ભજનરસ/નાટક નવરંગી

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


નાટક નવરંગી

જી રે ભાઈ, નાટક નવરંગી
નાટક છે નારાયણનું રે.

એમાં વાસો વસે એને ઓળખ રે
હું રે ભાઈ, આતમા છે અખંડ રે,
નાદે ને બુંદે નાટક નીપજ્યું રે
હું રે ભાઈ, પાંડવે બાંધ્યો પંડ રે–

બીજે ને બીજે બન્યાં બહુ ભાતનાં રે
હું રે ભાઈ, વ્યાપક ચારે વાણ રે,
પંડે ને બ્રહ્માંડે દીસે પ્રાગડો રે
હાં રે ભાઈ, સચરાચર ચારે ખાણ રે-

ત્રિવિધ માયા ત્રિગુણ આતમા રે
હાં રે ભાઈ, સોહે ચારે તન રે,
પંચમને કળા પૂર્ણ પ્રગટી રે
હું રે ભાઈ, સૌના સાક્ષી મન રે-

સ્વપ્ન ધ્યાને સમું સાંપડ્યું રે
હું રે ભાઈ, આઠે બન્યાં તે અંગ રે,
નવે ને તત્ત્વમાં સૌ નીપજ્યું રે
હું રે ભાઈ, લઘુ દીર્ઘ તે અંગ રે-

દશે ને ઇન્દ્રિય દર્શના દેવતા રે
હું રે ભાઈ, એકાદશ અદ્વૈત રે,
બારેમાં બાંધ્યાં બંધન બાવને રે
હું રે ભાઈ, તે ત્રિગુણાતીતરે-

ચૌદ કળાએ ચેતન સાંપડ્યું રે
ધં રે ભાઈ, પૂરણ જ્યોત પ્રકાશ રે,
પંડે તે ચડ્યો તે દશા દેહની રે
હું રે ભાઈ, મહાજન કહે મૂળદાસ રે.

ભારતીય પરંપરા અનુસાર સૃષ્ટિ-૨ચના, તેનો વિકાસ ને વિવિધ વ્યાપાર તથા તેની પાછળ રહેલા એક જ પરમ તત્ત્વની આ ભજનમાં ઝાંખી થાય છે. જી રે ભાઈ નાટક... નારાયણનું રે. આ સમસ્ત જગત એક નાટક છે, 'વિશ્વ ભાગ્યોદય કંપની'ના માલિક, નાટ્યકાર, દિગ્દર્શક અને નટ એક માત્ર નારાયણ છે. આ નાટક છે ‘નવરંગી’, નિત્ય નવા નવા રંગ જમાવે છે આ મહાનાટક મંડળી. ગઈ કાલના દૃશ્યનું આજે પુનરાવર્તન કરવાની તેને પડી નથી; રોજ નવા રંગ, રોજ નવી રોશની, રોજ નવા ખેલ ને તમાશા. એમાં વાસો... પંડ રે. આ નાટકના રંગ-ઢંગ જોઈ ભરમાશો નહીં. તેમાં જે નિત્ય વસી રહ્યો છે તેને ઓળખી લેજો. ક્યાંક રમણીયતા જોઈ મોહી પડો અને ભયંકરતા જોઈ ભાગી જાઓ એવું કરતાં પહેલાં વિચારી જોજો. જન્મનો પડદો ઊપડે કે મૃત્યુનો પડદો પડે તે જ કાંઈ નાટકની શરૂઆત કે અંત નથી. આ પરિવર્તનોના પડદા પાછળ એક, અખંડ ને અવિનાશી નટ રહ્યો છે. આ નાટકનો ઉઘાડ થાય છે ‘નાદે ને બુંદે.' ધ્વનિ અને પ્રકાશનાં આંદોલનો તેમ જ આવર્તનો આ સૃષ્ટિની ઉત્પતિ પાછળ રહ્યાં છે. શબ્દસૃષ્ટિ અને વસ્તુસૃષ્ટિનું મૂળ એક જ છે. બ્રહ્મા ચાર મુખે વેદગાન કરે છે અને કમંડલના અમૃતજળથી સૃષ્ટિ સરજે છે એ ચિત્ર આ સત્યને સાકાર કરે છે. ‘પાંડવે બાંધ્યો પંડ’—પંચ મહાભૂતની સ્થૂળ ભૂમિકા આવતાં પ્રાણીઓનો પિંડ બંધાય છે. મહાભારતના ‘પાંચ પાંડવ' સાથે કૃષ્ણ મળે કે ‘રામાયલ'ની પંચવટીમાં આવી રામ નિવાસ કરે ત્યારે નારાયણનો ખેલ જામે છે ને જંગ મંડાય છે. પરમ તત્ત્વને સ્થૂળ ભૂમિકા પર દર્શાવી આપતાં આ પ્રતીકે છે. બીજે ને બીજે... ચારે ખાણ રે મૂળ નાદ અને બિંદુમાંથી અનેક પ્રકારની વાણી અને જીવસૃષ્ટિ ઉત્પન્ન થઈ. અનંત વિશ્વોમાં તે વ્યાપક બની. આ જગતની વાણીના ચાર પ્રકાર : પરા, પશ્યન્તી, મધ્યમા અને વૈખરી. પ્રાણીના ચાર પ્રકાર : અંડજ, સ્વેદજ, ઉદ્ભીજ, અને જરાયુજ. પિંડમાં અને બ્રહ્માંડમાં આ પ્રાગડો, વડલો જોવા મળે છે. તેનાથી સચરાચર સૃષ્ટિ સભર બની ગયેલી દેખાય છે. ત્રિવિધ માયા... સાક્ષી મન રે સત્ત્વ, રજ અને તમ એ ત્રણ ગુણ ધરાવતી માયા વડે નિર્ગુણ આત્મા પણ સગુણ ભાસે છે. ‘ચાર તન’ ~~ ચાર પ્રકારનાં શરીર દ્વારા એનો પ્રકાશ ફેલાય છે. ચાર શરીર છે : વ્યક્તિગત સ્થૂળ, સૂક્ષ્મ, કારણ અને મહાકા૨ણ એટલે કે મૂળ સમષ્ટિગત પ્રકૃતિ. આ ચાર છે ત્યાં સુધી આત્મા પોતાના શુદ્ધ સ્વરૂપને પામતો નથી. પંચમને કળા પૂર્ણ પ્રગટી પાંચ જ્ઞાનેન્દ્રિયોનો વિકાસ થતાં દેહાત્માની શક્તિઓ પૂર્ણ પણે ખીલી ઊઠે છે. પરંતુ એમાં આ બધાં વૃદ્ધિ-લાસને સાક્ષીભાવે નિહાળતો જ્ઞાનાત્મા રહ્યો છે. એ શુદ્ધ મનસ કે શુદ્ધ જ્ઞાન-સ્વરૂપ ચૈતન્ય છે. નાટકમાં હોવા છતાં તે નાટકમાં ભળી જતો નથી. સ્વપ્ન ધ્યાને... અંગ રે આ બધો વ્યક્ત જગતનો વહેવાર સ્વપ્નસમો છે. એના તરફ ધ્યાન જાય છે ત્યાં સુધી જ તે સત્ય છે. એમાંથી મન લઈ લીધું કે બધો જ ઘટાટોપ અલોપ. આ વ્યક્તના મૂળમાં અષ્ટધા અપરા પ્રકૃતિ અને નવમી પરા પ્રકૃતિ રહેલી છે. આઠ આ સ્થૂળ સૃષ્ટિનાં અંગ છે તો નવમું તત્ત્વ તેને પ્રાણ આપનાર ચૈતન્ય છે. પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ, આકાશ તથા મન, બુદ્ધિ, અહંકાર એ આઠ પ્રાકૃતિક અંશો સાથે નવમા જીવાત્માનો સંયોગ થાય છે ત્યારે સૃષ્ટિનો કારભાર ચાલે છે. આમ લધુ-દીર્ઘ, નાનાં-મોટાં અંગો ધરાવતાં પ્રાણીઓના ભેદ-વિભેદ માટે જીવની વાસના અને તેની પૂર્તિ માટે ઊભાં થયેલાં જુદાં જુદાં કલેવર છે. દર્શને ઇન્દ્રિય... ત્રિગુણાતીત રે પાંચ કર્મેન્દ્રિય અને પાંચ જ્ઞાનેન્દ્રિય જે કર્મ કરે છે તે એની પાછળ રહેલા અભિમાની દેવતા એટલે કે ચેતન-અંશને કારણે છે. આ દર્શેન્દ્રિયથી ૫૨ જે અગિયારમું તત્ત્વ છે તે ઇન્દ્રિયોની મર્યાદાથી પર અખંડ ચૈતન્ય છે. ‘બાર' અને ‘બાવન' એ આંકડા જીવાત્માના અને જગતના પ્રદેશ માટે વપરાય છે. બાર રાશિઓનું ચક્ર જીવની જન્મભૂમિ બને છે અને ‘બાવન' મૂળાક્ષર દ્વારા વ્યક્ત થતો આ સંસાર તેની કર્મભૂમિ બને છે. પણ આ ગુણો અને કર્મોની ભૂમિમાં એક સ્વતંત્ર તત્ત્વ પણ મનુષ્યના પિંડમાં જ રહ્યું છે. ક્ષુદ્ર પિંડમાં રહેલો એ ત્રિગુણાતીત પરમાત્મા છે. બાર અને બાવનનાં સઘળાં બંધનો તોડી નાખવા તે સમર્થ છે. ચૌદે કળાએ... મૂળદાસ રે ચૌદ ભુવન, ચૌદ રત્નો, ચૌદ વિદ્યા એ પરમાત્માની અભિવ્યક્તિ માટે વિવિધ ભૂમિકા ને વિવિધ ઉઘાડ દર્શાવે છે. એમાં ચૌદ કળા પૂર્ણત્વના આવિર્ભાવ માટે બાકી રહેલો એક અંશ દર્શાવે છે. પૂર્ણ જ્યોતિના પ્રકાશ આડે ત્યાં બહુ જ બારીક આવરણ રહી ગયું હોય છે. સાધનાના ક્ષેત્રમાં આઠમી અને ચૌદમી કળાનું ઘણું મહત્ત્વ છે. એમ કહેવામાં આવે છે કે દરેક સાધના-માર્ગમાં એક કીલક' અથવા ખીલો ખોડેલો હોય છે અથવા એ સાધના કોઈ ઋષિ દ્વારા શાપિત હોય છે. આ કીકના ઉત્કીલન વિના સાધના સફળ થતી નથી. મંત્ર કે સ્તોત્રની બાબતમાં વદ પક્ષની આઠમી કે ચૌદમી તિથિએ પાઠ કરવામાં આવે તો કીલકનું ઉત્કીલન થાય, શાપનું મોચન થાય એવી માન્યતા છે. આ જરા સમજવા જેવું છે. સાધનાના બે મુખ્ય માર્ગ છે: એકમાં સાધક પોતાને શૂન્ય કરવા ત૨ફ ભાર મૂકે છે, બીજામાં તે પોતે પૂર્ણ થવા મથે છે. આ લય અને ઉદયની દિશા છે. ગતિ છે. દેહભાવનો લય અને આત્મભાવનો ઉદય એ એકસરખું ધ્યેય બંનેમાં રહ્યું છે. હવે આઠનો આંકડો એવો છે કે જ્યાં જીવભાવનો અરધો-અરધ ક્ષય અને આત્મભાવનો ઉદય થયો હોય છે. ત્યાંથી મનુષ્ય માટે ઊર્માંકર્ષણ શરૂ થાય છે. તે સાધનાના મધ્ય-પ્રવાહમાં પ્રવેશે છે. ચૈતન્ય તરફની ગતિ અહીંથી સ્પષ્ટ બને અને વાસના તૃષ્ણાનું ગુરુત્વાકર્ષણ ઘટે એવી પ્રતીતિ એ જ કીલકનું ઉત્કીલન કે શાપનું નિવારણ. ચૌદમી કળામાં એકાદ અંશ જ શેષ રહે છે. હવે નીચે જવાનો તો પ્રશ્ન જ રહેતો નથી. ‘ચૌદે કળાએ ચેતન સાંપડ્યું' એ આવી પ્રાપ્તિનું આંગણું છે. અને ત્યાર પછી તો પૂર્ણ જ્યોતિમાં પ્રવેશ. જ્યોત મેં જ્યોત મિલાઈ'નો ઉત્સવ. મનુષ્ય-પિંડમાં આવીને જીવની જે દશા થઈ છે ને તેણે જે દિશા પકડી છે તેનું વર્ણન મૂળદાસે આ ભજનમાં કર્યું છે. શૂન્ય થઈને પૂર્ણ થવાની કળા આ ભજન શીખવી જાય છે.