મંગલમ્/બહેન-આશ
બહેન-આશ
(રાગ : અમૃત ભરેલું અંતર)
વીરા, તારી બેનડી આજે તારા હાથે રાખડી બાંધે.
વીરા, તારી રાખડી કેરા, તાર કાંતેલા હાથે
સત સરીખા ઊજળા માની બાંધવા મારે ભ્રાત…
ગરવા ગાંધીના ચરખે કાંત્યું, ઊજળું સૂતર આજ
ખૂબ ઝીણેલું શુદ્ધ ખાદીનું રાખડી બંધન કાજ…
નેહ નીતરતી રાખડી વીરા, બાંધવી તારે હાથ
અમી આંજણ આંજતી માડી, ભાઈ ભગિનીને સાથ…
સાબર તીરે ગામડું વીરા, વહાલ ભરેલી બહેન
કાગળે મૂકી રાખવી વીરા, બાંધજે રાખી પ્રીત
રોટલો વીરા હક્કનો ખાજે, રીઝવીને જગતાત
બેનડી તને રાખડી બાંધે, એટલી હૈયે આશ…