બાળ કાવ્ય સંપદા/ભારત નિશાન

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
ભારત નિશાન

લેખક : ત્રિભુવન વ્યાસ
(1888-1975)

નહિ નમશે નહિ નમશે નિશાન
ભૂમિ ભારતનું.
ભારતની એ ધર્મધ્વજાનું
સાચવશું સન્માન – ભૂમિ૦
ઐક્યતણો એ અમરપટો છે
મુક્તિનું વરદાન – ભૂમિ૦
ભારત માના મંદિર પર એ,
શાંતિનું એંધાણ – ભૂમિ૦
ચક્ર સુદર્શન અંકિત એ તો
હિન્દી જનના પ્રાણ – ભૂમિ૦
સફેદ લીલું લાલ ત્રિરંગી
વિરોધનું સંધાણ – ભૂમિ૦
સફેદમાં સહુ ધર્મે ધાર્યું
ઈશ્વરનું ફરમાન – ભૂમિ૦
લીલામાં ઇસ્લામી ધર્મે
રાખ્યું પાક કુરાન – ભૂમિ૦
લાલ સનાતન આર્ય પ્રજાનું
મંગળ મૂર્તિમાન – ભૂમિ૦
અચળ અમારે આંગણ એ તો
સ્વરાજ્યનું મંડાણ – ભૂમિ૦
સાચા હિન્દી શૂરાઓનું
એ છે વિજયસુકાન – ભૂમિ૦
નિર્ભયતાની નોબત છે એ
પ્રેમ તણું શુભગાન – ભૂમિ૦
જગ ઉદ્ધારક ઝળકે એમાં
ગાંધીજીનું જ્ઞાન – ભૂમિ૦
એની ટેક નિભાવા કાજે
તન મન ધન કુરબાન – ભૂમિ૦