મર્મર/અલબેલી
અલબેલી
એક અલકમલકની અલબેલી
શી મ્હાલે છે મન મેલી!
પાલવ લ્હેરાય એના પ્રીતના પાનેતરનો
જાતને એ ઝાંઝરમાં ખોતી,
અંગોના ભંગ એના ભાંગીને આગળા
અંતરના લિયે મને ગોતી.
વરસે છે હેતની હેલી. –એક૦
ઝંખનાને ઝરૂખેથી ઝૂકી ઝૂકી જોતી મને
આંખોમાં આંખડી પ્રોતી,
દિલના દરિયેથી એના કલ્પના કિનારે મારા
મનડાના મૂકી જતી મોતી.
છેડતી મને શું છકેલી! –એક૦