મંગલમ્/કોયલ બ્હેની!
વાગે વધાઈ વસન્તની રે,
ફૂલડે ઊડે એની ફોર રે, કોયલ બ્હેની!
એક ‘કુહૂ’ કર આજનું રે.
મ્હોરી લતા કંઈ માંડવે રે,
મીઠો આંબલિયાનો મ્હોર રે, કોયલ બ્હેની! એક૦
વન-વન વેણ વિહંગનાં રે,
ઘર-ઘર ગાજતાં ગાન રે, કોયલ બ્હેની! એક૦
સૂનાં લાગે સહુ એ, સખી રે,
પંચમ વિણ નહિ પ્રાણ રે, કોયલ બ્હેની! એક૦
આજ કળી ઊઘડી રહે રે,
ઊઘડે અબોલણ ઉર રે, કોયલ બ્હેની! એક૦
અંતર એમ ઉઘાડજે રે,
સંતાડ્યા છેડ જે સૂર રે, કોયલ બ્હેની! એક૦
આજ રહે ક્યમ રૂસણાં રે?
આજ થવાં શાં ઉદાસ રે? કોયલ બ્હેની! એક૦
ઊભી સખી આવી આંગણે રે,
પ્રેમનો કરજે પ્રકાશ રે, કોયલ બ્હેની! એક૦
કાલ્ય વસંત વહી જશે રે,
આભમાં ઊડશે આગ રે, કોયલ બ્હેની! એક૦
આવશે મેઘ અષાઢનો રે,
વીજળી પામશે વાજ રે, કોયલ બ્હેની! એક૦
દાદુરનાદ ડરાવશે રે
ઝીલ્લી તણાં ઝણકાર રે, કોયલ બ્હેની! એક૦
માન ત્યારે મન રાખજે રે,
અવર તણે અધિકાર રે, કોયલ બ્હેની! એક૦
આજ રાણી તું તો રાગની રે,
સૌરભનો શણગાર રે, કોયલ બ્હેની! એક૦
વેદ ઋચા તું વસન્તની રે,
ધીમી સુધા કેરી ધાર રે, કોયલ બ્હેની! એક૦
— દા. ખુ. બોટાદકર