમાંથી ચૂપચાપ ચાલ્યા જવા માંગતા હોય. જાણે એમને એમની ભૂલ દેખાવા માંડી હોય. આમ ચૂપચાપ આઠ વરસ સુધી ખામોશ બેસી રહીને એમણે ઠીક ન કર્યું.’ મમ્મી માટે પણ યુવાન પુત્રી જ પતિનું પ્રમાણ બની રહે છે. બીજા પુરુષની સંગી બની રહેલી ચાળીસેકની સ્ત્રી બે દિવસ બહાર ફરી આવીને પેટીમાંથી કપડાં કાઢી રહી છે ત્યાં સાડી ભેગું એક ગરમ મોજું ડોકાતાં એ પેટી બંધ કરી દે છે. ‘ધોબી આવે પછી કાઢીશું’ કહીને મમ્મી પેટી પલંગ નીચે સરકાવી દે છે. આ ક્ષણે લેખક નોંધે છે કે એમની બંનેની વચ્ચે પાણીનો એક રેલો આવી ગયો હતો. એ માત્ર કિનારાઓની જેમ સમાન્તરે ઊભી રહી ગઈ હતી. એમને બંનેને સાંકળી રહેનાર મૃત વ્યક્તિની સ્મૃતિને લીધે આમ થયું કે અન્ય પુરુષની સૂચક હાજરીથી? લેખકે સ્મૃતિ અને સંકેતનો અહીં સંમિશ્ર ઉપયોગ કરતાં કહ્યું છે : ‘અરે ક્યારેક-ક્યારેક મમ્મી એને (સુમીને) જોઈને એવી ગભરાઈ જતી હતી કે જાણે પપ્પા આવી ગયા હોય અને મમ્મીને જોઈને એ એવી અકળાઈ ઊઠતી હતી કે જાણે પપ્પા ચાલ્યા ગયા હોય પણ પપ્પા તો નહોતા આવતા, કે નહોતા જતા... એ તો માત્ર રોકાઈ ગયેલા હતા.’ સુમી રસ્તો કાઢી લે છે. એ ટેલિફોન એક્સચેન્જમાં નોકરી કરે છે. એની હોસ્ટેલમાં જગા મળે એમ છે. મમ્મી ચિંતા કરે છે, વિરોધ નથી કરતી. પછી એમનું મળવાનું ઘટે છે. એક દિવસ સુમી પિતાની ડાયરીમાં મમ્મીને જીવનભર સુખ આપવાનો સંકલ્પ વાંચે છે : સુમીને કળ વળે છે. મમ્મી પ્રત્યે એણે જાણે પપ્પાની જ જવાબદારી અદા કરવાની હતી. મમ્મીના જન્મદિવસે એ નરગિસનાં ફૂલ લઈને વહેલી નીકળી પડે છે. સંકોચ સાથે. પણ મમ્મી બારણું ખોલે છે ત્યાં તો સુમી એ ફૂલ સાથે જ એને ભેટી પડે છે. પિતાની સ્મૃતિનો જાણે કે અહીં મોક્ષ થઈ જાય છે. પણ વાર્તા અહીં પૂરી થતી નથી. મા પૂછે છે : ‘સુમી, ત્યાં કશી અગવડ તો નથી ને?’ ‘ના મમ્મી... બસ ક્યારેક ક્યારેક બહુ સૂનું લાગી આવે છે.’ અહીં પણ કંઈક એવું જ છે. સુમી ફૂલ લાવી એ મમ્મીએ જોયાં ને કહ્યું કે તારા પપ્પા પણ આ જ ફૂલ લાવતા હતા. તે ક્ષણે જ સહૃદય વાચક પામી જશે કે વચ્ચેની ઘટના હવે પૂરેપૂરી વીતી ગઈ છે. ને મમ્મી મૂળ સંદર્ભમાં પાછી ગોઠવાઈ રહી છે. વાર્તાના અંતે નવા સંબંધની શક્યતા અદ્રશ્ય થઈ ગઈ છે અને એકલતા અનિવાર્ય. અંતને બાદ કરતાં ‘ગંધ’ વાર્તાનો મધ્યભાગ પણ આ જ રીતે માતા-પુત્રીના સભાન વર્તનરૂપે સાંકેતિક નિરૂપણ પામ્યો છે : શાંતા કહે છે : ‘મમ્મી મારે માટે તો સેવંતીનાં ફૂલોની વેણી લેતી આવી હતી. પર્સમાંથી વેણી કાઢવા જતાં એક નાનકડી વસ્તુ નીચે પડી. મમ્મીએ નીચા વળીને તરત ઉપાડી લીધી. મેં જોયું – એક ટાઇપિન હતી.’ આ પહેલાં મમ્મીની રાહ જોતી શાંતા વરંડામાં પગરવ સાંભળી પલંગ પર સૂતાં સૂતાં જ ડોક ઊંચી કરી જુએ છે. મમ્મી આવતી દેખાય છે, તેની બાજુમાં એક પડછાયો ચાલતો હતો. મમ્મી ઉતાવળાં પગલાં ભરવા લાગી હતી... પડછાયો અટકી ગયો હતો... અદ્રશ્ય થઈ ગયો હતો. ‘તલાશ’ની સુમી તો મમ્મીના ઓરડામાં જ સિગારેટનાં ઠૂંઠાં જુએ છે. ભાન વિના ઊંઘતી મમ્મીની જમણી બાજુનો તકિયો વચ્ચેથી થોડોક દબાયેલો હતો. આ બધાનો અર્થ એ સમજે છે, સ્વીકારવા મથે છે. બહાર જતી મમ્મીની શાલ ઉતારી દઈને એને કાર્ડિગન પહેરાવી દે છે. પુત્રી માતાને અભિસાર માટે જાણે કે સજાવે છે, પણ વાસ્તવમાં તો સંમતિ આપવાની આ એક રીત છે, એના સુખની આડે ન આવવાની સમજણ છે, જ્યારે ‘ગંધ’ની શાંતા માટે એ આખી પરિસ્થિતિ અકળાવનારી નીવડે છે. પિતાના મૃત્યુ પછી મમ્મીના કપાળમાં કંકુનો ચાંલ્લો જોતાં જ એના લાલ-સિંદૂરી રંગમાંથી એને જ્વાળા જાગતી દેખાય છે. છતાં એવું તો નથી જ કે એ મમ્મીના સુખની આડે આવવા માંગતી હોય. પોતે નિર્દોષ પતિને સુખી કરી શકે એમ નથી એવું લાગતાં એ માને ઘેર આવી ગઈ છે, પણ હવે માના જીવનમાં દેખાઈ રહેલા પલટા પછી એ જુદી રહેવા જશે. નોકરી કરી ગુજરાન ચલાવશે. માળિયામાં મૂકી રાખેલા પિતાજીના સામાનમાંથી થોડોક પોતાની સાથે લઈ જશે એ એનું આલંબન બનશે. મમ્મી ભલે નવો આધાર શોધે, દીકરી માટે થઈને એ પોતાનો ઇરાદો શા માટે બદલે? શાંતા કહે છે : ‘સાચું કહું છું મમ્મી... તું નવો સંસાર માંડે તેમાં કંઈ જ ખોટું નથી. દરેકને પોતાની રીતે સુખી થવાનો હક છે.’ આ સાંભળીને મમ્મીના મનનો બોજો દૂર થાય છે, પછી મા-દીકરી બે પલંગ પર સામસામે સૂઈ જાય છે. શાંતાને હજી ઊંઘ આવી નથી. વાર્તાનાં છેલ્લાં વાક્યો આ પ્રમાણે છે : ‘ઝાંખા નાઇટલેમ્પના પ્રકાશમાં મમ્મીના ચહેરા પર પ્રસન્નતાનો – સંતોષનો ભાવ દેખાતો હતો... હું પાસાં બદલતી જાગતી હતી. કેટલી સુંદર દેખાતી હતી મમ્મી અને હું સુકાયેલી, દુબળી, કાળી પડી ગયેલી. અનાથ... એકલી. મને રડવું આવ્યું. મેં ઓશીકા નીચે ડૂસકાં દબાવવાનો પ્રયત્ન કર્યો. ઓશીકું મોં પર દબાવ્યું... તેમાંથી પેલી પૌરુષી ગંધ આવતી હતી. મારાં આંસુની ખારી ગંધમાં પેલી ગંધ ભળી ગઈ...’ ‘તલાશ’માં પણ પુત્રી આ પ્રકારની ગંધનો અનુભવ કરે છે, પણ એનું રૂપ ભયાવહ નથી. એમાં તો માત્ર પુરુષના સંગનો નિર્દેશ છે; જે અસહ્ય નથી. ‘મમ્મી સાડી બદલીને આવી, તો એમના દેહમાંથી ગંધ ફૂટી રહી હતી... પણ એમના ખભે માથું મૂકતાં (સુમીને) સંકોચ થઈ રહ્યો હતો. ત્યાં એક ક્ષણ માટે એને એમ લાગ્યું કે એ ગંધ છેલ્લા ત્રણ દિવસથી આખા ઘરમાં સમાયેલી છે.’ સુમી અને શાંતા બંને પુરુષના પિતૃરૂપની વધુ પડતી અસરમાં રહે છે અને તેથી કંઈક અંશે પિડાય પણ છે. બંને એમની મમ્મીઓને નવા જીવન માટે અનુકૂળતા કરી આપવા વચ્ચેથી ખસી જવા મથે છે. પ્રયત્નપૂર્વક શુભેચ્છા પણ ધારણ કરે છે. પરંતુ સુમી પિતૃરૂપની અસરમાં હોવા છતાં પોતાના સ્ત્રીત્વને ખોઈ બેઠી નથી, જ્યારે શાંતા પુરુષની ક્રૂરતાનો ભોગ બન્યા પછી પુરુષના પિતૃરૂપના અભાવે પોતાના લગ્નજીવનમાં સ્થિર થઈ શકતી નથી. સુમી સ્ત્રી-પુરુષ સંબંધની સહજ શક્યતા નિર્દેશે છે, જ્યારે શાંતા અશક્યતા અને અસહ્યતા. આ કારણે પાત્ર, પરિસ્થિતિ અને પ્રસંગોનું ઠીક ઠીક સામ્ય હોવા છતાં બંને વાર્તાઓમાંથી નિષ્પન્ન થતું સંવેદન જુદું જ અનુભવાય છે. ‘તલાશ’માં આજના નગરજીવનમાં જીવતાં માતા-પુત્રીની એકલતા વધુ કલાત્મક રીતે નિરૂપાઈ છે અને વૈચારિક ઊંડાણ પણ કંઈક વધુ છે. સુખ માટેની મુગ્ધતાને સ્થાને એકલતાની સમજ છે. પરંતુ બંને વાર્તાઓમાં એના સર્જકોની અનુભૂતિ તીવ્રતાથી વ્યક્ત થઈ છે. જુદી જુદી ટેક્નિક પસંદ કરીને પણ બંનેએ જે આલેખ્યું છે, કહ્યું છે એમાં એમની તન્મયતા છે, કશું આરોપાયેલું નહીં પણ એકરૂપ થયેલું લાગે છે. જે જોવામાં અને આસ્વાદવામાં કઈ વાર્તા પહેલી લખાઈ અને કઈ એની અસરમાં આવી એવું સંશોધન હાથ ધરવાનું મન થતું નથી. સહૃદય માટે એ એટલું પ્રસ્તુત પણ નથી.

૨. બંગાળી લેખક સુબોધ ઘોષની વાર્તા ‘લાક્ષાગૃહ’ અને હિન્દી લેખક રામદરશ મિશ્રની વાર્તા ‘એક ભટકી હુઈ મુલાકાત’ પણ પરિસ્થિતિ અને વસ્તુની દૃષ્ટિએ સારું એવું સામ્ય ધરાવે છે. બંને વાર્તાઓમાં વર્ષો પહેલાં વિખૂટાં પડેલાં પતિ-પત્ની ફરી મળે છે. પણ એ મળવામાં જ તો મોટો ફેર છે. એક મિલન મૂંગું રહી જાય છે અને બીજું સંવાદી બની વિરમે છે. એ કારણે સંવેદનનાં બે ભિન્નરૂપ અનુભવાય છે. ‘લાક્ષાગૃહ’માં ત્રણ પાત્રો છે. એક સ્ત્રી અને બે પુરુષ. બીજો પુરુષ સ્ત્રીનો નવો પતિ તો છેક છેલ્લે આવે છે. ત્યાં સુધીની વાર્તા રાજપુર જંક્શનના ફર્સ્ટ ક્લાસના વેઇટિંગ રૂમમાં ગોઠવાઈ છે. આ સ્થળ વિશેષની સગવડ અને એની નાની મોટી વિગતોનો પૂરતો ઉપયોગ કરીને માધુરી રાય અને શતદલને પરસ્પર પ્રત્યક્ષ થવાની લેખકે ફરજ પાડી છે એટલે કે મળવાની અનિવાર્ય છતાં સ્વાભાવિક એવી તક ઊભી કરી છે. માધુરી અને શતદલ પાંચ વર્ષ પહેલાં પતિ-પત્ની હતાં. પ્રેમપૂર્વક પરણેલાં પણ પછી જીવનમાં ઉત્તરોત્તર શુષ્કતા આવી જતાં છૂટાં પડેલાં. સમજપૂર્વક છૂટાછેડા લીધા હોઈ કોઈને છેતરવાનો રંજ ન હતો, તેથી દુઃખી થયા વિના અનુકૂળતા ઊભી થતાં બંનેએ પુનર્લગ્ન કરી લીધેલાં. આજે માધુરી અન્યની પત્ની છે, શતદલ અન્યનો પતિ. જોકે વાર્તામાં તો એ બંને મુસાફર છે, પરંતુ પૂર્વજીવનનો ગાઢ પરિચય એમને બેચેન બનાવે છે. શતદલને થાય છે કે આ વેઇટિંગ રૂમમાંથી ખસી જાઉં. પણ કુલી મળતો નથી ને એ રોકાઈ જાય છે. બહાર વરસાદ ભણી એ જોઈ રહે છે. પાછો આવી ટેબલ નજીક ઊભો રહે છે. અહીંથી ચાલ્યા જવામાં એને હવે પોતાના મનની નબળાઈ લાગે છે. તેથી કુલી માટેની બૂમ સાંભળીને આવેલા વેઇટિંગ રૂમના બોયને એ ચા લઈ આવવા કહે છે. લેખક અહીં વીતેલી વાત કહી દે છે. ધીરે ધીરે શતદલ અને માધુરી વચ્ચેની તંગદિલી અને સભાનતા ઘટે છે. ‘થોડી વાર પહેલાં જ અદાલતના કઠેડેથી ભાગેલા બે અપરાધીઓને પકડી પાછા અદાલતમાં લાવ્યા હોય’ એવાં લાગતાં હતાં. એ હવે એકમેકને જુએ છે. શતદલ માધુરીની વેશભૂષામાં આવેલો ફેરફાર નોંધે છે અને માધુરી ખૂણાના આયનામાં શતદલનું પ્રતિબિંબ જુએ છે. પછી તો વાતચીતનો સંદર્ભ ઊભો થાય છે. રહી સહી અકળામણ દૂર થાય છે. જૂની આત્મીય ઓળખ લાગણીનું રૂપ ધારણ કરે છે. સ્વાભાવિક રીતે જ હવે બંને એકબીજાના વર્તમાન જીવન વિશે પૃચ્છા કરી, રસ લઈ, અંગત વાતો કરે છે. એકમેકની ચિંતા કરે છે. દૂરતાનું આવરણ દૂર થતાં ઊંડો સ્નેહ વરતાય છે. ‘હું તને ભૂલી શક્યો નથી – ભૂલી શકવાનો નથી.’ શતદલ તો કહી દે છે, પણ માધુરી કહેતાં ખચકાય છે. શતદલ પૂછ્યા કરે છે, ‘તું ખરેખર મને ભૂલી ગઈ છે?’ માધુરી જવાબ ટાળીને જવા જાય છે. કેમ કે બીજી ગાડીમાં એના પતિ આવી ગયા છે. એમની ગાડી ઊપડવાનો સમય થઈ ગયો છે. જતાં જતાં એ છત્રી ભૂલી ગયેલી તે લેવા આવી. એના પતિની હાજરીમાં બેવડાવી નહીં શકાયેલો પ્રશ્ન પૂછ્યા વિના શતદલથી રહી શકાતું નથી, પણ માધુરી કહે છે ‘જાઉં છું, મોડું થાય છે.’ ‘તો તારે મારા પ્રશ્નનો ઉત્તર નથી આપવો?’ ‘ઉત્તર આપવો ઠીક નથી.’ ‘કેમ?’ ‘તમારો પ્રશ્ન જ વિચિત્ર છે.’ એકરાર કરવા બાબતે પુરુષ અને સ્ત્રીના માનસના ભેદની મદદ લઈને લેખકે આ સંવાદ લખ્યો છે. જે અત્યાર સુધી સમજાઈ જવું જોઈતું હતું એ પૂછવાની જરૂર ખરી? પણ શતદલ ખોટું લગાડી બેસે છે. માધુરી વિચારમાં પડી મલકાય છે. પછી આમંત્રણ આપે છે, નવી પત્નીને લઈને એને ઘેર આવવા. શતદલ એ સ્વીકારી લેવાને બદલે પૂછે છે : ‘કેમ?’ ‘ફરવા... મજા કરવા. અમારો તમાશો જોવા અને તમારો બતાવવા. બીજું શું?’ માધુરી હસી પડી. શતદલ સમજીને ખોટું ખોટું હસ્યો. માધુરીની આંખોમાં પાણીનાં પારદર્શક પડળ જામતાં હતાં. પાલવ ખભે નાખી એ એકદમ ચાલી ગઈ. પછી તો શતદલની ગાડી પણ આવી અને બે ટ્રેનો એકબીજાથી વિરુદ્ધ દિશામાં ઊપડી. તંગદિલી, કુતૂહલ, સ્મૃતિ, લાગણી, આત્મીયતા અને છેવટના હાસ્યના નેપથ્યે આંસુ – એ ક્રમમાં વાર્તા આગળ વધીને છેવટે એક વસવસો સૂચવી જાય છે. છૂટાં પડ્યાનું એકેયને સુખ નથી. બંનેએ જીવનને નવેસરથી ગોઠવ્યું છે પણ માધુરી કહે છે તેમ એ તમાશાથી વિશેષ નથી. ‘એક ભટકી હુઈ મુલાકાત’ વાર્તા ગાડી ઊપડ્યા પછી શરૂ થાય છે. અંજના દોડતી આવીને બીજા વર્ગના ડબ્બામાં ચઢી જાય છે. પહેલાંથી એમાં એક સ્ત્રી અને દશેક વર્ષનો બાબો બેઠાં છે. હાથ-મોં ધોઈને તાજગી અનુભવતી અંજના પેલા બાબાને જોતાં જ જાતને કહી દે છે, ‘મારો મનોજ પણ દસ વર્ષનો થયો હશે.’ આ નિર્દેશ સાથે વાર્તા આગળ વધે છે. ડબ્બાની પરિસ્થિતિ અંજનાના મનોભાવોને વ્યક્ત કરવામાં ખપમાં લેવાઈ છે, અંજના ફરીથી પરણી નથી પણ એનો પતિ હતો એ પુરુષ સામે બેઠેલી સ્ત્રીને પરણ્યો છે. સાવકી માનું થોડુંક પરંપરાગત વર્તન લેખકે એ સ્ત્રીમાં મૂક્યું છે. પણ એને દુષ્ટ જેવી બતાવવાને બદલે બધું શક્યતાની મર્યાદામાં રહીને આલેખ્યું છે. પરંતુ હૃદયસ્પર્શી આલેખન તો થયું છે અંજનાના વ્યથિત માતૃત્વનું. આંખમાં કોલસાનો કચરો પડતાં બાબો બૂમ પાડી ઊઠે છે : ‘મા!’ અને અંજના બેઠી થઈ જાય છે. એને એમ કરવાનો હવે હક રહ્યો ન હતો. અરે અત્યારે તો ક્યાં ઓળખ પણ પાકી થઈ છે? અને છતાં ઊંડી ખાતરી છે. અંજનાને થાય છે કે મનોજની આંખો એની રગ રગમાં વહી રહી છે. અસ્તિત્વની આ ઓળખ અને એના અંગભૂત સ્નેહ સાથે પ્રાગટ્યનો – પ્રાપ્તિનો ભય પણ હોય છે. વાર્તાના ઉત્તરાર્ધમાં સુધાંશુ ડબ્બામાં પ્રવેશે છે. ત્યાં તો જાણે બધું જ અટકી જાય છે, માત્ર ગાડી ચાલે છે. ‘લાક્ષાગૃહ’માં વિખૂટાં પડેલા પતિ-પત્નીને વાત કરવાની સ્વાભાવિક ક્ષણ સુધી લઈ જવાયાં છે, અહીં તો નવી પત્ની સીમા અને બાબાની હાજરીમાં પરિસ્થિતિ જ એવી છે કે અંજના અને સુધાંશુને રૂંધે. શબ્દનું રૂપ ધારણ કરીને આંતરિક તંગદિલી હળવી થઈ શકે જ નહીં. ‘અંજના નવલકથા પર આંખો ઢાળી સુધાંશુની પરેશાનીનું અનુમાન કરી રહી હતી. એ એક અદ્ભુત સંકોચમાં ડૂબી રહી હતી. જાણે કે ભરી સડક પર નાગી થઈ ગઈ ન હોય! ઇચ્છતી હતી કે ઊઠીને અહીંથી પોતે જતી રહે પણ એક જાતની જડતાથી ડઘાઈ ગઈ હતી. કશું થઈ શકતું ન હતું. વળી, એ આમ ઊઠીને જતી રહે તો આ સ્ત્રી શું વિચારે અને ક્યાંક એના અંતર્મનને પુત્ર મનોજનું સાહચર્ય પણ જકડી રહ્યું હતું.’ સુધાંશુની દશા સીમાના ઉદ્ગારોમાં સૂચવાઈ છે. થોડી ક્ષણો પહેલાંનો ‘કહો સીમા ડાર્લિંગ’ કહીને પ્રવેશતો મસ્તરામ અંજનાને જોઈ હતપ્રભ થઈ ગયો છે. નાની મોટી વાતમાં કે મોંમાં ખાવાની વસ્તુ મૂકવામાં પણ એનું કશું ચાલતું નથી. એ સદંતર નિષ્ક્રિય થઈ ગયો છે. એની અંદરથી ઊભો થઈ રહેલો એક બીજો પુરુષ પણ પ્રગટ થઈ શકતો નથી. એટલું જ નહીં, અત્યારનો સુધાંશુ સહજ વિવેક પણ દાખવી શકતો નથી. શું એ અંજનાને ખાવાનું પણ પૂછી ન શકે? છૂટાછેડા લીધા છે એ ખરું પણ... અંજનાના પક્ષે પણ કંઈક તો તૂટવાનું હજી બાકી હતું. શું નથી? પત્ની સુધાંશુ અને અંજનાને એક ક્ષણે વ્યંગભરી નજરે જોઈ લે છે એમાં પણ એનું આ બંનેના પૂર્વજીવન વિશેનું અજ્ઞાન વાર્તામાં વધુ ઉપકારક નીવડ્યું છે. મનોજના હાથમાંથી કાચનો પ્યાલો પડીને ફૂટી જાય છે. સીમા એક લાફો મારી બેસે છે ત્યાં તો અંજનાની આંખો એક આંચકા સાથે એ બાજુ ફરે છે. એમાં રોષની જ્વાળા ઊગી આવે છે. સુધાંશુની આંખો સાથે એની ભીની બળતી આંખો ક્ષણભર ટકરાઈને પછી એની દિશામાં પાછી વળી જાય છે. સ્ટેશન આવતા અંજના ઊતરી જાય છે. ઉપર ‘મનોજ માટે’ એટલું લખીને એક પેકેટ મૂકતી જાય છે. સામાન્ય સંજોગોમાં જે હાથોહાથ આપવાનું હોય એ જાણે કે ભૂલી ગઈ હોય એ રીતે છોડતી જાય છે. હવે સુધાંશુ ખુલાસો કરી શકે છે. ‘અંજના હતી એ.’ બાળક મનોજ પિતા સામે તાકી રહે છે. પણ ત્યાં ઊપડતી ગાડીના ધક્કા અને અવાજમાં બધું ડૂબી જાય છે. વાર્તાને અંતે અંજનાની વ્યથાનો એક અંશ ડબ્બામાં પણ રહી જાય છે. જે બાકીનાં ત્રણે પાત્રોમાં વધતે-ઓછે અંશે વહેંચાય છે. વ્યથિત માતૃત્વને લેખકે અગ્રતા આપી હોવાથી અહીં લાગણીનું તત્ત્વ વધી ગયું છે. પણ પરિસ્થિતિની નાટ્યાત્મકતા તો બંને વાર્તાઓમાં છે. પણ ‘એક ભટકી હુઈ મુલાકાત’ એક પાત્રના સંવેદનને ચાર પાત્રોમાં પ્રગટાવીને પૂરી થાય છે. જ્યારે ‘લાક્ષાગૃહ’ સમગ્રપણે સ્ત્રી-પુરુષ સંબંધમાં પ્રેમ અને સુખનું અર્થઘટન કરે છે. બે વ્યક્તિ વચ્ચે તૂટતા અને સૂક્ષ્મ રૂપે રચાતા સંબંધો છેવટે તો વ્યાપક માનવસંબંધોના રહસ્યનો નિર્દેશ કરે છે. વાર્તા પૂરી થતાં જ ‘લાક્ષાગૃહ’નાં બંને પાત્રો મુક્ત થઈ જાય છે. જાણે કે બચી જાય છે. જ્યારે ‘એક ભટકી હુઈ મુલાકાત’ને અંતે બીજાં પાત્રો અંજનાની ભાવસૃષ્ટિમાં સંડોવાય છે. અહીં મુક્તિ નથી, વ્યથા છે. એકમાં સમજની વ્યાપકતા છે. બીજીમાં વેદનાની તીવ્રતા. બે વસ્તુ પર રચાયેલી આ ચારેય નવલિકાઓ વિચ્છેદ અને સંબંધનો અનુભવ વર્ણવે છે. પહેલી બેમાં મૃત્યુએ ઊભા કરેલા વિચ્છેદની પૂર્તિ માટે મથતા માનસ અને એની સાક્ષી બનતા એક બીજા માનસનો સંદર્ભ છે. જ્યારે બીજી બે વાર્તાઓમાં માણસનું પોતાનું કર્તવ્ય જવાબદાર હોવા છતાં નિર્મલ સંવેદનની કક્ષાએ પહોંચી નિર્દોષ સિદ્ધ થાય છે. ચારેયમાં એક કે બીજા સ્વરૂપે ગુમાવ્યાની વાત છે. ક્ષતિ અને એની પૂર્તિની મથામણ છે. સાથે સાથે માણસના હાથ બહાર રહી જતી નિયતિનો પણ સંકેત છે. આથી પણ મોટું સામ્ય જો એમની વચ્ચે હોય તો એ છે એમનું વાર્તાતત્ત્વ. આટલી ચર્ચા પછી નિર્દોષમાં નિર્દોષ વિધાન કરવું હોય તો કહી શકાય કે આ ચારેય ‘વાર્તાઓ’ છે. બે વિભાગ પાડીને ચાર વાર્તાઓની ચર્ચા કરવા પાછળ એમની સ્વાયત્ત અને સ્વયંપર્યાપ્ત સૃષ્ટિની ઉપેક્ષા કરવાનો આશય ન હતો. અંતે અસરો સાબિત કરવાની ગડમથલમાં પડવાને બદલે પરસ્પર સંદર્ભ આપીને બે કૃતિઓને સાથે માણવાની શક્યતા આપને પણ દેખાઈ હોય તો મારો આ પ્રયાસ અને અહીં સુધી આવવાનો પ્રવાસ સફળ લેખાશે.

૧૯૭૪