બાળ કાવ્ય સંપદા/પતંગિયાની પાંખ મળે તો-
પતંગિયાની પાંખ મળે તો –
લેખક : હેમેન શાહ
(1957)
પતંગિયાની પાંખ મળે તો ફૂલો સાથે ગુસપુસ કરવા,
છોડી દઈને લેસન-બેસન, ચાલી નીકળું હરવાફરવા.
ખિસકોલીની આંખો માંહે ઝૂલે અચંબો - હીંચકા ખાશું;
પારેવાં એની ચર્ચામાં બોલાવે તો ત્યાં પણ જાશું.
રખે કહે કંઈ ફૂટતી કળીઓ કાન બધા રાખીશું સરવા...
હરણ મળે તો પૂછશું, ભઈલા એવી તે શી છે ઉતાવળ ?
આંબાડાળે મોટેથી મોટેથી આ કોયલ કોનો વાંચે કાગળ ?
એવો તો હળવો થાઉં કે સુગંધ આવ્યે માંડું તરવા....