બાળ કાવ્ય સંપદા/ભૌ-ભૌ વિશે

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
ભૌ-ભૌ વિશે

લેખક : ઉદયન ઠક્કર
(1955)

મૂછ ઊગેલા ડામર જેવું લાગે છે,
આ કૂતરું તો ઉંદર જેવું લાગે છે.

પેટ જુઓ તો ડાબે-જમણે લબડે છે,
ફૂસ થયેલા ટાયર જેવું લાગે છે.

મોઢું એનું સાવ બગાસા જેવું છે,
ચોળાયેલી ચાદર જેવું લાગે છે.

કૂતરાજીએ કોટ ઊલટો પહેર્યો છે,
કપડું ક્યાં છે ? અસ્તર જેવું લાગે છે.

બધાં કૂતરાં ખૂબ શોખથી સૂંઘે છે,
પૂંછડી પાસે અત્તર જેવું લાગે છે.

તમે કહો છો રોડનો ચોકીદાર છે, પણ
આમ જુઓ તો જોકર જેવું લાગે છે.